આજે માણસનો ફ્રી સમય ડિજિટલ એક્ટિવટીઝમાં જ વધારે પસાર થાય છે. એક ક્ષણની નવરાશમાં પણ આપણે મોબાઇલને છોડી શકતા નથી. બર્થડે, એનિવર્સરી વિશ, સોશિયલ-પોલિટિકલ ડિસ્કશન, ડેટિંગ-લાગણીનું શેરિંગ કે પછી કોઇના માટેનું કન્સર્ન ડિજિટલ બતાવવું વધારે અનુકૂળ બન્યું છે. દૂરના કે નજીકના લોકોની દુનિયામાં ડોકિયું કરવાથી સમય પસાર થાય છે, નિત નવી જાણકારી મળે છે, નવી-નવી ઓળખાણો થાય છે, પરંતુ દિલના તાર ભાગ્યે જ બંધાય છે. ડેટિંગ એપ પર ઇલુ-ઇલુ કરવું એ અલગ છે અને સ્વજનોની કે મિત્રોની પોસ્ટ પર લાઇક્સ-કમેન્ટ દ્વારા કે લાંબી-લાંબી ચેટ દ્વારા લાગણીના તંતુથી જોડાવું એ બીજા વાત છે. રૂબરૂ મુલાકાતમાં જે જોડાણની શક્યતા છે એનાથી થોડી ઓછી પણ શક્યતા તો ડિજિટલ કનેક્ટિવિટીમાં પણ છે જ. પર્સનલ-ફેસ ટુ ફેસ કનેક્ટિવિટી કરતાં આ કનેક્ટિવિટી થાક વધારે છે એવું અનેક સંશોધનો કહે છે. `ડોપામાઇન નેશન'ની લેખિકા ડૉ. અન્ના લેમ્બકે અને સ્ટેનફોર્ડ યુનિ.નાં અધ્યયનો અનુસાર લગાતાર ડિજિટલ નોટિફિકેશન આપણને `પ્લેઝર પેન લૂપ'માં ફસાવી દે છે. જ્યારે ડોપામાઇનનું સ્તર અચાનક ઘટે છે તો દિમાગ વધારે ઉત્તેજના માંગે છે. જેનાથી માનસિક થાક અને ચીડિયાપણું આવે છે. દાખલા તરીકે ઓફિસથી ઘરે પાછા વળતી વખતે કે સૂતી વખતે થાકી ચૂક્યા હોઇએ છીએ ત્યારે ઇન્સ્ટા રીલ કે વોટ્સએપ ચેટ્સ જોઇએ ત્યારે મગજને આરામની જગ્યાએ સતત નવા નવા કન્ટેટ પર કામ કરવું પડે છે, તેથી એને થાક લાગે છે.
બીજું, મનોવૈજ્ઞાનિક સંશોધનો અનુસાર માણસના સંવાદમાં 7 ટકા યોગદાન જ માત્ર શબ્દોનું હોય છે જ્યારે 38 ટકા યોગદાન અવાજના લહેકા યાને ટોન તથા 55 ટકા બોડી લેંગ્વેજનું હોય છે. દાખલા તરીકે વોટ્સએપ પર ટેક કેર લખવું ખૂબ આસાન હોય છે, પરંતુ એમાં કોઇ ભાવનાત્મક લગાવ નથી મહેસૂસ થતો. જ્યારે તમે કોઇના ખભા પર હાથ મૂકીને `ટેક કેર' કહો છો તો એમાં લાગણી અનુભવાય છે. આંખોમાં ઊમડતા ભાવોને તરત જ વાંચી શકાતા હોવાથી એક જોડાણ-આત્મીયતા અનુભવાય છે, જે ગમે તેવી સમસ્યા સામે ઊભા રહેવાનું બળ આપે છે. ટેક્સ્ટ સંદેશામાં સામેવાળાની ભાવનાઓનું અનુમાન કરવું પડે છે. આ મેસેજ ફોર્માલિટી છે કે દિલથી છે એ ચકાસવા માટે મગજ અને દિલ જે મંથન-તારણ કે અનુમાનની પ્રક્રિયા કરે છે તે ગૂંચવે છે અને થકવે પણ છે.
ચેટિંગ ઉપરાંત સ્ક્રોલિંગની આદત યાને `Fear of Missing Out'ની લાગણી જન્માવે છે, જે ઇર્ષ્યા, અવસાદ અને હતાશા લાવે છે. રાત્રે ફ્રી થઇને ફ્રેશ થવા માટે સોશિયલ મીડિયા પર સ્ક્રોલિંગ કરતાં અન્યની પોસ્ટ જોઇને મન જાતજાતના વિચારોથી વ્યથિત બને છે. વળી, આપણે જે 200-500 લોકો સાથે કનેક્ટ હોવાનો ભ્રમ રાખીએ છીએ તેમાંથી આપણા વેલવિશર તો 2 કે 3 લોકો જ હોવાના. બીજું, ડિજિટલ કનેક્ટિવિટી સમય તો બરબાદ કરે જ છે, પરંતુ દંભનો અંચળો ઓઢવા પણ મજબૂર કરે છે. દરેક ગ્રૂપમાં જવાબ આપવો, વિશ કરવું, કમેન્ટ કરવી એ ભાવનાત્મક મજબૂરી છે. આટલા બધા લોકોમાં કોઇની સાથે સાચા સંબંધ બનાવી શકાતા નથી. વળી, આપણું કામ પતતાં જ આપણે ઓનલાઇન થઇ જઇએ. કામના કલાકો પછી સ્ક્રોલિંગ કરવાથી કે ઓનલાઇન એક્ટિવ થવાથી શરીરમાં તણાવ પેદા કરનાર કોર્ટિસોલ નામનું હોર્મોન્સ વધે છે, તેથી દિમાગ સારી રીતે Off Modeમાં આવતું જ નથી.
મતલબ કે સતત કોઇની સાથે કનેક્ટ રહેવા છતાં મન ફ્રેશ નથી થતું અને એક ભાવનાત્મક એકલતાની લાગણીથી મન ઘેરાઈ જાય છે. ખાસ કરીને લાંબા સમયના લગ્નજીવન બાદ પતિ-પત્નીમાં આ સ્થિતિ ખાસ જોવા મળે છે. એવું નથી કે લોકોમાં પ્રેમ ખતમ થઇ ગયો છે, પણ ભાવનાત્મક રીતે એકદમ થાકી ગયા છે. કામના લાંબા કલાકો, ટ્રાફિક, આર્થિક ચિંતા અને લગાતાર ડિજિટલ ઉત્તેજના બાદ એમની પાસે ઊંડા અને સાર્થક ભાવનાત્મક લગાવ માટે કોઇ ઊર્જા બાકી નથી રહેતી એ જ રીતે ડેટિંગ એપ્સ પણ અંતહીન સંભાવનાઓનો વાયદો તો કરે જ છે, પરંતુ તણાવ પણ આપે છે. શરૂઆતમાં લાગણી દર્શાવતી વ્યક્તિની ભાષા અચાનક જ બદલાઈ જાય. વળી, કોઇ ફ્રોડ નીકળે તો કોઇ લાંબા ડિજિટલ સંવાદ બાદ અદૃશ્ય થઇ જાય, તેથી ભાવનાત્મક રોકાણ જોખમભર્યું લાગે. પોતાની કમજોરીઓને વ્યક્ત કરવી ખતરનાક લાગે છે. લોકો નિરાશાના ડરથી ઊંડાણપૂર્વક જોડાતા અચકાય છે.
સોશિયલ મીડિયા ખુશી, સંબંધો, સફળતા, સુંદરતા અને સામાજિક સફળતાની અવાસ્તવિક આશાઓ જન્માવીને લાગણીને જટિલ બનાવે છે. દર સ્ક્રોલ એ સંદેશ આપે છે કે તમારાથી કોઇ અધિક સફળ, અધિક આકર્ષક, અધિક સામાજિક અને જીવનમાં અધિક ખુશ છે. એ જોઇને ભાગ્યે જ કોઇ સાથે કનેક્શન થાય છે અને થાય તો એમાં તણાવની માત્રા ઓછી રહેશે એ કહેવું મુશ્કેલ છે, તેથી આપણે કમ્યુનિટી ક્લબ, રીડિંગ સર્કલ, ફિટનેસ ગ્રૂપ, કિટી, ડાન્સ ક્લાસ કે હોબી સ્પેસમાં જઇને વાસ્તવિક પરિચય અને સંબંધો કેળવવા જોઇએ.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો