ડિસેમ્બર, 1998ની એ ઠંડી અને ધુમ્મસભરી સવાર હતી, જ્યારે 27 વર્ષની સુરજિત અઠવાલ લંડનના હીથ્રો એરપોર્ટના ટર્મિનલ પર ઊભી હતી. તેની આસપાસના લોકો માટે તે માત્ર એક સામાન્ય મુસાફર હતી.
પરંતુ સુરજિતના મનમાં ભય અને અનિશ્ચિતતાનું તોફાન ચાલતું હતું. લંડનના સાઉથોલ જેવા પંજાબી ગઢ ગણાતા વિસ્તારમાં રહેતી આ યુવતી તેની 70 વર્ષીય સાસુ બચન કૌર અઠવાલ સાથે ભારત જવા રવાના થઈ રહી હતી. સુરજિતનો દેખાવ અત્યંત પ્રભાવશાળી હતો. ગહન અને નમણી આંખો, ચહેરા પર એક કુદરતી તેજ અને બે નિર્દોષ સંતાનોની મમતા. તેને કહેવામાં આવ્યું હતું કે, તેઓ પંજાબમાં તેના કોઈ એક કૌટુંબિક લગ્નપ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યાં છે, પરંતુ જે ક્ષણે વિમાનનાં પૈડાં રનવે પરથી ઊંચકાયાં, તે જ ક્ષણે તેના જીવનનો ઊલટો ક્રમ શરૂ થઈ ગયો હતો. લંડનની આધુનિકતા અને પશ્ચિમી મોકળાશમાંથી નીકળીને પંજાબનાં અંતરિયાળ ગામડાંઓ તરફની આ સફર ખરેખર તો તેની અંતિમ યાત્રા બનવાની હતી. સુરજિતનો ગુનો માત્ર એટલો જ હતો કે તે એક એવી સ્ત્રી હતી, જેણે પરંપરાના નામે થતા દમન સામે માથું ઊંચક્યું હતું. તે બ્રિટિશ મૂલ્યોમાં રંગાયેલી હતી અને પોતાની મરજી મુજબ જીવવા માંગતી હતી, જે તેનાં સાસરિયાંઓના કટ્ટરપંથી માળખામાં ક્યાંય ફિટ બેસતું નહોતું.
સુરજિતનો જન્મ અને ઉછેર બ્રિટનમાં જ થયો હતો, પરંતુ કમનસીબે તેનાં લગ્ન 1988માં માત્ર 16 વર્ષની કુમળી વયે સુખદેવ અઠવાલ સાથે કરી દેવામાં આવ્યાં હતાં. જે ઘરમાં તે વહુ બનીને પ્રવેશી, ત્યાં સંવાદ કરતાં વધુ હુકમો ચાલતા હતા. બચન કૌર અઠવાલ એ ઘરની એવી સર્વોપરી સત્તા હતી, જેમના ઈશારે આખું કુટુંબ નાચતું. બચન કૌર માટે `પરિવારની આબરૂ' એ કોઈ પણ માનવીય સંવેદના કે લોહીના સંબંધ કરતાં પણ ઉપર હતી. સુરજિતે દાયકાઓ સુધી સાસુનો ત્રાસ અને ઘરની ચાર દીવાલોની કેદ સહન કરી હતી. તેને વારંવાર ટોણા મારવામાં આવતા અને તેની દરેક હિલચાલ પર નજર રાખવામાં આવતી, પરંતુ સમય જતાં તેનામાં આત્મવિશ્વાસ જાગ્યો. તેણે બ્રિટનમાં મેટ્રોપોલિટન પોલીસમાં કસ્ટમ્સ ઓફિસર તરીકે ગૌરવભરી નોકરી મેળવી. તેની જીવનશૈલી બદલાઈ. તે હવે જીન્સ પહેરવા લાગી, મેકઅપ કરવા લાગી, બહાર ફરવા લાગી અને તેના નવા મિત્રો બન્યા. આ પરિવર્તન અઠવાલ પરિવાર માટે અસહ્ય હતું, કારણ કે તેમના મતે વહુનું કામ માત્ર રસોડું સંભાળવાનું અને સાસુની સેવા કરવાનું હતું. જ્યારે સાસુ બચન કૌરને જાણ થઈ કે સુરજિત હવે આ બંધન તોડીને છૂટાછેડા લેવા માંગે છે ત્યારે તેમના મનમાં વેરની જ્વાળા ભભૂકી ઊઠી. બચન કૌરના મતે વહુના છૂટાછેડા એટલે સમાજમાં નાક કપાવવા જેવી વાત હતી. તેમણે નક્કી કરી લીધું હતું કે આ `કલંક'ને ભૂંસવા માટે સુરજિતનો અંત લાવવો જ એકમાત્ર રસ્તો છે. આ કોઈ આવેગમાં આવીને લીધેલો નિર્ણય નહોતો, પણ મહિનાઓ સુધી ચાલેલું એક વ્યવસ્થિત આયોજન હતું.
પંજાબની ધરતી પર ઊતરતાંની સાથે જ સુરજિતને વાતાવરણમાં કંઈક અજુગતું હોવાનો અહેસાસ થયો હશે. ડિસેમ્બરની કકડતી ઠંડીમાં પંજાબનાં ગામડાંઓ વધુ રહસ્યમયી લાગતાં હતાં. 18 ડિસેમ્બર, 1998ના રોજ તે છેલ્લીવાર પંજાબના એક ગામમાં જીવતી જોવા મળી હતી. ત્યારબાદ તે જાણે હવામાં ઓગળી ગઈ. બચન કૌર જ્યારે એકલાં લંડન પરત ફર્યાં, ત્યારે તેમણે અત્યંત ઠંડા કલેજે એક વાર્તા ઘડી કાઢી કે સુરજિત પંજાબમાં કોઈની સાથે ભાગી ગઈ છે. તેમણે તો ત્યાં સુધી કહ્યું કે સુરજિતે જ્વેલરી અને પૈસા લઈને ઘર છોડી દીધું છે, પરંતુ આ વાર્તાના તાર કાચા હતા. બ્રિટિશ પોલીસની લાંબી તપાસમાં જે ભયાનક વાસ્તવિકતા સામે આવી તે રૂંવાડાં ઊભાં કરી દે તેવી હતી. વાસ્તવમાં, બચન કૌરે પંજાબમાં રહેતા તેમના ભાઈ હરમોહિન્દર સિંહ ઢિલ્લોન અને અન્ય સંબંધીઓ સાથે મળીને એક ખતરનાક બ્લૂપ્રિન્ટ તૈયાર કરી હતી. સુરજિતનું ગળું ટૂંપીને કરુણ હત્યા કરવામાં આવી હતી અને કોઈને ખબર ન પડે તે રીતે તેના દેહને રાવી નદીના પ્રચંડ વેગમાં ફેંકી દેવામાં આવ્યો હતો. લંડનમાં બેઠેલો પતિ સુખદેવ પણ આ આખી સાજિશનો હિસ્સો હતો. તેની નજરમાં તેની પત્ની કરતાં તેની ખોટી આબરૂ વધુ વહાલી હતી. સુખદેવે પોલીસને સતત ખોટું બોલીને તપાસમાં અવરોધો ઊભા કર્યા અને સુરજીતને એક `ખરાબ ચરિત્ર'વાળી સ્ત્રી તરીકે ચીતરવાનો પ્રયત્ન કર્યો, જેથી તેના ગાયબ થવા પાછળ કોઈને શંકા ન જાય.
આ અંધકારમય કેસમાં જો કોઈ પ્રકાશનું કિરણ હતું, તો તે સુરજિતનો ભાઈ જસબંત સિંહ હતો. જસબંતે તેની બહેનના ન્યાય માટે એકલા હાથે યુદ્ધ છેડ્યું હતું. તે જાણતો હતો કે તેની બહેન ક્યારેય તેનાં બાળકોને છોડીને ક્યાંય જાય તેવી નહોતી. તેણે બ્રિટિશ સત્તાવાળાઓ, માનવાધિકાર સંગઠનો અને મીડિયાના દરવાજા ખખડાવ્યા. રહસ્યના કાળા પડદા ત્યારે ફાટવા લાગ્યા જ્યારે બચન કૌરના જ પરિવારની એક સભ્ય, સરબજિત અઠવાલે (સુરજિતની જેઠાણી) હિંમત બતાવી. સરબજિતે છૂપી રીતે સાંભળ્યું હતું કે બચન કૌરે કેવી રીતે પરિવારની બેઠકમાં ગર્વપૂર્વક જણાવ્યું હતું કે તેમણે સુરજિતને ભારત મોકલીને `કામ પતાવી દીધું' છે. સરબજિત માટે આ સત્ય પચાવવું મુશ્કેલ હતું, કારણ કે તે પોતે પણ તે જ ઘરની વહુ હતી અને તે જાણી ગઈ હતી કે અઠવાલ પરિવારમાં અસંમતિની સજા માત્ર મૃત્યુ છે. તેણે પોતાના જીવના જોખમે કોર્ટમાં સાક્ષી આપવાનું કપરું પગલું ભર્યું, ભલે તેનાં સાસરિયાંઓએ તેને ધમકાવી અને બહિષ્કૃત કરી. આ કેસ `ઓનર કિલિંગ'ના ઇતિહાસમાં માઈલસ્ટોન સાબિત થયો, કારણ કે ગુનો ભારતની સરહદમાં થયો હતો અને પુરાવાઓનો નાશ એટલી હદે કરવામાં આવ્યો હતો કે સુરજિતની લાશનો એક અંશ પણ ક્યારેય મળી શક્યો નહોતો.
બ્રિટિશ પોલીસે જ્યારે આ કેસની તપાસ કરી, ત્યારે સુખદેવ અઠવાલના ફોન રેકોર્ડ્સ અને ટ્રાવેલ ડેટામાં અનેક વિસંગતતાઓ જોવા મળી. સુખદેવે દાવો કર્યો હતો કે સુરજિત ભારતથી ક્યારેય પાછી ફરી જ નથી અને તેણે ત્યાં જ કોઈની સાથે નવું જીવન શરૂ કર્યું છે. જોકે, સુખદેવે પત્ની ગુમ થયાના થોડા જ દિવસમાં લંડનમાં વીમા કંપની પાસે સુરજિતની લાઈફ ઈન્સ્યોરન્સ પોલિસીના પૈસા માંગવા માટેની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. આ બાબતે પોલીસની શંકા વધુ પ્રબળ બનાવી કે પરિવાર પહેલેથી જ જાણતો હતો કે સુરજિત હવે ક્યારેય પાછી આવવાની નથી. આ ઉપરાંત, સુખદેવે સાક્ષીઓને ડરાવવા અને ધમકાવવા માટે પણ પ્રયત્ન કર્યો હતો, જે ન્યાયિક પ્રક્રિયામાં તેને વધુ કઠિન સ્થિતિમાં મૂકવા માટે કારણભૂત બન્યો હતો.
વર્ષ 2007માં ન્યાયનાં ચક્રો ધીમાં પણ મક્કમ ગતિએ ફર્યાં. નવ વર્ષના લાંબા અને માનસિક રીતે તોડી નાખનારા ગાળા બાદ, લંડનની જગવિખ્યાત ઓલ્ડ બેઈલી કોર્ટમાં સુનાવણી શરૂ થઈ. 70 વર્ષની વયોવૃદ્ધ દેખાતી બચન કૌર અઠવાલ અને તેનો પુત્ર સુખદેવ કઠેડામાં ઊભાં હતાં. પ્રોસિક્યૂટર્સે પુરાવા રજૂ કર્યા કે કેવી રીતે આ એક વ્યવસ્થિત `કોન્ટ્રાક્ટ કિલિંગ' જેવું કાવતરું હતું, જેમાં પરિવારના સભ્યો જ જલ્લાદ બન્યા હતા. બ્રિટિશ ન્યાયતંત્રમાં આ ઐતિહાસિક ક્ષણ હતી, કારણ કે યુકેની કોર્ટે પ્રથમવાર વિદેશમાં થયેલી હત્યા માટે યુકેના નાગરિકોને સજા ફટકારી હતી. બચન કૌરને આજીવન કેદની સજા મળી અને ન્યાયાધીશે તેમને `નિષ્ઠુર' અને `પશ્ચાત્તાપ વગરના' ગણાવ્યાં. કોર્ટે સ્પષ્ટ કર્યું કે સંસ્કૃતિ, ધર્મ કે આબરૂના નામે કરવામાં આવતા ગુનાઓને આધુનિક સમાજમાં કોઈ સ્થાન નથી. અંતે આ કેસમાં સુખદેવ અઠવાલને 20 વર્ષ અને બચન કૌરને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
આ કેસની સૌથી ચોંકાવનારી વિગત એ હતી કે હત્યા ભારતમાં થઈ હોવા છતાં, બ્રિટિશ પોલીસે પંજાબ પોલીસ સાથે મળીને પુરાવા એકત્રિત કર્યા હતા. ભારતીય તપાસ એજન્સીઓએ એ ગાડીની ઓળખ કરી હતી, જેમાં સુરજિતને લઈ જવામાં આવી હતી અને રાવી નદીના કિનારેથી કેટલીક મહત્ત્વની સાબિતીઓ મળી હતી. જોકે, લાશ ક્યારેય મળી ન હતી, પરંતુ સંજોગવશ પુરાવાઓ એટલા મજબૂત હતા કે તેના આધારે દોષિતોને સજા થઈ શકી. સુરજિતના ભાઈ જસબંત સિંહે આ કેસ પાછળ પોતાની આખી જિંદગી અને સંપત્તિ ખર્ચી નાખી હતી. તેણે વર્ષો સુધી લંડનથી પંજાબનાં ચક્કર કાપ્યાં હતાં, જેથી સાક્ષીઓને તૈયાર કરી શકાય અને સત્ય બહાર આવે. આ કેસ વિશે આજે પણ યુકેમાં પોલીસ ટ્રેનિંગમાં એક ઉદાહરણ તરીકે શીખવવામાં આવે છે કે કેવી રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે થયેલા ગુનાનો પર્દાફાશ કરી શકાય.
આ સમગ્ર હત્યાકાંડની સૌથી મોટી ટ્રેજેડી એ છે કે સુરજિતનાં બે બાળકો, જેઓ તે સમયે સાવ નાનાં હતાં, તેમણે માત્ર તેમની માતા જ નહીં, પણ નૈતિક રીતે તેમના પિતાને પણ ગુમાવ્યા. તેઓ એવા ઘરમાં મોટાં થયાં જ્યાં તેમની માતાનું નામ લેવું પણ જાણે ગુનો હતો. આ કેસના કારણે બ્રિટનમાં અનેક નવા કાયદાઓ આવ્યા, જે સામાજિક અને પારિવારિક દબાણ હેઠળ જીવતી સ્ત્રીઓને સુરક્ષા પૂરી પાડે છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો