બે મિત્રો કે સંબંધી મળે ત્યારે મોટાભાગે કોણ વધારે ભૌતિક રીતે ગાડી, બંગલા, ધન વગેરે કમાયું એની ચર્ચા થાય છે. મોટી-મોટી ઓળખાણો અને પદ-પ્રતિષ્ઠાની વાતો દ્વારા ઇગોને હવા અપાય છે, પણ ભાવનાત્મક સ્તરે, ગુણાત્મક સ્તરે એટલે કે હૃદય અને મનના સ્તરે શું મેળવ્યું? શું ગુમાવ્યું? એની ચર્ચા થતી નથી. શું લાભ-નુકસાન માત્ર ભૌતિક જ હોય છે? હૃદયને બાગ-બાગ કરતાં કે મુરઝાવતા લાભ-નુકસાનની આપણાં જીવનમાં કોઇ કિંમત ખરી કે નહીં? કોઇ પૈસામાં આપણને છેતરી જાય તો પૈસાનું નુકસાન એ ભૌતિક નુકસાન છે, જે કમાઇને સરભર કરી શકાય, પરંતુ છેતરાવાની લાગણીથી જે જેમ કે સંકટનો સમય સાચવી લીધો, સ્વજનની ખુશી માટે ઉમળકાભેર સપોર્ટ આપ્યો કે વહાલ દ્વારા સહુના હૃદયમાં સ્થાન મેળવતા ગયા તો લાગણીની બેંકમાં તમારી ઘણી મૂડી જમા થઇ, પરંતુ અહમ્-જીદ કે દેખાદેખીને કારણે તમે તમારી ફરજ ચૂકી ગયા, તમે ખોટો ઝઘડો કર્યો, વાદવિવાદ વધાર્યો કે માત્ર પોતાનો જ સ્વાર્થ જોયો અને સ્વજનોનાં દિલ તૂટ્યા. કોઇની આંખોમાં આંસુ આવ્યાં કે કોઇના દિલ પર ઉઝરડા પડ્યા, તો તમારા ખાતામાં ઉધારી નોંધાશે.
એક સીધું-સાદું સમાજમાં છાશવારે બનતી ઘટનાનું ઉદાહરણ લઇએ. એક સ્ત્રી સ્વભાવની સારી છે, સમજદાર છે. એનાં સાસું-સસરાંને એ પ્રેમથી રાખે છે, એની દેરાણી નથી રાખતી. હવે કોઇની કાનભંભેરણીથી એના મગજમાં આવ્યું કે દેરાણી ન આખે તો હું કેમ રાખું? મારી એકલીની જ જવાબદારી કેમ? આવું વિચારીને એ સાસુ-સસરાને કાઢી મૂકે કે એમની સાથે ખરાબ વર્તન કરે તો ભાવનાત્મક સ્તરે એ નાદારી નોંધાવશે. એને માત્ર સાસુ-સસરાંને દુઃખી નથી કર્યાં, પરંતુ પોતાના મૂળ સ્વભાવ અને સમજ પર રેપ કર્યો છે, કારણ કે એ જે રીતે વર્તે છે એ એનો મૂળ સ્વભાવ જ નથી, તેથી લાંબા ગાળે એને અફસોસ, દુઃખ અને ગીલ્ટ પણ થશે અને આંતરિક રીતે એ ઘણું ગુમાવશે.
એ જ રીતે તમે કેટલા સંબંધો તોડ્યા? અને કેટલા જોડ્યા? એ પણ મનની બેલેન્સસીટને અસર કરે છે. ગુસ્સામાં ગમે-તેમ બોલવાથી સંબંધો તૂટે છે અને ન તૂટે તો તિરાડ તો પડી જ જાય છે. સંબંધોમાં કેટલી તિરાડ પાડી? અને કેટલી જોડી? એટિટ્યૂડ બતાવી કેટલા સ્વજનોને ઇગ્નોર કર્યા? પીઠ પાછળ બુરાઇ કરીને કેટલા સંબંધોનુ વસ્ત્રહરણ કર્યું? અને `સોરી' કહીને કેટલા સંબંધોને તૂટતા અટકાવ્યા? કેટલાનાં આંસુ લૂંછ્યાં? અને કેટલાને રડાવ્યા? અગર આ સરવૈયુ કાઢીએ તો આપણને ખબર પડે કે માણસ તરીકે આપણે ક્યાં છીએ? કોઇના જીવનમાં કશું ઉમેરી ન શકીએ તો કંઇ નહીં, પરંતુ કોઇના જીવનમાં લાગણીનો છેદ તો ન જ કરીએ.
વાસ્તવિકતા એ છે કે આજે સોફેસ્ટિકેટેડ લોકોની બોલબાલા છે. અંદરથી કંઇ પણ હોય, પરંતુ બહારથી તો ભગવાનના માણસ લાગે. આવા લોકો ચાણક્ય કરતાં તેજ રાજનીતિ કરી શકે છે. એમનો અંદરનો ઇગો પહાડ જેટલો હોય છે, તેથી તેઓ બહાર તો સારા જ લાગે. તેઓ પગ ખેંચીને ખસી જાય અથવા તો કાંકરી ફેંકીને જતા રહે. તેઓ દિવાસળી ચાંપે પણ આગમાં દાઝનારને ખબર પણ ન પડે કે આગ કોને લગાડી. અગર તમે આવા લોકોમાં છો, જાણતાં-અજાણતાં શાંત-પાણીમાં પથ્થર ફેંકવાનું કામ કરો છો તો તમે અંદરથી સાવ ખાલી છો. ખાલી જ નહીં પોલાં પણ છો. તમારા ભાવનાત્મક ખાતામાં અહમ્, છળ, ઇર્ષ્યા અને બદમાશીની ક્રેડિટ થતી રહેશે અને નુકસાનીનું પલ્લું ભારે થઇ જશે.
ટૂંકમાં, આપણા સ્વભાવ, ટેવ કે બદમાશીને કારણે આપણે લોકોનાં હૃદયને રડાવીશું તો એ નુકસાન છે અને તે બની શકે આપણને સુખ આપશે શાંતિ નહીં આપે.
પૈસાનું રોકાણ આપણે જાતજાતની સ્કીમમાં કરીએ છીએ, પણ લાગણીનાં કે જીવનમૂલ્યોના રોકાણની આપણી પાસે કેટલી સ્કીમ છે? માનવતા, સદ્ભાવના, સરળતા અને ભાવનાત્મકતા એ માણસને અંદરથી જીવંત રાખતી સ્કીમ છે. એમાં રોકાણ કરીશું તો દુનિયા સામે કદાચ હારીશું, પરંતુ જીત સામે અવશ્ય જીતીશું.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો