ટોલ્સ્ટોયની લઘુનવલ `ક્રોત્ઝર સોનાટા'માં પોતે કરેલા પત્નીના ખૂન વિશે પોઝ્નીશેફ નામનો એક માણસ અજાણ્યા સહયાત્રીને એકડે એકથી આખી કથા કહી રહ્યો છે. વાતવાતમાં તે એ હદે દલીલ કરે છે કે શારીરિક પ્રેમ સાવ જ નકામો છે. આવી વિચિત્ર દલીલ તેણે આ રીતે કરી.

***

`(જર્મન વિચારક) શોપનહોઅરથી માંડીને (ભારતીય) બુદ્ધ સુધીના અનેક વિચારકો કહે છે કે સૌથી મોટું સુખ નિર્વાણ એટલે કે અસ્તિત્વ ન હોવું તે છે. એક રીતે તેઓ સાચા છે. એટલું જ કે તેઓ આ વાતને બરાબર રીતે કહી નથી શક્યા. તેઓ એવું કહે છે કે પીડાથી બચવા માટે માનવજાતે લુપ્ત થઈ જવું જોઈએ. પોતાનો જ નાશ એ આપણું લક્ષ્ય હોવું જોઈએ, પણ પોતાના જ નાશનું લક્ષ્ય માનવી સ્વીકારી શકે નહીં. માણસ ઝંખે છે સુખ. માણસ દુઃખ મેળવવા માટે ક્રિયા ન કરે, સુખ મેળવવા માટે જ ક્રિયા કરી શકે. સાચું સુખ એકત્વમાં જ છે (એકત્વ મતલબ રાગ-દ્વેષથી, વાસનાઓથી ઉપર ઊઠીને, સ્વને શૂન્ય કરીને માનવી અન્ય જીવો સાથે, સમગ્ર સૃષ્ટિ સાથે એકાકાર થયાનું અનુભવે તે). માનવી એકત્વ માટે ક્રિયાશીલ બની શકે, કારણ કે એમાં સુખ સમાયેલું છે. એકત્વને અવરોધે છે (કામ)વાસના. જો (સ્ત્રી-પુરુષ વચ્ચેથી) વાસના હટી જાય તો એકત્વ સિદ્ધ થાય અને એક વાર માનવજાત એકત્વને પામી જાય તો પછી પરમ હેતુ સિદ્ધ થયા બાદ માનવજાતિ માટે ટકી રહેવાનું કોઈ પ્રયોજન ન બચે. કામ પૂરું થયા પછી વિદાય જ લેવાની રહે. માનવજાતિનું આ જ મુખ્ય લક્ષ્ય છે કે તે એકત્વના મહાન કુદરતી હેતુને પરિપૂર્ણ કરે અને પછી વિલીન થઈ જાય.'

`બહુ વિચિત્ર થિયરી છે તમારી.' મેં (અજાણ્યા સહયાત્રીએ) કહ્યું.

`આમાં વિચિત્ર શું છે? અને આવું કહેનારો હું એકલો નથી. ધર્મ પણ આ જ કહે છે અને વિજ્ઞાન પણ આ જ કહે છે કે એક દિવસ માનવજાતનો અંત આવશે (નામ એનો નાશ એ અફર નિયમ છે).'

ઈસુએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છેઃ `જે પાળી શકે એણે સંયમ પાળવો.' બે જણ (સ્ત્રી-પુરુષ) વચ્ચેનો નૈતિક સંબંધ ત્યારે જ શક્ય છે, જ્યારે તેઓ સંયમી હોય, તેમના સંબંધમાં શુદ્ધિ અને પવિત્રતા હોય. માણસો જ્યારે આ લક્ષ્ય સિદ્ધ કરશે ત્યારે જ નૈતિક લગ્નસંબંધ શક્ય બનશે.

`બાકી તો લોકો પ્રેમના નામે શારીરિક સંબંધોમાં જ રાચે છે. તેઓ વાસનાને લગ્નના વાઘા પહેરાવે છે. લગ્ન એ અસલમાં કામવાસના પરનો સામાજિક રીતે સ્વીકાર્ય એવો ઢાંકપિછોડો જ છે. અસલમાં જે અત્યંત ઉચ્ચ આદર્શો છે એવાં પવિત્રતા અને કૌમાર્યની આપણે ઠેકડી ઉડાવીએ છીએ. ઘણી જુવાન છોકરીઓ કેવળ અપરિણીત (અક્ષત યોનિ) રહી જવાના ડરે ગામના ઉતાર જેવા પુરુષોને પણ પરણી જતી હોય છે. એ છોકરીઓને પોતાની ઉચ્ચતા (શુદ્ધતા-પવિત્રતા)નો ડર લાગે છે. આદર્શ સ્થિતિમાંથી બચવા માટે તેઓ કૂવામાં ખાબકે છે.'

`પ્રભુવચન એવું છે કે જે પુરુષ નારીને લોલુપ નજરે જુએ છે એ વ્યભિચાર આચરી ચૂકેલો ગણાય. આ વિધાન વિશે અગાઉની મારી ગેરસમજ એવી હતી કે આ વાત માત્ર પરાઈ નારને જ લાગુ પડે છે. એટલે તો હનીમૂન દરમિયાન પત્ની સાથે મેં જે કંઈ કર્યું તેને મેં યોગ્ય ગણ્યું અને શરીરની જરૂરિયાત પત્ની થકી પૂરી કરવાની ચેષ્ટાને મેં પવિત્ર ગણી. હનીમૂનના આરંભે મને લાગેલું કે આમાં કશું ખરાબ કે શરમજનક નથી. મારે હનીમૂનમાં મહત્તમ મજા લેવી હતી, પરંતુ હું આનંદ મેળવવા જેટલો વધુ જુસ્સાભેર મથ્યો એટલી મને નિષ્ફળતા જ મળી. મેં ભારે બેચેની, શરમ અને થાક અનુભવ્યાં. હું ન ભૂલતો હોઉં તો હનીમૂનના ત્રીજા કે ચોથા દિવસે મને મારી પત્ની ઉદાસ લાગી. મેં એને કારણ પૂછ્યું. મેં એને સ્નેહપૂર્વક ભેટવાનો પ્રયત્ન કર્યો. પત્નીને કદાચ એટલું જ જોઈતું હતું. છતાં એણે મને દૂર હડસેલી દીધો અને એ રડવા લાગી.'

`એ શા માટે રડી રહી હતી તે વિશે એ કશું કહી શકી નહીં. એ ખૂબ દુઃખ-પીડા અનુભવી રહી હતી. કદાચ અંદરખાને એને અમારા સંબંધનું હલકાપણું (વાસના પર આધારિત જોડાણ) સમજાઈ ગયું હતું. મેં એને બહુ પૂછ્યું તો એ કહે મમ્મી બહુ યાદ આવે છે. મેં એની વાત માની નહીં. મેં એને કહ્યું કે આ તો એનો ભ્રમ હોઈ શકે. હું હસ્યો. એને મારા પર ખુન્નસ ચડ્યું. એના આખા ચહેરા પર મારા પ્રત્યેનો ધિક્કાર સ્પષ્ટપણે પથરાયેલો મેં જોયો.'

`અને હું ફફડી ઊઠ્યો. મને વિચાર આવ્યો કે આ શું? આ કઈ રીતે શક્ય છે? પ્રેમ તો બે વ્યક્તિને જોડે. જ્યારે આ તો મને ધિક્કારે છે. મારા પ્રત્યે ધિક્કાર? શા માટે? આ શક્ય જ નથી. આ તો કોઈ બીજી જ સ્ત્રી લાગે છે.'

`મેં એને શાંત પાડવાની કોશિશ કરી, પણ સામે પક્ષે મને ઠંડી અને મક્કમ આક્રમકતા જ જોવા મળી. છેવટે હું ચિડાયો. અમે એકમેક પર દોષારોપણો કર્યાં. એ પહેલો ઝઘડો ભયંકર હતો. જોકે, એ સંઘર્ષ માટે ઝઘડો શબ્દ યોગ્ય નથી. વાત અસલમાં એ હતી કે અચાનક અમને બંનેને અમારી વચ્ચેની ખાઈ દેખાઈ ગઈ હતી. જાતીય જરૂરિયાત પૂરી થવાની સાથે જ પ્રેમ પૂરો થઈ ચૂક્યો હતો. અમે એકમેકમાંથી મહત્તમ આનંદ મેળવી લેવા તત્પર એવા સ્વાર્થી-અહંકારી તરીકે, એકમેકનું શોષણ કરવા માટે મથનારા બે મનુષ્યો તરીકે આમનેસામને ઊભાં હતાં.'

***

કથાનાયક પોઝ્નીશેફને એવું લાગે છે કે માણસ જ્યારે વાસનાથી ઉપર ઊઠી શકે ત્યારે જ એ સુખી થઈ શકે. એ માને છે કે સ્ત્રી-પુરુષ વચ્ચે શારીરિક પ્રેમ હોવો જ ન જોઈએ. શારીરિક સંબંધના ત્યાગને લીધે આખી માનવજાત લુપ્ત થતી હોય તો ભલે લુપ્ત થાય. એની આ માન્યતા આત્યંતિક છે. એની સાથે સહમત થવું અઘરું છે. બીજી તરફ હનીમૂનના એના વરવા અનુભવનું એણે જે વર્ણન કર્યું એને સાવ ભ્રામક ગણવાનું પણ અઘરું છે. વાસનાપૂર્તિ પછી જાગતા દ્વેષની વાત અતિ સૂક્ષ્મ હોવા છતાં વિચારપ્રેરક તો ખરી જ. (ક્રમશઃ)

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો