પ્રેમ, લગ્ન અને વાસના વિશેની ટોલ્સ્ટોયની આકરી કથા ક્રોત્ઝર સોનાટાની વાત ચાલી રહી છે. એક નનામો માણસ ટ્રેનયાત્રાનો પોતાનો એક અનુભવ વર્ણવી રહ્યો છે.
મુસાફરો વચ્ચેની વાતચીત દરમિયાન એક પ્રૌઢે કહ્યું, `છૂટાછેડાનું પ્રમાણ તો વધવાનું જ, કારણ કે લોકોમાં હવે ભણતર બહુ વધી ગયું છે. હવે (પત્નીને પતિનો) ડર જ નથી રહ્યો એટલે લોચા પડે છે. વરે બૈરીને અંકુશમાં રાખવી જ પડે.'
પછી આગલા સ્ટેશને પ્રૌઢ ઊતરી ગયો. ત્યારબાદ તેના આ અભિપ્રાયોથી ત્રાસેલી એક આધુનિક લાગતી મહિલા બોલીઃ `કેવો જુનવાણી માણસ હતો? સ્ત્રી અને લગ્ન વિશેના એના વિચારો કેટલા જંગલી હતા? એને એટલી એક સાદી વાત નહોતી સમજાતી કે લગ્નને પવિત્ર બનાવનારી ચીજ પ્રેમ જ છે.'
ત્યારે અચાનક, અત્યાર સુધી ચૂપ રહેલો પાણીદાર આંખોવાળો અને સહેજ બેચેન જણાતો એક મુસાફર બોલ્યોઃ `લગ્નને જે પવિત્ર બનાવે છે એ પ્રેમ કેવો હોય?'
`કેવો એટલે?' સ્ત્રીએ કહ્યું, `પતિ અને પત્ની વચ્ચે હોય એવો,
સામાન્ય પ્રેમ.'
`પણ જો એ સાવ સામાન્ય હોય તો લગ્નને મહાન અને પવિત્ર કઈ રીતે બનાવી શકે? મારો સવાલ એ છે કે જેને લીધે લગ્નમાં પવિત્રતા ઉમેરાય એ પ્રેમ કેવો હોય?'
`પ્રેમ પ્રેમ જેવો હોય. સૌને ખબર છે કે પ્રેમ
કેવો હોય?'
`ના, મને નથી ખબર. તમે મને પ્રેમની વ્યાખ્યા કહો.'
`પ્રેમ... પ્રેમ એટલે... બીજા બધાની બાદબાકી કરીને કોઈ એક સ્ત્રી કે પુરુષની પસંદગી.'
`અચ્છા, આ પસંદગી કેટલો સમય ટકે? મહિનો, બે દિવસ, અડધો કલાક?' બેચેન માણસ સહેજ ચિડાઈને બોલ્યો.
`તમે કંઈક જુદી જ વાત કરી રહ્યા છો.'
`ના, હું એ જ વાત કરી રહ્યો છું. પ્રેમ એટલે બીજા બધાની બાદબાકી કરીને કોઈ એક સ્ત્રી કે પુરુષની પસંદગી. ફાઈન, પણ ક્યાં સુધી?'
`ક્યાં સુધી મતલબ? લાંબા ગાળા માટે. જીવનભર.'
`પણ એવું તો નવલકથામાં જ જોવા મળે. જીવનમાં ક્યારેય નહીં. વાસ્તવિક જીવનમાં બીજા બધાને છોડીને કોઈ એક જ વ્યક્તિ પ્રત્યેનો પ્રેમ ભાગ્યે જ વર્ષો સુધી ટકે. મોટાભાગે તો એ થોડા મહિના કે ઇવન અઠવાડિયાં, દિવસો, કલાકો સુધી માંડ ટકે.'
`ના, ના, ના. એવું તે કંઈ હોય?' અમે ત્રણેય (મહિલા, એનો સાથી વકીલ તથા હું, આ વર્ણન આલેખનાર) એકીસાથે બોલી ઊઠ્યાં.
`એવું જ હોય. પ્રેમ વિશે તમે જે કહો છે એ બધી માનવાની વાતો છે અને હું જે કહું છું એ હકીકત છે. તમે જેને પ્રેમ કહો છો એવો પ્રેમ પ્રત્યેક પુરુષ કોઈ પણ સુંદર સ્ત્રીને જોઈને અનુભવે, પણ પોતાની પત્ની પ્રત્યે બહુ ઓછો અનુભવે. એટલે જ તો કહેવાય છેને કે પારકાં બૈરાં સૌને ગમે.'
`કેવી ગંદી વાત કરો છો તમે?' મહિલાએ સહેજ અકળાઈને કહ્યું, `લોકો મહિનાઓ કે વર્ષો નહીં, જિંદગીભર પ્રેમ અનુભવી જ શકે.'
`ના, ન અનુભવી શકે. બે ઘડી માની પણ લઈએ કે (ગ્રીક દંતકથા ટ્રોજન વૉરનો રાજા) મેનેલ્હઝ જિંદગીભર કેવળ (પત્ની) હેલનને ચાહતો હતો, પણ હેલન તો (ટ્રોયના રાજકુમાર) પેરિસને પસંદ કરતી હોય તેનું શું? આવા લોચા પડતા હતા, પડે છે અને પડતા રહેવાના. આમાં એવું છે કે તમે વટાણાનો ઢગલો કરો ત્યારે ખાસ માર્ક કરેલા બે વટાણા જ એકમેકને અડીઅડીને ગોઠવાય એવું ભાગ્યે જ બનવાનું અને માની લો કે એવું બને (એકમેક માટે સર્જાયેલાં પાત્રો પરણે) તો પણ વહેલું કે મોડું છેવટે પત્ની કે પતિનું પેટ (પ્રેમથી) ભરાઈ જ જવાનું. ફરક એટલો જ રહેવાનો કે એક પાત્ર વહેલું ધરાઈ જશે, બીજું મોડું. માત્ર વાહિયાત નવલકથામાં જ એવું બને કે પછી બેય પાત્રો આજીવન એકમેકના પ્રેમમાં ડૂબેલાં રહ્યાં. બાળકો જ આવી વાતને સાચી માની શકે. એક જ સ્ત્રી કે પુરુષને આજીવન ચાહવાની વાત તો એવી છે કે એક મીણબત્તી કાયમને માટે જલતી રહી. ના, એ શક્ય નથી. મીણબત્તી ખૂટે જ.'
`તમે શારીરિક પ્રેમની વાત કરો છો, પણ શું આદર્શોના મિલન કે આધ્યાત્મિક જોડાણ પર આધારિત પ્રેમ ન હોઈ શકે?' મહિલાએ પૂછ્યું.
`હોઈ જ શકે, પણ પછી બચ્ચાં નહીં પેદા કરવાનાં (બરછટતા બદલ સૉરી). મુદ્દો એ છે કે આવો (ઊંચેરો, ઉદ્દાત) પ્રેમ કાચા-કુંવારા યુવાન અને સુંદર જુવાનિયાઓમાં જોવા મળી શકે, મોટેરાંઓમાં નહીં.' આટલું કહીને એ વિચિત્ર રીતે હસ્યો અને પછી ભારપૂર્વક બોલ્યોઃ `હું તો કહું છું કે પ્રેમ લગ્નને પવિત્ર નથી બનાવતો, બલ્કે લગ્નના ભાંગીને ભુક્કા કરે છે.'
`માફ કરજો, પણ હકીકત સાવ જુદી છે.' વકીલ બોલ્યોઃ `આપણે ચારે તરફ જોઈ શકીએ છીએ કે લગ્નો ટકે છે. દુનિયાના મોટાભાગનાં પતિ-પત્ની હળમળીને, વફાદાર રહીને સાથે જિંદગી ગુજારે જ છે.'
`તમે એવું સાબિત કરવા માગો છો કે લગ્નો છે, માટે પ્રેમ છે, પણ હું એવી શંકા ઉઠાવી રહ્યો છું કે શારીરિક આકર્ષણ સિવાયનો પ્રેમ હોય છે ખરો? આપણા આજના યુગનાં લગ્નોમાં હિંસા અને જુઠાણાં સિવાય બીજું છે શું? બાકી હું માનું જ છું કે એક જમાનો એવો હતો ખરો જ્યારે લોકો લગ્નને પહેલેથી જ પવિત્ર ગણતા હતા (પ્રેમને કારણે લગ્નમાં પવિત્રતા ઉમેરાય એવું નહીં, પરંતુ પહેલી ઘડીથી જ લગ્ન પવિત્ર હોય), ઇશ્વરની સાક્ષીમાં લગ્નની પવિત્રતાનો લોકો હૃદયપૂર્વક સ્વીકાર કરતા હતા, પણ એ તો થઈ જૂના જમાનાની વાત. આજના યુગમાં તો લગ્નના નામે દંભ જ ચાલે છે. લોકો પણ હવે ધીમે ધીમે સ્વીકારતા થયા છે લગ્ન એટલે દંભ અને હિંસા. એટલે જ તો હવે મુક્ત પ્રેમની (જેને જ્યારે જેની સાથે જોડાવું હોય તે જોડાય એવા ઉન્મુક્ત સંબંધોની) વાતો થાય છે, પણ આવો મુક્ત પ્રેમ એ તો આદિમતા તરફની પીછેહઠ થઈ. તો, વાત એમ છે કે લગ્નના જૂના આધારો તૂટી રહ્યા છે અને લગ્નના નવા પાયાઓની આપણને તલાશ છે. એક વાત સ્પષ્ટ છે કે બેફામ સેક્સ તો ભયંકર જ છે. જાતીય સંબંધોનું કોઈક પ્રકારનું નિયમન જરૂરી જ છે, પણ એ નિયમન કેવું હોવું જોઈએ એ આપણને સમજાતું નથી. એક તરફ આપણે જૂની પરંપરાથી ગાડું ગબડાવીએ છીએ, પરંતુ અંદરખાને એ બધી જૂની (ધાર્મિક, પરંપરાગત) માન્યતાઓમાં આપણને હવે ઝાઝો વિશ્વાસ નથી રહ્યો. માટે આપણે લગ્નના નામે જુઠાણું ચલાવીએ છીએ. સૌથી મહત્ત્વની વાતઃ લગ્ન સ્પષ્ટપણે જુઠાણું જ છે એવું આપણે સ્વીકારી લઈએ તો તો જાણે હજુય સમજ્યા,
પણ મુશ્કેલી એ છે કે આપણે જૂઠને જૂઠ તરીકે સ્વીકારતાં નથી. હકીકત તમે સૌ જાણો જ છો. લગ્નના નામે વર-વહુ ઉત્સાહભેર આજીવન સાથે રહેવાનું નક્કી કરે (એમનેય ખબર નથી હોતી કે તેઓ આમાં શા માટે ઝંપલાવે છે), પણ પછી લગ્નના બીજા જ મહિનાથી બંનેમાં છૂટા પડવાની ઇચ્છાઓ જાગવા લાગે અને તેમ છતાં બંને સાથે જ ખોડાયેલાં રહે. પછી શરૂ થાય લગ્નજીવનનો ભભૂકતો તબક્કો, જેમાં બેય દારૂના રવાડે ચડે. જેમાં એ રિવોલ્વરમાંથી ગોળીઓ છોડે, જેમાં એ એકમેકની હત્યા કરે, જેમાં એ એકબીજાને ઝેર પાય.'
કમ્પાર્ટમેન્ટમાં સન્નાટો છવાયો.
વકીલે ચર્ચાને ફંટાવવાના આશયથી કહ્યું, `હા, ક્યારેક આવું બનતું હોય છે ખરું. હમણાં જ પેલો પોઝ્નીશેફવાળો મામલો બહુ ચગેલો. ઇર્ષ્યાથી પાગલ થયેલા પોઝ્નીશેફે પોતાની પત્નીને મારી નાખી. છાપામાં તેં એ વિશે વાંચ્યું?'
વકીલની મહિલા સાથીદાર બોલી, `ના, આ કિસ્સો મારા વાંચવામાં નથી આવ્યો.'
પેલો બેચેન માણસ કશું બોલ્યો નહીં. એના ચહેરા પરનો રંગ બદલાયો. થોડી પળો બાદ એ અચાનક બોલ્યોઃ `હું જોઈ શકું છું કે હવે તમે મને ઓળખી ગયા છો.'
`ના, તમને ઓળખ્યા નહીં.' વકીલે કહ્યું.
`આમ તો એ જ સારું છે, કારણ કે હું જ છું એ પોઝ્નીશેફ.' (ક્રમશઃ)
આવીજ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
