દુનિયા ભવ્ય ઇતિહાસથી ભરેલી છે. એમાં ઇજિપ્ત એ વિશ્વની સૌથી જૂની અને સૌથી રહસ્યમય સંસ્કૃતિઓમાંની એક છે.
નાઇલ નદીના કિનારે વિકસેલી આ સભ્યતાઓ અને સ્થાપત્યો આજે પણ વિજ્ઞાનીઓ માટે સંશોધનનો વિષય છે. એમાં ડેન્ડેરા નામના સ્થળનો સમાવેશ થાય છે. ડેન્ડોરાનો ઇતિહાસ એ પથ્થરોની કોતરણી નથી, પરંતુ તે હજારો વર્ષ જૂની સંસ્કૃતિ અને જ્ઞાનનો સંગ્રહ છે.
ડેન્ડેરાનો ઇતિહાસ અને નિર્માણ
ડેન્ડેરાનો ઇતિહાસ અંદાજે ઈ.સ. પૂર્વે 2250 એટલે કે ઓલ્ડ કિંગ્ડમ જેટલો જૂનો છે. જોકે, આજે આપણે જે ભવ્ય હથોર મંદિર જોઈએ છીએ, તેનું મોટાભાગનું નિર્માણ ટોલેમિક યુગ દરમિયાન થયું હતું અને રોમન સમ્રાટોના સમયમાં તે પૂર્ણ થયું હતું. આ સ્થળ દેવી હથોરને સમર્પિત છે, જે ઇજિપ્તની સંસ્કૃતિમાં પ્રેમ, આનંદ, સંગીત અને માતૃત્વની દેવી ગણાય છે.
હથોર મંદિરની સ્થાપત્ય કલા
ડેન્ડેરા સંકુલનું મુખ્ય આકર્ષણ તેનું હથોર મંદિર છે. આ મંદિરના પ્રવેશદ્વાર પર 24 વિશાળ સ્તંભો આવેલા છે, જેની ટોચ પર દેવી હથોરનો ચહેરો ચારેય દિશામાં કોતરેલો છે. નવાઇની વાત તો એ છે કે આ મંદિરની છત આજે પણ મૂળ સ્થિતિમાં જોવા મળે છે. હા, વર્ષો વીતવાને કારણે તેની છત કાળી જરૂર થઇ ગઇ હતી, પરંતુ આધુનિક સફાઇ બાદ તેના અસલ વાદળી અને સોનેરી રંગો બહાર આવ્યા છે. આ છત પર આકાશની દેવી `નટ'નાં ચિત્રો છે, જે સૂર્યને ગળી જતી અને સવારે તેને જન્મ આપતી દર્શાવવામાં આવી છે. ખગોળશાસ્ત્રનું કેન્દ્ર : ડેન્ડેરા ઝોડિયાક
ડેન્ડેરાનો ઇતિહાસ વિજ્ઞાન સાથે ઊંડો સંબંધ ધરાવે છે. મંદિરના ઉપરના માળે આવેલી છત પર એક વર્તુળાકાર ખગોળીય નકશો મળી આવ્યો હતો, જેને `ડેન્ડેરા ઝોડિયાક' કહેવામાં આવે છે. આ નકશામાં બાર રાશિઓ, ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ અત્યંત ચોકસાઈથી દર્શાવવામાં આવી છે. તે સાબિત કરે છે કે પ્રાચીન ઇજિપ્તના લોકો ખગોળશાસ્ત્રના પ્રખર જ્ઞાની હતા. 19મી સદીમાં ફ્રેન્ચ લોકો આ મૂળ નકશો કાઢીને ફ્રાન્સ લઈ ગયા હતા, જે અત્યારે પેરિસના `લુવર મ્યુઝિયમ'માં છે.
રહસ્યમય ભોંયરાંઓ અને `ડેન્ડેરા લાઇટ'
ડેન્ડેરા મંદિરની નીચે સાંકડાં ભોંયરાંઓ આવેલાં છે, જે અત્યંત રહસ્યમય છે. આ ભોંયરાંની દીવાલો પર કોતરણીઓ મળી આવી છે. જેમાં મનુષ્યો એક વિશાળ પાત્ર જેવી વસ્તુ પકડીને ઊભેલા દેખાય છે. આ પાત્રની અંદર એક સાપ જેવી આકૃતિ લહેરાતી જોવા મળે છે, જે દેખાવમાં આધુનિક લાઇટ બલ્બ અથવા કેથોડ રે ટ્યૂબ જેવી લાગે છે. આ પાત્રનો છેડો એક કમળના ફૂલ સાથે જોડાયેલો છે અને તેની નીચે એક સ્તંભ છે, જે આધુનિક ઇન્સ્યુલેટર જેવો દેખાય છે. અનેક વૈકલ્પિક ઇતિહાસકારો અને એન્શિયન્ટ એલિનય સિદ્ધાંતના સમર્થકો માને છે કે આ કોરતરણી સાબિત કરે છે કે પ્રાચીન ઇજિપ્તના લોકો પાસે વીજળીનું જ્ઞાન હતું. જોકે, પુરાતત્ત્વવિદો તેને ધાર્મિક પ્રતીક માને છે, પરંતુ અનેક લોકો તેને `પ્રાચીન ટેક્નોલોજી'ના પુરાવા તરીકે જુએ છે. આમ, પુરાતત્ત્વવિદો અને વૈજ્ઞાનિકો આજ સુધી આ રહસ્યને ઉકેલી શક્યા નથી. આ ભોંયરાંઓ અને તેની દીવાલ ડેન્ડેરાને વિશ્વના સૌથી ચર્ચિત ઐતિહાસિક સ્થળોમાંનું એક બનાવે છે.
ક્લિયોપેટ્રા અને રોમન જોડાણ
ડેન્ડેરાના ઇતિહાસમાં રાણી ક્લિયોપેટ્રાનું વિશેષ મહત્ત્વ છે. મંદિરની પાછળની દીવાલ પર ક્લિયોપેટ્રા અને તેના પુત્ર સીઝેરિયન જે જુલિયસ સીઝરનો પુત્ર હતો તેનાં વિશાળ ચિત્રો કંડારેલાં છે. આ કોતરણી ક્લિયોપેટ્રાના અસ્તિત્વનો એક જીવંત પુરાવો છે. આ ઉપરાંત, રોમન સમ્રાટો જેવા કે ઓગસ્ટ્સ અને ટ્રાજને પણ આ સંકુલના વિકાસમાં ફાળો આપ્યો હતો, જે સ્થાપત્યમાં ગ્રીક-રોમન શૈલીનો પ્રભાવ દર્શાવે છે. ધાર્મિક અને સામાજિક મહત્ત્વ
ડેન્ડેરા માત્ર પૂજાનું સ્થળ નહોતું, પણ તે એક `સેનેટોરિયમ' પણ હતું. અહીં એક વિશાળ પવિત્ર તળાવ હતું, જેના પાણીમાં રોગ મટાડવાની શક્તિ હોવાનું મનાતું હતું. દૂર-દૂરથી લોકો અહીં શારીરિક અને માનસિક શાંતિ માટે આવતા હતા. દર વર્ષે અહીં `નવા વર્ષ'નો એટલે કે ન્યૂ યરનો ભવ્ય ઉત્સવ મનાવવામાં આવતો હતો, જેમાં દેવી હથોરની મૂર્તિને મંદિરની છત પર સૂર્યપ્રકાશ મેળવવા માટે લઈ જવામાં આવતી હતી.
આજે યુનેસ્કો અને ઇજિપ્તની સરકાર દ્વારા આ સ્થળનું જતન કરવામાં આવે છે. રેતીમાં દટાયેલું હોવાને કારણે આ મંદિર હજારો વર્ષો સુધી સુરક્ષિત રહ્યું હતું. આજે જ્યારે પ્રવાસીઓ તેના વિશાળ ખંડોમાં ફરે છે, ત્યારે તેમને પ્રાચીન ઇજિપ્તની ભવ્યતા અને તેમના ગહન જ્ઞાનનો અહેસાસ થાય છે.
ડેન્ડેરાનો ઇતિહાસ આપણને સમજાવે છે કે પ્રાચીન માનવી માત્ર પથ્થરો સાથે કામ નહોતો કરતો, પણ તે બ્રહ્માંડનાં રહસ્યોને પણ સમજતો હતો. ભલે તે કલા હોય, વિજ્ઞાન હોય કે આધ્યાત્મિકતા, ડેન્ડેરા આજે પણ માનવ સભ્યતાના સુવર્ણકાળની સાક્ષી પૂરે છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
