રણવીર સિંહ-અક્ષય ખન્ના અભિનીત નવી ફિલ્મ `ધુરંધર' અલગ અલગ કારણોસર આજકાલ ચર્ચામાં છે. એક કારણ છે સોનુ નિગમના અવાજમાં તેનું કવ્વાલી ગીત, જે વાસ્તવમાં 65 વર્ષ જૂની મશહૂર કવ્વાલીનું રિક્રિએશન વર્ઝન છે. તેના શબ્દો છે.
ના તો કારવાં કી તલાશ હૈ, ના તો હમસફર કી તલાશ હૈ,
મેરે શૌક-એ-ખાના ખરાબ કો, તેરી રહગુઝર કી તલાશ હૈ.
ભારતીય સિનેમાના લાંબા ઈતિહાસમાં કેટલાંક ગીતો એવાં છે, જે માત્ર જે તે સમયના દર્શકોને જ ગમ્યાં હતાં એટલું નહીં, બલ્કે પેઢીઓ પાર કરીને જીવિત રહ્યાં છે. 1960ની ફિલ્મ `બરસાત કી રાત'ની આ કવ્વાલી પણ એક એવું અમર સર્જન છે, જેણે સમયની સાથે તેની લોકપ્રિયતા બરકરાર રાખી છે. છ દાયકાઓ પહેલાં જન્મેલું આ ગીત ફરી ચાહકોની જબાન પર છે. તે બતાવે છે કે અસલી સર્જન ક્યારેય જૂનું થતું નથી અને દરેક યુગમાં નવા રૂપમાં સામે આવે છે.
જે સમયમાં આ ગીત આવ્યું હતું, તે સમયે ફિલ્મી સંગીત મુખ્યત્વે ત્રણથી ચાર મિનિટના સરળ, લોકપ્રિય સૂરોમાં મર્યાદિત હતું. તે સમયમાં (રાકેશ અને રાજેશ રોશનના પિતા) સંગીતકાર રોશન અને સાહિર લુધિયાનવીએ મળીને એક એવી કવ્વાલી રચી હતી, જે તેની રચનામાં ભવ્ય અને અભિવ્યક્તિમાં અદ્ભુત હતી. મોહમ્મદ રફી, મન્ના ડે, આશા ભોસલે, સુધા મલ્હોત્રા અને એસ.ડી. બર્મન જેવા મહાન અવાજોનું એકસાથે હોવું પોતે જ અનોખી ઘટના હતી. આ 12 મિનિટથી પણ લાંબી રચનાને રેકોર્ડ કરવા માટે પૂરા 24 કલાક લાગ્યા, પરંતુ આ મુશ્કેલ પ્રક્રિયા જ તેની અમરતાનો આધાર બની હતી. રોશનનાં પત્ની ઈરા મોઈત્રાએ જ્યારે આ લાંબી કવ્વાલી સાંભળી, ત્યારે તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું, જેના પર રોશને કહ્યું હતું કે, `એક દિવસ લોકો દીવો લઈને પૂછશે રોશન ક્યાં છે?' આ ભવિષ્યવાણી સમય સાથે સાચી થઈ ગઈ.
`ના તો કારવાં કી તલાશ હૈ' જ્યારે પડદા પર આવી ત્યારે તેણે સંગીતપ્રેમીઓમાં હલચલ પેદા કરી દીધી. તેની રચના સામાન્ય પ્રેમગીતોથી આગળ જઈને આત્મીય અનુભૂતિ તરફ લઈ જાય છે. આ કવ્વાલી સાંસારિક પ્રેમને સૂફિયાના રંગમાં ભેળવીને તે ઇશ્કની શોધનું પ્રતીક બની જાય છે, જે માણસને અંદરથી બદલી નાખે છે.
તમે તેને જો કાન દઈને સાંભળો, તો આ ગીતનું ધીમે-ધીમે ઊંચાઈ તરફ જવું, સ્વરોનો આપસમાં ટકરાવ, ભાવનાનો વિસ્ફોટ અને પછી `યે ઈશ્ક ઈશ્ક હૈ, ઈશ્ક ઈશ્ક'નો હૃદયસ્પર્શી પોકાર - આ બધું મળીને તેને એક આધ્યાત્મિક મંગલ ગીત બનાવી દે છે. આ જ કારણ છે કે આ કવ્વાલીને હિન્દી સિનેમા સંગીતનું `મ્યુઝિકલ માઈલસ્ટોન' ગીત કહેવામાં આવે છે, જે પ્રેમને માત્ર ભાવનાત્મક નહીં, બલ્કિ એક પરલૌકિક અનુભૂતિમાં બદલી દે છે.
`બરસાત કી રાત' મધુબાલા, ભારત ભૂષણ અને શ્યામાની એક કલ્ટ-ક્લાસિક ફિલ્મ છે. તે મધુબાલાના યાદગાર અભિનય અને રોશનના મધુર સંગીત માટે સદાબહાર ફિલ્મ છે. આ ફિલ્મ 1960ની સાલની બીજા નંબરની હિટ (પહેલા નંબરે મુઘલ-એ-આઝમ હતી) અને 60ના દાયકાની 21મી મોટી ફિલ્મ હતી.
તેની કહાની શબનમ (મધુ) અને અમાન(ભારત)ની આસપાસ ફરે છે. બંનેની મુલાકાત વરસાદની એક રાતે થાય છે. શબનમના સખત વિચારોવાળા પિતાને આ સંબંધ મંજૂર નથી. તેઓ દીકરીનો વિવાહ એક અમીર ખાનદાનમાં નક્કી કરી નાખે છે. શબનમ માટે પ્રેમ અને પરિવાર વચ્ચે એકની પસંદગીનો અને અમાન માટે પ્રેમને સાબિત કરવાનો સંઘર્ષ જન્મ લે છે. પરિસ્થિતિઓ બંનેને અલગ-અલગ રસ્તાઓ પર ધકેલી દે છે, પરંતુ પ્રેમની દોર બંધાયેલી રહે છે.
કથાનો કલાઇમેક્સ એ મશહૂર કવ્વાલી સ્પર્ધામાં આવે છે જ્યાં અમાન તેની શાયરી અને કવ્વાલ પાર્ટી સાથે મંચ પર ઊતરે છે. આ સ્પર્ધામાં જ `ના તો કારવાં કી તલાશ હૈ' અને `યે ઈશ્ક ઈશ્ક હૈ' પેશ કરવામાં આવે છે. કલા, સંગીત અને ઈશ્કના આ સંગમમાં અમાન અને શબનમનો પ્રેમ ફરીથી ઉજાગર થાય છે અને અંતે બધા સામાજિક અને પરિસ્થિતિજન્ય અવરોધો દૂર થઈ જાય છે. ફિલ્મનું સમાપન બંને પ્રેમીઓના મિલન સાથે થાય છે.
ફિલ્મમાં `જિંદગીભર નહીં ભૂલેગી' (મહોમ્મદ રફી), `ગરજત બરસત સાવન આયો રે' (સુમન કલ્યાણપુર- કમલ બારોટ), `જી ચાહતા હૈ ચૂમ લૂ' (આશા ભોસેલે, સુધા મલ્હોત્રા), `મૈંને શાયદ તુમ્હેં પહલે ભી' (રફી) અને `મુઝે મિલ ગયા બહાના' (લતા મંગેશકર) જેવાં ખૂબસૂરત ગીતો પણ હતાં, પરંતુ તેમાં મુગટ જેવું તો `ના તો કારવાં કી તલાશ હૈ' હતું. સંગીતની બદલતી ધૂનો વચ્ચે પણ આ ગીત તેના આત્માના દમ પર જીવતું રહ્યું છે. તે હર એક વ્યક્તિમાં ફરીથી જન્મ લેતું રહ્યું છે, જેણે તેને પહેલીવાર સાંભળ્યું. જેમ કે, `ધુરંધર' જોવાવાળી નવી પેઢી.
જોકે, `ધુરંધર'માં તેનું રૂપ મૂળ કવ્વાલી જેવું નથી. તેમાં પરંપરાગત સૂફિયાના રૂપને આધુનિક સંગીત સાથે મિક્સ કરવામાં આવ્યું છે. બીટ્સ, સિનેમેટિક અવાજો, ઇલેક્ટ્રોનિક ટેક્સચર અને ક્યારેક ધાત્વિક (મેટાલિક) સાઉન્ડ. હવે તે પ્રેમની આધ્યાત્મિક ખોજનું નહીં, પરંતુ એવા એક હીરોની ખુદની તલાશનું પ્રતીક બની ગયું છે, જે હિંસા અને અરાજકતાથી ભરેલી દુનિયામાં પોતાનો રસ્તો શોધી રહ્યો છે. એ રીતે આ ગીત એક મનોવૈજ્ઞાનિક બેચેની, ઓળખ અને સંઘર્ષનું ગીત બનીને ઊભર્યું છે. આ બદલાવ દર્શાવે છે કે મહાન કલા કેવા નવા સંદર્ભોમાં પણ પોતાની જગ્યા બનાવીને ખુદને પુનર્જીવિત કરી લે છે.
આ ગીતની અહેમિયત એટલા માટે પણ છે, કારણ કે તેનું સ્વરૂપ ઇસ્લામિક કવ્વાલીનું હોવા છતાં,
સાહિર લુધિયાનવીએ તેમાં સૂફી અને હિંદુ ભક્તિ પરંપરાનું સુંદર મિશ્રણ કર્યું છે. અડધા ઉપરનું ગીત ઈશ્કની વાતો કરે છે અને તે પછી સાહિર `ઈશ્ક કી રાહ'ને `ડગર પનઘટ કી'માં બદલે છે. શબ્દો જુઓ;
ઈશ્ક ના પુચ્છે દીન ધરમ નૂ, ઈશ્ક પુચ્છે જાતાં
ઈશ્ક કે હાથોં ગરમ લહૂ વિચ, દુબિયાં લખ બરાતાં
રાહ ઉલ્ફત કી કઠિન હૈ ઇસે આસાં ના સમઝે
બહુત કઠિન હૈ ડગર પનઘટ કી, અબ ક્યા ભર લાઉં મૈં જમુના સે મટકી
મૈં જો ચલી જલ જમુના ભરન કો, નંદકિશોર મોહે રોકે ઝાડોં તો
ક્યા ભર લાઉં મૈં જમુના સે મટકી, અબ લાજ રાખો મોરે ઘૂંઘટ કી
છેલ્લે સાહિર લખે છે,
ખાક કો બુત ઔર બુત કો દેવતા કરતા હૈ ઈશ્ક
ઇન્તહા યે હૈ કે બંદે કો ખુદા કરતા હૈ ઈશ્ક
(પ્રેમ માટીને મૂર્તિ અને મૂર્તિને દેવતા બનાવી દે છે, તેની પરાકાષ્ઠા એ છે કે તે એક સાધારણ માણસને ઈશ્વર બનાવી દે છે.)
