મહાભારત એ માત્ર એક પૌરાણિક કથા નથી, પરંતુ જીવનના દરેક પાસાં માટે એક માર્ગદર્શિકા છે. ખાસ કરીને શાંતિપર્વમાં પિતામહ ભીષ્મે યુદ્ધના મેદાનમાં ઘાયલ થયા બાદ ધર્મરાજ યુધિષ્ઠિરને જે જ્ઞાન આપ્યું તે અજોડ છે.

તેમણે રાજનીતિ, કૂટનીતિ અને નેતૃત્વની જે વાતો કરી, તે આજે પણ એટલી જ પ્રસ્તુત છે જેટલી તે સમયે હતી. ભીષ્મના ઉપદેશનો સાર એ છે કે એક સાચા લીડર માટે નિર્ણયશક્તિમાં સ્થિરતા કરતાં વિવિધતા અને પરિસ્થિતિ અનુસાર બદલવાની ક્ષમતા વધુ મહત્ત્વપૂર્ણ છે. આજના ઝડપી અને અસ્થિર વિશ્વમાં આ ઉપદેશો આધુનિક લીડર્સ માટે અમૂલ્ય માર્ગદર્શન પૂરું પાડે છે.

ભીષ્મ પિતામહ ભારપૂર્વક જણાવે છે કે એક લીડર ક્યારેય એક જ ફોર્મ્યુલાને વળગી ન રહેવો જોઈએ. તેમણે કહ્યું છે કે જેમ એક વૈદ્ય રોગ અને દર્દીની પ્રકૃતિ અનુસાર દવા બદલે છે, તેમ એક લીડર પણ પરિસ્થિતિ, વ્યક્તિઓ અને પડકારો અનુસાર પોતાની નીતિઓ અને નિર્ણયો બદલવા જોઈએ. આજના કોર્પોરેટ જગતમાં કોઈ એક સ્ટ્રેટેજી કાયમી સફળતાની ગેરંટી નથી. કોરોના જેવી મહામારી, ટેક્નોલોજીમાં સતત પરિવર્તન અને બજારની ગતિશીલતાને કારણે લીડર્સે સતત નવા સંજોગોને અનુકૂળ થવું પડે છે. જે લીડર જૂની પદ્ધતિઓ પર અડગ રહે છે, તે પોતાની સંસ્થાને પાછળ ધકેલે છે. ભીષ્મના કહેવા મુજબ લીડર્સે દંડ (સજા), ભેદ (વિભાજન), સામ (સમાધાન) અને દાન (લાંચ/ભેટ) - આ ચાર નીતિઓનો ઉપયોગ સંજોગો અનુસાર કરવો જોઈએ. આ નીતિઓનો ઉપયોગ ક્યારે, ક્યાં અને કેવી રીતે કરવો તે સમજવું એ જ સાચા નેતૃત્વની નિશાની છે.

ભીષ્મ પિતામહનો બીજો મહત્ત્વનો ઉપદેશ એ છે કે લીડર્સે ક્યારેક કઠોર બનવું પડે, તો ક્યારેક નરમ. તેમણે કહ્યું કે માત્ર દયાવાન રહેવાથી કામ નથી ચાલતું, કારણ કે દુષ્ટ લોકો દયાને નબળાઈ માને છે. તેવી જ રીતે માત્ર કઠોર બનવાથી પણ સંસ્થામાં ભયનું વાતાવરણ ઊભું થાય છે, જે આખરે સહકાર અને નવીનતાનો નાશ કરે છે. આજના લીડર્સે પણ આ વાતને સમજવી જોઈએ. એક તરફ તેમને મુશ્કેલ નિર્ણયો લેવા પડે છે. જેમ કે, કોઈ વિભાગ બંધ કરવો, છટણી કરવી અથવા નબળી કામગીરી કરનારા કર્મચારીઓ સામે કડક પગલાં લેવાં. બીજી તરફ તેમને પોતાના કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા, તેમની પ્રશંસા કરવી અને તેમના પડકારો સમજવા માટે નરમ વલણ અપનાવવું પડે છે. આ બે અલગ અલગ અભિગમો વચ્ચે સંતુલન જાળવવું એ આધુનિક લીડર્સ માટે એક મોટો પડકાર છે. ભીષ્મ કહે છે કે જે લીડર આ બંને શક્તિઓનો સમન્વય કરી શકે છે, તે જ સાચી પ્રગતિ કરી શકે છે.

વળી, ભીષ્મ એ પણ સમજાવે છે કે લીડર્સે પોતાના નિર્ણયોમાં સ્થિરતા અને પરિવર્તનશીલતા વચ્ચે સંતુલન જાળવવું જોઈએ. સ્થિરતા એટલે મૂળ સિદ્ધાંતો અને નૈતિક મૂલ્યો પ્રત્યેની પ્રતિબદ્ધતા. ભલે સંજોગો ગમે તેટલા બદલાય, એક લીડરનાં નૈતિક મૂલ્યો અને નીતિઓ સ્થિર રહેવાં જોઈએ. ઉદાહરણ તરીકે, ભીષ્મે હંમેશાં ધર્મ અને સત્યને સર્વોચ્ચ માન્યાં. આજના લીડર્સ માટે આનો અર્થ એ છે કે, સંસ્થાનાં મૂળ મૂલ્યો જેમ કે, અખંડિતતા, ગ્રાહકસેવા અને સામાજિક જવાબદારી હંમેશાં અચલ રહેવાં જોઈએ. બીજી બાજુ પરિવર્તનશીલતા એટલે વ્યૂહરચના અને કાર્યપદ્ધતિમાં બદલાવ લાવવાની ક્ષમતા. જો બજારની માંગ બદલાય, તો લીડર્સે નવી પ્રોડક્ટ્સ અને સર્વિસીસ રજૂ કરવી જોઈએ. જો ટેક્નોલોજી અપગ્રેડ થાય, તો લીડર્સે પોતાની ટીમ અને સંસાધનોને પણ અપડેટ કરવાં જોઈએ. આ પરિવર્તનશીલતા જ સંસ્થાને કાયમી ટકી રહેવામાં મદદ કરે છે.

ભીષ્મ પિતામહનું શાંતિપર્વમાં વર્ણન એ પણ દર્શાવે છે કે લીડર્સે પોતાના નિર્ણયો લેતા પહેલાં વિવિધ દૃષ્ટિકોણોને ધ્યાનમાં લેવા જોઈએ. તેમણે યુધિષ્ઠિરને કહ્યું કે એક લીડરે તેના સલાહકારો, મંત્રીઓ અને પ્રજાનાં મંતવ્યોને સાંભળવાં જોઈએ. એક નિર્ણય લેતા પહેલાં તેનાં તમામ પાસાંઓ પર વિચાર કરવો જોઈએ. આજના સંદર્ભમાં આનો અર્થ એ થાય છે કે લીડર્સે પોતાની ટીમના સભ્યો સાથે ખુલ્લા મનથી વાતચીત કરવી જોઈએ. વિવિધ વિભાગોના વડાઓ, જુનિયર કર્મચારીઓ અને ગ્રાહકોના ફીડબેકને ગંભીરતાથી લેવા જોઈએ. જ્યારે કોઈ લીડર એકપક્ષીય રીતે નિર્ણય લે છે, ત્યારે તે ઘણીવાર ભૂલો કરે છે અને તેની સંસ્થાને નુકસાન પહોંચાડે છે. આ વિવિધતા જ એક લીડરને મજબૂત બનાવે છે.

મહાભારતના શાંતિપર્વમાં ભીષ્મ પિતામહ દ્વારા અપાયેલા ઉપદેશો આધુનિક લીડર્સ માટે એક શાશ્વત માર્ગદર્શિકા છે. તેમણે માત્ર રાજકીય નેતાઓ માટે જ નહીં, પરંતુ દરેક એવા વ્યક્તિ માટે જે કોઈ સંસ્થા, પરિવાર કે દેશનું નેતૃત્વ કરે છે, તેમના માટે એક અમૂલ્ય વારસો છોડ્યો છે. ભીષ્મનો ઉપદેશ સ્પષ્ટ છે : નિર્ણયશક્તિ એ સ્થિરતા અને દૃઢતા કરતાં વધુ પરિસ્થિતિગત અને અનુકૂલનશીલ હોવી જોઈએ. આજના લીડર્સે આ વાતને હૃદયપૂર્વક અપનાવવી પડશે. જે લીડર સમય, સંજોગો અને જરૂરિયાત અનુસાર પોતાના નિર્ણયોમાં વિવિધતા લાવવાની ક્ષમતા ધરાવે છે, તે જ સફળતાના શિખરે પહોંચી શકે છે અને લાંબા ગાળા સુધી પોતાની પ્રાસંગિકતા જાળવી શકે છે. જેઓ સિદ્ધાંતોનાં પોટલાં બાંધીને ફરશે એ ત્યાંના ત્યાં રહી જશે.