23ઓગસ્ટ, 2001ની એ કાળી રાત્રિ હરિયાણાના ગુનાહિત ઈતિહાસમાં કાયમ માટે અંકિત થઈ ગઈ છે, જ્યારે હિસાર જિલ્લાના લિટણી ગામમાં આવેલા એક ભવ્ય ફાર્મહાઉસમાં આઠ વ્યક્તિઓની જિંદગીઓનો ક્રૂરતાપૂર્વક અંત આણવામાં આવ્યો હતો. આ કોઈ સામાન્ય હત્યાકાંડ નહોતો, પરંતુ લોભ, ઈર્ષ્યા અને પારિવારિક વૈમનસ્યની પરાકાષ્ઠા હતી, જેમાં એક દીકરીએ જ પોતાનાં પિતા, માતા, ભાઈ અને નવજાત બાળકો સહિત આખા પરિવારને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ કથા છે હરિયાણાના એક સમયના ધારાસભ્ય રેલુ રામ પુનિયાની. રેલુ રામ પુનિયાનું જીવન એક પ્રેરણાદાયી છતાં વિવાદાસ્પદ ગાથા સમાન હતું. હરિયાણાના પ્રભુવાલા ગામમાં જન્મેલા રેલુ રામે પોતાની કારકિર્દીની શરૂઆત એક સામાન્ય ડ્રાઈવર તરીકે કરી હતી, પરંતુ તેમની આર્થિક મહત્ત્વાકાંક્ષાઓ તેમને ફરીદાબાદ તરફ ખેંચી ગઈ હતી. અહીં તેમણે બિટ્યુમિન અને તેલના વેપારમાં ઝંપલાવ્યું અને જોતજોતાંમાં એક આર્થિક સામ્રાજ્ય ખડું કરી દીધું. અહેવાલો મુજબ તેમણે તેલના કાળા બજાર દ્વારા અઢળક સંપત્તિ એકઠી કરી હતી, જેનો ઉપયોગ તેમણે બાદમાં જમીનો ખરીદવામાં અને રાજકારણમાં પ્રવેશવા માટે કર્યો હતો. ઈ.સ. 1989માં તેઓ ફરી ગામમાં રહેવા આવ્યા અને 1990માં બિનહરીફ સરપંચ બન્યા.

રેલુ રામ એક સમયે ભૂતપૂર્વ મુખ્યમંત્રી બંસીલાલની હરિયાણા વિકાસ પાર્ટી(HVP)ના નજીકના માનવામાં આવતા હતા. ઈ.સ. 1996ની રાજ્ય વિધાનસભા ચૂંટણી પહેલાં તેઓ HVP ટિકિટ માટે દાવેદાર હતા, પરંતુ જ્યારે HVPએ તેમને મેદાનમાં ઉતાર્યા નહીં, ત્યારે તેમણે હિસારના બરવાલા મત વિસ્તારમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી. તેમનું ચૂંટણી પ્રતીક ટ્રેન હતું અને તેમણે HVPના અનંતરામને 10,789 મતોથી હરાવીને બેઠક જીતી. તેમના પ્રચારનું સૂત્ર `રેલુ રામ કી રેલ ચલેગી; બિન પાની, બિન તેલ ચલેગી' તેમની આર્થિક તાકાતનું પ્રતીક બની ગયું હતું.

રેલુ રામે લિટણી ગામના પાદરે ઘણી મોટી જમીન પર એક એવું આલિશાન ફાર્મહાઉસ બનાવ્યું હતું, જે તે સમયના ગ્રામીણ હરિયાણા માટે અજાયબી સમાન હતું. આ આલિશાન મકાન વિવિધ પ્રકારના આરસપહાણથી બનેલું હતું અને તેમાં સ્વિમિંગ પુલ તેમજ છત પર વાહનો પાર્ક કરવાની સુવિધા હતી. જોકે, આ ભવ્યતાની પાછળ પારિવારિક માળખું અત્યંત ગૂંચવાયેલું હતું. તેમની પ્રથમ પત્ની ઓમી દેવીનાં અવસાન બાદ રેલુ રામે કૃષ્ણા દેવી સાથે બીજાં લગ્ન કર્યાં હતાં. પ્રથમ પત્નીથી તેમને પુત્ર સુનીલ હતો, જ્યારે કૃષ્ણા દેવીથી બે પુત્રીઓ સોનિયા અને પ્રિયંકા હતી. સોનિયાનાં લગ્ન સહરાનપુરના સંજીવ કુમાર સાથે થયાં હતાં. પરિવારમાં મિલકતને લઈને ભારે વિખવાદ હતો, ખાસ કરીને ફાર્મહાઉસની આસપાસની 46 એકર કૃષિ જમીન માટે સોનિયા અને તેના સાવકા ભાઈ સુનીલ વચ્ચે હંમેશાં તીવ્ર તણાવ રહેતો હતો. સોનિયાને ડર હતો કે તેના પિતા બધી મિલકત સુનીલના નામે કરી દેશે અને આ વાતને લઈને હંમેશાં બંને વચ્ચે ઘર્ષણ થતું રહેતું. એક વખત તો વાત ત્યાં સુધી પહોંચી ગઈ કે, સોનિયાએ મિલકતની લાલચમાં આવેશમાં આવીને પોતાના જ ભાઈ સુનીલ પર રિવોલ્વરથી હુમલો કરવાનો પ્રયાસ પણ કર્યો હતો.

23 ઓગસ્ટ, 2001ના રોજ સોનિયાનો જન્મદિવસ હતો અને આ દિવસને તેણે આખા પરિવારના નિકંદન માટે પસંદ કર્યો હતો. યોજના મુજબ સોનિયા હિસારની વિદ્યાદેવી જિંદલ સ્કૂલમાંથી પોતાની નાની બહેન પ્રિયંકાને જન્મદિવસની ઉજવણીના બહાને બોલાવી લાવી. રાત્રે 9 વાગ્યે તેમણે હિસારના કેમ્પ ચોક પરથી કેક અને પેસ્ટ્રી ખરીદી, જેમાં અગાઉથી લવાયેલું અફીણ અને નશીલા પદાર્થો ભેળવવામાં આવ્યા હતા. રાત્રે 10 વાગ્યે ફાર્મહાઉસ પહોંચીને આખા પરિવારે કેક કાપી અને ભોજન લીધું. નશીલા પદાર્થોની અસરને કારણે ટૂંક સમયમાં જ રેલુ રામ, કૃષ્ણા દેવી અને પરિવારના અન્ય સભ્યો બેભાન અવસ્થામાં સરી પડ્યા. માત્ર સુનીલની પત્ની શકુંતલાએ કંઈક શંકા જતાં તે કેક ખાધી નહોતી. મધ્યરાત્રિએ 12 વાગ્યાની આસપાસ ફાર્મહાઉસના કર્મચારી જીતસિંહે સોનિયાને ગેરેજમાંથી ટ્રેક્ટરનો લોખંડનો ભારે સળિયો લઈ જતી જોઈ હતી. હત્યાકાંડ દરમિયાન ચીસો બહાર ન સંભળાય તે માટે સોનિયા અને સંજીવે ફટાકડા ફોડવાનું શરૂ કર્યું હતું, જેથી નોકરોને લાગે કે જન્મદિવસની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે.

આ લોહિયાળ રાત્રિએ સોનિયા અને સંજીવે એક પછી એક રૂમમાં જઈને સૂતેલા સભ્યોના માથા પર લોખંડના સળિયાના ઘા ઝીંક્યા. રેલુ રામ બીજા માળે પલંગ પર સૂતેલા હતા ત્યારે જ તેમના પર પ્રહાર કરવામાં આવ્યા. કૃષ્ણા દેવી અને શિવાનીને ઉપરના માળે મોતને ઘાટ ઉતારાયાં હતાં. જે શકુંતલા સભાન હતી, તેણે બચવા માટે ભારે સંઘર્ષ કર્યો હતો; પરંતુ સોનિયા અને સંજીવે તેને પલંગ સાથે બાંધી દીધી, તેનું ગળું દબાવ્યું અને સળિયાથી તેના માથાના ભાગે જીવલેણ પ્રહાર કર્યા. આ ક્રૂરતામાં તેમણે 45 દિવસની માસૂમ બાળકી પ્રીતિને પણ નહોતી છોડી. વહેલી સવારે 4:45 વાગ્યે સોનિયાએ સંજીવને ગાડીમાં નજીકના બસસ્ટોપ પર ઉતાર્યો, જેથી તે સહરાનપુર જઈને પોતાનું `અલિબિ' (ગેરહાજરીનો પુરાવો) ઊભો કરી શકે. પરત આવ્યા બાદ સોનિયાએ જંતુનાશક દવા પીને આત્મહત્યાનો ઢોંગ કર્યો. સવારે 7 વાગ્યે જ્યારે સ્કૂલવાન આવી ત્યારે ઘરના નોકરોએ આઠ લોહીલુહાણ લાશો જોઈ તો આખા વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો.

તપાસમાં પોલીસને સોનિયાના બેડ પરથી હિન્દીમાં લખેલી એક સ્યુસાઈડ નોટ મળી આવી, જેમાં તેણે લખ્યું હતું કે તેના પિતા તેને પ્રેમ કરતા નહોતા અને સુનીલને વધુ મહત્ત્વ આપતા હતા, તેથી તેણે આ પગલું ભર્યું. હસ્તાક્ષર નિષ્ણાતોએ સાબિત કર્યું કે આ ચિઠ્ઠી સોનિયાની જ હતી. વધુમાં સોનિયાનાં કપડાં પરનાં લોહીના ડાઘા સુનીલ અને લોકેશનના બ્લડગ્રૂપ સાથે મેચ થયા હતા. સંજીવ કુમારનો પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવ્યો, જેમાં તેની સંડોવણી સ્પષ્ટ થઈ ગઈ. મે, 2004માં હિસારની સેશન્સ કોર્ટે બંનેને ફાંસીની સજા ફટકારી. એપ્રિલ, 2005માં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે આ સજાને આજીવન કેદમાં ફેરવી નાખી હતી, પરંતુ રેલુ રામના ભાઈ રામસિંહે સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખખડાવ્યાં. 15 ફેબ્રુઆરી, 2007ના રોજ સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતાં આ કેસને `રેરેસ્ટ ઓફ ધ રેરેસ્ટ' ગણાવ્યો અને ફાંસીની સજા પુનઃ સ્થાપિત કરી.

જોકે, ન્યાયિક પ્રક્રિયા હજુ અટકી નહોતી. સોનિયા અને સંજીવે રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી કરી. 2009માં જેલના એકાંતવાસથી કંટાળેલી સોનિયાએ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલને પત્ર લખીને વિનંતી કરી હતી કે તેને જલદી ફાંસી આપી દેવામાં આવે, કારણ કે તે `કીડા'ની જેમ જીવવા માંગતી ન હતી. વર્ષો સુધી આ અરજી પડતર રહી અને 2013માં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ તેને ફગાવી દીધી, પરંતુ સિવિલ રાઈટ્સ ગ્રૂપ PUDRની અરજીના આધારે જાન્યુઆરી, 2014માં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે દયાની અરજીના નિકાલમાં થયેલો 11 વર્ષનો અસહ્ય વિલંબ એ કેદીના અધિકારોનું ઉલ્લંઘન છે અને તેથી તેમની ફાંસીની સજા આજીવન કેદમાં ફેરવી દેવામાં આવી. આ દરમિયાન જેલના સળિયા પાછળ પણ સંજીવની ગુનાહિત માનસિકતા શાંત નહોતી. 2008માં તેણે અંબાલા જેલમાં આતંકવાદીઓ સાથે મળીને સુરંગ ખોદીને ભાગવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.

2018માં સંજીવ 14 દિવસના પેરોલ પર જેલની બહાર આવ્યો અને ત્યારબાદ ફરાર થઈ ગયો.

તેણે યમુનાનગરના ચાંગનૌલી ગામનું ખોટું સરનામું આપ્યું હતું. ત્રણ વર્ષ સુધી પોલીસને થાપ આપ્યા બાદ ફેબ્રુઆરી, 2021માં તે મેરઠ ખાતેથી `ઓમાનંદગીરી' નામનો સાધુ બનીને છુપાયેલી હાલતમાં પકડાયો હતો. 2024માં બંનેએ 20 વર્ષથી વધુનો જેલવાસ પૂર્ણ કર્યો હોવાથી `અકાળે મુક્તિ' માટે હાઈકોર્ટમાં અરજી કરી. હરિયાણા સરકારે ઓગસ્ટ, 2024માં આ માંગણી ફગાવી દઈને તેમને આજીવન જેલમાં રાખવાનો આદેશ આપ્યો હતો, પરંતુ ડિસેમ્બર, 2025માં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે સરકારના આ નિર્ણયને ગેરકાનૂની ગણાવ્યો અને તેમને વચગાળાના જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો.

14 ડિસેમ્બર, 2025ના રોજ સંજીવ કુમાર જેલમાંથી મુક્ત થયો, પરંતુ સોનિયા માટે તેના સાસરી પક્ષ કે પિયર પક્ષના કોઈ સભ્યએ જામીન આપવાની તૈયારી બતાવી નહીં. સંજીવના પરિવારે સ્પષ્ટ કહ્યું કે તેઓ સોનિયાને સ્વીકારવા તૈયાર નથી. આખરે સોનિયાએ જેલમાં જે મહિલા કેદીઓને મદદ કરી હતી તેમના સંબંધીઓએ જામીન આપતાં 17 ડિસેમ્બર, 2025ના રોજ તે કરનાલ જેલમાંથી મુક્ત થઈ. હાલમાં ફેબ્રુઆરી, 2026માં આ મામલો ફરી સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. રેલુ રામના ભત્રીજાઓએ આ મુક્તિને પડકારી છે અને સુપ્રીમ કોર્ટે સરકારને નોટિસ પાઠવીને અંતિમ નિર્ણય સુધી કોઈ પણ કાયમી મુક્તિ પર રોક લગાવી દીધી છે. રેલુ રામ પુનિયાની 100 એકરથી વધુ જમીન અને ફરીદાબાદનો બંગલો તેમના ભાઈઓ વચ્ચે વહેંચવામાં આવ્યો હતો, કારણ કે કાયદા મુજબ હત્યારો સંતાન મિલકતનો વારસદાર બની શકતો નથી. આ રીતે જે મિલકત માટે સોનિયાએ આખો વંશ સાફ કર્યો હતો, તે જ મિલકત તેને ક્યારેય નસીબ થઈ શકી નહીં. લિટણી ફાર્મહાઉસની એ આરસની દીવાલો આજે પણ એ કાળી રાત્રિના ભયાનક નરસંહાર અને લોભનાં પરિણામોની સાક્ષી પૂરે છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો