નેતાઓની યાત્રાઓ બતાવે છે કે તેમના માટે નાનામાં નાની બાબત પણ રાષ્ટ્રીય સુરક્ષાનો એક ભાગ હોય છે.

પુતિનની `પૂપ સૂટકેસ' હોય કે કિમ જોંગ ઉનની `ફૂડ ટ્રક' - આ બધું જ દુનિયાભરના લોકોને વિચિત્ર લાગી શકે, પરંતુ આ પ્રથાઓ પાછળ ડર, સુરક્ષા અને રાજકારણ રહેલું હોય છે

દુનિયાભરમાં રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીઓ જ્યારે વિદેશ યાત્રા પર નીકળે છે ત્યારે તે માત્ર કૂટનીતિક યાત્રા નથી હોતી, પરંતુ રહસ્યમયી સુરક્ષાવ્યવસ્થા અને અચરજ પમાડનારી પ્રથાઓનું પ્રદર્શન પણ હોય છે. તાજેતરમાં જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની `પૂપ સૂટકેસ' (મળ ભરવાની સૂટકેસ)સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ હતી. એવું કહેવાય છે કે પુતિન જ્યાં પણ જાય છે ત્યાં તેમના બાથરૂમનો કચરો પણ એક વિશેષ સૂટકેસમાં પેક કરીને રશિયા લાવે છે. આના પાછળનું કારણ એવું છે કે વિદેશમાં તેમના સ્વાસ્થ્ય અને ડીએનએની જાણકારી કોઈ વિદેશી એજન્સીના હાથ ન લાગી જાય. જોકે, આવું માત્ર પુતિન પૂરતું સીમિત નથી. દુનિયાના ઘણા નેતાઓની વિદેશ યાત્રાઓમાં એવી અનોખી અને અજીબોગરીબ સુરક્ષા વ્યવસ્થા હોય છે, જેને જાણીને તમારા હોશ ઊડી જશે!

પુતિનની `પૂપ સૂટકેશ'

અમુક મીડિયા રિપોર્ટ્સ અનુસાર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન જ્યારે વિદેશ યાત્રા પર જાય છે ત્યારે તેમના સુરક્ષાબળોની સાથે ડોક્ટરોની એક ખાસ ટીમ પણ હોય છે. કહેવાય છે કે પુતિન વિદેશમાં બાથરૂમનો ઉપયોગ નથી કરતા. તેમના મળ અને પેશાબને એક વિશેષ કિટમાં એકઠું કરીને મોસ્કો પાછું લાવવામાં આવે છે. આનું કારણ એ છે કે પશ્ચિમની જાસૂસી એજન્સીઓ કોઈ પણ નેતાના મળ કે પેશાબનું વિશ્લેષણ કરીને તેમની બીમારી, સ્વાસ્થ્યની સ્થિતિ અને ડીએનએ પ્રોફાઈલની જાણકારી પણ મેળવી શકે છે.

કિમ જોંગ ઉનની `પ્રાઈવેટ ફૂડ ટ્રક'

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન પોતાની યાત્રાઓ બાબતે એટલા શંકાશીલ રહે છે કે તેઓ પોતાનું ખાવાનું, વાસણ એટલે સુધી કે પાણી પણ પોતાના દેશથી જ જોડે લઈ જાય છે. કહેવાય છે કે તેમની સાથે એક આખી `ફૂડ ટ્રક' રહે છે, જેમાં તેમનું ભોજન તૈયાર કરવામાં આવે છે. તેમને હંમેશાં એવો ડર રહે છે કે બહારનું ખાવાનું કે પીણું ઝેરયુક્ત હોઈ શકે છે.

અમેરિકાના પ્રેસિડેન્ટની કાર

અમેરિકાના રાષ્ટ્રપતિની યાત્રા દરમિયાન તેમની કારની ખૂબ ચર્ચા થતી હોય છે. `ધ બીસ્ટ' નામની આ કાર એટલી મજબૂત છે કે તેના પર બોંબ કે ગોળીઓની પણ અસર ન થાય. આ કારમાં હંમેશાં લોહીના પેકેટ (તેમના બ્લડ ગ્રૂપનું) અને ઓક્સિજન સિલિન્ડર સાથે રહેતાં.

બ્રિટિશ રાજઘરાનાના `ખાસ નિયમ'

બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીયની યાત્રાઓ માટે પણ એક અનોખો નિયમ હતો. જેમ કે, મહારાણી જેવું ખાવાનું છોડી કે તરત જ બધાએ ખાવાનું બંધ કરી દેવું પડતું. વળી, તેમનાં વાસણો અને કટલરી પણ અલગથી પેક થતાં હતાં.