દુનિયાનાં સૌથી મોટાં શહેરો વિશે તમે સાંભળ્યું હશે, પરંતુ સૌથી મોટા અંડરગ્રાઉન્ડ શહેર વિશે સાંભળ્યું છે ખરું? જમીનની અંદર આખેઆખું શહેર વસ્યું છે, જેમાં 200 કરતાં વધારે ઘર હતાં અને એમાં 2000 લોકો એકસાથે રહેતા હતાં. જેને ડેરિનકુયુ અન્ડરગ્રાઉન્ડ સિટી તરીકે ઓળખવામાં આવે છે. આ સિટી તુર્કીના કેપ્પાડોસિયામાં આવેલું છે.
તુર્કીના નેવશેહિર પ્રાંતમાં અનેક અન્ડરગ્રાઉન્ડ શહેરો આવેલાં છે. એમાં ડેરિનકુયુ સૌથી મોટું અને ઊંડું છે. આ આખું શહેર જમીનની નીચે આશરે 280 ફૂટ એટલે કે 85 મીટર સુધી ફેલાયેલું છે. એમાં એક બે નહીં, પરંતુ 18 જેટલા માળ છે. આ શહેર માનવ ઇતિહાસની અકલ્પનીય એન્જિનિયરિંગ કુશળતાનું પ્રતીક છે.
ડેરિનકુયુનો ઇતિહાસ
ઇતિહાસકારોના મતે આ શહેરનું નિર્માણ આશરે 8મી કે 7મી સદી દરમિયાન ફ્રિજિયન લોકો દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. તેનો સૌથી વધારે ઉપયોગ બાયઝેન્ટાઇન યુગ વખતે ખ્રિસ્તી સમુદાય દ્વારા કરવામાં આવ્યો હતો. આ શહેર બનાવવાનો મુખ્ય હેતુ રક્ષણ હતો. એ સમયે યુદ્ધો, ધાર્મિક અત્યાચારો અને આક્રમણો સામાન્ય હતાં. જ્યારે પણ આક્રમણ થતું ત્યારે હજારો લોકો જમીનની નીચે બનેલા આ શહેરમાં શરણ લેતા અને સુરક્ષિત રહેતા હતા.
શહેરની સંરચના અને સગવડો
ડેરિનકુયુને ઘણા ગુફાઓનું શહેર કહે છે, પરંતુ આ ફક્ત ગુફા નહીં, સુવ્યવસ્થિત શહેર હતું. અહીં વીસથી ત્રીસ હજાર લોકો એકસાથે રહી શકતા હતા. તેની સુવિધાઓ એટલી અદભુત હતી કે આજના એન્જિનિયરો પણ તેને જોઇને આશ્ચર્યચકિત થઇ જાય છે. શહેરના સૌથી નીચલા સ્તર સુધી હવા પહોંચાડવા માટે 52થી વધારે વેન્ટિલેશન સિસ્ટમ એટલે કે હવાબારીઓ બનાવવામાં આવી હતી. આના કારણે ગૂંગળામણ થતી નહોતી. શત્રુઓ અંદર આવી ન શકે એ માટે દરેક માળ પર વિશાળ ગોળાકાર પથ્થરના દરવાજા હતા, જેનું વજન 200થી 500 કિલો સુધી હતું. આ દરવાજા માત્ર અંદરથી જ ખોલી કે બંધ કરી શકાતા હતા. રસ્તાઓ જાણીજોઇને એટલા સાંકડા રખાયા હતા કે આક્રમણખોરોએ એક પછી એક લાઇનમાં આવવું પડે, જેથી અંદર રહેલા લોકો સરળતાથી તેમનો સામનો કરી શકે. બીજું, રસ્તાઓ એવાં વળાંકવાળા બનાવવામાં આવ્યા હતા કે અજાણ્યો માણસ રસ્તો ભટકી જાય.
અહીં રહેવા માટેનાં ઓરડાઓ, રસોડું, અનાજ સંગ્રહ કરવાના કોઠાર અને તેલ કાઢવાની ઘાણીઓ પણ જોવા મળે છે. પીવાનું પાણી મળી રહે એટલે કૂવાઓ પણ બનાવવામાં આવ્યા હતા. પથ્થરો કોતરીને જ છાજલીઓ અને ટેબલો બનાવવામાં આવ્યા હતા. નવાઇની વાત તો એ છે કે અહીં મંદિર, પ્રાર્થનાખંડો જોવા મળે છે. આ ઉપરાંત બાળકોના શિક્ષણ માટે શાળાઓની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
ભૌગોલિક રચના અને નિર્માણની કળા
આ શહેર જે વિસ્તારમાં આવેલું છે ત્યાંની જમીન જ્વાળામુખીની રાખમાંથી બનેલા નરમ ખડકો ધરાવે છે.
આ ખડકોની વિશેષતા એ છે કે તે કોતરવામાં અત્યંત સરળ હોય છે, પરંતુ હવાના સંપર્કમાં આવતાં જ તે અત્યંત મજબૂત બની જાય છે. પ્રાચીન લોકોએ આ ભૌગોલિક સ્થિતિનો ફાયદો ઉઠાવ્યો. કોઇ પણ લોખંડના મજબૂત બીમ કે સિમેન્ટના ટેકા વગર 18 માળ સુધી નીચે જવું અને છત તૂટી ન પડે તેની તકેદારી રાખવી એ ગણિત અને ભૂમિતિના ઊંડા જ્ઞાન વગર શક્ય નથી. હજારો વર્ષો અને અનેક ભૂકંપો આવ્યા હોવા છતાં, આ શહેરનો એક પણ માળ તૂટી પડ્યો નથી, જે તેની મજબૂતી સાબિત કરે છે.
આ શહેર આઠ કિમી લાંબી ટનલ દ્વારા અન્ય શહેર સાથે જોડાયેલું હોવાની શક્યતાઓ છે.
રહસ્યમય વાત તો એ છે કે ખોદકામ દરમિયાન નીકળેલી હજારો ટન માટી ક્યાં ફેંકવામાં આવી હશે? કારણ કે બહાર ક્યાંય માટીના ઢગલા મળ્યા નથી. આ શહેર માત્ર માણસોએ જ બનાવ્યું હશે કે તેને બનાવવામાં કોઇ અન્ય અદ્યતન સભ્યતાનો હાથ હશે? આનો જવાબ આજ સુધી મળી શક્યો નથી.
ડેરિનકુયુને 1969માં પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આજે તે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો ભાગ છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો