આધુનિક વિશ્વના નકશા પર દોરાયેલી સરહદો માત્ર બે દેશોને અલગ કરતી રેખાઓ નથી, તે અબજો ડોલરના નફા પર ચાલતી ફેક્ટરીઓના દરવાજા છે. 1961માં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને આર્મી જનરલ ડ્વાઇટ આઇઝનહોવરે પોતાની ફેરવેલ સ્પીચમાં આખી દુનિયાને એક ભયાનક ચેતવણી આપી હતી. તેમણે કોઈ લાઈબ્રેરીમાં બેસીને યુદ્ધની કહાનીઓ વાંચી ન હતી; તેમણે બીજા વિશ્વયુદ્ધમાં સૈન્યનું નેતૃત્વ કર્યું હતું અને યુદ્ધની સૌથી બિહામણી અને વરવી વાસ્તવિકતા તેઓ બહુ નજીકથી જોઈ ચૂક્યા હતા. તેમણે કહ્યું હતું કે જ્યારે કોઈ દેશ `ડર'ના પાયા પર એક કાયમી અને વિરાટ લશ્કરી ઉદ્યોગ ઊભો કરે છે, ત્યારે એ સિસ્ટમ ક્યારેય ઈચ્છતી નથી કે ડર ખતમ થાય. ખતરા સામે લડવા માટે બનાવેલા મશીનને, પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આખરે સતત એક `ખતરા'ની જ જરૂર પડે છે.
આજે દાયકાઓ પછી આ વાત માત્ર એક ચેતવણી નથી રહી, એ આધુનિક દુનિયાનો શ્વાસ બની ગઈ છે. આપણે યુદ્ધને એક `ઘટના' માનીએ છીએ, જાણે કોઈ તાવ કે વાવાઝોડું જે આવે, ખાનાખરાબી સર્જે અને પછી પસાર થઈ જાય, પણ આજના સમયના સંઘર્ષો કોઈ ઘટના નથી, એ એક કાયમી `આબોહવા' બની ગયા છે. જ્યારે કોઈ બે દેશ કે બે સમુદાય વચ્ચેનો સંઘર્ષ વર્ષો કે દાયકાઓ સુધી ખેંચાય છે, ત્યારે તે માત્ર એક વિવાદ નથી રહેતો; તે ધીમે ધીમે એક સંપૂર્ણ `અર્થવ્યવસ્થા'માં ફેરવાઈ જાય છે. આ અશાંતિના પોતાના કોન્ટ્રાક્ટરો હોય છે, પોતાના કન્સલ્ટન્ટ્સ હોય છે, સ્મગલરો હોય છે અને મીડિયાના સ્ટુડિયોથી લઈને સરહદ પર સિમેન્ટ સપ્લાય કરતા વેપારીઓનું આખું એક સમાંતર નેટવર્ક ગોઠવાઈ જાય છે.
રાજકારણની આનાથી વધુ ક્રૂર અને લોહિયાળ વાસ્તવિકતા બીજી કોઈ નથી કે સંઘર્ષમાં અમુક લોકો પોતાના નિર્દોષ બાળકો ગુમાવે છે, જ્યારે અમુક લોકોની જ્વલંત કારકિર્દી બની જાય છે. શબપેટીઓ દફનાવાય છે, ચિતાઓ બળે છે અને એ જ ઠરેલી રાખને શ્વાસમાં ભરીને નવું અર્થતંત્ર ધબકવા માંડે છે.
મૂડીવાદે અને સત્તાધીશોએ એક એવું વરવું સત્ય શોધી કાઢ્યું છે, જે પ્રાચીન રાજાઓને પણ નહોતી ખબર - `ડર એ ક્યારેય ન ખૂટે તેવો કાચો માલ છે.' પેટ્રોલ ખલાસ થઈ શકે, ખાણો ખાલી થઈ શકે, જંગલો કપાઈ શકે, પણ ડરનું રોજ સવારે નવું ઉત્પાદન થઈ શકે છે. એક ભડકાઉ ભાષણ, એક અફવા, એક સરહદી છમકલું, એક વાઇરલ વીડિયો કે કોઈ ખોટી જગ્યાએ પડેલી એક લાશ અને ડરની ફેક્ટરીનાં ભૂંગળાં ફરીથી કાળો ધુમાડો ઓકવા લાગે છે.
આ `કોન્ફ્લિક્ટ ઇકોનોમી'(સંઘર્ષના અર્થશાસ્ત્ર)ની સૌથી મોટી અને ડરાવી દે તેવી જાદુકલા એ છે કે તેને ચલાવવા માટે કોઈએ `ખલનાયક' બનવાની જરૂર જ નથી પડતી. સૈનિકને સુરક્ષા જોઈએ છે, બળવાખોરને ઓળખ જોઈએ છે, નેતાને સત્તા જોઈએ છે, પત્રકારને બ્રેકિંગ ન્યૂઝ જોઈએ છે, શસ્ત્રો બનાવતી કંપનીને નવી ડિમાન્ડ જોઈએ છે, સહાય સંસ્થાઓને વિદેશી ફંડિંગ જોઈએ છે અને સામાન્ય નાગરિકને માત્ર જીવતા રહેવું છે. વ્યક્તિગત રીતે જુઓ તો આ દરેકની માંગણી વાજબી લાગે, પણ આ બધા ભેગા મળીને જે અદૃશ્ય અને લોહીપીપાસુ રાક્ષસ પેદા કરે છે, તે ક્યારેય શાંતિને જમીન પર ઊતરવા જ નથી દેતો.
જ્યારે કોઈ પણ ભૌગોલિક પ્રદેશમાં પછી તે કાશ્મીર હોય, પેલેસ્ટાઈન હોય, અફઘાનિસ્તાન હોય કે સુદાન, દાયકાઓ સુધી લોહી વહેતું જ રહે, ત્યારે આપણે એક બહુ મેચ્યોર અને ફોરેન્સિક સવાલ પૂછવો પડે. યુદ્ધ કોણે શરૂ કર્યું કે ઇતિહાસના ચોપડે કોણ સાચું છે, તે સવાલો હવે ગૌણ છે. સૌથી ધારદાર સવાલ એ છે કે, આ ઘાવ સાથે કોણે એટલું બધું `કમ્ફર્ટેબલ એડજસ્ટમેન્ટ' કરી લીધું છે કે હવે જો રૂઝ આવી જાય, તો તેમની આર્થિક અને રાજકીય કરોડરજ્જુ તૂટી જાય. આવા વિસ્તારોમાં `નોર્મલ' શબ્દ સૌથી ભયાનક હોય છે. અહીં શિક્ષણ, રાજકારણ, વેપાર અને લોકોનું મૌન પણ અશાંતિના આધારે શ્વાસ લેતા શીખી જાય છે. કોઈ ડ્રાઈવરથી લઈને એક હોટલ માલિક અને નેતાથી લઈને એક કોન્ટ્રાક્ટર દરેકનું અસ્તિત્વ એ અશાંતિ પર નભવા લાગે છે. આવા વિસ્તારોમાં અચાનક એમ કહી દેવામાં આવે કે આવતી કાલથી કાયમી શાંતિ થઈ ગઈ છે, તો મોટો વર્ગ બેરોજગાર થઈ જવાના ડરથી ફફડી ઊઠશે. આર્થિક રીતે સેટ થઈ ગયેલા આ મોડલ માટે `શાંતિ' એ માત્ર કોઈ નૈતિક માંગણી નથી રહેતી, શાંતિ એક બહુ મોટો આર્થિક ખતરો બની જાય છે.
આપણી સૌથી મોટી ટ્રેજેડી એ છે કે આપણે શાંતિને માત્ર એક `ભાવના' તરીકે પૂજીએ છીએ, જ્યારે અશાંતિ પાસે પોતાનું નક્કર, અબજો ડોલરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. માત્ર એક ક્રાંતિકારી નારો ક્યારેય કોઈના પગારને હરાવી ન શકે. મીણબત્તી લઈને નીકળેલી શાંતિ કૂચ ક્યારેય હથિયારોના વગદાર કોન્ટ્રાક્ટને રદ ન કરાવી શકે. જો શાંતિને ખરેખર જીતવી હોય, તો તેણે લાગણીશીલ મટીને આક્રમક રીતે વ્યાવહારિક બનવું પડશે. શાંતિએ અશાંતિના દલાલો કરતાં સામાન્ય માણસને વધુ સારી રોજીરોટી અને ન્યાય આપવો પડશે.
જ્યાં સુધી એવું નહીં થાય, ત્યાં સુધી પીડાના આ વગદાર સોદાગરો પોતાની દુકાનો ક્યારેય બંધ નહીં કરે. તેઓ ક્યારેય ઉતાવળમાં નથી હોતા. તેમના ગોડાઉન હંમેશાં ભરેલાં હોય છે અને ગ્રાહકોની કોઈ કમી નથી હોતી, કારણ કે તેમની દુકાનની બહાર લટકતા પાટિયા પર એક જ વણલખ્યો નિયમ છે: `સમસ્યા હજુ ઉકેલાઈ નથી, એટલે અમારો ધંધો બરાબર ચાલુ છે.' સવાલ એ છે કે આવું પાટિયું આપણને દેખાય છે ખરું?
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો