ભારે કરી. આ તો પેલી કહેવત ઘરની દાઝી વનમાં ગઈ તો વનમાં લાગી આગ જેવું થયું.

જીવતરનો તાપ ન વેઠાતાં ટોલ્સ્ટોય ધર્મ તરફ વળ્યા તો ત્યાં વળી એ ધર્મક્ષેત્રના તાપથી દાઝ્યા.

ધર્મનાં અમુક રીતરિવાજ, વિધિવિધાન તથા ચમત્કારની વાતો એમને ખૂંચ્યાં એ તો ઠીક, એમને વધુ આઘાત એ વાતે લાગ્યો કે ધર્મ લોકો વચ્ચે પ્રેમ અને સંપ વધારે એવી એમની માન્યતાથી વિપરીત, ધર્મ તો ઊલટાનો લોકોને વિભાજિત કરતો હતો. એમના જ ખ્રિસ્તી ધર્મના વિવિધ ફાંટાઓના ધર્મગુરુઓ એવા દાવા કરતા હતા કે માત્ર તેમનો જ ફાંટો-સંપ્રદાય સાચો છે અને બાકીના બધા પંથો તથા તેને અનુસરનારા લોકો ખોટા તેમજ દુષ્ટ છે.

આગળ ટોલ્સ્ટોય લખે છે

મેં જોયું કે જેમનાં રીતરિવાજ, પ્રતીકો, શબ્દો જુદા હોય એવા ફાંટાઓ પ્રત્યે તિરસ્કાર દાખવવામાં આવતો હતો. પહેલી વાત તો એ કે `તમે ખોટું જીવન જીવો છો અને અમે જ સાચું જીવીએ છીએ' એવું કોઈને કહેવું એ એક પ્રકારની ક્રૂરતા છે. બીજી વાત એ કે પોતાનાં પ્યારાં બાળકો અને બંધુઓને કોઈ `ખોટા રસ્તે' ખેંચી જવા ઇચ્છે તો (એ વટલાવનાર પ્રત્યે) માણસને દાઝ ચડે જ. ટૂંકમાં, ફાંટાઓ વચ્ચે વૈમનસ્ય પેદા થવું સ્વાભાવિક હતું. મેં જોયું કે જે માણસ ધર્મશાસ્ત્રમાં જેટલો વધુ ખૂંપેલો હોય એટલો એ વધુ આક્રમકતા દાખવતો હતો. ધર્મશાસ્ત્રનું સાચું કામ તો એ જ હોઈ શકે કે એ લોકો વચ્ચે પ્રેમ-સંપ વધારે, પણ વાસ્તવમાં ઊલટું જ ચાલી રહ્યું હતું. કેથલિક્સ લોકો ઓર્થોડોક્સ તથા પ્રોટેસ્ટન્ટ્સ પ્રત્યે, ઓર્થોડોક્સ લોકો કેથલિક્સ અને પ્રોટેસ્ટન્ટ્સ પ્રત્યે અને પ્રોટેસ્ટન્ટ્સ અન્ય બંને પ્રત્યે તિરસ્કાર, તુચ્છકાર અને નકારનો ભાવ ધરાવતા હતા. અન્ય નાના ફાંટાઓ વચ્ચે પણ આવું જ ચાલી રહ્યું હતું.

હું ગૂંચવાયો. મામલો પેચીદો હતો. એટલું સ્પષ્ટ હતું કે જો શ્રદ્ધાના મામલે બે માન્યતાઓ ટકરાતી હોય તો એ બેમાંથી કોઈ એકની જ શ્રદ્ધા સાચી હોય એવું ન બની શકે, પણ દાવાઓ તો એવા જ થતા હતા.

આ ગૂંચવણનો ઉકેલ મેળવવા માટે મેં ખૂબ બધું વાંચ્યું, બહુ બધા લોકોને મળ્યો. એમની વાતો પરથી હું એટલું જ સમજ્યો કે સંપ્રદાયોની શ્રેષ્ઠતાના દાવા સૈન્યની રેજિમેન્ટના દાવા જેવા જ હતાઃ અમારી રેજિમેન્ટ વિશ્વની શ્રેષ્ઠ રેજિમેન્ટ છે, અમારો જગમાં જોટો નથી.

પ્રત્યેક સંપ્રદાયના શ્રેષ્ઠ પ્રતિનિધિઓ હરીફરીને મને એટલું જ કહી શક્યા કે જુઓ, સાચા માર્ગે તો અમે જ છીએ; બીજા બધા માર્ગ ભટકેલા અને ભાન ભૂલેલા છે. અમે બહુ બહુ તો એમના માટે પ્રાર્થના કરી શકીએ. બીજું તો શું કરી શકીએ?

છેવટે એક માણસ મને એવો મળ્યો જેણે મારી બોલતી બંધ કરી દીધી.

એ માણસ પહેલાં તો મારી વાતો સાથે સહમત થયો. મેં એને કહ્યું કે કોઈ (મારા જેવો) માણસ ધર્મથી દૂર રહ્યા બાદ ધર્મ તરફ વળે (આમાં આખી નવી પેઢી આવી જાય) ત્યારે એ પૂછશે જ કે સત્ય કેવળ ઓર્થોડોક્સ પંથમાં જ કેમ? લુથેરિયન કે કેથલિક પંથમાં કેમ નહીં? પોતપોતાના પંથની શ્રેષ્ઠતા બાબતે સૌ ઐતિહાસિક પુરાવાઓ રજૂ કરતા હોય છે, પરંતુ એ પુરાવા અપૂરતા છે, કારણ કે એ પુરાવાઓને તો સૌએ પોતપોતાની સવગડ પ્રમાણે તોડ્યા-મરોડ્યા હોય છે. આવામાં એકદમ ઉપરથી, બ્રૉડ એંગલથી જોઈને વિવિધ પંથોની શ્રદ્ધામાં જે મૂળભૂત સમાનતા છે એના પર જ ફૉકસ કરવામાં આવે તો કેવું? અલગ અલગ પંથોની ઝીણીઝીણી વાતો, વિગતો, રીતિઓ, રિવાજો, ક્રોસ, એલેલુઆ, પ્રદક્ષિણા પદ્ધતિ, પોપ વગેરે મામલે થોડી મોકળાશ દાખવીને એવી નીતિ અપનાવવી કે એ બધામાં તમે સૌ પોતપોતાની પરંપરાને અનુસરો, પરંતુ ધર્મનું જે હાર્દ છે એ મામલે આપણે એકમતી સાધીને સંપીને રહીએ.

જેની સાથે હું આ ચર્ચા કરી રહ્યો હતો એ માણસ મારા આ વિચાર સાથે સહમત તો થયો, પરંતુ એણે મને કહ્યું, `નાની-નાની છૂટછાટો આપવા સામે મોટામોટા ધર્મગુરુઓ વાંધો ઉઠાવશે, એ કહેશે કે આ તો આપણા વડવાઓના માર્ગથી અને આપણી પરંપરાથી ફંટાવાની વાત થઈ. ધર્મપુરુષોની તો મુખ્ય ફરજ જ એ છે કે આપણા વડવાઓ પાસેથી મળેલા ગ્રીક ઓર્થોડોક્સ પંથને સહેજ પણ અભડાવ્યા વિના, પૂરી શુદ્ધિ સાથે પેઢી દર પેઢી જાળવી રાખવામાં આવે.'

અને મને બધું જ સમજાઈ ગયું. હું શ્રદ્ધા શોધી રહ્યો હતો, જીવવાનું બળ ઝંખી રહ્યો હતો જ્યારે ધર્મપુરુષો પોતપોતાની માનવીય-સાંસારિક જવાબદારી ઉત્તમ રીતે નિભાવવામાં પરોવાયેલા હતા. એ લોકો ભલે પ્રેમ-કરુણાની અને દિવ્યતાની વાતો કરે, પરંતુ છેવટે તો એમણે પોતાની દુન્યયી જવાબદારી નિભાવવા, અનુયાયીઓને એક છત્ર હેઠળ રાખવા માટે આકરા બનવું પડે, બળપ્રયોગ કરવો પડે. ચર્ચને અનુસરનાર પરિવારના કોઈ નાદાન દીકરાને અન્ય પંથવાળો એના ગ્રંથ અને પંથથી લોભાવે-લલચાવે તો એ ગ્રંથ બાળવા પડે અને છોકરાને વટલાવવાનો પ્રયાસ કરનારને ઠેકાણે પાડવો પડે. યા તો એનું ગળું કાપી નાખવું પડે કે પછી એને જેલમાં ખોસવો પડે. આપણા અગાઉના ઝાર એલેક્સિસના રાજમાં આવા લોકોને બાળી મૂકવામાં આવતા અને આજે પણ ચર્ચવિરોધી પ્રવૃત્તિ કરનારને કાળકોટડીમાં પૂરી રાખવાની અતિ આકરી સજા કરવામાં આવે છે. ધર્મના નામે શું શું કરવામાં આવે છે એના તરફ મારું ધ્યાન ગયું ત્યારે હું હેબતાઈ ગયો. (ક્રમશઃ)

***

માત્ર ટોલ્સ્ટોય જ નહીં, કોઈ પણ વિચારશીલ મનુષ્ય આઘાત અનુભવી શકે એવી આ સચ્ચાઈ છે કે દિવ્યતા અને દુનિયાદારી વચ્ચેનો ટકરાવ યુગોથી ચાલતો આવ્યો છે. ધરમને પરમ તત્ત્વમાં રસ હોવા ઉપરાંત દુન્યવી સત્તાનો મુદ્દો પણ ધર્મ સાથે સંકળાયેલો રહ્યો છે.

માણસને દુન્યવી મર્યાદાઓથી ઊંચે દિવ્ય તત્ત્વ તરફ દોરી જનારો ધર્મ પોતે સત્તાના મામલે હાર્ડકોર દુન્યવી અભિગમ અપનાવતો હોય છે. સરવાળે સ્થિતિ એવી સર્જાય કે માણસને કુમાશ તરફ પ્રેરનારો ધર્મ માણસને ક્રૂર બનવા પણ પ્રેરે.

આ બધું જોઈને હેબતાયેલા ટોલ્સ્ટોય પછી મૂંઝાઈને બેસી ન રહ્યા. એમણે આ સ્થિતિનો ઉપાય વિચાર્યો. વ્યક્તિ ધર્મની મદદથી પોતાનો ઉદ્ધાર પણ કરી શકે અને ધર્મ સામાજિક તણાવનું કારણ પણ ન બને એવું કઈ રીતે શક્ય બને એનો રસ્તો એમણે શોધ્યો. વધુ આવતા અંકે.