દરેક સવારે ઊઠતાંની સાથે પાણીના નળનો ઉપયોગ કરો છે. આખો દિવસ અસંખ્યવાર આપણે પાણીના નળનો ઉપયોગ કરીએ છીએ. નળના કારણે આપણાં દૈનિક કાર્યો ખૂબ જ સુવિધાજનક બની ગયાં છે. નળ આમ ભલે સામાન્ય વસ્તુ લાગતો હોય, પરંતુ તે ન હોય તો શું થાય તે વિચારી જુઓ! પહેલાંના સમયમાં ઘર સુધી પાણી તો પહોંચ્યું હતું, પરંતુ પાણી કે તેના પ્રવાહને કંટ્રોલ કરવાનું કોઈ સાધન નહોતું. પાણીના પ્રવાહને કંટ્રોલ તથા ચાલુ-બંધ કરવાની જરૂરિયાતે નળને જન્મ આપ્યો છે. જોકે, આજે તમે જેનો ઉપયોગ કરો છો તે નળ પહેલેથી આવા નહોતા. તેનો સદીઓથી ક્રમિક વિકાસ થતો આવ્યો છે. જાણીએ પાણીના નળના ઇતિહાસ (વિકાસ ક્રમ) વિશે.

પાણીના નળનો વિકાસ

પાણીના નળની શોધ અંગે જાણીએ તે પહેલાં એક પગલું પાછા વળીને નળના વિકાસને સમજીએ. મનુષ્ય પ્રાચીનકાળથી જ વિવિધ ઉદ્દેશ્યો કે જરૂરિયાતો માટે પાણીનો ઉપયોગ કરતો રહ્યો છે, પરંતુ નળનો વિચાર ક્યાંય નહોતો.

પ્રાચીન સભ્યતાઓમાં

જળ પ્રણાલીઓ

સિંધુ ઘાટી અને મેસોપોટેમિયા જેવી પ્રાચીન સભ્યતાઓમાં લોકોને જળ પૂરું પાડવા પ્રભાવશાળી પ્લમ્બિંગ સિસ્ટમ વિકસિત કરવામાં આવી હતી. જોકે, આ પ્રણાલીઓમાં ક્યાંય નળ નહોતો. તેના બદલે નાનાં કાણાંવાળાં માટીનાં વાસણો હતાં. તેનાથી પાણીનો પ્રવાહ નિયંત્રિત કરવાનું શક્ય બન્યું હતું.

રોમન અને યૂનાની

રોમનો અને યૂનાનીઓએ નળ પ્રણાલીમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ પ્રગતિ કરી હતી. જળસેતુઓના માધ્યમથી પાણીને પ્રવાહિત કરવામાં આવતું હતું અને પાઈપોનું જટિલ નેટવર્ક બનાવવામાં આવ્યું. જોકે, તેમને આધુનિક પાણીના નળનો આવિષ્કાર કર્યો નથી, પરંતુ તેમણે પાણીના પ્રવાહને નિયંત્રિત કરનારા અલ્પવિકસિત વાલ્વ જેવાં ઉપકરણો જરૂર બનાવ્યાં હતાં. શરૂઆતમાં વાલ્વમાં ખોખલા પથ્થર અથવા ધાતુના પ્લગનો ઉપયોગ કરાતો, જેની મદદથી પાણીના પ્રવાહને નિયંત્રિત કરી શકાતો.

મધ્ય યુગથી 19મી સદીની શરૂઆત

મધ્ય યુગ દરમિયાન સમાજે સામાજિક અને આર્થિક પડકારોનો સામનો કરવો પડ્યો, જેના કારણે પ્લમ્બિંગનો વિકાસ અટક્યો, પરંતુ થોડા સમય પછી પાછી પ્રગતિ શરૂ થઈ. જેમ કે, 16મી શતાબ્દીમાં અંગ્રેજ દાર્શનિક ફ્રાંસીસ બેકને એક પાણીના નળની ડિઝાઈનનું વર્ણન કર્યું, જેમાં એક પેચનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે, બેકને ક્યારેય પોતાની ડિઝાઈન બનાવી નહીં, પરંતુ આનાથી ભવિષ્યના નળની શોધનો પાયો રચાયો.

`જેસન' વૉટર ટૅપ

ભારતના ત્રાવણકોર (અત્યારનું કેરળ)ના રહેવાસી જે.પી. સુબ્રમણ્યમ ઐયરે સાર્વજનિક નળમાં પાણીનો બગાડ થતો જોયો અને તેમણે અંદાજે ઈ.સ. 1915માં સ્વતઃ બંધ થતા (Self-Closing) નળની શોધ કરી, જે તેમના નામ પરથી `જેસન' નળ તરીકે ઓળખાયો. આ શોધ ભારતમાં પાણીના સંરક્ષણ માટેનું એક મોટું પગલું હતું.

આધુનિક નળની શોધ

જાણીએ આધુનિક સમયના નળના વિકાસક્રમને, જેને પ્લમ્બિંગની દુનિયામાં ક્રાંતિ લાવી દીધી હતી.

થોમસ કેમ્પબેલ : થોમસ ઈ.સ. 1803માં પાણીના નળની પેટન્ટ કરાવનાર પહેલી વ્યક્તિ હતા. જેમની ડિઝાઈનમાં એક પેચ પ્રણાલી જેવી પ્રણાલી હતી, જેમાં બે પાતળી સપાટી દ્વારા પાણીના પ્રવાહને નિયંત્રિત કરવામાં આવતો હતો. આ શોધે ભવિષ્યના નળની ડિઝાઈનોનો આધાર તૈયાર કર્યો હતો.

જેરેમિયા ક્લાર્ક : અંગ્રેજ પ્લમ્બર જેરેમિયાને ઈ.સ. 1829માં પાણીના નળની ડિઝાઈન અને તેને વિકસિત કરવાનું શ્રેય આપવામાં આવે છે. તેમણે પેચ અને વાલ્વ સીટની વચ્ચે એક રબર વોશર લગાવ્યું. જેનાથી પાણીના વહાવને રોકી શકાય. આ શોધે નળને વધારે કુશળ, વિશ્વસનીય અને ટકાઉ બનાવી દીધો.

થોમસ જે. સ્ટેથમ : ઈ.સ. 1845માં થોમસ જે. સ્ટેથમ કે જે એક અમેરિકન સંશોધક હતા, તેમણે એક નળની ડિઝાઈનની પેટન્ટ મેળવી. તેમનો નળ ફેરવીને પાણીના પ્રવાહને ચાલુ-બંધ કરી શકતો હતો. આ એક એવી ડિઝાઈન હતી જેનો વ્યાપકપણે ઉપયોગ કરવામાં આવતો હતો. સ્ટેથમની ડિઝાઈન નળના આગળના વિકાસ માટે પાયાનો પથ્થર સાબિત થઈ.

રોબર્ટ થોમ : આયરિશ સંશોધક રોબર્ટે ઈ.સ. 1853માં નિકલ પ્લેટેડ પાણીનો નળ બનાવ્યો. આના કારણે નળને કાટ નહોતો લાગતો અને નળ લાંબા સમય માટે ટકાઉ બની ગયો.

થોમસ કેમ્પબેલ(મિક્સર ટૅપ) : થોમસ કેમ્પબેલે ઈ.સ. 1880માં સૌપ્રથમ મિક્સર ટૅપની શોધ કરી અને તેને પેટન્ટ કરાવ્યું. આ નળમાં ગરમ અને ઠંડા પાણીને એક જ નળના મુખમાંથી મિશ્ર કરીને બહાર કાઢી શકાતું હતું.

આલ્ફ્રેડ એમ. મોએન : અમેરિકન સંશોધક આલ્ફ્રેડ એમ. મોએને ઈ.સ. 1937માં ક્રાંતિકારી સિંગલ હેન્ડલ (એક હાથાવાળા) મિક્સિંગ નળની શોધ કરી. આ નળમાં એક જ લીવર (હાથા) વડે પાણીના વહેણ અને તાપમાન (ગરમ/ઠંડું) બંનેને નિયંત્રિત કરી શકાતું હતું. આ શોધે પ્લમ્બિંગ ઉદ્યોગમાં ક્રાંતિ લાવી દીધી અને આજે પણ આ પ્રકારના નળ ખૂબ જ લોકપ્રિય છે.