હિન્દી સિનેમાની એક બહેતરીન ફિલ્મ `કભી કભી'ને આ વર્ષે પચાસ પૂરાં થયાં (27 ફેબ્રુઆરી, 1976). જેમ અમુક માણસો ઉંમરની સાથે જવાન થતા હોય છે, એવું જ ફિલ્મો સાથે પણ બનતું હોય છે. સમય પસાર થતો જાય, પેઢીઓ બદલાતી જાય, છતાં એવી ફિલ્મો જૂની લાગતી નથી; ઊલટું દરેક નવા સમય સાથે તે વધુ અર્થસભર બનતી જાય છે. `કભી કભી' એવી જ એક ફિલ્મ છે.

સ્વતંત્ર નિર્દેશક તરીકે યશ ચોપરાની આ ચોથી ફિલ્મ. પ્રોડ્યૂસર તરીકે બીજી. નિર્માતા-નિર્દેશક તરીકે તેમણે શરૂઆત કરી રાજેશ ખન્નાની `દાગ'(1973)થી. તે જ વર્ષે દેવ આનંદની `જોશીલા' આવી અને ભુલાઈ ગઈ. તે પછી ગુલશન રાયની કંપની માટે તેમણે `દીવાર'નું નિર્દેશન કર્યું. અમિતાભ બચ્ચન સાથે એ તેમની પહેલી ફિલ્મ. એ પછી તેમણે `કભી કભી' લોન્ચ કરી. આપણે આ ફિલ્મ વિશે અગાઉ વાત કરી ગયા છીએ, પણ આજે કેવળ તેના કિરદારની વાત.

આજે એ જોઇને અજીબ લાગે કે યશ ચોપરાએ અમિતાભ સાથે તેમની પહેલી અને બીજી ફિલ્મમાં કેવી કમાલ કરી અને એ કમાલ અમિતાભના મુખ્ય કિરદારમાં છે. બંને એકબીજાથી તદ્દન વિરોધાભાસી છે. એકમાં તે ગુસ્સેલ, બેચેન અને નારાજ ગેંગસ્ટર વિજય છે અને બીજામાં તે સંવેદનશીલ, પ્રેમી અને કવિ અમિત છે (લગભગ 200 જેટલી ફિલ્મોમાંથી આઠ ફિલ્મોમાં અમિતાભનું નામ અમિત છે).

`દીવાર'નો વિજય સિસ્ટમના અન્યાય સામે તેના બે હાથથી લડે છે; `કભી કભી'નો વિજય જીવનની અનુચિતતા સામે શબ્દોથી લડે છે. જે યશ ચોપરાએ `દીવાર'માં એક એવા એન્ટિ-હીરો અને એન્ગ્રી યંગ મેન રચ્યો હતો, જે એકલવીર છે અને જીવ આપીને અન્યાય કરનારા લોકોને ખતમ કરે છે. તેમણે તરત જ આવેલી `કભી કભી'માં નાયક નહીં, પણ એક એવો ભાવનાત્મક મનુષ્ય રચ્યો, જે કમજોર છે, જિદ્દી છે, પ્રેમમાં ઘાયલ છે અને સમયની સામે બેસહાય.

સિત્તેરનો દાયકો ભારતીય સમાજમાં ઊથલપાથલનો સમય હતો. બેરોજગારી, રાજનૈતિક અસ્થિરતા, તૂટી રહેલા આદર્શો અને વિકસતાં શહેરોની નિર્દયી વાસ્તવિકતા વચ્ચે `દીવાર'માં એન્ગ્રી યંગ મેનનો જન્મ થયો હતો. એ સમયમાં અમિતાભે જે કિરદાર નિભાવ્યા હતા તે સિસ્ટમ સામે આક્રોશનાં પ્રતીક હતાં. એટલે જ એ આશ્ચર્ય થાય કે તેણે એક એવો પણ કિરદાર નિભાવ્યો, જે બંદૂક નહીં, પણ કલમ ઉઠાવે છે. જે સમાજ સામે લડવાને બદલે પોતાની સ્મૃતિઓ સાથે સંઘર્ષ કરે છે.

કદાચ એ પણ એક યોગાનુયોગ હતો કે `દીવાર'ના ગુસ્સેલ વિજય પાછળ સલીમ-જાવેદ હતા અને `કભી-કભી'ના અમિત પાછળ સાહિર લુધિયાનવી હતા. તે બંને હિન્દી સિનેમાની બે અલગ ભાવનાત્મક ભાષાઓના પ્રતિનિધિ હતા. `દીવાર' સડકની ભાષા બોલે છે, જ્યારે `કભી કભી' સ્મૃતિઓની ભાષા બોલે છે.

સલીમ-જાવેદનો વિજય સામાજિક ઘામાંથી પેદા થયો હતો. સાહિર કવિ હતા અને તેમને તે ઘામાંથી બચી ગયા પછીની ભાવનામાં દિલચસ્પી હતી. તેમના ભાવ સંસારમાં પ્રેમ પછી રહી જતો ખાલીપો, વિખૂટા પડ્યા પછીની યાદો અને સમય વીત્યા પછી મનમાં રહી ગયેલા ચહેરાઓ હતા.

યશ ચોપરાએ સાહિરના ખુદના અધૂરા પ્રેમનો આધાર લઈને `કભી કભી'ના અમિતની કલ્પના કરી હતી. સાહિર જ્યારે 25 વર્ષના હતા ત્યારે તેમણે `કભી કભી' નઝમ લખી હતી. એ જ અરસામાં તેમનો કવયિત્રી- લેખક અમૃતા પ્રીતમ સાથે કમનસીબ રોમાન્સ શરૂ થયો હતો, જે ક્યારેય પરિપૂર્ણ થવાનો નહોતો. આ નઝમમાં એકલતા અને નિરાશાનો જે ભાવ હતો, તે અમૃતા સાથેના રોમાન્સમાં નિયમિત દેખાતો હતો. ચોપરાએ તેને ફિલ્મમાં સમાવી એટલું જ નહીં, ફિલ્મનું ટાઈટલ પણ એ જ રાખ્યું. `કભી કભી'ની સફળતા અને લોકપ્રિયતાનું કારણ સાહિરનાં શાનદાર ગીતો છે.

ફિલ્મની શરૂઆત કાશ્મીરમાં થાય છે. અમિત બરફ વચ્ચેથી ચાલે છે અને બેકગ્રાઉન્ડમાં સાહિરની નઝમ સંભળાય છે; કભી કભી મેરે દિલ મેં ખયાલ આતા હૈ. એ તેની પ્રેમિકા પૂજા(રાખી)ની યાદમાં છે. પૂજા અમિતની કવિતાઓની પ્રેરણા છે, પણ પૂજા તેનાથી વિખૂટી પડી જાય છે અને તેની સાથે અમિતની કવિતાઓનો પ્રવાહ પણ ખંડિત થઇ જાય છે.

પછી બંને ત્યારે ભેગાં થાય છે, ત્યારે તેઓ અલગ-અલગ જિંદગીમાં સ્થિર થઇ ગયાં છે અને તેમનાં બાળકો પ્રેમ કરવા જેટલાં મોટાં થઇ ગયાં છે. ફિલ્મની સૌથી દિલચસ્પ વાત એ છે કે અમિત આદર્શ પુરુષ નથી. સંવેદનશીલ તો છે, પણ ઉદાર નથી. તેને જ્યારે તેની પત્ની અંજલિ (વહીદા રહેમાન)ના અતીત વિશે ખબર પડે છે, ત્યારે તે અચાનક કઠોર અને સંકુચિત બની જાય છે. તેની અંદરનો પુરુષ જાગી જાય છે.

જે વ્યક્તિ વર્ષો સુધી ખુદના અધૂરા પ્રેમને છાતીએ લગાવીને જીવ્યો હોય, તે તેની પત્નીના અતીતને સ્વીકાર નથી કરી શકતો, તે વાત યશ ચોપરાએ બહુ શાનદાર રીતે ઉજાગર કરી હતી. આ વિરોધાભાસ તેને જીવંત બનાવે છે. તેની આ કમજોરી તેને મનુષ્ય બનાવે છે.

તેની સામે પૂજાનો પતિ વિજય ખન્ના (શશી કપૂર) એક નૈતિક અરીસા તરીકે ઊભો રહે છે. જ્યારે વિજયને પૂજા અને અમિતના પ્રેમની ખબર પડે છે, ત્યારે તે તૂટી જતો નથી, તે પરિપક્વતા બતાવીને સહજ રીતે સ્વીકારે છે. તે અમિતને ડહાપણ આપે છે કે જે સ્ત્રી વીસ વર્ષ સુધી તારી સાથે રહી હોય, તેના અતીતમાં ગૂંચવાઈ જવું માણસને નાનો બનાવે છે. આ સંવાદ અમિતના ચારિત્ર્યની નિર્ણાયક ક્ષણ છે. પહેલી વાર તેને લાગે છે કે પ્રેમ કેવળ સ્મૃતિ નથી, સ્વીકાર પણ હોય છે.

અમિતની તકલીફ એ છે કે તે સમયની સાથે ચાલી શકતો નથી. તેનો જીવ અતીતમાં અટકેલો છે. પહેલાં પૂજાના નામે અને પછી અંજલિના નામે. એટલા માટે તેની કવિતાઓ જેટલી સુંદર છે તેનું જીવન એટલું અધૂરું. `કભી કભી'માં પ્રેમને ઉત્સવ તરીકે નહીં, સ્મૃતિઓની રીતે પ્રસ્તુત કરવામાં આવ્યો છે. આ ફિલ્મ પ્રેમના આસાન ઉત્તર નથી આપતી. તે કહે છે કે પ્રેમ હંમેશાં વિવાહ નથી બની શકતો અને વિવાહ હંમેશાં પ્રેમ નથી બનતો. ક્યારેક પ્રેમ માત્ર એક અધૂરી કવિતા બનીને રહી જાય છે.

અમિતનો કિરદાર મર્દાનગીની પરિભાષાને તોડે છે. અમિત રડે છે, તૂટે છે અને કવિતા લખે છે. હિન્દી સિનેમામાં બહુ ઓછા એવા કિરદાર છે જેની શક્તિ તેમની ભાવુકતા અને સંવેદનશીલતામાં હોય. એટલે જ `કભી કભી' આજની પેઢીને પણ સ્પર્શે છે, કારણ કે આજે પણ સંબંધો જેટલી તેજીથી બંધાય, એટલી જ તેજીથી તૂટે પણ છે.

અમિત આપણને યાદ અપાવે છે કે પ્રેમની અસલી અસર સમયમાં દેખાય છે. અમુક લોકો આપણા જીવનમાંથી ચાલ્યા જાય છે, પણ આપણી અંદર હંમેશાં મોજૂદ રહે છે. અમિતાભનો અમિત કદાચ તેમની કારકિર્દીનો સૌથી શાંત અને સૌથી આંતરિક અભિનય છે. ના ઊંચો અવાજ છે, ના નાટકીય વિસ્ફોટ છે, કેવળ આંખોમાં જમા થયેલી એક લાંબી એકલતા. કદાચ એટલે જ અમિત આજે પણ યાદ રહે છે - વિજયના વિરોધાભાસ તરીકે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો