ભારતીય પેરેન્ટ્સ આજેય બાળકોને પોતાની જાગીર સમજે છે. તેઓ માળી તરીકે નહીં, પરંતુ માલિક તરીકે બાળકને ઉછેરે છે. બાળકને જન્મ આપવાનો એમનામાં એટલો બધો ગુરુર હોય છે કે પોતાની મરજી વિના બાળકનાં જીવનનું પાંદડું પણ ન હલવું જોઇએ. એવું તેઓ માને છે. પેરેન્ટ્સ તરીકેના અનુભવો, માન્યતાઓ, સપનાંઓ અને ઇચ્છાઓ બાળક પર થોપવા માટે તેઓ સતત સલાહ, શિખામણ અને હુકમનો મારો કરતા રહે છે. બાળકના જીવનમાં અનિયંત્રિત હસ્તક્ષેપ બાળકનું બાળપણ તો છીનવી જ લે છે, પરંતુ વિકાસની શક્યતાઓને પણ કુંઠિત કરી દે છે, તેથી દરેક પેરેન્ટ્સે બાળકના જીવનમાં ક્યાં હસ્તક્ષેપ કરવો અને ક્યાં ન કરવો એ જાણી લેવું જોઇએ. પેરેન્ટ્સનો હસ્તક્ષેપ જો રચનાત્મક હોય તો બાળકની સુરક્ષા નિશ્ચિત કરે છે, પરંતુ હસ્તક્ષેપ નકારાત્મક હોય તો બાળકની મનોવૈજ્ઞાનિક દુનિયામાં ઘૂસણખોરી કરીને ડિસ્ટર્બ કરશે.

કેટલાંક ક્ષેત્રો એવાં છે કે બાળકની સુરક્ષા-કલ્યાણ અને વિકાસ માટે ઉચિત જ નહીં આવશ્યક પણ છે. જેમ કે, જીવનરક્ષા અને ચોટથી બચાવ. કારમાં સીટ બેલ્ટનો ઉપયોગ, ઇલેક્ટ્રિક સાધનોથી અંતર, દાદર પર કૂદાકૂદ, મિત્રો સાથે મારામારી કે બહાર રોડ પર દોડાદોડ, વ્યસનોનો સંગ, બેફામ ખર્ચા અને ભણવા અંગે ઉદાસીનતા જેવી બાબતે મોટાં બાળકોને પણ ટોકવાં પડે છે.

આજે પેરેન્ટ્સે બાળકોને ખાનપાન અને આચાર-વ્યવહારની બાબતે વારંવાર સજાગ કરવાં પડે છે. અગર બાળકો રોજ ફાસ્ટફૂડ-જંકફૂડનું સેવન કરે, તો માતા-પિતાને ગુસ્સે થવાનો, એમને અટકાવવાનો અધિકાર છે. એ મુદ્દે પેરેન્ટ્સ ઝઘડો કરે તો પણ ખોટું નથી. એ જ રીતે ફોન અને સોશિયલ મીડિયાની અતિ અંગે પેરેન્ટ્સ નહીં રોકશે કે સમજાવશે તો કોણ રોકશે? એ જ રીતે હાયપર એક્ટિવ બાળકો તોડફોડ કરે, તુંડમિજાજી બાળકો વિવેક વિના કોઇને પણ ગમે તેમ બોલે કે નાની-નાની વાતો પર ગુસ્સો કરે તો પેરેન્ટ્સે એક હસ્તક્ષેપ કરવો જ પડે.

એમ છતાં કેટલીક બાબતો એવી છે કે જ્યાં પેરેન્ટ્સે બાળકનાં નિર્ણય અને રસ-રુચિને વિના રોકટોક સ્વીકારવાં પડે. સ્ટેનફોર્ડ વિશ્વવિદ્યાલયમાં થયેલાં એક સંશોધન મુજબ બાળક જ્યારે કોઇ કામમાં સંપૂર્ણપણે લીન હોય એ સમયે પેરેન્ટ્સ ટોકે કે સલાહ આપે તો એનો આત્મવિશ્વાસ ડગે છે અને વિકાસ અટકે છે. વધારે પડતી દખલગીરીથી બાળકની એકાગ્રતા અને ભાવનાઓને નિયંત્રણમાં રાખવાની ક્ષમતા પણ ઘટે છે. તેઓ એમના વ્યવહાર પર કાબૂ નથી રાખી શકતાં, કારણ કે પેરેન્ટ્સની દખલગીરી એમનામાં ખુદ માટે ગુસ્સો જન્માવે છે. વૈજ્ઞાનિક સંશોધનનું તારણ એવું છે કે અગર બાળક કોઇ કામ સફળતાપૂર્વક કરતું હોય તો પેરેન્ટ્સે સક્રિય મૌન રાખવું જોઇએ અને બાળકને નેતૃત્વ માટે પ્રોત્સાહન આપવું જોઇએ.

ખાસ કરીને બાળકને એના શોખ-પસંદગી માટે પૂરતી ફ્રીડમ મળવી જોઇએ. પિતાને ક્રિકેટનો શોખ હોય અને બાળકને ફૂટબોલમાં રસ હોઈ શકે. એ સમયે પિતા ક્રિકેટના ફાયદા અને ફૂટબોલના ગેરફાયદા ગણાવી બાળકને ડાયવર્ટ કરવાનો પ્રયાસ કરે તો ન ચાલે. બાળકને સંગીત ગમે કે ડાન્સ, સ્પોર્ટ્સ ગમે કે ડ્રાફ્ટ. એ એનો વિષય છે બની શકે કે એની પસંદગી કોઇ સંજોગોમાં અયોગ્ય પણ હોય. દરેક બાળકને ભૂલ કરીને શીખવાનો અધિકાર છે અને આ એવી ભૂલો નથી હોતી કે જેને કારણે બાળકને કે પેરેન્ટ્સને બહુ મોટું નુકસાન થાય. બાળકની રુચિમાં દખલ કરવી એ એની સ્વાયત્તતાનું હનન છે. શોધ અનુસાર જે બાળકો પોતાની રુચિઓનું સ્વતંત્ર રીતે સંવર્ધન અને વિશ્લેષણ કરે છે, તે વધારે ફેક્સિબલ અને આત્મનિર્ભર બને છે.

હવે મિત્રોની વાત કરીએ તો સુરક્ષાની દૃષ્ટિએ બાળકોના મિત્ર પર નજર રાખવી જોઇએ, પરંતુ મા-બાપને ગમે એવા જ આર્થિક-સામાજિક પરિવેશ ધરાવતાં બાળકો સાથે દોસ્તી રાખવાનું વલણ સ્વીકાર્ય નથી. એનાથી બાળકમાં ગુરુતા કે હીનતા આવી શકે. એની દોસ્તીમાં સહજતા અને નિખાલસતાને બદલે સ્વાર્થ અને અહમ્ આવી શકે. બાળકોની જાસૂસી કરવી, એમના મિત્રોની ટીકા કરવી વગેરે ટેવ બાળકને પેરેન્ટ્સથી દૂર કરે છે. એ જ રીતે હેરસ્ટાઇલ અને કપડાંની પસંદગીમાં હસ્તક્ષેપ પણ એમના આત્મવિશ્વાસને તોડે છે. તેઓ જાતે પસંદ કરવાની ક્ષમતા ગુમાવી બીજા પર ડિપેન્ડન્ટ રહેશે. પોતાની ગમતી વસ્તુ પહેરવાનો અને પોતાની પસંદ પ્રમાણે રહેવાનો બાળકોને પણ અધિકાર છે. સમય પ્રમાણે ફેશન, સ્ટાઇલ, કલર્સનો પ્રયોગ કરવો એમને ગમે છે. ફેશન કરનારને વંઠી ગયેલ અને સિમ્પલ રહેનારને દેશી કે બબૂચક કહીને ઉતારી પાડવા એ કુટેવ છે.

આ તો થઇ બાહ્ય વાતો, પરંતુ સ્વભાવગત બાબતે પણ પેરેન્ટ્સને ટોકવાની આદત છે. કોઇ બાળક વિપરીત સ્થિતિમાં રડે તો એને `આમાં શું રડવાનું?' એમ કહીને રડતાં અટકાવશો તો બીજીવાર એ એની લાગણી વ્યક્ત નહીં કરે. આંસુને રોકી રાખશે અને મનમાં ને મનમાં મૂંઝાશે. એ જ રીતે સવાલો કરતાં, નિર્ભીક બનીને સાચો જવાબ આપતાં, મસ્તી કરતાં બાળકોને એમ કરતાં રોકવામાં આવે તો તેઓ દબાઇ જાય છે. એમની શક્તિ, તર્ક અને બુદ્ધિ વેડફાઇ શકે. ટૂંકમાં -

જે બાળકો પોતાનાં માતા-પિતા વગર નિર્ણય નથી લઇ શકતાં, તે મોટાં થઇને પણ પરાવલંબી જ રહે છે.

એમની સફળતાઓનું શ્રેય માતા-પિતાને જાય છે.

માતા-પિતા બાળકના સંઘર્ષને આસાન કરી દે અને ભૂલોમાંથી શીખવાની તક ન આપે, તો તેઓ ભવિષ્યમાં મુશ્કેલીમાંથી બહાર નહીં નીકળી શકે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો