લખનૌના એક ગામમાંથી જન્મી `દશેરી'
દશેરી કેરીનું સૌથી વધુ ઉત્પાદન ઉત્તર પ્રદેશમાં થાય છે. અહીં દર વર્ષે લગભગ 20 લાખ ટન દશેરી કેરી પાકે છે. એવું કહેવાય છે કે દશેરી કેરીનું પહેલું ઝાડ લખનૌ પાસેના કાકોરી સ્ટેશનને અડીને આવેલા `દશેરી' ગામમાં રોપવામાં આવ્યું હતું. આ ગામના નામ પરથી જ તેનું નામ દશેરી કેરી પડ્યું. માનવામાં આવે છે કે તે પહેલું ઝાડ આજે પણ મોજૂદ છે અને તેની ઉંમર આશરે 200 વર્ષ છે. તેને `મધર ઓફ મેંગો ટ્રી' કહેવામાં આવે છે. આ સિવાય ચૌસા અને બીજી ડઝનથી વધુ જાતોનાં નામ પણ ગામડાઓનાં નામ પરથી જ પડ્યાં છે.
લંગડો કેરીનું નામ કેવી રીતે પડ્યું?
લંગડો કેરીના નામ પાછળ એક ખૂબ જ રસપ્રદ વાર્તા છે. કહેવાય છે કે 250 વર્ષ પહેલાં બનારસના એક શિવમંદિરમાં એક લંગડા પૂજારી રહેતા હતા. એક દિવસ મંદિરમાં એક સાધુ આવીને રોકાયા અને તેમણે મંદિરના પ્રાંગણમાં કેરીના બે છોડ રોપ્યા. વર્ષો પછી જ્યારે તેના પર ફળ આવ્યાં, ત્યારે લંગડા પૂજારીએ તે ફળ ભગવાન શિવને અર્પણ કર્યા. વાસ્તવમાં સાધુએ પૂજારીને આદેશ આપ્યો હતો કે આ કેરી કોઈને આપવી નહીં, પરંતુ કાશીના રાજાએ સાધુ પાસેથી તે મેળવી લીધી. ધીમે-ધીમે કેરીની આ પ્રજાતિ આખા બનારસમાં ફેલાઈ ગઈ અને લંગડા પૂજારીના નામ પરથી તેનું નામ `લંગડો' પડી ગયું. આજે આ કેરી પશ્ચિમ એશિયા, બાંગ્લાદેશ અને બ્રિટનમાં પણ નિકાસ કરવામાં આવે છે.
સ્વાદ અને સુગંધમાં લાજવાબ : કેસર કેરી
ગુજરાતનું ગૌરવ ગણાતી કેસર કેરીને `કેરીઓની રાણી' કહેવામાં આવે છે. કેસર કેરીના નામ પાછળની વાર્તા એવી છે કે, આ કેરીની ખેતી સૌપ્રથમ 1931માં જૂનાગઢના વજીર સાલે ભાઈ રક્ષિતે દ્વારા કરવામાં આવી હતી. 1934માં જ્યારે જૂનાગઢના નવાબ મહાબત ખાનજીએ આ કેરી ખાધી અને તેનો કેસરી રંગ તેમજ સુગંધ જોઈ, ત્યારે તેમણે ઉદ્ગાર કાઢ્યા હતા કે, `આ તો કેસર છે!' બસ, ત્યારથી તેનું નામ `કેસર' પડી ગયું. આપણે ત્યાં ગીર અને કચ્છની કેસર કેરી પ્રખ્યાત છે. ગીરના પહાડી વિસ્તારોમાં (જૂનાગઢ અને અમરેલી) થાય છે. તેને GI ટેગ (Geographical Indication) પણ મળેલું છે.
`હાથીઝૂલ' કેરી છે સૌથી વજનદાર
કેરીના કદની વાર્તા પણ તેના નામ જેટલી જ રસપ્રદ છે. કેરી એક એવું ફળ છે જેની એક જાત બોર જેવડી નાની હોય છે, તો બીજી જાત મોટા તરબૂચ જેવડી હોય છે. સહારનપુરની `હાથીઝૂલ' કેરી દુનિયાની સૌથી વજનદાર કેરી છે, જેનું વજન 3.5 કિલોગ્રામ સુધી હોઈ શકે છે. આ કેરીની જાડાઈ જોઈને સહારનપુરના એક ખેડૂતે કહ્યું હતું કે જાણે `ઝાડ પર હાથી ઝૂલી રહ્યો છે' અને ત્યારથી તેનું નામ હાથીઝૂલ પડી ગયું.
આલ્ફાન્સો
વિશ્વભરમાં ભારતમાં પાકતી આલ્ફાન્સો (હાફૂસ) કેરીની એક અલગ જ ઓળખ છે. તેને `કેરીઓનો રાજા' પણ કહેવામાં આવે છે. આલ્ફાન્સો એક એવી કેરી છે, જે વજનની સાથે સાથે ડઝનના ભાવે પણ વેચાય છે. તેની સૌથી વધુ નિકાસ અમેરિકામાં થાય છે. આલ્ફોન્સોને ભારતમાં `હાફૂસ' કેરી પણ કહેવામાં આવે છે. લંગડો કેરી પછી આ સૌથી મીઠી કેરી ગણાય છે. જોકે, આલ્ફોન્સો હવે બ્રિટનમાં પણ ઉગાડવામાં આવે છે, પરંતુ ભારતીય હાફૂસનો સ્વાદ અજોડ છે.
તોતાપુરી કેરી
આ કેરી તેના અનોખા આકાર માટે જાણીતી છે. તેનું નામ પડવા પાછળ એવું કહેવાય છે કે આ કેરીનો આકાર લાંબો અને નીચેથી વળેલો હોય છે, જે પોપટની ચાંચ જેવો દેખાય છે. તેથી તેને `તોતાપુરી' કહેવામાં આવે છે. દક્ષિણ ભારતમાં તેને `બંગલોરા' કે `ગિલી' તરીકે પણ ઓળખવામાં આવે છે. જોકે, આ કેરી અન્ય કેરીઓની જેમ બહુ મીઠી હોતી નથી, તેમાં થોડી ખટાશ હોય છે. તેનો ઉપયોગ મુખ્યત્વે અથાણાં, સલાડ અને મેંગો પલ્પ (રસ) બનાવતી કંપનીઓ વધુ કરે છે.
સફેદા કે બંગનપલ્લી
દક્ષિણ ભારતની, ખાસ કરીને આંધ્રપ્રદેશની આ સૌથી લોકપ્રિય કેરી છે. આ કેરીની છાલ એકદમ પાતળી અને તેનો રંગ આછો પીળો (સફેદ જેવો ચમકતો) હોય છે, તેથી તેને `સફેદા' કહેવાય છે. તેનું ઉદ્ગમ આંધ્રના `બંગનપલ્લે' ગામમાં થયું હોવાથી તેને તે નામથી પણ ઓળખવામાં આવે છે. આ કેરી કદમાં મોટી હોય છે અને તેમાં રેસા બિલકુલ હોતા નથી. તેનો રસ ખૂબ જ ઘટ્ટ અને સ્વાદિષ્ટ હોય છે.
સિંદૂરી કેરી
તેના દેખાવને કારણે આ કેરી આકર્ષણનું કેન્દ્ર બને છે.આ કેરી જ્યારે પાકે છે ત્યારે તેની ઉપરની છાલ પર લાલાશ પડતો રંગ જોવા મળે છે, જે જોતાં એવું લાગે કે જાણે તેના પર `સિંદૂર' લગાવ્યું હોય. આ સુંદર લાલ-ગુલાબી રંગને કારણે તેનું નામ સિંદૂરી પડ્યું છે. તે સ્વાદમાં મીઠી અને સુગંધિત હોય છે. દેખાવમાં સુંદર હોવાને કારણે તેને `શેપ મેંગો' તરીકે પણ ઓળખવામાં આવે છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
