સંબંધોમાં `માઇન્ડ ગેમ' એટલે ચાલાકીપૂર્વક ખરાબ ન લાગે એ રીતે સામી વ્યક્તિને હર્ટ કરતું વર્તન. માઇન્ડ ગેમ રમનાર ખૂબ જ સરસ રીતે વર્તે છે છતાં એમાં કંઇક એવું હોય છે કે સામી વ્યક્તિ સત્ય પકડી શકતી નથી.

માઇન્ડ ગેમ એટલે સીધા સાદા શબ્દમાં કહીએ તો મીઠી છૂરી. જે જીભને એક ક્ષણે સંતુષ્ટ તો કરે, પણ બીજી ક્ષણે ચીરી કાઢે. જીભને ન દેખાય એવો ઘા કે લાગણીનું શોષણ. સંબંધોમાં માઇન્ડ ગેમ રમનાર વ્યક્તિ સાથીને ભાવનાત્મક રીતે નિયંત્રિત, ભ્રમિત અને પ્રભાવિત કરવા માટે જાણીજોઇને અમુક પ્રકારનું વર્તન કરે છે, જેનો ઉદ્દેશ સાથીને કંટ્રોલ કરી પોતાનું પ્રભુત્વ જમાવવાનો હોય છે.

દરેક વ્યક્તિ પોતાના સ્વભાવ પ્રમાણે માઇન્ડ ગેમ રમે છે. જેમાં ગેસલાઇટિંગ, સાઇલન્ટ ટ્રીટમેન્ટ, દોષારોપણ, અન્ય વ્યક્તિનું ઇન્વોલ્વમેન્ટ કરવું કે પ્રેમ અને ગુસ્સા-નફરતનું સમાંતર વર્તન કરવું જેવી બાબતો સમાવિષ્ટ છે.

માઇન્ડ ગેમનું એક ઉદાહરણ છે ગેસલાઇટિંગ. ગેસલાઇટિંગનો મતલબ છે પોતે જ કહેલી વાતથી ફરી જવું અને પાર્ટનરની યાદદાસ્ત અથવા સમજણ પર શંકા કરવી. એક ઉદાહરણથી આ વાત સમજીએ. પતિએ પત્નીને દસ દિવસ માટે પિયર જવાની હા પાડી હોય એટલે પત્ની ટિકિટ બુક કરાવે છે. જવાના આગલા દિવસે પત્ની બેગ ભરે છે ત્યારે પતિ ગુસ્સાથી પૂછશે કે તેં મને પૂછ્યા વગર ટિકિટ કેમ બુક કરાવી? પત્ની કહેશે કે મેં તમને પૂછ્યું હતું. તમે હા પાડી એટલે જ મેં જવાનું નક્કી કર્યું, પણ પતિ પોતે `હા' પાડી જ નથી એમ કહીને પત્નીને ગેરસમજ થવાનું કે એ જૂઠું બોલે છે એવું સાબિત કરવાનો પ્રયત્ન કરશે. એ માટે દલીલો કરશે, ઝઘડો કરશે અને પત્નીની યાદશક્તિ નબળી છે કે એ જૂઠી છે એવા આક્ષેપ સાથે પત્નીનો આત્મવિશ્વાસ તોડશે. અહીં પતિની `હા' કહીને ફરી જવાની વર્તણૂક એ માઇન્ડ ગેમનો જ એક પ્રકાર છે. પત્નીને યાદ નથી રહેતું, એ ઓવર રિએક્ટ કરે છે, વધારે પડતું વિચારીને પત્ની કન્ફ્યૂઝ થઇ જાય એવા વારંવારના આક્ષેપોથી પત્ની એવી ડઘાઇ જાય છે કે એ ખુદ પર શંકા કરવા માંડે છે અને ખુદ પર શંકા કરનાર બીજાનું આધિપત્ય-દાદાગીરી ઝડપથી સ્વીકારી લે છે. માઇન્ડ ગેમ રમનારને આ જ જોઇતું હોય છે.

માઇન્ડ ગેમનો બીજો પ્રકાર છે સાઇલન્ટ ટ્રીટમેન્ટ. જેમાં માઇન્ડ ગેમ રમનાર પાર્ટનર સાથે વાતચીત બંધ કરી દે છે. પાર્ટનર દસ વાર એક વસ્તુ પૂછશે તો જવાબ નહીં આપે. સાથીની ઉપસ્થિતિને એકદમ નજરઅંદાજ કરશે, જાણે એનું કોઇ અસ્તિત્વ જ નથી. સાથીને ઇગ્નોર કરે એવો દેખાવ કરશે. મહત્ત્વની બાબત પર પણ સાથીને પૂછ્યા વિના નિર્ણય લઇ લેશે. કોઇ મહત્ત્વની ઘટના બની હોય તો પણ જણાવશે નહીં. મતલબ કે પાર્ટનરથી શારીરિક અને ભાવનાત્મક દૃષ્ટિએ એક અંતર બનાવી લેશે. સાથીએ કશું ખોટું ન કર્યું હોય, પરંતુ ખુદને સાચી સાબિત કરવી હોય એટલે સાથી ખોટા છે એવું મહેસૂસ કરાવશે. બીજું, ઇગ્નોર કરીને પાર્ટનરની ઉપસ્થિતિને અનદેખી કરવી. જેમ કે, કશું પૂછવું નહીં, બહાર જતી વખતે કહેવું નહીં કે ચૂપચાપ એકલા જમી લેવું. આવી વર્તણૂક સામી વ્યક્તિને ક્યાં તો શાંત બનાવશે ક્યાં તો વિદ્રોહી અને તે પણ ખુદ માટે. આવું બને એટલે પેલી વ્યક્તિને પોતાની મરજી મુજબ જીવવાની ટેવ પડે. સાઇલન્ટ ટ્રીટમેન્ટમાં ફિઝિકલ રિલેશન તો કટ થઇ જ જાય, પરંતુ ભાવનાત્મક ક્ષણો પણ ખોવાઇ જાય. પાર્ટનર ઉદાસ કે બીમાર હોય તો પણ એની નોંધ ન લેવાય. હવે સવાલ એ છે કે આ સાઇલન્ટ ટ્રીટમેન્ટનો ઉપયોગ કેમ થાય છે? તો કેટલાક લોકો જીવનસાથીની ભૂલને ભૂલી ન શકે, પોતાની અપેક્ષા પૂરી ન થાય અથવા તો જીવનસાથી વધારે પ્રભાવી છે એવું જણાય ત્યારે સજા કરવા, પાઠ ભણાવવા, નિયંત્રણ મૂકવા કે સંઘર્ષથી બચવા માટે સાઇલન્ટ ટ્રીટમેન્ટનો સહારો લે છે. અહીં એક્શન મોડ ઓફ છે એટલે પ્રત્યાઘાત, દલીલ અને ઝઘડો નથી થતાં, પરંતુ એક અદૃશ્ય અંતર ઊભું થવા માંડે છે. એનાથી સ્ટ્રેસ વધે છે, આત્મવિશ્વાસ ઘટે છે. અવિશ્વાસ જન્મે છે અને જો આ લાંબા સમય સુધી ચાલે તો ઇમોશનલ એબ્યૂઝ બને છે.

માઇન્ડ ગેમનો ત્રીજો પ્રકાર છે દોષારોપણ યાનિ બ્લેમ શિફ્ટિંગ. એમાં વ્યક્તિ પોતાની ભૂલની જવાબદારી ખુદ લેવાને બદલે જીવનસાથી પર નાંખે છે. બાળકો બગડે, ધંધામાં સમસ્યા આવે કે ઘરમાં કોઇ નુકસાન થાય બ્લેમ પાર્ટનરના માથે જ આવે. અરે! પોતે રંગીન મિજાજના હોવાથી બેવફાઇ કરે તો પણ સાથીની ભૂલ કાઢશે કે તારા તરફથી મને પ્રેમ ન મળ્યો એટલે મારો પગ લપસી પડ્યો. દોષારોપણને કારણે વ્યક્તિ મૂંઝવણમાં મુકાય છે કે મારી શું ભૂલ છે? પોતાનું સો ટકા આપ્યું હોવા છતાં પાર્ટનરને ભૂલ જ દેખાય ત્યારે હતાશ બનીને સંબંધથી મોં ફેરવી લે છે.

કોઇ ત્રીજી વ્યક્તિને સામેલ કરવી એ માઇન્ડ ગેમનો ચોથો પ્રકાર છે. જ્યારે સંબંધોમાં સમસ્યા આવે ત્યારે પાર્ટનર સાથે ખુલ્લા દિલથી ચર્ચા કરવાને બદલે કોઇ મિત્ર કે પરિવારના સભ્યને વચ્ચે પાડે છે અને ખુદના પક્ષમાં ઊભા રાખે છે, તેથી સામી વ્યક્તિ ખુદને અપમાનિત અને અસુરક્ષિત અનુભવે છે. બીજાની વાત સાંભળીને એને ખુદ પર શંકા થવા માંડે છે.

અને છેલ્લે ક્યારેક પ્રેમ તો ક્યારેક નફરતની પુશ-પુલની રમત રમાય છે. કોઇ વખત અચાનક જ સાથી ખૂબ પ્રેમ વરસાવે છે તો કોઇ વખત વિના કારણ ભાવનાત્મક રીતે દૂર થઇ જાય. એક દિવસ ફરવા લઇ જાય, મજાક-મસ્તી કરે, વાતો સાંભળે અને બીજા દિવસે કશું બોલ્યા વિના પડખું ફરીને સૂઇ જાય. ટૂંકમાં, અનિશ્ચિતતાનો માહોલ ઊભો કરીને એ વ્યક્તિ પાર્ટનરને પોતાની આજુબાજુ રાખે છે અને પોતાના માટે જ વિચારવા મજબૂર કરે છે.

આ માઇન્ડ ગેમ રમનાર ખુદને અસુરક્ષિત સમજે છે, પોતાની કમજોરીઓ છુપાવવા માંગે છે, સાથી પર નિયંત્રણ ઇચ્છે છે, ધ્યાન ખેંચવા માંગે છે અને સંવાદ કરતા ડરે છે. અગર સંબંધોમાં આવી વ્યક્તિ મળે તો એને કાઉન્સેલિંગ દ્વારા નોર્મલ બનાવવાનો પ્રયત્ન કરી શકાય.