આપણા દેશમાં બે સંસદો છે. એક દિલ્હીમાં અને બીજી ચાની કીટલી પર. ફરક એટલો જ કે દિલ્હીની સંસદમાં ચર્ચા શરૂ થાય એ પહેલાં સ્પીકરની પરવાનગી લેવી પડે, જ્યારે કીટલી પર કોઈ પણ પરમિશન વગર ચર્ચા ચાલુ થઈ જાય છે.  

ચાની કીટલી પર ચર્ચા કરવા માટે કોઈ ડિગ્રીની જરૂર નથી. બસ, હાથમાં ગરમાગરમ ચાનો કપ હોય એટલે તમે અર્થશાસ્ત્રી, ક્રિકેટ ટીમના સિલેક્ટર, હવામાન વિભાગના સલાહકાર કે પોલિટિકલ એક્સપર્ટ બની શકો છો.  

બ્રેકિંગ ન્યૂઝની જેમ એક કહે, `હમણાં જ સમાચાર આવ્યા છે કે...' બીજો તરત કહે, `મારી પાસે એની અંદરની માહિતી છે.' હવે એ અંદર ક્યાં છે, કોણ છે એ પૂછવાનું નહીં. બસ, મંડી પડવાનું. કીટલી પર ચર્ચા માટે આત્મવિશ્વાસ જ સૌથી મોટો પુરાવો ગણાય છે.  

ક્રિકેટની ચર્ચા તો રોજ ચાલતી હોય છે. મેચ જીતી જઈએ તો ખેલાડીઓને ખભા પર ચઢાવી દેવાના અને હારી જઈએ તો આખી ટીમ બદલી નાખવાની જાહેરાત થઈ જાય. એક ભાઈ દર વખતે કહે, `મને બે દિવસ ટીમ સોંપી દો, બધું ઠીક કરી દઉં.' એમને સાંભળીને એવું જ લાગે કે પસંદગી સમિતિ કદાચ એમને કૉલ કરવાનું ભૂલી ગઈ હશે.  

મોંઘવારીની ચર્ચા પણ રસપ્રદ હોય છે. પાંચ-દસ રૂપિયાની ચા પીતાં પીતાં લોકો હજારો કરોડના બજેટનું વિશ્લેષણ કરી નાખે. પેટ્રોલ કેમ મોંઘું થયું, શાકભાજીના ભાવ કેમ વધ્યા અને અર્થવ્યવસ્થા કેવી રીતે સુધારવી - આ બધાના ઉપાય ચા ઠંડી થાય એ પહેલાં તૈયાર થઈ જાય.  

દરેક કીટલી પર એક એવો કાયમી ગ્રાહક હોય જ છે, જે રોજ કહે, `આજે બહુ ઉતાવળમાં છું.' પછી એ જ સૌથી છેલ્લે ઊભો થાય. વચ્ચે ત્રણ ફોન આવે. દરેક વખતે એક જ જવાબ આપે, `બસ, પાંચ મિનિટમાં આવું છું.' એ પાંચ મિનિટ ક્યારેક કલાક થઈ જાય, કેમ કે કીટલીની ઘડિયાળમાં સમય થોડો અલગ જ ચાલે છે.  

અહીં દરેક રોગનો ઈલાજ પણ તૈયાર હોય છે. તમે કહો કે ગળું દુખે છે, એટલે કોઈ આદુંની સલાહ આપે, કોઈ હળદરની, કોઈ ઉકાળાની અને કોઈ તો પ્રિસ્ક્રિપ્શન લખી આપે. બધી કીટલી પર આવા ડિગ્રી વગરના ડૉક્ટરો હાજર જ હોય છે. 

કીટલીની એક મજા એ પણ છે કે અહીં સમાચાર કરતાં અફવાઓ ઝડપથી પહોંચે છે. કોઈ કહે, `અલ્યા, ફલાણી જગ્યાએ તોફાન થયું' અને પાંચ મિનિટમાં તો આખા શહેરમાં કર્ફ્યૂ લાગવા સુધી વાત પહોંચી જાય. ક્યારેક તો વાત એટલી ઝડપે ફેલાય કે પોલીસને પણ એની ખબર ન હોય.  

ક્યારેક તો કીટલી પરની ચર્ચા એવી ગરમાઈ જાય કે લાગે આજે તો બે મિત્રોના સંબંધનો છેલ્લો દિવસ છે. ક્રિકેટમાં કોણ સારો, ચૂંટણીમાં કોણ જીતશે કે કઈ ફિલ્મ હિટ જશે એવી બાબતો પર શરતો લાગી જાય. `જો હું ખોટો પડું તો એક અઠવાડિયાની ચા મારી' જેવી જાહેરાતો પણ થઈ જાય. અવાજ ઊંચા થઈ જાય, હાથ હવામાં ફરવા લાગે અને આજુબાજુ બેઠેલા લોકોને લાગે કે હવે તો વાત બગડી. એટલામાં ચાવાળો ચા આપે, ચા પીવાય અને પાંચ મિનિટ પહેલાંના વિરોધીઓ ફરી હસતાં હસતાં નવી ચર્ચા શરૂ કરી દે. કીટલી પર મતભેદ કાયમી હોય છે, મનભેદ ક્યારેય નહીં.  

આ બધાની વચ્ચે સૌથી શાંત માણસ હોય છે ચાવાળો. એ ચા બનાવતો રહે, કપ ધોતો રહે, ચા આપતો રહે, રોજ એક જ ચર્ચા પચાસમી વાર સાંભળતો રહે. એનું ધ્યાન માત્ર લોકો ચાના પૈસા ચૂકવે છે કે નહીં એના પર જ હોય છે.  

કીટલી પર અમીર-ગરીબ, સાહેબ-કારકુન, શેઠ-મજૂર બધા એકસાથે હાજર હોય છે. અહીં લોકો માત્ર ચા પીવા નથી આવતા. થોડું હસવા, થોડું મન હળવું કરવા અને રોજિંદા જીવનના તણાવમાંથી થોડા સમય માટે બહાર નીકળવા આવે છે. કદાચ એટલા માટે જ ચાની કીટલી પર થતી ચર્ચાઓનો કોઈ અંત આવતો નથી. ચા પૂરી થઈ જાય, પણ વાતોનો કપ હંમેશાં ભરેલો હોય છે.  

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો