ઉત્તરાખંડના ગઢવાલ હિમાલય વિસ્તારમાં મસૂરીથી લગભગ 24 કિલોમીટર આગળ શાંત અને સુંદર પહાડીઓની વચ્ચે આવેલું એક નાનું નગર છે. ધનૌલ્ટી. સમુદ્ર સપાટીથી લગભગ 2,286 મીટરની ઊંચાઈ પર સ્થિત આ સ્થળ એવા પ્રવાસીઓ માટે લોકપ્રિય બન્યું છે, જેઓ શહેરની દોડધામ અને ભીડભાડથી દૂર, પ્રકૃતિના ખોળામાં શાંતિપૂર્ણ સમય વિતાવવા માંગે છે. આમ તો ધનૌલ્ટીને `ઓફબીટ' એટલે કે ઓછું જાણીતું પ્રવાસન સ્થળ માનવામાં આવે છે, પરંતુ તેના ઠંડા અને શાંત વાતાવરણ, ગાઢ દેવદારનાં જંગલો અને હિમાલયનાં મનોહર દૃશ્યોને કારણે ધનૌલ્ટી એક પરફેક્ટ સ્થળ છે.
ધનૌલ્ટીની સુંદરતા અને હવામાન
ધનૌલ્ટીની સૌથી મોટી ઓળખ તેની ચારે બાજુ ફેલાયેલાં દેવદાર, ઓક અને બુરાંશ વૃક્ષોનાં ગાઢ જંગલો છે. અહીંની હવામાં એક ખાસ તાજગી હોય છે.
ઉનાળામાં (માર્ચથી જૂન) અહીંનું હવામાન ખુશનુમા રહે છે.
શિયાળામાં (ડિસેમ્બરથી ફેબ્રુઆરી) ધનૌલ્ટીમાં બરફવર્ષા થાય છે. જ્યારે આખું શહેર બરફની ચાદરથી ઢંકાઈ જાય છે, ત્યારે અહીંનું દૃશ્ય સ્વર્ગ જેવું લાગે છે. માટે બરફવર્ષાનો સુંદર નજારો માણવો હોય તો ધનૌલ્ટી ચોક્કસ જવું જ જોઈએ.
મુખ્ય આકર્ષણો
ધનૌલ્ટી નાનું હોવા છતાં અહીં ઘણાં આકર્ષક સ્થળો છે. જેમ કે,
ઈકો પાર્ક (અંબર અને ધારા)
ધનૌલ્ટીનું મુખ્ય આકર્ષણ અહીંના બે જોડિયા ઈકો પાર્ક છે, જેના નામ `અંબર' અને `ધારા' છે. આ પાર્ક દેવદાર અને ઓકનાં વૃક્ષોથી ભરેલા છે, જ્યાં તમે શાંતિથી ચાલી શકો છો. બાળકો માટે રમવાની જગ્યા છે અને અહીંથી સૂર્યાસ્ત અને સૂર્યોદયનાં અદ્ભુત દૃશ્યો જોવા મળે છે.
સુરકંડા દેવી મંદિર
ધનૌલ્ટીથી લગભગ 8 કિલોમીટર દૂર એક ઊંચી ટેકરી પર આવેલું આ મંદિર 51 શક્તિપીઠોમાંથી એક માનવામાં આવે છે. મંદિર સુધી પહોંચવા માટે લગભગ 2 કિલોમીટર ચઢાણ ચઢવું પડે છે. આ ટ્રેક થોડો મુશ્કેલ છે, પરંતુ મંદિર પરથી દેખાતા હિમાલય અને દૂન ખીણનાં દૃશ્યો મનને શાંતિ આપે છે. અહીં હવે રોપ-વેની સુવિધા પણ શરૂ થઈ ગઈ છે.
એડવેન્ચર અને કેમ્પિંગ
જેમને સાહસ એટલે કે એડવેન્ચર ગમે છે, તેમના માટે ધનૌલ્ટીની આસપાસ ઘણા એડવેન્ચર કેમ્પ આવેલા છે. અહીં ઝિપલાઈનિંગ, રૉક ક્લાઇમ્બિંગ અને કેમ્પિંગ જેવી પ્રવૃત્તિઓ કરી શકાય છે, જે અનોખા રોમાંચનો અનુભવ આપે છે.
કૌડિયા વન
આ ગાઢ જંગલ ટ્રેકિંગ અને જંગલ સફારી માટે ખૂબ જ ઉત્તમ છે. અહીં શાંતિમાં ચાલતા તમને ક્યારેક જંગલી પ્રાણીઓ પણ જોવા મળી શકે છે. કૌડિયા વનમાં જંગલ સફારી કે ટ્રેકિંગ માટે જાઓ ત્યારે નિયમોનું ચુસ્તપણે પાલન કરવું જરૂરી છે.