મુંબઈ શહેર, દોડધામ અને સપનાંઓનું શહેર, પરંતુ સાથે જ એક સમયે અન્ડરવર્લ્ડ માફિયાઓના રાજનું શહેર. આ જ મુંબઈ શહેરના ડોમ્બિવલી પૂર્વ વિસ્તારમાં આવેલી નિનાદ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી સામાન્ય રીતે શાંતિ અને મધ્યમવર્ગીય પરિવારોની હિલચાલ માટે જાણીતી હતી.
પરંતુ 19 જુલાઈ, 2007નો એ દિવસ આ સોસાયટીના ઇતિહાસમાં કાયમ માટે કાળી શાહીથી લખાઈ જવાનો હતો. હિન્દુરાવ ગાવરે કે જેઓ અભ્યુદય કો-ઓપરેટિવ બેંકમાં આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ તરીકે વર્ષોથી ફરજ બજાવતા હતા, તેઓ સાંજે 7 વાગ્યે હંમેશ મુજબ થાક્યાપાક્યા પોતાના ઘરે પરત ફર્યા હતા, પણ ઘરના દરવાજે પગ મૂકતાં જ તેમને એક અજીબ ગભરાટ અને અશાંતિનો અહેસાસ થયો. તેમની પત્ની કલ્પનાબહેન કે જેઓ પોતે એક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતાં હતાં, તેઓ અત્યંત વ્યાકુળ અવસ્થામાં હતાં. તેમણે ધ્રૂજતા અવાજે હિન્દુરાવને જાણ કરી કે તેમની 21 વર્ષની વહાલી દીકરી સ્નેહલ ઘરે નથી અને ક્યાં ગઈ છે તેની કોઈને જાણ નથી.
સ્નેહલ ગાવરે એ સમયે અંધેરીની પ્રતિષ્ઠિત સરદાર વલ્લભભાઈ પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતી એક અત્યંત તેજસ્વી વિદ્યાર્થિની હતી. તે માત્ર ભણવામાં જ હોશિયાર નહોતી, પણ તેનાં સપનાંઓ પણ આસમાનને આંબનારાં હતાં. જોકે, તે સાંજે ઘરની અંદરનું દૃશ્ય કોઈ ભયાનક રહસ્ય જેવું હતું. ઘરના મુખ્ય દરવાજાને બહારથી લોક મારેલું હતું, પણ અજીબ વાત એ હતી કે સ્નેહલનાં ચંપલ ઘરની અંદર જ પડ્યાં હતાં. હોલના ટેબલ પર પાણીનો એક અડધો ભરેલો ગ્લાસ હતો, જે સૂચવતો હતો કે તે કોઈની સાથે વાત કરી રહી હતી અથવા અચાનક કોઈ મહેમાન આવ્યા હતા. સૌથી વધુ શંકાસ્પદ બાબત એ હતી કે કલ્પનાબહેનને બપોરે 3:28 વાગ્યે સ્નેહલના મોબાઈલ પરથી એક ખાલી મેસેજ (Blank Message) મળ્યો હતો. આ મેસેજ સ્નેહલે મોકલ્યો હતો કે તેના પર હુમલો કરનાર કોઈ વ્યક્તિએ, તે આજે પણ એક વણઉકેલાયેલો પ્રશ્ન છે. પોલીસ રેકોર્ડ્સ મુજબ આ સમયે સ્નેહલનો ફોન છેલ્લી વાર એક્ટિવ હતો, ત્યારબાદ તે કાયમ માટે સ્વિચ ઓફ થઈ ગયો.
ગાવરે પરિવાર માટે તે આખી રાત કોઈ જીવતા નર્કથી ઓછી નહોતી. સ્નેહલનો મોબાઈલ ફોન સતત સ્વિચ ઓફ આવી રહ્યો હતો, જે તેમની ચિંતામાં વધારો કરતો હતો. પડોશીઓ અને સંબંધીઓ સાથે મળીને આખી રાત શોધખોળ કરવામાં આવી, પણ નિષ્ફળતા મળી. રાત્રે 10:35 વાગ્યે ડોમ્બિવલી પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની સત્તાવાર ફરિયાદ નોંધાવ્યા બાદ, થાકેલા અને માનસિક રીતે ભાંગી પડેલાં માતા-પિતા વહેલી સવારે 2:30 વાગ્યે ઘરે પરત ફર્યાં. કલ્પનાબહેન તેમની શાળાની એક સાથી શિક્ષિકા સાથે બેડરૂમમાં આશા અને ડર વચ્ચે ઝૂલતાં બેઠાં હતાં, જ્યારે હિન્દુરાવભાઈ હોલમાં તેમના એક મિત્ર સાથે બેસીને સવાર પડવાની રાહ જોઈ રહ્યા હતા. 20 જુલાઈની એ વહેલી સવાર ક્યારેય ન ભુલાય તેવી સાબિત થઈ જ્યારે 5:15 વાગ્યે કલ્પનાબહેનની એક હૃદયદ્રાવક ચીસ આખી સોસાયટીમાં ગુંજી ઊઠી. બેડરૂમમાં રાખેલા લાકડાના દીવાન(બોક્સ બેડ)ના ખૂણામાંથી સ્નેહલના પગ બહાર દેખાઈ રહ્યા હતા. હિન્દુરાવભાઈએ જેવું ગાદલું હટાવ્યું, તેમની આંખો સામે તેમની દીકરીની લાશ હતી. સ્નેહલના બંને હાથ પીઠ પાછળ ક્રૂરતાપૂર્વક બાંધેલા હતા અને મોઢા પર સફેદ કપડું એવી રીતે વીંટાળેલું હતું કે તે શ્વાસ પણ ન લઈ શકે. પોસ્ટમોર્ટમ રિપોર્ટે પુષ્ટિ કરી કે 21 વર્ષની આ માસૂમ છોકરીનું મૃત્યુ ગૂંગળામણથી થયું હતું, જે મોઢું દબાવવાને કારણે અથવા હવા વગરના સાંકડા બોક્સમાં લાંબો સમય રહેવાને કારણે થઈ શકે છે.
પોલીસ તપાસ શરૂ થઈ ત્યારે સૌથી પહેલી શંકા સ્નેહલના બોયફ્રેન્ડ હિરેન રાઠોડ પર ગઈ. હિરેન અને સ્નેહલ 2004થી એકબીજાને ઓળખતાં હતાં અને 2005માં તેઓ પ્રેમમાં પડ્યાં હતાં. હિરેને પોલીસને આપેલા નિવેદનમાં કબૂલ્યું હતું કે હત્યાના એક અઠવાડિયા પહેલાં તેમની વચ્ચે કોઈ પાર્ટીમાં જવા બાબતે અને સ્નેહલને પસંદ ન હોય તેવા મિત્રોને મળવા બાબતે ઉગ્ર ઝઘડો થયો હતો. હિરેને દાવો કર્યો હતો કે 19 જુલાઈના રોજ તે સવારે 9થી સાંજે 5:30 સુધી તેની ઓફિસ, વોલ્ટાસ કંપનીમાં અન્ય મેનેજમેન્ટ તાલીમાર્થીઓ સાથે હતો, પરંતુ આ દાવામાં મોટું ગાબડું ત્યારે પડ્યું જ્યારે તપાસ અધિકારીઓએ તે દિવસનું એટેન્ડન્સ રજિસ્ટર (હાજરીપત્રક) માંગ્યું. અજીબ રીતે તે ચોક્કસ દિવસનું રજિસ્ટર કંપનીમાંથી ગાયબ થઈ ગયું હતું, જે હિરેન પરની શંકાને મજબૂત કરતું હતું. બીજી તરફ 2 ઓગસ્ટ, 2007ના રોજ સ્નેહલનો ગાયબ થયેલો ફોન કાંદિવલીની એક સ્ટેશનરીની દુકાનમાંથી મળી આવ્યો. દુકાનદાર મનસુખ પાટીલે જણાવ્યું કે 31 જુલાઈના રોજ એક અજાણ્યા શખ્સે તેને આ ફોન 3,500 રૂપિયામાં વેચ્યો હતો. આ બાબત પોલીસ માટે નવી દિશા ખોલનારી હતી. પોલીસ દ્વારા તરત જ દુકાનદાર પાસેથી મોબાઈલ વેચનાર વ્યક્તિનો સ્કેચ તૈયાર કરવામાં આવ્યો. જોકે, પોલીસ દ્વારા તૈયાર કરાયેલા સ્કેચથી પરિવાર કોઈને ઓળખી શક્યો નહીં.
તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે સ્નેહલનો ફોન કાંદિવલીની જે દુકાને વેચાયો હતો, ત્યાં લાવનાર શખ્સે પોતાની ઓળખ છુપાવવા માટે ખૂબ જ સાવચેતી રાખી હતી. તે શખ્સ કોણ હતો અને તેની પાસે સ્નેહલનો મોબાઈલ કેવી રીતે પહોંચ્યો, તે કડી આખા કેસની સૌથી મોટી ચાવી બની શકી હોત. જોકે, તે શખ્સનો સ્કેચ બનાવવા છતાં પણ કોઈ નક્કર ઓળખ મળી શકી નહીં. આ પાસાએ એવો પ્રશ્ન ઊભો કર્યો કે શું આ માત્ર કોઈ એકતરફી પ્રેમીનું કૃત્ય હતું કે પછી તેની પાછળ કોઈ વ્યાવસાયિક ગુનેગાર અથવા સોપારી આપનાર ટોળકીનો હાથ હતો? મોબાઈલ ફોનનું વેચાવું એ સૂચવે છે કે હત્યારો એવા પુરાવાઓથી પીછો છોડાવવા માંગતો હતો જે તેનું લોકેશન ટ્રેક કરી શકે.
જેમ જેમ તપાસ આગળ વધી, તેમ તેમ ગાવરે પરિવારના આંતરિક સંબંધોની તિરાડો પણ સામે આવવા લાગી.
હિન્દુરાવ ગાવરેના સાઇકોલોજિકલ પ્રોફાઇલિંગ દરમિયાન એવાં તથ્યો બહાર આવ્યાં કે તેઓ પોતાની પત્નીના ચરિત્ર પર શંકા કરતા હતા અને પરિવારમાં ભારે તણાવ હતો. તેમની મોટી દીકરી શીતલે તો ભૂતકાળમાં પિતા વિરુદ્ધ મારપીટની ફરિયાદ પણ નોંધાવી હતી. આ પાસાએ તપાસને એક નવી દિશા આપી, પણ કોઈ નક્કર પુરાવો મળ્યો નહીં. આ દરમિયાન હિરેન રાઠોડને BEOSP (બ્રેઈન ઇલેક્ટ્રિકલ ઓસિલેશન સિગ્નેચર પ્રોફાઇલિંગ) ટેસ્ટ માટે લઈ જવામાં આવ્યો. આ આધુનિક વૈજ્ઞાનિક ટેસ્ટનાં પરિણામો અત્યંત આઘાતજનક હતાં. રિપોર્ટ મુજબ જ્યારે હિરેનને હત્યાનાં દૃશ્યો અને વિગતો વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેના મગજમાં રહેલા ન્યુરોન્સે એવી પ્રતિક્રિયા આપી જે માત્ર ગુનામાં સીધી રીતે સંકળાયેલી વ્યક્તિની જ હોઈ શકે. રિપોર્ટમાં સ્પષ્ટપણે લખાયું હતું કે હિરેનને સ્નેહલ પર હુમલો કરવા અને તેને બેડમાં પૂરવા અંગેનું `અનુભવજન્ય જ્ઞાન' હતું.
આ કેસમાં મનોવૈજ્ઞાનિક પાસાંઓ પણ ખૂબ જ મહત્ત્વનાં રહ્યાં છે. તપાસ દરમિયાન ચાર મુખ્ય પાત્રો - હિરેન રાઠોડ, હિન્દુરાવ ગાવરે, કલ્પના ગાવરે અને તેમના સંબંધી અનિલ જવળેકરના પોલિગ્રાફ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ ટેસ્ટમાં કલ્પનાબહેન અને અનિલ જવળેકર `સત્યવાદી' જણાયાં હતાં, પરંતુ હિન્દુરાવના પ્રતિભાવો અનિર્ણાયક રહ્યા હતા. આ બાબતે પોલીસને લાંબા સમય સુધી દ્વિધામાં મૂકી દીધી હતી. પરિવારની આંતરિક ખેંચતાણ અને કલ્પનાબહેન સાથેના હિન્દુરાવના અણબનાવે તપાસમાં અનેક આડ રસ્તાઓ ઊભા કર્યા હતા, જેના કારણે મુખ્ય હત્યારા સુધી પહોંચવામાં કીમતી સમય વેડફાઈ ગયો હોય તેમ લાગી રહ્યું હતું.
હિરેન 2008માં અમેરિકા ભણવા જતો રહ્યો હતો, પણ 2010માં પિતાના અવસાન વખતે ભારત પરત ફરતાં જ તેની ધરપકડ કરવામાં આવી. તેણે શરૂઆતમાં નાર્કો એનાલિસિસ ટેસ્ટ માટે સંમતિ આપી હતી, પરંતુ કાયદાકીય છટકબારીઓનો ઉપયોગ કરીને પાછળથી પોતાની સંમતિ પાછી ખેંચી લીધી. તપાસ દરમિયાન અનેક નવા વળાંકો આવ્યા, જેમાં ગાયબ થયેલું હાજરીપત્રક સૌથી મોટો કોયડો રહ્યો. વારંવાર પૂછપરછ છતાં કંપનીએ જણાવ્યું કે તે દિવસનું પત્રક ગમે તેટલા પ્રયત્નો છતાં મળી શક્યું નથી. આ એક એવી કડી હતી જે હિરેનના `અલીબી'(ઘટના સમયે બીજે હોવાનો દાવો)ને સાબિત કરી શકત અથવા ખોટો પાડી શકત. આ ઉપરાંત સ્નેહલના ફોનમાંથી મળેલ બ્લેન્ક મેસેજ અને ત્યારબાદ તે ફોનનું કાંદિવલી જેવી દૂરની જગ્યાએ વેચાવું એ સૂચવે છે કે આ કોઈ પૂર્વ-નિયોજિત કાવતરું હતું.
કાયદાકીય ગૂંચવણો પણ આ કેસમાં ઓછી નહોતી. પુરાવાઓની કમીનો લાભ લઈને પોલીસે બે વાર `કલમ 169' (પુરાવાના અભાવે આરોપીને છોડવા) હેઠળ રિપોર્ટ રજૂ કર્યો, પણ કલ્યાણની અદાલતે દર વખતે આકરી ટિપ્પણી કરતાં કહ્યું કે, `તપાસ અત્યંત અસંતોષકારક છે અને હજુ પણ ઊંડાણપૂર્વક તપાસની જરૂર છે'. કોર્ટે ખાસ કરીને BEOSP ટેસ્ટનાં પરિણામો અને રજિસ્ટરના ગાયબ થવાની બાબતને શંકાસ્પદ માની હતી. હિન્દુરાવ ગાવરેએ પણ શરૂઆતમાં કેસ બંધ કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે તેમને તેમની દીકરીના સાચા હત્યારાનું નામ જાણવાનો અધિકાર છે.
આજે દોઢ દાયકાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં, સ્નેહલ ગાવરેનો કેસ ભારતના ક્રાઈમ ઇતિહાસમાં એક વણઉકેલાયેલું અને દર્દનાક રહસ્ય બનીને રહ્યો છે. એ પ્રશ્ન આજે પણ અકબંધ છે કે ધોળા દિવસે, પોતાના જ સુરક્ષિત ઘરમાં, એક યુવતીને આટલી ક્રૂરતાથી મોતના મોઢામાં કોણે ધકેલી? શું તે પ્રેમમાં મળેલી નિષ્ફળતાનો બદલો હતો, કે પછી પરિવારના કોઈ અંગત કલહનું પરિણામ? આ કેસની અસરો માત્ર ન્યાય પૂરતી મર્યાદિત નથી, પણ તે મધ્યમવર્ગીય સુરક્ષાના ખ્યાલ પર પણ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકે છે. પોલીસ ડાયરીમાં આ કેસ આજે પણ `A' સમરી હેઠળ છે. એટલે કે ગુનો સાચો છે, પણ ગુનેગાર પકડાયો નથી.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
