ફિલ્મ `જુરાસિક પાર્ક' રિલીઝ થયા પછી દુનિયાભરના લોકો ડાયનોસોર પ્રત્યે વિશેષ આકર્ષાયા છે. અગાઉ પણ ડાયનોસોર વિશે ફિલ્મો બનતી હતી, પરંતુ આ ફિલ્મે સૌ કોઇને ડાયનોસોર પ્રત્યે જાણવાની જુગુપ્સા જગાડી હતી. વિશ્વમાં આજે પણ ડાયનોસોરનાં ઈંડાં, જીવાશ્મિ કે હાડકાંઓ પણ મળી આવે છે. ડાયનોસોરના અવશેષો મળવામાં થાઈલેન્ડનો ક્રમાંક ત્રીજો આવે છે. થોડા સમય પહેલાં જ થાઇલેન્ડમાં 27 ટન વજન ધરાવતા અને 88 ફૂટ લાંબા ડાયનોસોરનાં જીવાશ્મિ મળી આવ્યાં છે. અન્ય ડાયનોસોરની સરખામણીમાં આ ડાયનોસોર ખૂબ જ વિશાળ માનવામાં આવે છે. મૂળ લાંબી ગરદન ધરાવતા આ ડાયનોસોરને સારોડોર પરિવાર સાથે સરખાવવામાં આવે છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે આ ડાયનોસોર 10થી 12 કરોડ વર્ષ પહેલાં આ ધરતી પર જોવા મળતા હતા. આ ડાયનોસોર ટી-રેક્સ નામના ડાયનોસોર કરતાં પણ બે ગણા મોટા હતા. નોંધનીય છે કે, આ ડાયનોસોર ટી-રેક્સ કરતાં પણ ચાર કરોડ વર્ષ જૂનો ડાયનોસોર છે. વૈજ્ઞાનિકોએ મળી આવેલા જીવાશ્મિ પરથી તેનું નામ `નાગાટાઇટન' રાખ્યું છે, જે દક્ષિણ-પૂર્વ એશિયાની લોકકથાઓમાં દર્શાવવામાં આવતા નાગથી પ્રેરિત છે. અલબત્ત, હજી આ જીવાશ્મિથી વૈજ્ઞાનિકો ઘણી નવી જાણકારી મેળવી રહ્યા છે.
આ સ્ત્રી પોતાના વાળથી વેઇટ લિફ્ટિંગ કરે છે!
થોડા દિવસ પહેલાં જ મેક્સિકોમાં રહેતી ડાયના એલિઝાબેથે પોતાના વાળથી જ 75.35 કિ.ગ્રા. વજન ઉઠાવીને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યુ છે. આશ્ચર્યની વાત એ છે કે, અગાઉ વાળથી વજન ઊંચકવાનો વિશ્વવિક્રમ ભારતના પંજાબમાં રહેતાં વેઇટલિફ્ટર આશા રાનીના નામે હતો. તેમણે વર્ષ 2014માં પોતાના વાળથી 55.6 કિ.ગ્રા. વજન ઉઠાવ્યુ હતું. વાળથી વજન ઊંચકવું ખૂબ જ મુશ્કેલ અને દર્દભર્યુ હોય છે. આ બંને પાવર પ્લસ વેઇટલિફ્ટરે રેકોર્ડ નોંધવા માટે ડેઇલી મહેનત કરી હતી. હાલમાં રેકોર્ડ બ્રેક કરનાર ડાયના એલિઝાબેથે જિમમાં હળવા વજનની પ્લેટ(ડિસ્ક)થી શરૂઆત કરી હતી. તે પ્લેટને ચેનમાં પરોવીને તેને પોતાના વાળ(બે ચોટી)માં બાંધી દેતી અને વજન ઊંચકવાની પ્રેક્ટિસ કરતી હતી. તેઓ સમયાંતરે પ્લેટનું વજન વધારતા ગયા અને તેમ કરતાં તેઓ ક્રમશઃ 25થી 50 કિ.ગ્રા અને રેકોર્ડ માટે 75.35 ઉઠાવતા ગયા. ડાયના એલિઝાબેથે પોતાની બંને ચોટી દ્વારા 75.35 કિ.ગ્રા વજન કુલ 14 સેકન્ડ સુધી ઉઠાવી રાખ્યું હતું, જે ખરેખર પ્રશંસનીય છે.
છ લાખની મરઘીની છે બોલબાલા!
જે લોકો વેજ ખાતા હોય છે તેને વેજિટેરિયન કહેવામાં આવે છે, તો નોનવેજ ખાનારાને નોન વેજિટેરિયન કહેવામાં આવે છે, પરંતુ જેઓ નોનવેજ નથી ખાતા અને માત્ર ઈંડાં(એગ) ખાય છે, તેને લોકો એગિટેરિયન કહીને સંબોધતા હોય છે. આ વર્ગ ઈંડા દ્વારા બનાવેલી કોઇ પણ આઇટમ ખાવા તલપાપડ થતા હોય છે. વિશ્વમાં કેટલીક એવી મરઘી હોય છે જેનાં ઈંડાં અન્ય મરઘીની સરખામણી કરતાં બે-ત્રણ ગણાં નહીં પરંતુ અધધ હોય છે, કારણ કે આ મોંઘાં ઈંડાં આપતી મરઘી પણ ખૂબ જ મોંઘી કિંમતે વેચાતી હોય છે. ઈન્ડોનેશિયામાં `આયામ સેમાની' નામની મરઘીની કિંમત 5થી 6 હજાર ડોલરની (અંદાજિત 6 લાખ રૂપિયા) જોવા મળે છે અને તેના ઈંડાની કિંમત પણ હજારોમાં જોવા મળે છે. આયામ સેમાનીની દરેક પ્રજાતિની કિંમત પાંચથી છ લાખ નથી, પરંતુ તેમાં દુર્લભ ગણાતી અનહદ કાળી મરઘીની કિંમત 6 લાખ સુધી આંકવામાં આવે છે. આ મરઘી સંપૂર્ણ કાળી હોવાથી તેને `લેમ્બોર્ઘ્હીની ઓફ ચિકન્સ' (Lamborghini of Chickens) તરીકે પણ ઓળખવામાં આવે છે. ટૂંકમાં, આ મરઘી અને તેના ઈંડાની ઈન્ટરનેશનલ બોલબાલા જોવા મળે છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો