આયુર્વેદીય મતે આપણા શરીરમાં રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર આ સાત ધાતુઓ ગણાવાય છે. જે શરીરને ધારણ કરે અને ટકાવી રાખે તેને આયુર્વેદમાં `ધાતુ' કહેવામાં આવી છે. આ સાતે ધાતુઓમાંથી આયુર્વેદે `રક્ત હી જીવનમ્' એટલે કે `રક્ત એ જ જીવન છે' એમ કહ્યું છે.


માનવદેહનું મૂળ રુધિર-રક્તને ગણાવાયું છે અને રક્તની વિકૃતિ કે ક્ષય-હ્રાસ મૃત્યુ લાવે છે, એટલે કે મૃત્યુમાં પણ કેટલીક વાર મહદંશે રક્ત જ કારણભૂત હોય છે. આમ, આપણા આયુર્વેદના પ્રાચીન ગ્રંથોમાં રક્તને જ જીવન કહેવાયું છે, જે આજે પણ યથાર્થ જ છે.

આપણા શરીરની રક્ત સિવાયની બાકી છએ ધાતુઓ રક્તને આધીન છે. રક્ત જ તેના પછીની માંસ(ધાતુ)ની અને એના પછીની ધાતુઓની પુષ્ટિ કરે છે. આ ઉપરાંત તે શરીરને બળ, ઉત્સાહ, ગતિ, સુખ અને જીવન આપે છે. જઠરાગ્નિને પ્રદીપ્ત કરવામાં તથા સમગ્ર પાચનતંત્રને સક્રિય રાખવામાં રક્ત જ અગ્રસ્થાને છે, તેનો હ્રાસ ક્ષય-જઠરાગ્નિ મંદ કરે છે.

આવું જીવનરૂપી અથવા જીવનને ટકાવી રાખનાર રક્ત કોઈ પણ કારણને લીધે આપણા શરીરમાં ઘટી જાય તો મૃત્યુ લાવે છે અને તેનું પ્રમાણ જે હોવું જોઈએ તેના કરતાં થોડું ઘટે તો શરીર નિસ્તેજ એટલે કે ફિક્કું લાગે છે. નખ, આંખો, જીભ અને ચહેરો ફિક્કો લાગે, થોડો પરિશ્રમ કરવાથી થાકી જવાય, થોડું પણ ચાલવાથી શ્વાસ-હાંફ ચડે અને ચક્કર આવે, ભૂખ લાગે નહીં, ઊંઘ આવે નહીં, ગાત્રો ઢીલાં થાય, માથું દુખે, સોજા આવવા, માસિક ઓછું કે મોડું આવવું, આળસ, સુસ્તી રહે અને બસ પડ્યા રહેવાનું જ મન થાય.

જો ઉપરોક્ત લક્ષણો જણાય અને લોહી ઘટી ગયું છે, એવું લાગે તો શું કરવું? તો એ વિશે કહીશ કે સૌ પ્રથમ એ જાણવું જોઈએ કે શોધી કાઢવું જોઈએ કે તેના પાછળનું કારણ શું છે?

મસા (પાઈલ્સ), ફિશર, કૃમિ (આંતરડાંના કરમિયા), મળમાર્ગથી અતિ રક્તસ્રાવ, યકૃત(લીવર)ના રોગો, માસિક વારંવાર કે અધિક પ્રમાણમાં આવવાથી, પોષણનો અભાવ, પાંડુરોગ વગેરે લોહીનું પ્રમાણ ઘટાડનાર કારણો છે. અન્ય કેટલાક આનુવંશીક રોગો જેમ કે, થેલેસેમિયા માઇનરના દર્દીઓમાં હિમોગ્લોબીનનું પ્રમાણ ઓછું રહે છે. જ્યારે થેલેસેમિયા મેજરના દર્દીઓમાં લોહીનું પ્રમાણ એટલું ઘટી જાય છે કે વારંવાર લોહી ચડાવ્યા કરવું પડે છે.

આપણા શરીરમાં લોહી ઘટી જવાનાં આવાં અનેક કારણો હોઈ શકે. લોહી ઘટાડવાનાં આ મૂળ કારણો દૂર કરીને રક્તવર્ધક ઔષધ કે ઉપચારો પ્રયોજવા જોઈએ. રક્તવર્ધક ઔષધોમાં લોહ ભસ્મ, કાસીસ ભસ્મ, લોહાસવ, સપ્તામૃત લોહ, મંડૂર ભસ્મ, પુનર્નવા મંડૂર, નવાયસ લોહ વગેરે ઔષધોના ઉચિત ઉપયોગથી ધાર્યું પરિણામ મેળવી શકાય છે. નિષ્ણાત ચિકિત્સકની સલાહ પ્રમાણે તેનો ઉપયોગ કરવો જોઈએ.

રક્તવર્ધક આહારમાં ગાજર, બીટ, ટામેટાં, વટાણા, સોયાબીન, અળસી, ફુદીનો, પાલખ, બટાકા, શક્કરિયાં, કાજુ, અંજીર, સફરજન, ટોફુ, લીલાં શાકભાજી વગેરેનો સમાવેશ થાય છે. 


આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: