સર્જાતા સાહિત્યનું આત્મકથા સ્વરૂપ મોટાભાગે આપવીતી, સ્મરણો કે બચાવનામા માટે આલેખાતું હોય છે. ઓશો રજનીશ આત્મકથાને અહંકાર કથા કહેતા હતા, પરંતુ માનવ ઉત્ક્રાંતિના સત્યના શોધક ચાલ્સ ડાર્વિન( (જન્મ - 12 ફેબ્રુઆરી, 1809, અવસાન - 19મી એપ્રિલ, 1882)ની આત્મકથા જરા જુદા ઉદ્દેશથી લખાયેલી છે.

ડાર્વિન લિખિત 50 કરતાં વધુ પુસ્તકો તેમની હયાતીમાં જ પ્રકાશિત થયાં છે, પરંતુ તેમણે આત્મકથા પોતાનાં સંતાનો માટે જ લખી હતી અને પ્રગટ કરી નહોતી. વ્યક્તિગત અને અંતરંગ પ્રકારનું આ આત્મકથ્ય તેમના પુત્ર ફ્રાન્સીસ ડાર્વિને તેમના અવસાન પછી સંપાદિત કરી પ્રગટ કર્યું હતું. અવસાનનાં 6 વર્ષ પૂર્વે 1876માં આ આત્મકથા લખાઈ હતી. તેમાં ડાર્વિનના મન અને વ્યક્તિત્વ વિકાસનું એટલું સરસ આલેખન છે કે જે વ્યક્તિને ડાર્વિનની આત્મકથાની ખબર નથી તે ડાર્વિન વિશે કશું નથી જાણતો નથી એમ કહેવાય છે. મૂળે રિ-કલેક્શન્સ ઓફ ડેવલપમેન્ટ ઓફ માય માઈન્ડ શીર્ષકે લખાયેલી અને CHARLES DARWIN'S AUTOBIOGRAPHY નામે 6 પ્રકરણો અને 104 પૃષ્ઠમાં સંપાદિત ડાર્વિનની આત્મકથા સત્ય, તથ્ય અને નિસ્બતનો દસ્તાવેજ છે.

ડાર્વિને આત્મકથામાં લખ્યું છે કે ભણવામાં તેઓ નાની બહેન કરતાં પણ નબળા હતા અને બીજા અનેક બાળકોની જેમ તોફાની હતા.

8 વર્ષની વયે તેમણે માતા ગુમાવ્યાં હતાં. તેમના પિતા એટલા ધનાઢ્ય હતા કે તેમને ક્યારેય જીવનનિર્વાહ માટે કોઈ કામ-ધંધો કરવો પડ્યો નથી. શાળા શિક્ષણમાં ઠોઠ ડાર્વિનની રુચિ પ્રકૃતિને જાણવામાં તેજ હતી. જીવ-જંતુ, વનસ્પતિ, પશુ-પંખી અને જમીનનાં સૂક્ષ્મ અવલોકનો કરવાં અને તેની નોંધો કરવી, નિશાનેબાજી અને શિકાર તેમના પ્રિય કામો હતાં, પરંતુ પિતાને આ ગમતું નહીં. એટલે પિતાએ એક વાર કહ્યું હતું, `તું ખુદના માટે અને પરિવાર માટે એક કલંક બની રહેશે.'

1828થી 1831 સુધી ડાર્વિન કેમ્બ્રિજ-એડિનબર્ગમાં ભણતા હતા. પિતા તેમને ડોક્ટર બનાવવા માંગતા હતા, પરંતુ તેમનું ચિત્ત બીજી દિશામાં હતું. એટલે તેમને ધાર્મિક શિક્ષણ અપાવી પાદરી બનાવવા વિચાર્યું. આ માટે ડાર્વિન પણ તૈયાર થઈ ગયા. કોઈ ગ્રામીણ વિસ્તારમાં પાદરીનું કામ કરવાનો વિચાર તેમને ગમ્યો એટલે તેમણે ધર્મશાસ્ત્રો સંબંધી પુસ્તકો વાંચવા માંડ્યાં. આત્મકથામાં ડાર્વિન લખે છે, પછીથી કટ્ટરપંથીઓએ (જે રીતે મારા ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંતની) ટીકા કરી તેને જોઈને મને એ વાત ભારે વિચિત્ર લાગી કે મેં કદી પાદરી બનવાનું વિચાર્યું હતું.

ભૂસ્તરશાસ્ત્ર, પ્રકૃતિ વિજ્ઞાન, જીવશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, તત્ત્વજ્ઞાન અને સાહિત્યમાં ડાર્વિનની રુચિ હતી. તેઓ તેમના રસ-રુચિના વિષયના અભ્યાસ માટે કઠોર પરિશ્રમ કરતા હતા. તેમણે લખ્યું છે કે, કોઈ વ્યક્તિ જેટલો કઠોર પરિશ્રમ કરી શકે છે, મેં એટલો પરિશ્રમ કર્યો છે. આનાથી વધુ પરિશ્રમ કોઈ ન કરી શકે. દુનિયાના સર્વેક્ષણ માટે દરિયાઈ સફરે જતા બીગલ જહાજમાં એક પ્રકૃતિ વિજ્ઞાનના ચાહક તરીકે ડાર્વિનને જગ્યા મળી. અતિ જોખમી અને સાહસપૂર્ણ એવી સમુદ્રી જ્ઞાનયાત્રા લગભગ 5 વર્ષ (27 ડિસેમ્બર, 1831થી 2 ઓક્ટોબર, 1836)ની હતી. સંશોધક ડાર્વિને આ યાત્રામાં ભરપૂર કામ કર્યું. સવા મહિનો ગાલાપાગોસના નિર્જન ટાપુ પર ગાળ્યો. હજારો નમૂના એકઠા કર્યા અને તેથી પણ વધુ હજારો પાનાંની નોંધો તથા ટિપ્પણીઓ તેમણે પ્રવાસ દરમિયાન કરી હતી.

આત્મકથાના અંતિમ પ્રકરણમાં ડાર્વિને તેમનાં વિવિધ પુસ્તકો વિશે લખ્યું છે. `ઓરિજિન ઓફ સ્પીસીઝ' તેમનું કીર્તિદા પુસ્તક છે. પુસ્તકનું આખું નામ તો લગભગ 25 શબ્દોનું છે. ડાર્વિનને ઉત્ક્રાંતિવાદનો વિચાર કોઈ તેજ ઝબકારની રીતે આવ્યો નહોતો, પરંતુ તેની પાછળ તેમની 20 વર્ષની જ્ઞાન અને સંશોધન સાધના હતી. 1859માં ઓરિજિન ઓફ સ્પીસીઝ પ્રગટ થયું ત્યારે ભારે ખળભળાટ મચ્યો હતો. માનવ ઉત્ક્રાંતિ અંગેની ધાર્મિક અને પરંપરાગત માન્યતાઓ કરતાં તે જુદા વિચારો ધરાવતું હતું. આ પુસ્તકના લઘુ સંસ્કરણની 1250 નકલો પ્રકાશનના દિવસે જ વેચાઈ ગયાનું ડાર્વિને નોંધ્યું છે. જેમાં ડાર્વિને મનુષ્યના વંશજ તરીકે વાનરને દર્શાવ્યા છે તે પુસ્તક ડિસન્ટ ઓફ મેન છે. તે 1871માં પ્રગટ થયું હતું. તે પછીના વર્ષે `એક્સ્પ્રેશન ઓફ ધ ઈમોશન્સ ઈન મેન એન્ડ એનિમલ' પ્રકાશિત થયું હતું. કોઈ સામાન્ય લેખકની જેમ ડાર્વિન પણ પોતાનાં પુસ્તકોની કેટલી નકલો વેચાઈ અને તેની કેટલી સમીક્ષાઓ પ્રગટ થઈ, તેની નોંધ રાખતા હતા અને આત્મકથામાં તે હરખ-શોક સાથે જણાવે પણ છે.

ડાર્વિનની તસવીરોમાં તેઓ લાંબી દાઢીધારી અને ગંભીર પ્રકૃતિના જણાય છે,

પરંતુ આત્મકથામાંથી પસાર થતાં તેમની ભીતર રહેલું સંવેદનશીલ માનવ હૃદય દેખાઈ આવે છે. એડિનબર્ગમાં એક સંશોધકના સહાયક તરીકે કામ કરતા બ્લેકનો ઉલ્લેખ તે આદર સાથે કરે છે. આ શ્યામવર્ણી વ્યક્તિ પક્ષીઓની ખાલ ભરીને તેને જીવિત પક્ષીનો આકાર આપી વેચવાનું કામ કરતો હતો. ડાર્વિન તેને પૈસા આપીને તેના જ્ઞાનનો લાભ લેતા હતા.

જે બીગલ જહાજના કપ્તાન ફિટ્જ-રોયની કૃપાથી ડાર્વિનને તેમની કેબિનના એક ભાગમાં યાત્રા કરવાનો મોકો મળ્યો હતો તેમણે બીગલ બ્રાઝિલમાં હતું ત્યારે ગુલામી પ્રથાની સરાહના અને સમર્થન કર્યું. ડાર્વિનને ગુલામી પ્રથા સામે વિરોધ અને ઘૃણા હતી. એટલે આ મુદ્દે બંને વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ અને કેપ્ટને ગુલામીના વિરોધની દલીલો કરવા બદલ ડાર્વિનને લાફો મારી કાઢી મૂક્યા હતા. 22 વર્ષના યુવાન ડાર્વિને આ અપમાન સહી લીધું, પણ ગુલામીનું સમર્થન ન કર્યું. એક મહાન વૈજ્ઞાનિકની આ સામાજિક નિસ્બત સલામલાયક છે.

સાહિત્ય, સંગીત, નાટક, કવિતા, વાચન વગેરે તેમના જીવનના ભાગ હતા. જોકે, સમય બદલાતાં તેમનાં રસ-રુચિ પણ બદલાયાં હતાં. આત્મકથામાં ડાર્વિન પોતાનો મત કે અભિપ્રાય બેઝિઝક આપે છે. જેમ કે, સ્કૂલી છાત્ર તરીકે શેક્સપિયરનાં નાટકો તેમને વાંચવા ગમતાં અને આનંદ આપતાં હતાં, પણ ઉંમરના આ પડાવે તેમને શેક્સપિયર વાંચવા અસહ્ય, નીરસ અને ઉબાઉ લાગ્યા હતા. નવલકથાના સુખાંતના તેઓ તરફદાર હતા એટલું જ નહીં, નવલકથાના દુખાંત વિરુદ્ધ કાયદો બનાવવો જોઈએ તેમ માને છે. શિકારને તેઓ એક પ્રકારનું બૌદ્ધિક કાર્ય ગણે છે. શિક્ષણ અને શિક્ષકો વિશે પણ તેમણે આકરી ટીકાઓ કરી છે.

વિજ્ઞાન પ્રત્યે પ્રેમ, કોઈ વિષય પર લાંબા સમય સુધી ચિંતન કરવાનું અસીમ ધૈર્ય, તથ્યોને સંકલિત કરી પ્રેક્ષિત કરવા માટેનો પરિશ્રમ , પર્યાપ્ત કલ્પનાશીલતા અને સહજ બુદ્ધિને ડાર્વિન અતિ નમ્રતા સાથે પોતાની સાધારણ વિશેષતાઓ જણાવે છે. તેમને એ વાતનું આશ્ચર્ય છે કે આટલી સાધારણ વિશેષતાઓ છતાં કેટલીક મહત્ત્વપૂર્ણ વૈજ્ઞાનિક ધારણાઓને તેમણે ઘણી હદે પ્રભાવિત કરી છે.

ડાર્વિનના જન્મને બસો કરતાં વધુ અને ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંતને દોઢસો કરતાં વધુ વર્ષ પસાર થઈ ગયાં છે, પરંતુ ડાર્વિન અને તેમનો ઉત્ક્રાંતિવાદ વધુ ને વધુ પ્રસ્તુત છે ત્યારે ગુજરાતના વિજ્ઞાનચાહકો અને અનુવાદકો માટે એ પડકાર છે કે હવે ગાંધીગીરા ગુજરાતીને વધુ સમય માટે ડાર્વિનની આત્મકથાથી વંચિત ન રાખે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો