આતો આસમાન સે ગિરા, ખજૂર પે અટકા જેવું થયું. ટોલ્સ્ટોયે એટલું તો સ્વીકાર્યું શ્રદ્ધા વિના ઉદ્ધાર નથી, પરંતુ શ્રદ્ધાની સાથે સંકળાયેલી અનેક દુન્યવી પરંપરાઓ અને ખાસ તો અંધશ્રદ્ધાઓ ટોલ્સ્ટોયના ગળે ઊતરી નહીં. એમણે સામાન્ય લોકોની સામાન્ય અંધશ્રદ્ધાઓની પાછળનાં કારણ-રહસ્ય-તર્ક સમજવાની ઘણી કોશિશ કરી, પરંતુ ધરમના નામ સાથે જોડાયેલી અનેક બાબતો એમના ભેજામાં ન ઊતરી.
એમના જ શબ્દોમાં...
શ્રદ્ધા સાથે સંકળાયેલી કોઈ પણ બાબત હું અધકચરી રીતે સ્વીકારી શકું તેમ નહોતો. શ્રદ્ધા મારા જીવનનું કેન્દ્ર હતી (એના ટેકે તો હું ટકેલો હતો). એટલે હું પૂરી નિષ્ઠા સાથે લોકોની શ્રદ્ધામાં અને એમના કર્મકાંડોમાં જોડાવા માંગતો હતો, પરંતુ મારાથી એ ન થઈ શક્યું. મને લાગ્યું કે જો હું લોકોને અનુસરીને જાતજાતના કર્મકાંડો અને વિધિવિધાનો કરતો રહીશ તો એ તો જાત સાથેની છેતરપિંડી બની રહેશે અને ખાસ તો હું જેને સૌથી પવિત્ર ગણું છું એ શ્રદ્ધાની મજાક બની રહેશે.
આ સ્થિતિમાં નવા જમાનાના રશિયન ધર્મશાસ્ત્રીઓ મારી મદદે આવ્યા. એમણે મને સમજાવ્યું કે આખી વાતના પાયામાં ચર્ચ છે. ચર્ચ પ્રજાની અાસ્થાનું પ્રતીક છે. શ્રદ્ધાળુઓ પારસ્પરિક પ્રેમથી જોડાયેલા હોવાને કારણે એમને સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે અને આ શ્રદ્ધાળુઓને ચર્ચ એક છત્ર નીચે એકઠા થવાનું પ્લેટફોર્મ પૂરું પાડે છે. આ વાત મેં સ્વીકારી અને ચર્ચ મારી પણ શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું. મેં મારી જાતને સમજાવી કે દિવ્ય સત્ય કોઈ એકલા માણસને ન મળી શકે. અરસપરસના પ્રેમથી જોડાયેલા સમૂહમાં જ દિવ્ય સત્ય પ્રગટે. એટલે માણસે જો સત્ય શોધવું હોય તો વિભાજનથી બચવું પડે અને જો વિભાજનથી બચવું હોય તો જે લોકો સાથે આપણે સહમત ન હોઈએ એવા લોકોને પણ ચાહવા પડે અને એમની સાથે મેળ સાધવો પડે. સત્ય એ પ્રેમની અભિવ્યક્તિ છે. એટલે જો તમે ચર્ચની વિધિઓમાં પૂરા હૃદયથી ન જોડાઓ તો તમે શ્રદ્ધાળુઓ વચ્ચેના પ્રેમનો ભંગ કરો છો અને જો તમે પ્રેમનો ભંગ કરો છો તો તમે સત્ય જાણવાની તમામ શક્યતાઓનો નાશ કરો છો.
આ દલીલ પાછળની ચતુરાઈ મને એ વખતે નહોતી સમજાઈ. ત્યારે મને એ નહોતું સમજાયું કે લોકો સાથે હૃદયપૂર્વક હળવાભળવાથી પ્રેમની અનુભૂતિ ચોક્કસ થઈ શકે, પરંતુ એનાથી દિવ્ય સત્ય ઉજાગર થતું નથી.
ખૈર, એ વખતે હું જાતને જેમતેમ સમજાવી-પટાવીને ઓર્થોડોક્સ ચર્ચની જાતજાતની વિધિઓમાં ભાગ લેતો થયો. મારી અંદર દબાયેલી શંકાઓ વિશે કોઈ પણ પ્રકારની ચર્ચા કરવાનું મેં ટાળ્યું અને મને જે બધા વિરોધાભાસો દેખાતા હતા તેને ન જોવા માટે મેં મારી જાત સાથે ભારે સંઘર્ષ કર્યો. ચર્ચના જે સિદ્ધાંતો હું પૂરેપૂરા સ્વીકારી શકતો નહોતો, તેની પાછળના સંભવિત લોજિકને હું શક્ય તેટલી તર્કપૂર્ણ ઢબે મારી જાતને સમજાવતો રહ્યો.
ચર્ચની વિધિઓને અનુસરતી વખતે હું મારી તર્કશક્તિને દબાવી દેતો હતો. એક મસમોટો વિરાટ સમુદાય જે પરંપરાને અનુસરતો હતો એની સમક્ષ મેં શરણાગતિ સ્વીકારી લીધી. મારા બધા પૂર્વજો, જેમને હું ચાહતો હતો એ બધાં માતા-પિતા-દાદા-દાદી-નાના-નાની આ જ તો બધું કરતાં હતાં. એ બધાંની પહેલાંની પેઢીના લોકો જેમને કારણે આજે હું આ પૃથ્વી પર છું એ પણ આવું જ બધું કરતા હતા. ચર્ચની વિધિઓમાં જોડાઈને છેવટે તો હું જેમને આદર આપતો હતો એવા કરોડો લોકો સાથે જોડાઈ રહ્યો હતો અને આમ પણ એ બધું કરવામાં કશું ખોટું તો હતું નહીં (ખોટું તો વાસનાઓને તાબે થઈ જવું એ હતું).
સવારે ચર્ચમાં જવા માટે હું ખૂબ વહેલો ઊઠતો ત્યારે હું એમ વિચારતો કે શારીરિક સુખ-સગવડને ત્યજીને, બુદ્ધિના અભિમાનને ઓગાળીને અને મારા પૂર્વજો તથા વર્તમાન સાથીઓની પરંપરાને અનુસરીને હું કશુંક સારું જ કરી રહ્યો હતો. ચર્ચની બીજી બધી વિધિઓ કરતી વખતે પણ મારો અભિગમ આ જ રહેતો હતો કે આમાં કશું ખોટું નથી, આ બધું સારું જ છે. ચર્ચની સામૂહિક પ્રાર્થનામાં બોલાતા પ્રત્યેક શબ્દને હું ધારીને સાંભળતો અને એમાંનો અર્થ સમજવા મથતો. એ પ્રાર્થનામાં મને સૌથી મહત્ત્વના આ શબ્દો લાગતાઃ `ચાલો આપણે સૌ સંપીને એકબીજાને ચાહીએ.' જોકે, એ પછી તરત `અમે ધ ફાધર, ધ સન એન્ડ ધ હોલી સ્પિરિટમાં માનીએ છીએ' એવા જે શબ્દો બોલાતા, એને હું અવગણતો, કારણ કે એ શબ્દો મને સમજાતા નહોતા.
એ વખતે જીવતા રહેવા માટે આ બધું માનવું જરૂરી હતું (શ્રદ્ધા છૂટી જાય તો તો હું મરી જ જઈશ એવો મને ડર હતો). એટલે હું મને પણ ન ખબર પડે એ રીતે ધાર્મિક શિક્ષણમાં રહેલાં વિરોધાભાસો અને વિચિત્રતાઓને મારી જ જાતથી છુપાવતો રહ્યો.
જોકે, આ પ્રકારની આત્મવંચનાની પણ એક હદ હોય છે. ચર્ચમાં રશિયાના રાજા અને તેના પરિવાર માટે પ્રાર્થના કરતી વખતે હું મારી જાતને એમ કહીને મનાવતો કે એ મોટા મોટા લોકોએ બહુ મોટાં મોટાં પ્રલોભનોનો સામનો કરવો પડતો હોય છે એટલે એમના માટે પ્રાર્થના કરવી જરૂરી બની રહે છે. એ જ રીતે શત્રુઓના નાશની પ્રાર્થના કરતી વખતે હું મારી જાતને એમ કહીને મનાવતો કે શત્રુઓ તો શેતાનો હોય છે એટલે આવી પ્રાર્થના કરવામાં કશું ખોટું નથી.
હકીકત એ જ હતી કે ચર્ચમાં થતી વિધિઓમાંની લગભગ પોણા ભાગની મને યા તો નિરર્થક લાગતી અથવા એવું લાગતું કે એ બધી બાબતોને સાચી ઠરાવવા માટે હું (મારી જાતને) જે કંઈ કહું છું એ બધું ખોટું છે. આ પ્રકારની આત્મવંચનાનો અર્થ એ થતો હતો કે ઈશ્વર સાથેના મારા સંબંધનો હું નાશ કરી રહ્યો હતો અને એ સંબંધ જો તૂટે તો પછી શ્રદ્ધાની કોઈ શક્યતા જ રહી શકે તેમ નહોતી. (ક્રમશઃ)
***
ટૂંકમાં, મોટાભાગની ધાર્મિક ક્રિયાઓ ટોલ્સ્ટોયની શ્રદ્ધાને દૃઢ બનાવવાને બદલે ક્ષીણ કરનારી હતી. આ સ્થિતિમાંથી ઉગરવા માટે ટોલ્સ્ટોય છેવટે ધાર્મિક ક્ષેત્રની સાફસૂફી અને સુધારણાની દિશામાં વળ્યા. એની વાત હવે પછી.
