સંબંધોનો મુખ્ય આધારસ્તંભ પ્રતિબદ્ધતા અને વિશ્વાસ હોય છે, પરંતુ દરેક વ્યક્તિની વફાદારી અને ભરોસાની વ્યાખ્યા અલગ-અલગ હોવાની. આધુનિક સમયમાં રિલેશનશિપના સંદર્ભો અને જરૂરિયાતોમાં આમૂલ પરિવર્તન આવ્યું છે, તેથી મનોવૈજ્ઞાનિકો સંબંધોનું ઊંડાણથી વિશ્લેષણ કરી રહ્યા છે અને માનવમનના આંતરિક ભાવજગત અને ઊથલપાથલને ઓળખીને એને નિતનવા નામ આપે છે. મનની લાગણીઓની ઊથલપાથલ યાને અસ્થિરતા દર્શાવતું એક નામ છે `મંકી બ્રાન્ચિંગ' જેનો મતલબ છે કે એક સંબંધમાં હોવા છતાં વ્યક્તિ બીજી કોઈ સંભવિત સાથી સાથે સંબંધોનું નિર્માણ કરે છે યાને તેઓ મનમાં એવું માનીને વર્તે છે કે અગર આ સંબંધમાં કોઈ સમસ્યા આવી તો સલામતી માટે બીજો સંબંધ તૈયાર જ છે. મનોવૈજ્ઞાનિકોએ આ શબ્દ વૃક્ષની ડાળી ઉપર કૂદાકૂદ કરતાં વાંદરાંઓને જોઈને આપ્યો છે. વાંદરો એક ડાળીની પકડ ત્યાં સુધી નથી છોડતો જ્યાં સુધી બીજી ડાળી પરની એની પકડ મજબૂત ન બને.

ટૂંકમાં, મંકી બ્રાન્ચિંગ સંબંધોની એવી સ્થિતિ દર્શાવે છે કે માણસ સંબંધમાં હોય છે, પરંતુ એના મનમાં એ સંબંધ તૂટવાનો ડર હોય કે સંબંધોથી એને પૂર્ણ સંતોષ ન મળતો હોય તો એ એવી કોઈ ક્ષણ માટે તૈયાર નથી કે જ્યારે એ એકલો પડે. એટલે એક સંબંધ તૂટે એ પહેલાં જ એ બીજો સંબંધ બનાવી લે છે, જેને સામાન્ય રીતે માઈક્રો ચીટિંગ કહી શકાય. આ માટે `બ્રેકઅપ ઓપ્શન' એવો શબ્દ પણ વાપરી શકાય. એક સંબંધમાં હોવા છતાં અસલામતી લાગે, એમાં લાગણીને સમજી ન શકાતી હોય કે એકલતાનું જોખમ ન લેવું હોય ત્યારે મનમાં આવી વૃત્તિ વિકસે છે.

નૈતિક દૃષ્ટિએ જોઈએ તો આવું વર્તન સાથી સાથે છેતરપિંડી છે એટલું જ નહીં, વ્યક્તિનું મન એ સંબંધોમાં વિભાજિત હોવાથી વ્યક્તિ પોતે ગૂંચવણમાં રહે છે એ કમિટમેન્ટ માટેની નિર્ણાયક સ્થિતિમાં ન આવવાથી તણાવમાં પણ રહેશે. અગર કોઈ થોડું પણ જાગૃત હશે કે સંવેદનશીલ હશે તો અપરાધભાવ પણ ઘેરી વળશે. ટૂંકમાં, એકલતાના ડરથી તે બંને હાથમાં લાડવો રાખવાની વૃત્તિ ભૂત કાઢતાં પલિત પેસે એવી સ્થિતિ જન્માવી શકે. એક સમસ્યા દૂર કરવામાં બીજી અનેક સમસ્યાઓનો પ્રવેશ થાય.  

જર્નલ ઓફ પર્સનાલિટી એન્ડ સોશિયલ સાઇકોલોજીમાં પ્રકાશિત એક અધ્યયન મુજબ એકલા રહેવાનો ડર અને અસંતોષજનક સ્થિતિને કારણે સંભવિત બ્રેકઅપને કારણે ભાવનાત્મક ઝાટકાથી બચવા માટે નવો વિકલ્પ તૈયાર રાખે છે. આવી વ્યક્તિને પોતાના સંબંધોની ખામીઓ પર કામ નથી કરવું કે સંબંધોમાં આવતા ચડાવ-ઉતારમાં કશું જતું નથી કરવું એટલે તેઓ પલાયનવાદી વૃત્તિ અપનાવવાની તૈયારી સંબંધોના થોડા જ સમયમાં કરી દે છે. ઘણા સંબંધો થોડા સમયમાં એટલા રૂટિન બની જાય છે કે એમાં રોમાંચ અને અટેન્શન બંને ગાયબ થઈ જાય. એટલે એની શોધ માટે કેટલાક લોકો એક સંબંધની ઉપસ્થિતિમાં બીજો સંબંધ બાંધે, જેથી પહેલો સંબંધ તૂટે, પણ ભાવનાત્મક ખાલીપો બીજા સંબંધથી તરત જ પુરાઈ જાય. ઊંડું દુઃખ કે અનુભવવાનો સમય ન આવે. વળી, જે લોકો ગાઢ પ્રતિબદ્ધતાથી ડરે છે, એમાં જે સમય, શક્તિ અને સમર્પણ જોઈએ તે આપવાની તૈયારી ન હોય તો એકસાથે બે ઉપરછલ્લા સંબંધો રાખે.

આ ઉપરાંત `મંકી બ્રાન્ચિંગ' માટે ડોપામાઈન પણ જવાબદાર છે, કારણ કે રોમાન્સની શરૂઆતમાં મગજમાં ડોપામાઈન અને નોરેપિનેફ્રિન જેવાં ન્યૂરો કેમિકલ્સને ઉત્તેજિત કરે છે, પરંતુ આકર્ષણ ખતમ થતાં જ આ બાબતને તેઓ સંબંધોની અયોગ્યતા માની લે છે. આકર્ષણ ઘટતાં સંબંધમાં રહેવા જેવું કશું નથી રહ્યું એવી માનસિકતાને કારણે લોકો નવા `સ્પાર્ક'ની તલાશમાં નીકળી પડે છે. `મંકી બ્રાન્ચિંગ' કરનાર સૌપ્રથમ પોતાના પાર્ટનરથી ભાવનાત્મક રીતે દૂર થાય છે અને કમીઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. બીજા ક્રમે નવી વ્યક્તિ સાથે મેસેજ દ્વારા વાતચીત કરી નજદીક આવે છે. ત્રીજા ક્રમે પાર્ટનર પર આક્ષેપો કરી ઝઘડા કરશે અને પોતાનું ગિલ્ટ ઓછું કરવા પાર્ટનરની ખામીને ગ્લોરિફાય કરશે. બ્રેકઅપને ન્યાયી બતાવી શકાય અને છેલ્લે જૂના સંબંધો નામવત રહી જાય અને નવા સંબંધોમાં આગળ વધાય. આવા લોકોમાં પોતાના સંબંધોનું વિશ્લેષણ કરવા માટે થોડો સમય રાહ જોવાની પણ ધીરજ નથી હોતી. અન્ય તરફ આકર્ષણ થતાં જૂના સંબંધને હાંસિયામાં ધકેલતા વાર નથી લાગતી. મતલબ કે તેઓ પોતાની લાગણીઓનું ઓવરલેપિંગ કરી ખુદને ભાવનાત્મક રીતે સુરક્ષિત બનાવે છે.

મંકી બ્રાન્ચિંગ બિહેવિયર કરનારમાં કમિટમેન્ટ અને સમસ્યાને ઉકેલવાની ક્ષમતાની ખામી હોય છે અને ભાવનાત્મક રીતે અસંતુલિત હોય છે. જેનો એ ઉકેલ શોધી કાઢે છે, પરંતુ એનો ભોગ બનનાર એવું માને છે કે બ્રેકઅપ માટે એ પોતે જ જવાબદાર છે. બીજું, જ્યારે ભોગ બનનારને એવું લાગે કે પોતાની સાથે જોડાઈને પણ પાર્ટનર બીજા સાથે ઇન્વોલ હતો ત્યારે સંબંધો પરથી એમનો ભરોસો તૂટી જાય છે અને જ્યારે પાર્ટનરને એ અન્ય વ્યક્તિ સાથે તરત જ ખુશહાલ જુએ છે ત્યારે એને ઊંડો આઘાત લાગે છે.

વાસ્તવમાં એક સંબંધમાં રહીને બીજા સંબંધોની શોધખોળ કરવી એ પાર્ટનર સાથે નહીં, પરંતુ ખુદ સાથે પણ વિશ્વાસઘાત છે. લાગણી-જોડાણ-પ્રેમસંબંધ એ ટાઈમપાસ કે ફાલતું બાબત નથી. કોઈના દિલ સાથે પોતાના દિમાગ દ્વારા છેતરપિંડી કરવી એને યોગ્ય ન જ ગણી શકાય.  

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો