નવેમ્બર 2025ના મધ્યમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને હટાવવા માટે સૈન્ય કાર્યવાહીના વિકલ્પો પર વિચાર કર્યો છે. સીએનએનના અહેવાલ મુજબ ટ્રમ્પને તેમના અધિકારીઓએ વેનેઝુએલામાં સૈન્ય હસ્તક્ષેપના વિકલ્પોની બ્રીફિંગ આપી છે. અમેરિકી સૈન્યએ `ઓપરેશન સધર્ન સ્પીયર' હેઠળ કેરેબિયન વિસ્તારમાં 15,000થી વધુ સૈનિકો, એક એરક્રાફ્ટ કેરિયર, ડેસ્ટ્રોયર્સ અને અટેક સબમરીન સહિતનાં યુદ્ધજહાજો તૈનાત કર્યાં છે. આ કાર્યવાહી વેનેઝુએલામાં રાજકીય અસ્થિરતા અને માદુરોની સત્તાને પડકારવા માટે છે, જેમને અમેરિકા લાંબા સમયથી અલોકતાંત્રિક ગણે છે. આ પગલું ટ્રમ્પના પ્રથમ કાર્યકાળની યાદ અપાવે છે, જ્યારે તેમણે માદુરો વિરુદ્ધ આર્થિક પ્રતિબંધો અને વિપક્ષી નેતા જુઆન ગુઆઇડોને સમર્થન આપ્યું હતું. હવે ટ્રમ્પના બીજા કાર્યકાળમાં આ વધુ આક્રમક વલણ દેખાય છે. વેનેઝુએલાના વિપક્ષીઓએ આનું સ્વાગત કર્યું છે, પરંતુ લેટિન અમેરિકન દેશો જેવા કે બ્રાઝિલ અને કોલંબિયાએ અમેરિકી હસ્તક્ષેપની ટીકા કરી છે, કારણ કે તે વિસ્તારીય સ્થિરતાને જોખમમાં મૂકી શકે છે. રશિયા અને ચીને માદુરોને સમર્થન આપ્યું છે, જેનાથી આ મુદ્દો વૈશ્વિક મહાસત્તાઓ વચ્ચેના તણાવને વધારે છે.

ઈંગ્લેન્ડમાં ગેરકાયદે માઇગ્રેશન અટકાવવા રાજ્યાશ્રય ઉપર નિયંત્રણ

યુકેમાં ગેરકાયદે માઇગ્રેશન પર લગામ કસવા હોમ સેક્રેટરી શબાના માહમૂદે સોમવારે અસાયલમ સિસ્ટમમાં મોટા બદલાવોની જાહેરાત કરી હતી. તેમણે આ બદલાવોને આધુનિક સમયમાં ગેરકાયદેસર માઇગ્રેશન અટકાવવા માટેના સૌથી મોટા સુધારા તરીકે ગણાવ્યા હતા. સ્ટાર્મર સરકાર દ્વારા રજૂ કરાયેલા સુધારા ડેન્માર્કની સેન્ટર લેફ્ટ સરકારના મોડેલ પર આધારિત હોવાનું મનાય છે. મહત્ત્વના સુધારા અંતર્ગત રેફ્યૂજી સ્ટેટસને હંગામી બનાવી દેવાયું છે, અપીલની પ્રોસેસ પણ આકરી બનાવવામાં આવી છે અને દેશનિકાલ કરનારા વિદેશીઓને ન સ્વીકારનારા દેશો પર વિઝા પ્રતિબંધ લાદવાની પણ જોગવાઇ છે. શબાના માહમૂદ દ્વારા રજૂ કરાયેલા 32 પાનાંના નવા પોલિસી પેપરમાં ધરમૂળથી બદલાવની રૂપરેખા રજૂ કરાઇ છે. સરકારનો દાવો છે કે અસાયલમ સિસ્ટમમાં ધરમૂળથી બદલાવો છતાં યુકે દ્વારા રેફ્યૂજી માટેના આંતરરાષ્ટ્રીય નિયમોનું કોઇ પ્રકારનું ઉલ્લંઘન થતું નથી.

ચીન પાકિસ્તાનને સબમરીન આપતું હોવાના ગુપ્ત અહેવાલોનો ઘટસ્ફોટ

ચીન પાકિસ્તાનને સબમરીન આપી રહ્યું હોવાના અહેવાલો બહાર આવ્યા છે. ભારતીય નૌ સેનાના ડેપ્યૂટી ચીફ વાઇસ એડમિરલ સંજય વાત્સ્યાયને આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, નૌકાદળ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. દેશની સમુદ્રિ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પગલાં લેવામાં આવશે. નોંધનીય છે કે, નવી દિલ્હીમાં નવીનતા અને સ્વદેશીકરણ પર સ્વાવલંબન 2025 કાર્યક્રમનું આયોજન થયું હતું. આ પહેલાં પત્રકારો સાથે વાત કરતાં સંજય વાત્સ્યાયને કહ્યું કે, ચીને પોતાના ત્રીજા વિમાનવાહક જહાજ, ફુજિયનને કાર્યરત કરી દીધું છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક લોન્ચ સિસ્ટમથી સજ્જ, આ યુદ્ધ જહાજને ચીનનું અદ્યતન જહાજ છે. આ જહાજને આ મહિનાની શરૂઆતમાં ચીનના પ્રમુખ શી જિનપિંગ દ્વારા હાજરી આપેલા એક ગુપ્ત સમારોહ દરમિયાન સેવામાં સામેલ કરવામાં આવ્યું હતું. નૌકાદળના વાઇસ ચીફને ચીન દ્વારા પાકિસ્તાનને સબમરીન અને અન્ય લશ્કરી સાધનો સપ્લાય કરવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જવાબ આપ્યો, `તે સાચું છે અને અમે તેનાથી વાકેફ છીએ. અમે જાણીએ છીએ કે તેઓ પાકિસ્તાનને સબમરીન સપ્લાય કરી રહ્યા છે. તેની તૈનાતી પણ ખૂબ જલદી શરૂ થશે. અમે દરેક સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ.'

સુએઝનો અખાત હજી દર વર્ષે 0.5 મિલિમીટર પહોળો થઇ રહ્યો છે

અત્યાર સુધી આફ્રિકા અને એશિયા ખંડને અલગ પાડતો સુએઝનો અખાત 50 લાખ વર્ષ પહેલાં જ વિસ્તરવાનો બંધ થઇ ગયો હોવાનું માનવામાં આવતું હતું, પણ હવે ચીનમાં થયેલા સંશોધન અનુસાર સુએઝનો અખાત હજી દર વર્ષે 0.5 મિલિમીટર પહોળો થઇ રહ્યો છે. સુએઝનો અખાત લાલ સમુદ્રનો ઉત્તરી હિસ્સો છે જે મિસરમાં આવેલો છે. સુએઝની નહેર પણ તેની સાથે જોડાયેલી છે. લગભગ 2.8 કરોડ વર્ષ અગાઉ અરેબિયન પ્લેટ આફ્રિકન પ્લેટથી અલગ થવા માંડી હતી. જેને કારણે પૃથ્વીની સપાટી ફાટતાં અખાત સર્જાયો હતો. આ રીતે અલગ થવાની પ્રક્રિયાને રિફ્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ રિફ્ટમાંથી મહાસાગર બને છે. લાલ સમુદ્ર પણ હવે પહોળો થઇ મહાસાગર બની રહ્યો છે. સુએઝના અખાત બાબતે એવી સમજ પ્રવર્તતી હતી કે 50 લાખ વર્ષ અગાઉ આ રિફ્ટ અટકી ગઇ હતી, તેથી તે મહાસાગર બનવાને બદલે અખાત બનીને રહી ગઇ હતી. આ સ્થિતિને ફેલ્ડ રિફ્ટ કહેવામાં આવે છે.એક સંશોધન અનુસાર આ રિફ્ટ કદી સંપૂર્ણપણે અટકી નહોતી. તેની ગતિ અતિશય ધીમી થઇ ગઇ હતી. આજે પણ 0.5 મિલિમીટરના દરે તે પહોળી થઇ રહી છે. ચાઇનીઝ એકેડેમી ઓફ સાયન્સીસના એક સંશોધક ડેવિડ ફર્નાન્ડિઝ બ્લેન્કોએ જણાવ્યું હતું કે અમારું સંશોધન દર્શાવે છે કે રિફ્ટ એટલે કે મહાસાગર બનવાની પ્રક્રિયા બને કે ન બને, એ વિકલ્પ ઉપરાંત ધીમી ગતિએ તે સર્જાઇ રહ્યો હોવાનો વિકલ્પ પણ છે. 50 લાખ વર્ષ અગાઉ પ્લેટોની દિશા બદલાઇ અને આફ્રિકન અને અરબ પ્લેટની વચ્ચે ડેડ સી પાસે નવી સીમા બનવા માંડી, જેને કારણે સુએઝના અખાતમાં ખેંચાણ ઘટ્યું હતું, પણ તે સંપૂર્ણ અટકી ગયું નહોતું.