1974માં આવેલી નાસિર હુસેનની મલ્ટિ સ્ટારર મ્યુઝિકલ બ્લોકબસ્ટર ફિલ્મ `યાદોં કી બારત' 2 કલાક અને 44 મિનિટની હતી. એમાં ધર્મેન્દ્રના ભાગે કદાચ દસેક જેટલાં દૃશ્યો આવ્યાં હશે, પણ એટલામાંય તેમનું પર્ફોર્મન્સ એટલું વજનદાર અને પ્રભાવી હતું કે દર્શકોને આજ સુધી યાદ છે.
આ મસાલા ક્લાસિક ફિલ્મમાં ધર્મેન્દ્ર તેનો આત્મા બનીને ઊભર્યા હતા. એ એક એવી વાર્તા હતી, જેમાં યાદો અને સંગીત માત્ર થીમ નથી, પરંતુ ભાવનાત્મક ધબકાર હતો. બાળપણમાં એક હિંસક વારદાત પછી છૂટા પડી ગયેલા ત્રણ ભાઈઓ પૈકીના એક શંકરની ભૂમિકામાં ધર્મેન્દ્રએ તેમના ટ્રેડમાર્ક `કુત્તે-કમીને મૈં તેરા ખૂન પી જાઉંગા' જેવા ડાયલોગ વગર એક સંયમી પણ અસરદાર પર્ફોર્મન્સ આપ્યું હતું.
શંકરની ભીતર ભૂતકાળની યાદોનું એ દુઃખ, પરિવારનો એ વિયોગ અને ચૂપચાપ તૂટેલી બેચેની - આ બધા ભાવોએ મળીને ફિલ્મને એક એવી સચ્ચાઈ આપી હતી, જેની મસાલા સિનેમામાં ઘણી વખત અછત રહે છે. ધર્મેન્દ્ર સ્ક્રીન પર નહીં, પણ જાણે દિલના કોઈ ખૂણામાં જૂની યાદોને મમળાવે છે. તેમણે કોઈ નાટકીય ભાર વગર તેમના એ દુઃખને સરળ અને માનવીય રીતે વ્યક્ત કર્યું હતું અને એટલે જ `યાદોં કી બારાત' એક મસાલા ફિલ્મના પડછાયામાંથી ઊઠીને એક ક્લાસિકના અજવાળામાં સ્થિર થઇ ગઈ હતી.
આ ફિલ્મ માત્ર એટલા માટે જ સીમાચિહ્ન નથી કે તેમાં ગ્લેમર, રોમાંચ, રોમાન્સ અને સંગીત હતું, પણ એટલા માટે કે મન, વચન અને કર્મથી જખ્મી શંકરના કિરદારમાં ધર્મેન્દ્રએ ફિલ્મ માટે એક ભાવનાત્મક જમીન તૈયાર કરી હતી. તેમની હાજરીએ ફિલ્મની ઊંચી ઊડતી અને મોટા રંગોવાળી દુનિયાને ઊંડાઈ અને ઈમાનદારી આપી. તેમણે સાબિત કર્યું કે મસાલા ફિલ્મોને યાદગાર બનાવવા માટે લાગણીઓની ઉષ્મા જરૂરી છે, માત્ર અંદાજ, સ્ટાઇલ કે તમાશો પૂરતો નથી.
1973 સુધી ધર્મેન્દ્ર એક રક્ષક, સાહસી હી મેન તરીકે સ્થાપિત થઇ ચૂક્યા હતા. `યાદોં કી બારત' પહેલાં તેઓ `મેરા ગાંવ મેરા દેશ', `સમાધિ', `રાજા જાની', `લોફર' અને `જુગનૂ' જેવી હિટ ફિલ્મો આપી ચૂક્યા હતા.
એક જૂના ઇન્ટરવ્યૂમાં જાવેદ અખ્તર કહે છે, `નાસિર સા'બ એક મનોરંજક મ્યુઝિકલ ફિલ્મ બનાવવા ઇચ્છતા હતા. અગાઉ વાર્તા બહુ સાદી હતી. એક પિતાની હત્યા થાય છે અને તેમનાં ત્રણ બાળકો મોટાં થઈને અલગ-અલગ રસ્તા પર વળી જાય છે. પાછળથી એવું નક્કી થયું કે વાર્તામાં એક ભાવનાત્મક કડી હોવી જોઈએ અને એ રીતે એક ટાઈટલ ગીત જન્મ્યું, જે આ ત્રણે ભાઈઓને યાદ છે.'
`યાદોં કી બારત' અમિતાભ બચ્ચનની `ઝંજીર'ની પાછળ-પાછળ જ આવી હતી. મજાની વાત એ છે કે બંને ફિલ્મોની કહાનીમાં સમાનતા હતી. એક છોકરો બાળપણમાં તેના પિતાની હત્યા થતી જુએ છે અને મોટો થઈને તેનું વેર વાળે છે.
નાસીર હુસેને `રિટન બાય સલીમ-જાવેદ' પુસ્તકમાં લેખક દિપ્તકીર્તિ ચૌધરીને કહ્યું હતું, `સલીમ-જાવેદે મને અને પ્રકાશ મહેરાને એક જ પ્લોટ પકડાવી દીધો છે, તેની મને ખબર પડી ત્યારે ઘણું મોડું થઇ ગયું હતું, પરંતુ અમારાં પાત્રો અને ફિલ્મની માવજત બહુ અલગ હતી, એટલે બંને ફિલ્મો હિટ સાબિત થઇ.'
સલીમ ખાન સહમત નથી. તે કહે છે, `બંને ફિલ્મો સરખી નહોતી. માત્ર વેરની વસૂલાતના એંગલમાં સામ્ય હતું. એમ તો શોલેમાં પણ એવું હતું. અજીતની ભૂમિકાના કારણે બે ફિલ્મો સરખી લાગી હતી. અમે નાસિર હુસેનનું ધ્યાન દોર્યું હતું, પણ તેમણે કહ્યું કે બીજું કોઈ આ રોલ કરવા તૈયાર નથી.'
ફિલ્મનો પ્લોટ ખાસો દિલચસ્પ હતો. શાકાલ (અજીત) નામના સ્મગલરના એક અપરાધને સ્થાનિક પેઈન્ટર ગુલઝાર (નાસિર ખાન) જોઈ જાય છે. પેઈન્ટર પોલીસ માટે તેનું ચિત્ર બનાવી દેશે એ બીકમાં શાકાલ તેના ઘરમાં ઘૂસીને ગુલઝારને અને પતિને બચાવવા વચ્ચે આવેલી પત્નીને ગોળી મારી દે છે.
આ ખૂનખરાબામાં ગુલઝારના ત્રણ દીકરાઓ શંકર (ધર્મેન્દ્ર), વિજય (વિજય અરોરા) અને રતન (તારિક અનવર) એકબીજાથી વિખૂટા પડી જાય છે અને અલગ અલગ સંજોગોમાં મોટા થાય છે. મોટા થઈને ત્રણે એકબીજાને અને તેમનાં પેરેન્ટ્સનું ખૂન કરનારને શોધી રહ્યા છે.
એકબીજાને ઓળખવાની તેમની પાસે એક જ નિશાની છે; તેમનાં પેરેન્ટ્સે શીખવાડેલું ગીત - યાદોં કી બારાત નિકલી હૈ આ દિલ કે દ્વારે, સપનોં કી શહેનાઈ બીતે દિનોં કો પુકારે. શાકાલને શોધી રહેલા ત્રણે ભાઈઓ એકબીજાને ઘણીવાર ભટકાય છે, પણ ઓળખી શકતા નથી. મોટો ભાઈ શંકર એક શાતિર ચોર બની ગયો હોય છે અને શાકાલ જ તેને કામ પર રાખે છે.
ફિલ્મમાં ધર્મેન્દ્રની સ્ટાઇલ ખૂબ જ `કૂલ' અને રફ-એન્ડ-ટફ હતી. તેમનો કોસ્ચ્યૂમ, ડાયલોગ ડિલીવરી અને ઝિનત અમાન સાથે તેમની કેમિસ્ટ્રીએ તેમને તે સમયના પરંપરાગત `ચોકલેટી હીરો'થી અલગ ઊભા રાખ્યા હતા. તેઓ એક એવા `બેડ બોય' હતા જેને દર્શકોએ ભરપૂર પ્રેમ કર્યો હતો.
નિર્દેશક નાસિર હુસેને એક ઇન્ટરવ્યૂમાં એવું રહસ્ય ખોલ્યું હતું કે ફિલ્મનું ટાઈટલ મૌલિક નહોતું. ઉર્દૂના ખ્યાતનામ શાયર જોશ મલીહાબાદી, 1898માં અવિભાજિત ભારતમાં મલીહાબાદના યુનાઇટેડ પ્રૉવિન્સમાં એક સાહિત્યિક પરિવારમાં જન્મ્યા હતા. તેમણે સત્તા વિરોધી કવિતાઓ લખી હતી.
વિભાજન પછી જોશ થોડા સમય સુધી ભારતમાં રહ્યા. 1954માં તેમને ભારત સરકાર દ્વારા પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા, પરંતુ ઉર્દૂ ભાષાના પ્રતિબદ્ધ સમર્થક જોશ મલીહાબાદીએ અનુભવ્યું કે ભારતમાં ઉર્દૂ ભાષાનું સ્થાન રહેશે નહીં અને એટલે તે 1958માં પાકિસ્તાનમાં જઈને વસ્યા અને આખર સુધી ત્યાં રહ્યા. 1982માં 83 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું. તેમની આ સંઘર્ષયાત્રા પર તેમણે એક મશહૂર આત્મકથા લખી હતી. તેનું નામ હતું યાદોં કી બારાત.
નાસિર હુસેને આ આત્મકથા વાંચી હતી. તેમને આ નામ એટલું પસંદ આવી ગયું હતું કે તેમણે નક્કી કર્યું હતું કે સ્મૃતિઓના આધારે ભેગા થતા પરિવાર પરની ફિલ્મનું ટાઈટલ આ જ રાખશે.
`યાદોં કી બારાત'નું આર.ડી. બર્મનનું સંગીત હિન્દી સિનેમાના ઇતિહાસમાં એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. ફિલ્મનું મુખ્ય ગીત `યાદોં કી બારાત નીકલી હૈ આ' બાળપણની યાદો અને વિચ્છેદની વેદનાને જે સરળતાથી પકડે છે, તે આજે પણ એટલું જ હૃદયસ્પર્શી છે. એ ઉપરાંત `ચુરા લિયા હૈ તુમને જો દિલ કો' આશા ભોસલેએ અવાજની મીઠાશ અને પંચમની આધુનિક શૈલીના કારણે એક શાશ્વત રોમેન્ટિક ક્લાસિક બની ગયું છે. જ્યારે `લેકર હમ દીવાના દિલ' અને `આપકે કમરે મેં કોઈ રહેતા હૈ' પંચમની નવીન સર્જનાત્મક લહેર અને યુવા ઊર્જાનો પુરાવો છે.
