જેમ ફળોમાં કેરીને રાજા ગણવામાં આવે છે, જેમ પ્રાણીઓમાં સિંહને રાજા ગણવામાં આવે છે, એમ તહેવારોમાં રાજા નક્કી કરવાનો હોય તો દિવાળીને તહેવારોનો રાજા ગણી શકાય. દિવાળી એટલે રોશનીનો ઝગમગાટ, ફટાકડાનો ગડગડાટ, નવાંનક્કોર કપડાંમાં તરવરાટ, સંબંધોમાં તાજગીનો સળવળાટ. ટૂંકમાં, દિવાળી એટલે `ફુલ ટુ ફન એન્ડ એન્જોયમેન્ટ'.

આવા `જબ્બર-જોરદાર જલસા'થી ભરપૂર તહેવાર સાથે આપણી અનેક યાદો જોડાયેલી હોય છે. આમાં મોટાભાગની યાદોમાં મોજ-મજા-મસ્તી અને આનંદ જ હોય છે, પણ દિવાળીમાં આ સિવાય પણ યાદગાર પ્રસંગો બનતા હોય છે. તો ચાલો આજે દિવાળીના `ભેદી' પ્રસંગોને યાદ કરીએ અને `ગેબી' આનંદનો અનુભવ કરીએ.

આપણે ત્યાં દિવાળીમાં નવાંનક્કોર કપડાં પહેરવાનો એક રિવાજ બની ગયો છે. એને માટે લોકો દિવાળી પહેલાં બજારોમાં ઘૂમી, સેલમાં ઝૂમી નવાં કપડાં લઈ આવે છે અને પછી બેસતા વર્ષે એનું ઉદ્ઘાટન કરે છે. કેટલાક તો દિવાળી માટે ખાસ નવાં કપડાં સીવડાવતા પણ હોય છે. આવું જ `દિવાળી સ્પેશિયલ' કપડાં સીવડાવવાનું કામ અમારા એક ઓળખીતાએ કરેલું. તમે છાપાંઓમાં પેલી જાહેરાત આવે છે એ જોઈ જ હશે. જેમાં લખ્યું હોય છે કે, `ફક્ત બે હજાર રૂપિયામાં સૂટ. અમારે ત્યાં આવો અને કપડાં ને સિલાઈ સાથે બે હજાર રૂપિયામાં સૂટ લઈ જાઓ.' આ જાહેરાત વાંચી અમારા ઓળખીતા ત્યાં ધસી ગયા અને દિવાળીના પાંચ દિવસ યાની કિ ધનતેરસ, કાળીચૌદશ, દિવાળી, બેસતું વર્ષ અને ભાઈબીજ મુજબ રોજનો એક, એમ પાંચ સૂટ સીવવા આપી આવ્યા. સૂટ તો સિવાઈ ગયા. અમારા ઓળખીતા દરજીને સમજાવી, પટાવી, ઊઠાં ભણાવી અડધું પેમેન્ટ આપી સૂટ લઈ આવ્યા અને પછી બાકીના અડધા પેમેન્ટ માટે ગલ્લાંતલ્લાં કરવા માંડ્યા. દિવાળી નજીક આવી તોય એમણે પેમેન્ટ ચૂકતે ન કર્યું. એટલે દરજીની `પિન છટકી'. એ બરાબર બેસતા વર્ષે જ અમારા ઓળખીતાને ત્યાં બે-ચાર માથાભારે માણસોને લઈ ધસી ગયો. દિવાળીના દિવસોમાં રોજ રોજ નવા નવા સૂટ પહેરી `રોલા' મારતા અમારા ઓળખીતા ભરવાયા. દરજીએ બેસતા વર્ષે જાહેરમાં રાડારાડ, બૂમાબૂમ કરીને જોરદાર સીન કર્યો અને અમારા ઓળખીતાનો પહેરેલો સૂટ જાહેરમાં ઉતરાવી નાખ્યો. બીજા બધા સૂટ પણ ઘરમાંથી કઢાવ્યા ને પોટલું બંધાવ્યું અને અમારા ઓળખીતાને `મફતિયો', `લુખ્ખો' એવાં ઉપનામોથી જાહેરમાં નવાજી અને એમની ઈજ્જત-આબરૂની બેસતા વર્ષે જ `ધજ્જિયા' ઉડાવી દીધી.

આવો જ એક રસપ્રદ કિસ્સો અમારા ઓળખીતા ડોક્ટર દવે સાથે થયો હતો. બેસતા વર્ષે તેઓ બધાયને `સાલમુબારક', `હેપ્પી ન્યૂ યર' ક2વામાં વ્યસ્ત હતા ત્યાં કોઈ સાવ અજાણ્યાં પતિ-પત્ની એમના ઘરે આવ્યાં ને પૂછ્યું, `ડોક્ટર દવે છે?' અમારા ડો. દવેએ કહ્યું, `હું જ ડો. દવે છું બોલો.' તો પેલાં પતિ-પત્નીમાંથી પતિએ કહ્યું, `સાહેબ, અમે દિવાળીમાં અહીંયાં ફરવા આવ્યાં હતાં ત્યાં અચાનક મારી વાઈફની તબિયત બગડી એટલે અમે ડોક્ટર શોધતા હતા. ત્યાં તમારું બોર્ડ જોયું એટલે અહીં આવ્યાં.' ડો. દવેએ તરત એમનાં પત્નીને તપાસી, ચેક કરીને ફટાફટ બે ઇન્જેક્શન આપ્યાં. દિવાળીમાં દવાની દુકાનો ખુલ્લી ન હોય એ સમજી ડો. દવેએ પોતાની પાસેથી દવા પણ એ બહેનને આપી. બધું પત્યું એટલે પેલા ભાઈએ ડો. દવેને એમની ફી પૂછી. ડો. દવેએ એમની ફી કહી તો પેલા ભાઈનું `પોત' પ્રકાશ્યું ને બોલ્યા, `ડોક્ટર સાહેબ, દિવાળીમાં કંઈક ડિસ્કાઉન્ટ તો કરી આપો.' આ સાંભળી ડો. દવેએ ઠાવકું મોઢું રાખી કહ્યું, `દિવાળીનું ડિસ્કાઉન્ટને? હા, કરી આપું. જુઓ દિવાળીમાં મારી એક ખાસ સ્કિમ છે. હું એક ઇન્જેક્શન પર એક ઇન્જેક્શન ફ્રી મારી આપું છું. આ હિસાબે મેં તમારી પત્નીને બે ઇન્જેક્શન આપ્યાં છે. તો હવે તમે `ફ્રી'માં બે ઇન્જેક્શન લેવા તૈયાર થઈ જાઓ ચાલો.' બે ઇન્જેક્શનનું નામ સાંભળી પેલો ફટાફટ ફી ચૂકવી ડો. દવેને ત્યાંથી ગાયબ થઈ ગયો.

આવો જ એક રસપ્રદ કિસ્સો અમારા મિત્ર બિપીનનો થયેલો. એને અમે `બિપીન બોખો' કહીએ છીએ. એ દિવાળીમાં ગધેડાના પૂંછડે ટેટાની લૂમ બાંધવા ગયેલો. ગધેડો એના આઈડિયા સાથે સંમત ન થયો ને બિપીનિયાને પાછલા પગે એવી લાત મારેલી કે બિપીનના દાંત પડી ગયા હતા ને એ `બિપીન બોખો' તરીકે જાણીતો થયેલો.

અમારા એક સગા બેસતા વર્ષે બધાયને `દૂધ કોલ્ડ્રિંક પીશો?' એવું પૂછતા અને પછી તરત પૂછતા કે `દૂધ કોલ્ડ્રિંક ઠંડું પીશો કે ગરમ?'

દિવાળીના તો આવા અનેક કિસ્સા છે, પણ એ નેક્સ્ટ યર! અત્યારે હેપી દિવાલી અને હેપી ન્યૂ યર ઇન એડ્વાન્સ.