મહામહિમ સફળતા પામેલી ફિલ્મ શોલેને પચાસ વર્ષ થયાં. હિન્દુસ્તાની સિનેમામાં આ ફિલ્મ અમર થઈ ગઈ.
જોકે, સિનેમાના ખરા રસિયાઓએ કે પછી કલાના પારખું કદરદાનોએ આમાં બહુ હરખાવા જેવું એટલા માટે નથી કે શોલે કંઈ નખશિખ ઓરિજિનલ ફિલ્મ હતી નહીં. શોલેનો કોન્સેપ્ટ ક્યાંકથી લેવામાં આવેલો. ઓફ કોર્સ એને પ્રેરણા જ કહી શકાય, સલીમ-જાવેદ કોપી ન કરે. તે હોશિયાર લેખક બેલડી હતી. આ વાત પણ ઘણા જાણે છે કે વેસ્ટર્ન સ્પગેટી કેટેગરીની અમેરિકન ફિલ્મોમાં આવો કોન્સેપ્ટ જોવા મળતો. ઘોડા, ધુળિયો પ્રદેશ, નપાણિયું ગામ, રહસ્યમય માણસો, બદલો લેવાની ભાવના, ગેંગવોર, બંદૂકો, ધોમધખતો તડકો, લાઉડ બેકગ્રાઉન્ડ મ્યુઝિક વગેરે. મેગ્નિફિશિયન્ટ સેવન પણ કુરોસાવાની સેવન શામુરાઈ પરથી બની હતી.
જાપાનીઝ ફિલ્મોનો વેસ્ટર્ન ફિલ્મો ઉપર પ્રભાવ હતો. જોકે, ઉજ્જડ ગામને બાનમાં લેનાર ડાકુને કોઈ આગંતુક હીરો માત આપે એવી કહાનીઓ ઇટાલીમાં પણ છે, જાપાનમાં પણ છે ને અમેરિકામાં પણ ખરી. આ પ્રકારની વાર્તાની ખરી ગંગોત્રી શોધવા બેસવા માટે ઊંડું સંશોધન કરવું પડે. પણ સલીમ-જાવેદની બેલડીએ આ વાર્તાનું ભારતીય સંસ્કરણ કરવામાં કાબિલે તારીફ કામ કર્યું. જોકે, ડાકુઓની વાર્તા તો શોલે પહેલાં પણ ભારતની ફિલ્મોમાં આવી ગઈ છે, પણ કહેવાય છેને કે પ્રેઝન્ટેશન મેટર્સ. ગામનો રખડુ કોઈ સ્ત્રીને ઉપાડી જાય તો એ છાપાના સમાચાર બને, પણ આવી કોઈ ઘટના ઉપર વાલ્મીકિ લખે તો આપણને રામાયણ જેવો મહાનતમ ગ્રંથ મળે. રજૂઆત મહત્ત્વની છે. રજૂઆતમાં જમાવટ કરતા આવડવી જોઈએ. સર્જનમાં ઈમાનદારી અને સમર્પણ જોઈએ. સૂઝ જોઈએ. શોલેના સ્ક્રીન ઉપર દેખાતા કલાકારો અને સ્ક્રીન પાછળ રહેલા લોકોમાં ક્રાફ્ટ અને આર્ટની સમજ હતી. માટે શોલે અમર બની. પછી શોલેના ટ્રેક ઉપર એ જ પ્રોડ્યુસર શાન બનાવવા ગયા તો ન ચાલી. ઇતિહાસનું પુનરાવર્તન થઈ જતું હોય છે, કરી નથી શકાતું. ખૈર, શોલેની લંબાઈ જેટલો લાંબો પ્રથમ ફકરો થઈ ગયો. આપણે અહીં વાત શોલેની નથી કરવી. શોલેના બિહાઇન્ડ ધ સીનની વાત તો બીજે થતી હશે કે ચેટ-જીપીટી આપી દેશે. આપણે એ વાત કરવી છે જેનો ખરો જવાબ ચેટ-જીપીટી પાસે પણ ન હોય!
શીર્ષકમાં જે સવાલ પૂછ્યો છે તેના તરફ આવીએ. શોલેમાં આટલાં બધાં પાત્રો છે, કોઈ પણ પાત્ર સાથે અાપણે સંપૂર્ણપણે રિલેટ કરી શકીએ છીએ ખરા? જવાબ આપવાની ઉતાવળ ન કરશો વિરાટવાચકો. પહેલાં એક મિથ સમજીએ. નવાસવા આવેલા ડિરેક્ટરો કે ફિલ્મના લેખકો એક માન્યતામાં મસ્ત રહેતા હોય છે. `ઓડિયન્સ કે સાથ રિલેટ કરે, પબ્લિક કે સાથ કનેક્ટ હો પાયે ઐસી ફિલ્મ બનાઓ.' આ ભ્રમમાં ઘણા સર્જકો બરબાદ થઈ ગયા. ઓડિયન્સને ધ્યાનમાં રાખીને એટલે કે ઓડિયન્સને આ પાત્ર સાથે કનેક્ટ કરીને તાળીઓ પડાવી દઈએ એવા ખ્યાલ સાથે જે ફિલ્મ બનાવે છે તે મોટાભાગે ઊંઘેકાંધ પછડાય છે. કોઈ કળાએ પબ્લિક સામે હાથ લંબાવવાનો ન હોય, કલાકૃતિ એટલી પાવરફુલ હોવી જોઈએ કે દર્શક ખેંચાઈને એમાં તણાઈ જાય, ડૂબી જાય કે સમાઈ જાય. કળાએ શું ભીખ માંગવાની કે મારી સાથે કનેક્ટ થાઓ, મારી સાથે પરણો! ખોટી વાત છે.
હવે વિષયાંતર ન કરવાનું વચન આપીને ફરી મૂળ પ્રશ્ન પર આવીએ? શોલેનાં ડઝનબંધ પાત્રોમાંથી કેટલાં પાત્રોને તમે તમારી આસપાસ જોયાં? શોલે જોનારા કેટલા બંને હાથ વિનાના હતા? શોલે જોનારા કેટલા મેલાંઘેલાં કપડાં અને તમાકુ ખાધેલા દાંતવાળા હતા? શોલે જોનારા કેટલા એટલા વૃદ્ધ હતા જે ઇતના સન્નાટા ક્યૂં હૈ ભાઈ? તમે તમારી આસપાસ સફેદ સાડીમાં સજ્જ અને મૂંગી રહેતી કેટલી વિધવા સ્ત્રીઓ જોઈ જે સાંજે દીવા સળગાવે રાખે છે? તમારા ધ્યાનમાં છે કોઈ બસંતી જે આટલું બોલીને ટાંગો કે રિક્ષા કે ગાડીની ફેરી ચલાવતી હોય? તમે છેલ્લે કોને માઉથઓર્ગન વગાડતા ને ચૂપ રહેતા કુંવારાને જોયો? સુરમા ભોપાલીની જેમ કોણ બોલે છે? ધર્મેન્દ્રની જેમ હસમુખા અને ફ્લર્ટબાજ આપણી આજુબાજુ હશે, પણ જય-વીરુ બંને જેલની સજા કાપતા કેદી હતા એ ન ભુલાય. તમારા મિત્રવર્તુળમાં આવા કોઈ કેદીઓ છે? આવો જોકર જેવો અંગ્રેજો કે ઝમાને કે જેલર છે? શોલેના કયા પાત્રમાં તમને નખશિખ તમારી જાત દેખાય? જવાબ છે - કોઈ જ નહીં. શોલેમાં જે પાત્રો છે એવા રિયલ લાઈફમાં નથી જ હોતાં. તો હવે મુખ્ય સવાલ ઉદ્ભવ્યો તો શોલે આટલી હિટ કેમ ગઈ? કેમ તેના દરેક પાત્રના બધા ડાયલોગ અડધા ભારતને યાદ છે? કેમ વર્ષો સુધી એ ફિલ્મ હાઉસફુલ જતી હતી?
જવાબ છે - શીઅર ઓબ્જેક્ટિવિટી. સરળ ભાષામાં સરકાઝમ ઉમેરીને કહીએ તો શોલેના મેકર્સ શોલે બનાવતી વખતે પેન ઇન્ડિયા પેન ઇન્ડિયા બોલીને ઓડિયન્સ કો મઝા આ જાયેગાવાળા ફાંકા મારતા ન હતા માટે. શોલે સબ્જેક્ટિવ ફિલ્મ ન હતી, એ ઓબ્જેક્ટિવ હતી. ભારતમાં જેટલો સફળ, મહાન, અમર થઈ ગયેલો સિનેમા છે એમાંથી મોટા ભાગની ફિલ્મો ઓબ્જેક્ટિવ છે. મધર ઇન્ડિયા, મુઘલે આઝમ, શોલે વગેરે.
એનાં પાત્રો રિયલ લાઈફમાં નહીં જોવા મળે, પણ એ વાર્તા અને વિષયવસ્તુ જ એટલા દમદાર અને ઘૂંટેલા હશે કે પ્રેક્ષક એ દુનિયામાં ખેંચાઈ જાય. ધેટ ઇઝ ઓબ્જેક્ટિવિટી. તારે ઝમીન પર ઇન્ટરવલ સુધી ઓબ્જેક્ટિવ હતું, પણ આમિર ખાનની એન્ટ્રી થઈ અને ફિલ્મ સબ્જેક્ટિવ બની ગઈ અને ઓસ્કાર સુધી ન પહોંચી શકી. સિતારે ઝમીન પર... નથી વાત કરવી આ ફિલ્મની. છોડો.
કલા, સર્જન, કૃતિ, સાહિત્ય, ચિત્ર, ફિલ્મ, વાર્તા, શિલ્પ, સંગીત આ બધા તેની ટોચ ઉપર ત્યારે પહોંચે છે જ્યારે તે ઓબ્જેક્ટિવ બને છે. ભલે તેનો પાયો આસપાસના સમાજમાંથી જ મળ્યો હોય, પણ ઉપરની ઇમારત તો સર્જનલક્ષી હોવી જોઈએ, ઉપભોક્તાલક્ષી નહીં. અપવાદ સિવાય - મોટાભાગના સંજોગોમાં. લિયોનાર્દો દ વિન્ચીના સમયમાં ધાર્મિક ચિત્રો એટલે કે બાઇબલ આધારિત ચિત્રોની બોલબાલા હતી. હવે એ સમાજમાંથી પ્રેરિત થઈને સમાજના લોકો ચિત્રમાં પોતાની જાત જોઈ શકે એવું વિચારીને ચિત્ર બનાવ્યું હોત તો? મોનાલિસામાં ભારોભાર ઓબ્જેક્ટિવિટી છે. માટે લોકો આજે પણ એ ચિત્રને જોઈને મોહિત થઈ જાય છે. ખૈર, આ વિષય ઊંડો છે અને કોમ્પ્લેક્ષ છે એટલે એક લેખમાં બધું આવરી ન શકાય, પણ લાઈફમાં પણ આવો સાક્ષીભાવ બહુ જરૂરી છે. પોતાની જાતને થર્ડ પાર્ટી એંગલથી જોતા આવડી જાય તો જિંદગીના મોટાભાગના પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. પણ જ્યાં સુધી માણસનો `આઈ' કેપિટલ રહે, હુંપણું ન જાય ત્યાં સુધી એ સબ્જેક્ટિવ જ રહેવાનો. એરિયલ વ્યૂથી પોતાની જિંદગી જોઈ શકો છો?
