વિશ્વમાં અનેક એવાં સ્થળો આવેલાં છે, જે પોતાના ઇતિહાસ અથવા તો પૌરાણિક કથાઓ માટે જાણીતાં છે, પરંતુ એક જ સ્થળમાં ઇતિહાસ, પૌરાણિક કથાઓ અને વિજ્ઞાનનો અદ્દભુત સંગમ હોય એવું ભાગ્યે જ જોવા મળે. એ સ્થળ ગ્રીસના પર્વતોમાં આવેલું છે, જેનું નામ ડેલ્ફી. આ એક એવું રહસ્યમય સ્થળ છે જેને ગ્રીક લોકો ઓમ્ફાલોસ એટલે કે વિશ્વની નાભિ માનતા હતા. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન પામેલ છે. ડેલ્ફીનો ઇતિહાસ 3500 વર્ષ જૂનો છે.
વિશ્વની નાભિ : ડેલ્ફી
ડેલ્ફીમાં એવું તે શું છે કે તેને વિશ્વની નાભિ તરીકે ઓળખવામાં આવે છે, એવો સવાલ આપણાં મનમાં ઉદ્દભવે તો એ પાછળ ગ્રીક માન્યતા રહેલી છે. જે અનુસાર દેવતાઓના રાજા ઝિયસે વિશ્વના બે છેડેથી બે ગરુડ ઉડાડ્યાં હતાં. આ બંને પક્ષીઓ એક જ જગ્યાએ એકબીજાને મળ્યાં તે સ્થળ એટલે ડેલ્ફી. તેથી તેને ઓમ્ફાલોસ એટલે કે પૃથ્વીની નાભિ તરીકે ઓળખવામાં આવે છે.
ડેલ્ફી અને એપોલો દેવ
ડેલ્ફી મુખ્યત્વે સૂર્ય, કલા અને ભવિષ્યવાણીના દેવ એવા એપોલોને સમર્પિત હતું. અહીંનું સૌથી મોટું આકર્ષણ જો કોઇ હોય તો એ ડેલ્ફીનું ઓરેકલ હતું. સામાન્ય રીતે મંદિરમાં પૂજારી હોય છે, પરંતુ એ સમયમાં અહીં પૂજારણ હતી, જેને પિથિયા કહેવામાં આવતી હતી. આ પિથિયા દેવની પૂજા કરતી હતી અને એવું માનવામાં આવતું કે એપોલો દેવ પોતે પેથિયા દ્વારા બોલે છે. રાજાઓ, સેનાપતિઓ અને સામાન્ય લોકો કોઇ મહત્ત્વનો નિર્ણય લેતા પહેલાં અથવા તો યુદ્ધમાં ઊતરતાં પહેલાં પિથિયાની સલાહ લેવા જતા હતા. પિથિયા કોઇ રહસ્યમય ધુમાડાની વચ્ચે બેસીને મૂર્છિત અવસ્થામાં જે શબ્દો બોલતી, તેનો અર્થ સમજાવવા ત્યાં વિદ્વાન પંડિતો રહેતા હતા.
ડેલ્ફીનાં સ્થાપત્યો
ડેલ્ફી પર્વતોની વચ્ચે આવેલું હોવા છતાં ત્યાં અદ્ભુત સ્થાપત્યોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. એમાં એપોલોનું મંદિર મુખ્ય હતું, કારણ કે તે ડેલ્ફીનું કેન્દ્રબિંદુ હતું. આ મંદિરનું ખાસ અસ્તિત્વ રહ્યું નથી, તેમ છતાં વિશાળ સ્તંભો ગ્રીક સ્થાપત્યકલાની ગવાહી પૂરે છે. પર્વતના ઉપરના ભાગમાં થિયેટર બનાવવું એ પણ હજારો વર્ષ પહેલાં જ્યારે અત્યાર જેવાં આધુનિક સાધનો નહોતાં ત્યારે એ અઘરું હતું. તેમ છતાં ડેલ્ફીનું થિયેટર બનાવવામાં આવ્યું હતું. એ પણ ચારસો-પાંચસો નહીં પણ પાંચ હજારથી વધારે લોકોની ક્ષમતા ધરાવતું હતું. એટલું જ નહીં, આખા ડેલ્ફીનો અદ્ભુત નજારો અહીંથી જોવા મળતો હતો. સોનુ અને અન્ય કીમતી ખજાનાને સાચવવા માટે ગ્રીકના લોકો નાનાં મંદિરો જેવી ઇમારતો બનાવતા હતા. એવું કહેવાય છે કે ઘણી રમતોની શરૂઆત પ્રાચીન ગ્રીકમાં થઇ હતી. એમાંની એક રમત પિથિયન ગેમ્સ હતી, જે દર ચાર વર્ષે યોજવામાં આવતી હતી.
એપોલો મંદિરનાં સૂત્રો
ડેલ્ફીનમાં આવેલા એપોલો મંદિરમાં બે સૂત્રો કોતરેલાં હતાં. જેમ કે, પોતાની જાતને ઓળખો અને કોઇ પણ વસ્તુનો અતિરેક ન કરો. એનો અર્થ એ છે કે બહારની દુનિયાને જાણતા પહેલાં પોતાના આત્માને જાણવો જોઇએ. બીજું જીવનમાં સંતુલન જાળવવું જોઇએ. આ સૂત્રો આજે પણ એટલાં જ અગત્યનાં છે.
ડેલ્ફીનું પતન
ઈ.સ. પૂર્વેની સદીઓમાં ડેલ્ફીનો સુવર્ણકાળ હતો, પરંતુ રોમન સામ્રાજ્યના ઉદય અને ખ્રિસ્તી ધર્મના પ્રસાર સાથે, મૂર્તિપૂજા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. પરિણામે ચોથી સદીમાં આ સ્થળ બંધ કરી દેવામાં આવ્યું. થોડા સમય બાદ ભૂકંપ અને કુદરતી આફતોને કારણે આ ભવ્ય નગર દટાઈ ગયું હતું. 19મી સદીના અંતમાં ફ્રેન્ચ પુરાતત્ત્વવિદોએ આ સ્થળનું ખોદકામ કર્યું અને દુનિયા સમક્ષ આ ભવ્ય વિરાસત ફરીથી પ્રગટ કરવામાં આવી. આજે ડેલ્ફી એક મ્યુઝિયમ પણ ધરાવે છે, જેમાં ચેરિઓટીયર ઓફ ડેલ્ફી જેવી વિશ્વપ્રસિદ્ધ કાંસાની મૂર્તિ સચવાયેલી છે.
પ્રાચીન ગ્રીક લોકો કુદરત, ધર્મ અને બુદ્ધિવાદ વચ્ચે કેવું સરસ સંતુલન જાળવતા હતા, એ ડેલ્ફીમાંથી મળી આવેલાં અવશેષો જણાવે છે. ડેલ્ફી એ માત્ર પથ્થરોનો ઢગલો નથી, પણ માનવ વિશ્વાસ, સ્થાપત્ય અને જ્ઞાનની શોધનું પ્રતીક છે. ગ્રીસના ઇતિહાસને સમજવાની ચાવી જો કોઇ હોય તો એ ડેલ્ફી છે, તેથી પહેલાં ડેલ્ફીને સમજવું અનિવાર્ય છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
