સ્ત્રીને એક જીવતી વ્યક્તિ તરીકે નહીં, પરંતુ પુરુષનાં મન અને દેહને બહેલાવનાર રમકડા તરીકે જોવામાં આવે છે. આ છે સ્ત્રીની ગુલામીનું મુખ્ય કારણ. આમાં થાય છે એવું કે સ્ત્રી આ ગુલામી સામે લડવાને બદલે આ જ ગુલામીનો લાભ લઈને, પોતાના દેખાવને વધુ ને વધુ ઇચ્છનીય બનાવીને, પુરુષોને પોતાના રૂપ વડે ઘેલા બનાવીને તેના પર પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરવાના ખેલમાં ડૂબેલી રહે છે. એ જોઈને પુરુષોમાં જાગે છે ઈર્ષ્યા.
પત્નીની હત્યા કરનાર પોઝ્નીશેફ (ટોલ્સ્ટોયની લઘુનવલ `ક્રોત્ઝર સોનાટા'નો નાયક) એક ટ્રેનયાત્રા દરમિયાન કોઈ અજાણ્યા સહયાત્રીને આખી ખૂનકથા કહેતી વખતે ઉપર મુજબની વાત કર્યા બાદ ઇર્ષ્યાના ઊંડા સ્તરોને ખોલતા કહે છે,
ઇર્ષ્યા એ લગ્નજીવનનું એક એવું રહસ્ય છે, જેને બધાં જ પતિ-પત્ની જાણતાં પણ હોય છે અને છુપાવતાં પણ હોય છે. ઇર્ષ્યાને લીધે પતિ-પત્નીમાં એકમેક પ્રત્યે ધિક્કાર જાગે. ઈર્ષ્યા એમનાં મગજ બગાડે. લગ્નજીવનનાં અત્યંત ઊંડાં જખમોના મૂળમાં હોય છે ઇર્ષ્યા. પતિ-પત્ની બંને અંદરખાને સ્વીકારી પણ લે કે ઇર્ષ્યા એમના લગ્નજીવનમાં ઝેર ઘોળી રહી છે અને સાથોસાથ એવું પણ વિચારે કે આવું તો કેવળ અમારી સાથે જ થઈ રહ્યું છે. બધાનું લગ્નજીવન અમારા જેવું દુઃખી નહીં હોય.
મેં પણ આવું જ માની લીધેલું. આવું થવું સ્વાભાવિક હતું. જે પતિ-પત્ની નૈતિક નથી (જે કેવળ વાસનાપૂર્તિથી જ બંધાયેલાં છે, જેઓ કેવળ બાળકો પેદા કરવા માટેના સેક્સ પર અટકતાં નથી, જેઓ સંયમી નથી) તેઓ ઇર્ષ્યાથી બચી જ ન શકે. બંને પક્ષ જ્યારે અંદરખાને એવું સ્વીકારી લે કે અમારા બંનેમાંથી દૂધે ધોયેલું કોઈ નથી, ત્યાર પછી શરૂ થાય ઇર્ષ્યાનો ખતરનાક ખેલ. તેઓ એકમેકને શંકાની નજરે જોવા લાગે. બહુ ભયંકર હોય છે આ ઇર્ષ્યાપ્રેરિત શંકા અને હા, અહીં હું સકારણ ઇર્ષ્યાની તો વાત જ નથી કરી રહ્યો (જેમાં સ્ત્રી કે પુરુષ ખરેખર લગ્નબાહ્ય સંબંધો ધરાવતાં હોય), હું વાત કરી રહ્યો છું એ ઇર્ષ્યાની જેનો કોઈ આધાર નથી હોતો. પતિ-પત્ની વાસ્તવમાં એકમેકને વફાદાર હોય અને છતાં સતત એવી આશંકા સળવળતી રહે કે જીવનસાથી બીજા કોઈ સાથે પણ જોડાયેલ છે કે પછી જોડાવા માટે તત્પર છે. આવી ઇર્ષ્યા પાછળ કોઈ નક્કર કારણ ન હોવાને કારણે તેનો પછી કોઈ અંત પણ નથી હોતો. એ નિરાધાર ઇર્ષ્યા અનરાધાર વર્ષ્યા કરે. આ અકારણ ઇર્ષ્યા ભયંકર હોય છે. ભયંકર એ જ છે સાચો શબ્દ.
થાય એવું કે કોઈ જુવાનીયો મારી પત્ની સાથે વાત કરે અને એની સાથે હસે ત્યારે મને એવું લાગે કે પેલો મારી પત્નીનું આખું શરીર માપી રહ્યો છે. પછી મને ચડે દાઝઃ એ માણસ મારી પત્ની વિશે વિચારી જ કઈ રીતે શકે? મારી પત્ની સાથે રોમેન્ટિક સંબંધ બાંધવાની શક્યતા એના મનમાં ઊગી જ કઈ રીતે શકે? અને આ બધું જોવા-જાણવા છતાં મારી પત્ની શા માટે એને વેઠી લે છે? માત્ર વેઠી જ નથી લેતી, એને મજા પણ આવે છે. એટલું જ નહીં, પેલા જુવાનની ખાતર એ મુશ્કેલી વહોરી લેવા પણ તૈયાર થાય છે. પછી મને મારી પત્નીના એક એક શબ્દ પર, પ્રત્યેક ચેષ્ટા પર ભયંકર દાઝ ચડે. પત્ની મારા આ ધૂંધવાટની ખબર પડવા છતાં એ તો એકદમ મોજમાં હોય. એ જોઈને મારો એના પ્રત્યેનો ધિક્કાર દસ ગણો વધી જાય. જોકે, હું મારા ધિક્કારને વ્યક્ત ન કરું, કારણ કે છેક ઊંડે મને ખબર હોય કે મારી ઇર્ષ્યા અકારણ છે (હું ધારું છું એવો કોઈ સંબંધ મારી પત્ની અને પેલા યુવક વચ્ચે નથી). એટલે હું શાંત રહું. જાણે કશી સમસ્યા છે જ નહીં એવો દેખાડો કરું અને પેલા યુવકને વધારે પડતાં માન-આદર પણ આપું.
પરંતુ અંદરખાને મારી અંદર ગુસ્સો ખદબદે. પેલો યુવક ઘરમાં બેઠો હોય ત્યારે મને કમરો છોડી જવાની ઈચ્છા થાય. ભલે બંને બેસે એકલાં અને ખરેખર હું ક્યારેક આવું કરું પણ ખરો. હું બહાર જતો રહું, પણ જેવો હું કમરામાંથી બહાર નીકળું કે તરત મારું મન એ વિચારવા લાગે કે અંદર શું ચાલી રહ્યું હશે. એટલે હું પાછો કોઈ ક્ષુલ્લક કારણ ઊભું કરીને કમરામાં પાછો જાઉં. ક્યારેક વળી કમરામાં પાછા જવાને બદલે દરવાજા પાસે કાન ધરીને ઊભો રહું. આવા સમયે મને એ વાતે ગુસ્સો ચડે કે શા માટે મારી પત્ની પોતાની જાતને અને મને આવી રીતે અપમાનિત કરે છે. શા માટે એ મને શંકા અને જાસૂસીની આવી કાયરતાપૂર્ણ અને હીન પ્રવૃત્તિ માટે પ્રેરે છે.
અને પેલો માણસ? એ તો બધા પુરુષો જેવો જ પુરુષ હોય. એ પણ એવો જ વ્યભિચારી હોય, જેવો હું લગ્ન પહેલાં હતો. એને તો મજા પડે. મારી સામે જોઈને એ મલકે પણ ખરો. જાણે મને કહી રહ્યો હોય કે આ બધામાં તારે શું લેવાદેવા? હવે મારો વારો છે.
આ અનુભૂતિ બહુ ત્રાસજનક હોય છે. આ જલન અસહ્ય હોય છે. એકવાર મને એવી શંકા જાય કે આ માણસ મારી પત્નીને વાસનાભરી નજરે જોઈ રહ્યો છે ત્યાર પછી જિંદગીમાં ક્યારેય એ માણસને હું એક સામાન્ય મનુષ્ય તરીકે જોઈ શકતો નથી. એ માણસના આખા શરીર પર એસિડનો છંટકાવ થયો એવું મને લાગે. હું પછી એની સાથે અગાઉ જેવો સાદો માનવીય સંબંધ અનુભવી જ ન શકું. એને જોતાંની સાથે જ મારી આંખમાં તિખારો ઝબકે.
કોઈને એવું લાગી શકે કે લેખક ટોલ્સટોય અહીં ઇર્ષ્યાનું જરા વધારે પડતું આકરું વર્ણન કરી રહ્યા છે, પણ જોવાનું એ છે કે આ તો હજુ શરૂઆત છે. ઇર્ષ્યા પુરુષ ઉપરાંત સ્ત્રીને કઈ રીતે પીડે છે એનું વર્ણન તો લેખકે આનાથી પણ વધુ ધારદાર રીતે કર્યું છે. એ વર્ણન આવતા અંકે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
