મહાભારતના શાંતિપર્વમાં પિતામહ ભીષ્મે યુધિષ્ઠિરને આપેલો લીડરશિપ અને મેનેજમેન્ટનો ઉપદેશ માત્ર સફળ લીડરશિપ પૂરતો સીમિત નથી, પરંતુ તે આધુનિક સમયમાં લીડરશિપ અને મેનેજમેન્ટની એવી બ્લૂપ્રિન્ટ છે, જે લીડર્સને તેમની આગામી અનેક પેઢીઓ સુધી ખપમાં આવી શકે એમ છે. ભીષ્મ આપણને સમજાવે છે કે કઈ રીતે એક માણસ સહજ નબળાઈ આપણા તેમજ આપણી આગામી પેઢીઓના ભવિષ્યને દાવ પર લગાવી દે છે. તેઓ એક મહત્ત્વની નબળાઈ તરફ આંગળી ચીંધતાં જણાવે છે કે, કોઈ પણ લીડરે નાની-નાની બાબતો માટે પોતાના પ્રતિસ્પર્ધીઓ કે ન ગમતા માણસો સાથે વેર ન બાંધવું જોઈએ. વ્યવસાય, રાજકારણ કે સામાજિક જીવનમાં જ્યારે કોઈ વ્યક્તિ નેતૃત્વના સ્થાને બેસે છે, ત્યારે તેની સામે અનેક પ્રકારના પડકારો અને વિરોધ પક્ષો આવવાના જ છે, પરંતુ એક સાચો લીડર એ જ છે જે કઈ લડાઈ લડવી અને કઈ લડાઈને નજરઅંદાજ કરવી, તેનો વિવેક જાળવી શકે.
આ સંદર્ભે તેઓ એમ પણ કહે છે કે વેર હંમેશાં દવ જેવું હોય છે, જે એકવાર સળગ્યા પછી આખું જંગલ ભસ્મીભૂત કરી નાખે છે. વેર ક્યારેય નિર્ણાયક નથી હોતું. તેનો કોઈ સકારાત્મક અંત આવતો નથી, ઊલટાનું તે સતત બળતું રહીને લીડરની ઊર્જા અને ક્ષમતાને ખતમ કરતું રહે છે. કેટલીક વાર આ વેર પેઢી દર પેઢી ચાલતું રહે છે, જે આખી સંસ્થા, સંગઠન કે પરિવારના વિનાશનું કારણ બને છે. આવા કિસ્સામાં જો લીડર પોતાના પ્રતિસ્પર્ધીઓની નાની-નાની વાતો કે ઉશ્કેરણીજનક હરકતોને નજરઅંદાજ કરતા કે અવગણતા નહીં શીખે, તો તેને એકસાથે બે મોટા નુકસાન થાય છે, જે તેના અસ્તિત્વને જોખમમાં મૂકી શકે છે.
પ્રથમ નુકસાન એ થાય છે કે લીડર ક્યારેય પોતાનો વ્યક્તિગત કે પ્રોફેશનલ ગ્રોથ કરી શકતો નથી. જ્યારે કોઈ નેતા વેરના ચક્રવ્યૂહમાં ફસાય છે, ત્યારે તેનું તમામ ધ્યાન પોતાના સંગઠનના વિકાસ કે ભવિષ્યના આયોજન પરથી હટીને માત્ર ને માત્ર સામેવાળાને નીચો દેખાડવા પર કેન્દ્રિત થઈ જાય છે. તે હંમેશાં સામેની વ્યક્તિને ચેકમેટ આપવામાં કે પોતાની જાતને પોતાના પ્રતિસ્પર્ધીથી શ્રેષ્ઠ સાબિત કરવામાં જ મચેલો રહે છે. આ આંધળી દોડમાં નેતા પોતાની અસલી ક્ષમતા, વિઝન અને સર્જનાત્મકતા ગુમાવી બેસે છે. તેનો અહંકાર તેના પર હાવી થઈ જાય છે અને તે ભૂલી જાય છે કે લીડરનું કામ બીજાને હરાવવાનું નહીં, પરંતુ પોતાને, પોતાની સંસ્થાને કે પોતાના લોકોને આગળ લઈ જવાનું છે. પ્રતિસ્પર્ધીની નાની વાતોનો બદલો લેવાની આ માનસિકતાના કારણે લીડર ક્યારેય મુક્ત મનથી વિચારી શકતો નથી, જેના પરિણામે તે હંમેશાં આંતરિક અશાંતિ જ પામે છે. આ આંતરિક અશાંતિ તેના નિર્ણયોને પ્રભાવિત કરે છે અને તેની નેતૃત્વ ક્ષમતા નબળી પડવા લાગે છે.
બીજો સૌથી મોટો ગેરફાયદો એ છે કે જ્યારે વેર બંધાય છે, ત્યારે લીડર તેની નવી પેઢીને વારસામાં કોઈ પ્રોગ્રેસિવ વિઝન, સંપત્તિ કે સંસ્કાર આપવાને બદલે માત્ર સ્પર્ધા કે દુશ્મનાવટ જ આપે છે. આ નવી પેઢીનો સૌથી મોટો દ્રોહ છે. કોઈ પણ લીડર કે વડીલની એ જવાબદારી હોય છે કે તે આવનારી પેઢી માટે એક એવું પ્લેટફોર્મ તૈયાર કરે જ્યાં તેઓ મુક્તપણે વિકાસ કરી શકે, પરંતુ વેરના અગ્નિમાં બળતો લીડર પોતાની નવી પેઢીના મનમાં પણ પ્રતિસ્પર્ધીઓ પ્રત્યે ઝેર અને નફરત ભરી દે છે. પરિણામે, નવી પેઢી પોતાની ક્ષમતાનો ઉપયોગ કંઈક નવું સર્જવામાં કરવાને બદલે એ જૂના વેરની વસૂલાત કરવામાં જ પતાવી દે છે. આ વારસો નવી પેઢીના ભવિષ્યને અંધકાર તરફ ધકેલે છે, કારણ કે તેઓ એવી લડાઈ લડી રહ્યા હોય છે જેનો પાયો તેમણે નાખ્યો જ નહોતો.
આ વેરની રમતમાં લીડરે માત્ર આંતરિક કે પારિવારિક નુકસાન જ નથી વેઠવું પડતું, પરંતુ ક્યારેક તો તેને કોર્ટ કચેરીના ધક્કા ખાવા પડે છે અથવા તો મોટું આર્થિક નુકસાન પણ સહન કરવું પડે છે. અહંકાર અને બદલાની ભાવનામાં આવીને લેવાયેલા કાયદાકીય નિર્ણયો કે આક્રમક આર્થિક પગલાં સંગઠનની તિજોરી ખાલી કરી નાખે છે. જે નાણાં અને સંસાધનોનો ઉપયોગ બિઝનેસ કે સંગઠનના વિસ્તરણ માટે થવો જોઈએ, તે સંસાધનો બિનજરૂરી કાનૂની લડાઈઓ અને પ્રતિસ્પર્ધીને પછાડવાના નકામા પ્રયાસોમાં વેડફાઈ જાય છે. જેનાથી છેલ્લે શું થાય? તો કે લીડર પાસે ન તો માનસિક શાંતિ બચે છે અને ન તો આર્થિક સમૃદ્ધિ, તેથી જ ભીષ્મ પિતામહની આ સલાહ આજના કોર્પોરેટ જગત અને લીડરશિપ માટે પરમ સત્ય છે કે સાચો લીડર એ જ છે જે પોતાના અહંકારને બાજુ પર મૂકીને, પ્રતિસ્પર્ધીઓની નાની વાતોને અવગણીને, પોતાના મૂળ ધ્યેય અને ગ્રોથ તરફ જ આગળ વધતો રહે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો