પ્રેમ છે? તો પૂછી લેવાનું! કોઇ ગમે છે, તો બહુ લાંબું વિચાર્યા વગર કહી દેવાનું કે તું મને ગમે છે. નવી જનરેશન પ્રેમ કે દોસ્તીમાં પણ વધુ સમય બગાડતી નથી. રિલેશનશિપ અંગેના હમણાંના એક સરવેમાં એવી વાત બહાર આવી છે કે, હવેના છોકરા છોકરીઓ ફટ દઇને પ્રેમમાં પડી જાય છે. પ્રેમ કબૂલ કરવામાં કે પ્રેમ વ્યક્ત કરવામાં આજના યંગસ્ટર્સ જરાયે મોડું નથી કરતા. એક તો અત્યારની જનરેશન જ ફાસ્ટ છે, ઉપરથી ટેક્નોલોજી તેની મદદે આવે છે. કોઇના વિશે કંઇ જાણવું હોય તો તરત જ તેનું સોશિયલ મીડિયા ચેક કરી લે છે. આ કઇ ટાઇપનો છોકરો છે અથવા તો એ કઇ ટાઇપની છોકરી છે? આપણને ફાવે એવું છે કે નહીં? એક રીતે જોવા જઇએ તો એમાં કશું ખોટું નથી. દિલમાં વાત દબાવી રાખવાનો કોઇ મતલબ નથી. એકબીજા માટે તડપ અને એકબીજા માટેનો તલસાટ હવે ભૂતકાળની વાત થઇ ગઇ છે. હવે તો પ્રેમ હોય કે બ્રેકઅપ બધું જ ઇન્સ્ટન્ટ થઇ ગયું છે. એક સમય હતો જ્યારે પ્રેમી કે પ્રેમિકાના દિદાર થઇ જાય એટલે દિવસ સુધરી જતો હતો. એકબીજા સામે નજર મળે ત્યાં જ ધબકારા વધી જતા હતા. અત્યારના વડીલને પૂછજો તો એ કહેશે કે, અમારા સમયમાં તો છોકરી સાથે વાત કરવામાં ટાંટિયા ઢીલા થઇ જતા હતા. મળવાનો મેળ પડે ત્યારે તો સ્વર્ગનો જ અનુભવ થતો. કેટલાક તો વળી ત્યાં સુધી કહેશે કે, અત્યારે ભલે બધું ઇઝી થઇ ગયું હોય, પણ અમારા જમાનાના પ્રેમની વાત જ અલગ હતી. અત્યારની જનરેશન જો એ બધી વાત સાંભળે તો એવું જ કહે કે, આટલા બધા પાપડ થોડા વણવાના હોય. હા કે ના, જે હોય ફટાફટ હોવું જોઇએ. યસ ઔર નો.
અગાઉનું બધું સારું હતું અને હવે બધું ખાડે ગયું છે એવું કહેવાનો બિલકુલ ઇરાદો નથી. વો ભી એક દૌર થા, યે ભી એક દૌર હૈ. સમયની સાથે પ્રેમમાં પણ પરિવર્તનો આવવાનાં જ છે. સાઇકોલોજિસ્ટો કહે છે કે, ઝડપથી પ્રેમમાં પડવાના ફાયદાઓ પણ છે અને ગેરફાયદાઓ પણ ઓછા નથી. એક વાત તો કહેવી પડે એમ છે કે, અત્યારની જનરેશનમાં રિલેશનશિપ બાબતે બહુ ક્લેરિટી છે. છોકરો હોય કે છોકરી, બેમાંથી કોઇ કંઇ ચલાવી લેતા નથી. અગાઉના સમયમાં બધું જ સ્લોલી સ્લોલી ચાલતું હતું. કોઇ ગમે પછી કેટલોય સમય તો એકબીજાને જોવામાં જ જતો હતો. રાહ જોવાતી હતી કે, નીકળે તો મોઢું જોવા મળે. એકબીજાના કોલેજ જવાના સમય પર નજર રહેતી. માનો કે આંખો મળી જાય અને થોડુંક હસવાનું શરૂ થાય એ પછી સૌથી મોટો સવાલ એ જ આવતો કે, વાત કેમ કરવી? કેટલાયે પ્રેમપત્રો લખીને ફાડી નખાતા. સવાલ એ હતો કે, પ્રેમપત્ર પહોંચાડવો કઇ રીતે? છોકરો હોય કે છોકરી, ફ્રેન્ડ વગર કામ ન થતું. મધ્યસ્થી વગર વાત આગળ જ ન વધતી. મેસેન્જર મારફતે જ ચિઠ્ઠીની આપ-લે થતી. બુકમાં પ્રેમપત્ર મૂકીને બુકની લેવડદેવડ થતી હતી. ઘરમાં કોઇ નથી એ ખબર પડે ત્યારે જ લેન્ડલાઇન પર ફોન કરવાની હિંમત થતી. ખાલી હલો અવાજ સાંભળવા માટે જ ફોન લગાડીને કંઇ બોલ્યા વગર ફોન મૂકી દેવાતો હતો. ધાર્મિક કે સામાજિક પ્રસંગે મળવાના મોકા શોધવામાં આવતા. ખબર પડે કે એ આવવાનો છે કે એ આવવાની છે એટલે રગેરગમાં રોમાંચ છવાઇ જતો. અત્યારના સમયમાં પ્રેમીઓ મળે ત્યારે બહુ સહજ રીતે એકબીજાને હગ કરે છે. અગાઉના સમયમાં તો હળવો સ્પર્શ થઇ જવો એ પણ મોટી વાત હતી. કિસ સુધી તો ત્યારે જ વાત પહોંચતી જ્યારે પ્રેમસંબંધ એકદમ ગાઢ
થઇ જતો હતો.
પ્રેમીઓએ એ વાતનું પણ ધ્યાન રાખવું પડતું હતું કે, કોઇને ખબર ન પડી જાય. ઘરે કહી દે તો આવી બને. કેટલાક કિસ્સામાં તો ધોલાઇ થઇ જાય. હવે તો યંગ લોકો સોશિયલ મીડિયા પર ફોટા મૂકીને પોતાની રિલેશનશિપ જાહેર કરે છે. અગેઇન, તેમાં કશું ખોટું નથી. જોકે, રિલેશનશિપમાં આગળ વધવામાં થોડીક સાવચેતી રાખવાની સલાહ નિષ્ણાતો ચોક્કસ આપે છે. ઝડપથી પ્રેમમાં પડવાના કારણે થાય છે એવું કે, હજુ એકબીજાને પૂરા સમજે કે ઓળખે એ પહેલાં જ પ્રેમમાં પડી જાય છે. નજીક આવી ગયા પછી ખબર પડે છે કે, આને ધાર્યો હતો જુદો અને નીકળ્યો સાવ અલગ જ. છોકરીઓની બાબતોમાં પણ આવું થઇ શકે છે. વિચાર્યું હોય કંઇ અને નીકળે સાવ જુદું જ. ફાવે નહીં એટલે જેટલા ઝડપથી પ્રેમમાં પડ્યા હોય એના કરતાં વધુ ઝડપથી બ્રેકઅપ કરી નાખે છે. ભલે અત્યારે બ્રેકઅપ ફટાફટ થઇ જતા હોય, પણ બ્રેકઅપની એક ચોક્કસ વેદનામાંથી પસાર તો થવું જ પડે છે. કેટલીક વખત બ્રેકઅપ ડિપ્રેશન નોતરે છે. છોકરો કે છોકરી જો વધુ સંવેદનશીલ હોય તો એને બ્રેકઅપની પીડામાંથી બહાર નીકળતા બહુ વાર લાગે છે. કેટલીક વખત એવું થાય છે કે, પ્રેમ પરથી ભરોસો જ ઊઠી જાય છે. મૂવ ઓન થઇ જવાની તૈયારીના કારણે એક વખત બ્રેકઅપ બાદ બીજો સંબંધ બંધાતો હોય છે. હવે જો એમાં પણ ન ફાવે ત્યારે એવો વિચાર આવે છે કે, હવે કોઇ સાથે સંબંધ રાખવો જ નથી. બીજી વાત એ છે કે, હવેના સંબંધો ગણતરીઓ સાથે બંધાય છે. અગાઉના સમય કરતાં અપેક્ષાઓ વધી ગઇ છે. બધા સારા જ હોય એવું પણ જરૂરી નથી. ઘણાયે યંગસ્ટર્સ વિશ્વાસઘાતથી માંડીને ફ્રોડનો પણ ભોગ બને છે.
બધું થતું હોવા છતાં યંગસ્ટર્સ ફટાફટ પ્રેમમાં પડતા રહે છે. ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટી અને ધ જર્નલ ઓફ સોશિયલ સાઇકોલોજી દ્વારા 33 દેશના 808 યુવાનો પર રિલેશનશિપ વિશે એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. આ અભ્યાસમાં એવું બહાર આવ્યું હતું કે, સ્ત્રીઓની સરખામણીમાં પુરુષો વધુ ઝડપે પ્રેમમાં પડી જાય છે.
મોટાભાગના કિસ્સાઓમાં પ્રપોઝ પણ પુરુષો જ કરે છે. આઇ લવ યુ કહેવામાં જેન્ટ્સ ઉતાવળા હોય છે. બીજી એક રસપ્રદ વાત એ પણ બહાર આવી છે કે, પ્રેમમાં પડતા પહેલાં છોકરો મોટા ભાગે છોકરીના દેખાવ, વર્તન અને અવાજથી આકર્ષિત થાય છે. છોકરીઓ હજુયે સંબંધની સુરક્ષા, સ્થિરતા અને ભવિષ્યનો વિચાર કરીને આગળ વધે છે. યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના મનોવૈજ્ઞાનિક રોબર્ટ કુર્ઝબાને `હરીડેટ' ઉપર એક રસપ્રદ સંશોધન કર્યું છે. તેમણે કહ્યું કે, હવેના સમયમાં યંગસ્ટર્સ મિનિટો નહીં, પણ સેકન્ડોમાં સંબંધ રાખવો કે નહીં એ નક્કી કરી લે છે. એક વખત ચોકડી મૂકી દીધા પછી તરત જ તેમાંથી બહાર નીકળી પણ જાય છે. અગાઉના સમયમાં જેનો પ્રેમ ભંગ થઇ જતો એ દારૂના રવાડે ચડી જતા. દેવદાસ બનીને ફરતા હતા. પોતાની જિંદગી બરબાદ કરી નાખતા. હવે કોઇ એવું કરતું નથી. હવે તો ન ફાવે તો નથી રમતા એમ કહીને પોતાના કામે વળગી જાય છે. આખી દુનિયામાં લવ એટ ફર્સ્ટ સાઇટની વાતો પહેલેથી થતી આવી છે. તેમાં પણ એવું જ સાબિત થયું છે કે, પહેલી નજરમાં કોઇ ગમી જાય એવું બને, પણ પ્રેમ તો ચાર-પાંચ મુલાકાત પછી જ થાય છે. હવેના સમયમાં વાંધો એ છે કે, કોઇ ગમી જાય એટલે યંગસ્ટર્સ તેને પ્રેમ માની લે છે. આકર્ષણ અને પ્રેમમાં હાથી-ઘોડાના ફેર છે. સ્થિર અને મેચ્યોર સંબંધ બાંધવામાં સમય જરૂરી છે. હવેના યંગસ્ટર્સમાં એવા લોકોની સંખ્યા પણ વધતી જાય છે જેને પરમેનન્ટ રિલેશનમાં બહુ રસ નથી હોતો. માત્ર ટાઇમ પાસ અને મજા માટે સંબંધ બાંધવામાં આવે છે. બંને વચ્ચે એટલી ઇન્ટિમસી જ નથી હોતી કે, એકબીજા વગર રહી ન શકાય. મનોવૈજ્ઞાનિકો યંગ પીપલ સામે લાલ બત્તી ધરે છે કે, પ્રેમમાં પડતા પહેલાં સમય લો, એકબીજાને સમજો, પૂરેપૂરા ઓળખો, એવું લાગે કે આ વ્યક્તિ ભરોસાપાત્ર છે તો જ એની સાથે સંબંધ રાખો. ઉતાવળે અને અણસમજે બંધાયેલા સંબંધોનાં પરિણામો ઘણી વખત અઘરા, આકરા અને સહન ન થાય એવાં સાબિત થતાં હોય છે.
પેશ-એ-ખિદમત
વો હંસ કે દેખતી હોતી તો ઉસસે બાત કરતે,
કોઇ ઉમ્મીદ ભી હોતી તો ઉસસે બાત કરતે,
કિસી સે બાત કરના ઇતના મુશ્કિલ ભી નહીં થા,
કિસીને બાત કી હોતી તો ઉસસે બાત કરતે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો