રશિયન લેખક ટોલ્સ્ટોયે પત્નીનું ખૂન નહોતું કર્યું, છતાં એમણે લખેલી લઘુનવલ ક્રોત્ઝર સોનાટા વિશે એવી વાતો ચગી કે એમાં ટોલ્સ્ટોયના પોતાના લગ્નજીવનની વાતો આલેખાઈ છે.
સ્ત્રી-પુરુષના સંબંધો વિશે ઇવન આજના જમાનામાં પણ ચકચારી લાગી શકે એવી વાતો ટોલ્સ્ટોયે આજથી 137 વર્ષ પહેલાં આ લઘુનવલમાં લખી તેને કારણે હોબાળો મચવો સ્વાભાવિક હતો. ઝાર(રાજા)ના સેન્સર બોર્ડે એના પર પ્રતિબંધ લાદ્યો, પરંતુ ટોલ્સ્ટોયનાં પત્ની સોફિયાએ લડીને પ્રતિબંધ દૂર કરાવ્યો.
સોફિયાનું કહેવું હતું કે, `આ કથામાં અમારા લગ્નજીવનનો અણસાર તો છે, પરંતુ એ વિકૃત અરીસામાં ઝિલાયેલું પ્રતિબિંબ છે.' પછી પતિની આ કથાના જવાબમાં સોફિયાએ પોતે પણ બે લઘુનવલ લખી, જેમાં સોફિયાએ પતિનાં પાત્રો તરીકે એવા પુરુષો રજૂ કર્યાં છે, જે પોતાની પત્નીની લાગણીઓની દરકાર નથી કરતા.
ટોલ્સ્ટોયની ક્રોત્ઝર સોનાટાનો નાયક પણ છેવટ સુધી પત્નીની લાગણીઓની દરકાર નથી કરતો, પરંતુ પત્નીની હત્યા બાદ એ પહેલી વાર પત્નીને એક મનુષ્ય તરીકે જોઈ શકે છે. પતિને એવું સમજાય છે કે જો સંબંધનો પાયો વાસના પર ટકેલો હોય તો એ સંબંધમાં ભલીવાર નથી હોતો, એ સંબંધમાં હિંસકતા હોય છે.
ટોલ્સ્ટોય અત્યંત ઊંચા આદર્શોની વાત કહેતા હતા. સ્ત્રી-પુરુષના સંબંધમાં પારિવારિક સંકુચિતતાને બદલે વ્યાપક સ્નેહ હોવો જોઈએ અને સ્ત્રી-પુરુષે અત્યંત સંયમી, ચારિત્ર્યવાન, વાસનામુક્ત જીવન જીવવું જોઈએ એવી બધી વાતો ટોલ્સ્ટોયને લોકોની નજરમાં સંત બનાવી રહી હતી, પરંતુ સોફિયાને મહાન સંતપુરુષ નહીં, બલ્કે સીધોસાદો પતિ જોઈતો હતો.
આ હતું એમની વચ્ચેના ખટરાગનું એક મુખ્ય કારણ.
પતિ લોકોની નજરમાં મહાન હતા અને વાસ્તવમાં પણ એ મહાન લેખક, વિચારક અને ઓલમોસ્ટ સંત હતા. ટોલ્સ્ટોયે પોતાના જીવનમાં સંયમ, સાદગી, શ્રમ વગેરે અપનાવી લીધાં હતાં. ચુસ્ત બ્રહ્મચર્યના પાલનનો પણ એમનો આગ્રહ રહેતો. આ બધું જોકે થોડી મોટી ઉંમરે, પચાસ વટાવ્યા પછી શરૂ થયું. છતાં પ્રૌઢ ઉંમરે ટોલ્સ્ટોય જાતીય આવેગોથી પૂર્ણપણે મુક્ત રહી શક્યા નહોતા એવું આપણે એમનાં પત્ની સોફિયાની ડાયરી-નોંધો પરથી અગાઉ જાણ્યું. એ ડાયરી-નોંધો વાંચીએ તો, લગ્નજીવન કથળવા પાછળ ટોલ્સ્ટોયનો વાંક હોવાનું ચોક્કસપણે લાગી શકે, પરંતુ આખી વાત સામેના એન્ગલથી જોતાં મામલો જટિલ બની રહે છે.
એવો કોઈ જડબેસલાક નિયમ નથી, છતાં સામાન્ય રીતે એવું જોવા મળતું હોય છે કે સ્ત્રીઓ પોતાની લાગણીઓ વધુ સારી રીતે વ્યક્ત કરી શકે, જ્યારે પુરુષો ખૂલીને બોલવાને બદલે ઓછું બોલવાનું અથવા મૂંગા રહેવાનું વધુ પસંદ કરે. સ્ત્રી જેટલી મોકળાશથી હસે-રડે, હાવભાવ વ્યક્ત કરે એટલી હદે પુરુષો સામાન્ય રીતે ખૂલતા નથી. ટોલ્સ્ટોય-સોફિયાના કિસ્સામાં પણ એવું હતું. સોફિયા જીવંત, સ્ફૂર્તિલાં, શોખીન, જીવનને ભરપૂર માણનારાં હતાં, જ્યારે ટોલ્સ્ટોય (ખાસ તો મોટી ઉંમરે) મૂંજી, બોરિંગ, શુષ્ક લાગી શકે એવા હતા.
સોફિયાએ લગ્નજીવન વિશે ખુલ્લા દિલે લખ્યું. ટોલ્સ્ટોયે આ બાબતે જાહેરમાં કશું કહ્યું નહીં. એમણે બહુ બહુ તો ક્રોત્ઝર સોનાટા જેવી લઘુનવલ થકી એમના પોતાના લગ્નજીવનમાં થોડું ડોકિયું કરવા જેટલી બારી લોકો માટે ખોલી આપી. એ લઘુનવલમાં પતિ અને પત્નીના એકમેક પ્રત્યેના ખતરનાક ધિક્કાર વિશે જે કંઈ લખાયું છે એ ટોલ્સ્ટોય-સોફિયાના પોતાના લગ્નજીવનનું પ્રતિબિંબ હોય એવી શક્યતા નકારી શકાય નહીં, કારણ કે એ બંને વચ્ચે પાછલી ઉંમરે ઘણો ખટરાગ થયેલો અને છેલ્લે તો ટોલ્સ્ટોય છેક 82ની ઉંમરે પત્નીને અને ઘરને છોડીને નાસી ગયેલા એ હકીકત છે. લઘુનવલમાં પતિ પત્નીનું ખૂન કરી નાખે છે, જ્યારે વાસ્તવિક જીવનમાં પતિ ઘર છોડીને સંબંધનો અંત આણે છે. સરવાળે, પરસ્પર દ્વેષથી પીડાતાં પતિ-પત્ની અળગાં થાય છે એ વાત લઘુનવલમાં અને વાસ્તવિક જીવનમાં સમાન છે.
બાકી, લઘુનવલમાં પતિ-પત્ની વચ્ચેની કડવાશના પાયામાં સેક્સ અને ઇર્ષ્યાનો મામલો હતો, જ્યારે ટોલ્સ્ટોય-સોફિયા વચ્ચેના ઝઘડામાં `ઘર અને બહાર'નો મુદ્દો મુખ્ય હતો. પત્ની સોફિયા પતિને કહેતાં હતાં કે ઘર-પરિવાર પર ધ્યાન આપો, વધુ કમાણી થાય એવું લખો, જાગીરની આવક વધારો, લૂંટાવો નહીં વગેરે વગેરે. બીજી તરફ ચિક્કાર કમાઈ ચૂકેલા ટોલ્સ્ટોયને પૈસા, નફો, સંપત્તિ વગેરેમાં રસ નહોતો રહ્યો.
ટોલ્સ્ટોયનું ધ્યાન આખી દુનિયા પર હતું. સામાજિક મુદ્દાઓ તો એમને પહેલેથી સ્પર્શતા જ હતા. જેમ કે, જુવાનીમાં ગુલામીપ્રથાનો વિરોધ, ગુલામોનાં બાળકોને સારું શિક્ષણ મળી રહે એ માટે અનેક શાળાઓ ખોલીને એનો કારોબાર સંભાળવો. પતિની આ બધી પ્રવૃત્તિઓ પત્નીને અકળાવતી હતી. પતિ બહારના લોકોમાં ડૂબેલા રહેતા હોવા બાબતે પોતે અસુરક્ષા અનુભવતાં હોવાનું સોફિયાએ પોતે ડાયરીમાં સ્પષ્ટપણે નોંધેલું. એમને એવો ડર લાગતો કે `લોકો' મારી પાસેથી મારો વર છીનવી લેશે.
આ બધું જુવાનીમાં શરૂ થઈ ગયેલું, પરંતુ મોટી ઉંમરે આ મામલો મોટા પાયે વકર્યો. ટોલ્સ્ટોયે અત્યંત ધાર્મિક અને સંયમી જીવન જીવવાનું શરૂ કર્યું ત્યાર પછી અનેક લોકો એમને `ગુરુ' ગણવા લાગ્યા અને ઘણા તો ચેલા તરીકે ટોલ્સ્ટોયની જાગીર પર ધામા નાખતા.
આ વાતની સોફિયાને ખૂબ ચીડ ચડતી. સોફિયાએ પોતાની 1890ની ડાયરીમાં (જ્યારે ટોલ્સ્ટોયની ઉંમર 62ની હતી) નોંધ્યું છે : `(ચેલાઓના ધાડામાં) હવે તો કેટલાક `કાળા લોકો' પણ આવી પહોંચ્યા છે. પેલો મૂરખો પોપોવ, ડોબો જાડિયો વેપારી ખોખ્લોવ. માનવસમાજના આ બધા સડેલા નમૂના, કોઈ કામધંધા વિનાના, હવા ભરેલા ફુગ્ગા જેવા, લુખ્ખા, અભણ. આવા લોકો છે મહાપુરુષના ચેલકાઓ.'
આ તોછડા શબ્દોમાં સોફિયાનું ખુન્નસ સ્પષ્ટ વર્તાય છે, પરંતુ આવા લોકોને પણ ચાહવાનું દબાણ ટોલ્સ્ટોય તરફથી સોફિયા પર થતું કે નહીં તેના અત્યંત આધારભૂત પુરાવા ઉપલબ્ધ નથી.
એટલું સમજી શકાય તેવું છે કે અત્યંત મહાન પુરુષોના અંગત, કૌટુંબિક જીવનમાં વિશિષ્ટ પ્રકારની ગૂંચવણો અને મુશ્કેલીઓ હોઈ શકે.
ગાંધીજી મહાન હતા, પરંતુ મોટા પુત્ર હરિદાસ સાથેના એમના સંબંધો વિશે અને હરિદાસને લગતા અનેક વિવાદો વિશે સૌ જાણે છે. હિન્દુ પરંપરાના પ્રેમી એવા દિગ્ગજ નેતા લોકમાન્ય ટિળકના વિચારો સાથે અસહમત એવા એમના સૌથી નાના પુત્ર શ્રીધર ટિળકે 32ની ઉંમરે મુંબઈ-પૂના ટ્રેન નીચે ઝંપલાવીને આપઘાત કરેલો. આ પિતાઓથી એમના પુત્રો નારાજ હતા અને ટોલ્સ્ટોયથી એમના પત્ની નારાજ હતાં, પરંતુ પરિવારના કોઈ સભ્ય ખાતર પોતાની વિચારધારા કે જાહેર જીવન તથા જાહેર જવાબદારીઓ છોડવાની હદે આ મહાપુરુષો ન ગયા. એમ પણ કહી શકાય કે આ મહાપુરુષોએ ઘરના સભ્યોને બદલે જાહેર જીવનને અગ્રતા-પ્રાયોરિટી આપી.
તો એ બદલ એમને દોષી ગણી શકાય કે નહીં?
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો










