21ફેબ્રુઆરીના રોજ માતૃભાષા દિવસ અને 27 માર્ચે વિશ્વ રંગભૂમિ દિવસ આવે છે. માતૃભાષા દિવસે નિષ્ઠાપૂર્વક, ગુજરાતી સહિત પોતપોતાની રોજિંદી લેખન કે બોલચાલ(બોલી)માં અન્ય ભાષા અને તેમાંય ખાસ કરીને અંગ્રેજી ભાષાના શબ્દોની ઘૂસણખોરી બાબતે વાજાંવાળાઓની જેમ નાનામોટા સૂરમાં વાજિંત્રો વગાડવામાં આવે છે. વિશ્વ રંગભૂમિ દિવસે રંગભૂમિને પ્રોત્સાહન આપવા, વિશ્વભરની સંસ્કૃતિઓમાં તેના વિશે જાગૃતિ લાવવા કવાયત કરવામાં આવે છે.

વિલિયમ શેક્સપિયર : સોળ-સત્તરમી સદીના એક અંગ્રેજી નાટ્યકાર, કવિ અને અભિનેતા, અંગ્રેજી ભાષાના મહાન લેખક અને વિશ્વના પ્રખ્યાત નાટ્યકાર ગણવામાં આવે છે. ઇંગ્લેન્ડના રાષ્ટ્રીય કવિ અને `બાર્ડ ઓફ એવોન'/બાર્ડ (માન્યતા પામેલો કવિ)' કહેવામાં આવે છે. લગભગ 39 નાટકો, 154 સોનેટ, ત્રણ લાંબી કથા, કવિતાઓ અને થોડા અન્ય શ્લોકો સામેલ છે, જેમાંથી કેટલાક અનિશ્ચિત લેખકત્વ ધરાવે છે. તેમનાં નાટકોનો દરેક મુખ્ય જીવંત ભાષાઓમાં અનુવાદ થયો છે અને અન્ય કોઈ પણ નાટ્યકાર કરતાં વધુ વખત ભજવવામાં આવે છે. આજે 21મી સદીમાં પણ શેક્સપિયર અંગ્રેજી ભાષામાં સૌથી પ્રભાવશાળી લેખક છે અને તેમનાં કાર્યોનો અભ્યાસ અને પુનઃ અર્થઘટન ચાલુ જ રહે છે.

શેક્સપિયરની માતૃભાષા અંગ્રેજી અને રંગભૂમિ સાથે સંકળાયેલા હતા, તેથી બંને દિવસ સાથે તેમને સંબંધ ખરો પરંતુ હકીકત છે કે બેમાંથી એક પણ દિવસ શેક્સપિયર સંબંધિત કે સમર્પિત નથી. શેક્સપિયરે તેમની માતૃભાષાની કેવી હાલત કરી હતી તે જાણીને માતૃભાષાને વળગી રહેવાના ઉધામા કરતા ઘણા માતૃભાષાવિદોની હાલત ખરાબ થઇ શકે છે.

શેક્સપિયરે નાટકો અને સોનેટ દ્વારા 1700થી વધુ શબ્દો અને અસંખ્ય શબ્દસમૂહો રજૂ કરીને અથવા લોકપ્રિય બનાવીને અંગ્રેજી શબ્દભંડોળનો વ્યાપક વિસ્તાર કર્યો, જેમાંથી ઘણા આજે પણ ઉપયોગમાં લેવાય છે. શબ્દ રૂપાંતર (સંજ્ઞાઓથી ક્રિયાપદોમાં) દ્વારા નવીનતા લાવીને, શબ્દોનું સંયોજન કરીને અને ઉપસર્ગ/પ્રત્યયનો ઉપયોગ કરીને, તેમણે ભાષાને આધુનિક બનાવવા અને રચના કરવામાં મદદ કરી.

કેમ આવું કર્યું?

શેક્સપિયરને પોતાના જટિલ વિચારો વ્યક્ત કરવા, ચોક્કસ લાગણીઓ, આબેહૂબ વર્ણનો વ્યક્ત કરવા શબ્દભંડોળની જરૂર હતી, જે ત્યારના ઉપલબ્ધ અંગ્રેજી શબ્દો પકડી શકતા નથી. કાવ્યાત્મક આવશ્યકતાઓ જેવી કે પદ્યની લય (ઘણી વખત આઇમ્બિક (લઘુ ગુરુ અક્ષરોના પાદવાળું), પેન્ટામીટર (પાંચ ગણવાળી કવિતાની લીટી) ) જાળવવા માટે એવા શબ્દો બનાવ્યા જે જરૂરી ઉચ્ચારણમાં બંધબેસતા હોય. 17મી સદીની શરૂઆતમાં સમાનાર્થી શબ્દો પૂરા પાડવા માટે શબ્દકોશો અને થિસોરસ ઉપલબ્ધ નહોતા. એક ઉત્કૃષ્ટ નાટ્યકાર તરીકે તેમને ઝડપથી નવાં નાટકો બનાવવાની જરૂર હતી, જેનાથી તેમને નવી, આકર્ષક ભાષા રચવા માટે પ્રેરણા મળી.

તેમની અંગ્રેજી માતૃભાષામાં ભાષાકીય રમતિયાળપણું ઉમેર્યું છે. તેમણે વારંવાર અસ્તિત્વમાં રહેલા શબ્દોમાં ઉપસર્ગ (દા.ત., `અન'), પ્રત્યય ઉમેર્યા, શબ્દોને જોડ્યા (`વોચડોગ'), સંજ્ઞાઓને ક્રિયાપદોમાં રૂપાંતરિત કર્યા (`એલ્બો'), જેથી તેમના કાર્યમાં સ્વાદ અને ઊર્જા ઉમેરાય. શેક્સપિયરને આભારી શબ્દોનાં ઉદાહરણોમાં આઇબોલ, બેડરૂમ, ગૉસિપ (ગપસપ), લાફેબલ, અનકમ્ફર્ટેબલ અને એડિક્શનનો સમાવેશ થાય છે. કનૈયાલાલ મુનશીએ ગુજરાતની ઓળખ દર્શાવવા `અસ્મિતા' શબ્દનો પ્રયોગ લોકપ્રિય બનાવ્યો તો કવિ નર્મદે ગુજરાતી ભાષાને આધુનિકતા તરફ વાળવા `અર્વાચીન/નવરચના' શબ્દો આપ્યા.

ભાષાનો એક અર્થ અને એક હેતુ પરસ્પરના વ્યવહારની બોલી પણ થાય છે. શેક્સપિયરે, નર્મદે, કનૈયાલાલ મુનશીએ કે અન્ય સાહિત્યકારોએ ડિક્શનરી/શબ્દકોશ બહારના શબ્દોનો ઉપયોગ કરીને માતૃભાષાનું અપમાન નથી કર્યું, તેની પહોંચ અને સમૃદ્ધિમાં વધારો જ કર્યો છે. આજે જ્યારે વિશ્વ આખું એક રંગમંચ જ બની ગયું છે ત્યારે સાહિત્યિક સંદર્ભોમાં વપરાતા, ઉમેરાતા અમુકતમુક અન્ય ભાષિત શબ્દો છેવટે તો મૂળ ભાષાને જ પ્રચલિત કરે છે. બે-ચાર અંગ્રેજી કે અન્ય ભાષિત શબ્દો કંઈ માતૃભાષાને ખતમ નહીં કરી દે. આમ જોવા જાવ તો આજની બોલાતી માતૃભાષા અને મૂળભૂત માતૃભાષા વચ્ચે પણ ઘણો ફરક આવ્યો જ છે. અંગ્રેજીમાં સૌથી પ્રતિષ્ઠિત મનાતી ઓક્ષફોર્ડ ડિક્ષનરી દર વર્ષે અમુક અન્ય ભાષાના શબ્દો ઉમેરે છે. જેમ કે, સત્યાગ્રહ.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો