આપણી અને આપણી સીમાઓની સુરક્ષા ભારતીય સૈન્યને આભારી છે. તેમના થકી જ આપણે નિશ્ચિંત જીવન જીવી રહ્યા છીએ.
સૈન્યમાં અનેક યુનિટ હોય છે જેની કમાન નક્કી કરેલા અફસરના હાથમાં હોય છે. વળી, મોટાભાગે દરેક યુનિટનું કામ પણ નિશ્ચિત હોય છે. ભારતીય સૈન્યનું સ્ટ્રક્ચર ખૂબ વ્યવસ્થિત છે. સેક્શન, પ્લાટૂન, કંપની અને બટાલિયન વિશે અગાઉના લેખમાં જાણ્યું હતું. હવે આગળના સ્ટ્રક્ચર વિશે જાણીએ.
બ્રિગેડ
બ્રિગેડ ત્રણ બટાલિયનોનો સમૂહ હોય છે, જેમાં લગભગ 3000-3500 સૈનિકો હોય છે. તેનું નેતૃત્વ એક બ્રિગેડિયર કરે છે. બ્રિગેડ મોટા વિસ્તારને સંભાળે છે અને કોઈ ક્ષેત્રના આર્મી ઓપરેશનનું કોર્ડિનેશન કરે છે. તેમની પાસે પોતાની આર્ટિલરી, એન્જિનિયર, સિગ્નલ અને લોજિસ્ટિક સપોર્ટ યુનિટ હોય છે. યુદ્ધમાં બ્રિગેડ આક્રમક તથા રક્ષાત્મક એમ બંને ભૂમિકા ભજવે છે અને સાથે ઘણી દિશાઓમાં કાર્યવાહી કરવાની ક્ષમતા ધરાવે છે. સરહદ પરની ચોકીઓ, ફોરવર્ડ પોસ્ટ અને હાઈ-રિસ્ક ક્ષેત્રોનું ઓપરેશન પણ બ્રિગેડ સંભાળે છે.
ડિવિઝન
ડિવિઝન સૈન્યનું સૌથી મોટું ફોર્મેશન હોય છે, જેમાં લગભગ 15,000-18,000 સૈનિકો સામેલ હોય છે. તેનું નેતૃત્વ મેજર જનરલ કરે છે. ડિવિઝનમાં ઘણી બ્રિગેડ, આર્ટિલરી બ્રિગેડ, એન્જિનિયર યુનિટ, સિગ્નલ યુનિટ, મેડિકલ સર્વિસીસ અને અન્ય સપોર્ટ ફોર્મેશનનો સમાવેશ થાય છે. ડિવિઝનનો ઉદ્દેશ મોટા પાયે સૈન્ય અભિયાન ચલાવવાનો હોય છે. જેમ કે, મોટા વિસ્તાર પર કંટ્રોલ, ઘણી દિશાઓથી એકસાથે હુમલો, વ્યાપર રક્ષા વ્યવસ્થા વગેરે. ડિવિઝન સ્તર પર રણનીતિક યુદ્ધ યોજનાઓ બનાવવામાં આવે છે. તે કોઈ મોટા સેક્ટરની સુરક્ષા અને યુદ્ધ પ્રબંધનનો સંપૂર્ણ કંટ્રોલ રાખે છે.
કોર
કોર ભારતીય સૈન્યનું બહુ મોટું યુદ્ધ ફોર્મેશન હોય છે, જેમાં લગભગ 40000-45000 સૈનિકોનો સમાવેશ થાય છે. તેનું નેતૃત્વ એક લેફ્ટનન્ટ જનરલ કરે છે, જેને જનરલ ઓફિસર કમાન્ડિંગ (જીસીઓ) કહેવામાં આવે છે. કોરમાં ઘણાં ડિવિઝન સામેલ હોય છે, જેમાં ઇન્ફન્ટ્રી, આર્મ્ડ, આર્ટિલરી, એન્જિનિયરિંગ ફોર્મેશનનો સમાવેશ થાય છે. કોર મોટા ભૂભાગમાં રણનીતિક સૈન્ય કાર્યવાહી, છેક અંદર સુધી આક્રમણ, સીમાની સુરક્ષા અને નિર્ણાયક રીતે આગળ વધવાનું કામ કરે છે.
કમાન્ડ
ભારતીય સૈન્યમાં છ ઓફરેશનલ કમાન્ડ હોય છે, જેમાં નોર્ધન, વેસ્ટર્ન, ઈસ્ટર્ન, સાઉધર્ન, સાઉથ વેસ્ટર્ન અને સેન્ટ્રલ કમાન્ડનો સમાવેશ થાય છે. પ્રત્યેક કમાન્ડનું નેતૃત્વ લેફ્ટનન્ટ જનરલ કરે છે, જેમને આર્મી કમાન્ડર કહેવામાં આવે છે. કમાન્ડર બહુ મોટા ભૂભાગ, ઘણી કોર અને તેમનાં ડિવિઝનોનો કંટ્રોલ સંભાળે છે. તે રણનીતિક યુદ્ધ યોજના, પોસ્ટિંગ, પ્રશિક્ષણ, લોજિસ્ટિક્સ અને બધા જ સૈન્ય સંચાલનનું નિર્દેશન કરે છે.
આર્મી હેડક્વાર્ટર
આર્મી હેડક્વાર્ટર નવી દિલ્હીસ્થિત ભારતીય સૈન્યનું સર્વોચ્ચ મુખ્યાલય છે. તેનું નેતૃત્વ ચીફ ઓફ ધ આર્મી સ્ટાફ (સીઓએસ) કરે છે, જે ચાર-સિતારા (સ્ટાર) જનરલ હોય છે. તેમના અંતર્ગત વાઈસ ચીફ, ઘણા ડેપ્યૂટી ચીફ્સ અને વિવિધ મિલિટરી બ્રાંચ કામ કરે છે. આમાં ઓપરેશન્સ, ઇન્ટેલિજન્સ, ટ્રેનિંગ, મોડર્નાઈઝેશન અને બોર્ડ સિક્યોરિટીની દિશા નક્કી થાય છે. આર્મી હેડક્વાર્ટર ભારતીય સૈન્યનું સર્વોચ્ચ સંચાલન કેન્દ્ર હોય છે.
