માનવ સંબંધોના તાણાવાણા મનની સારી-ખરાબ અનેક ઇચ્છાઓથી જોડાયેલા છે. જ્યાં સંબંધ હોય, પ્રેમ હોય ત્યાં અપેક્ષા હોય, માલિકીભાવ હોય, સામી વ્યક્તિને પોતાના રંગમાં ઢાળવાની તીવ્ર મનીષા હોય.

બીજા શબ્દોમાં આપણી મરજીને બીજા આસાનીથી સ્વીકારીને આપણા રંગમાં રંગાઇ જાય. જેને કોઇ પ્રેમ સહજ અપેક્ષા ગણે તો કોઇ કંટ્રોલ કરવાની વૃત્તિ કહે. સંબંધોમાં લડાઇ-ઝઘડા, દુઃખ-દર્દ આ અપેક્ષામાંથી જ જન્મે છે. જેને ટાળવા માટે અમેરિકન મોટિવેશનલ સ્પીકર મેલ રોબિન્સે Let them theary આપી છે.

આ થિયરીનું મૂળ હાર્દ એવું છે કે જ્યારે આપણે બીજાના વ્યવહાર, વિચાર યા પ્રતિક્રિયાને નિયંત્રિત કરવાની કોશિશ કરીએ છીએ ત્યારે માનસિક શાંતિ ખોઇ નાખીએ છીએ. આ `Let them' થિયરી આપણને એવું શીખવે છે કે બીજા જેવા છે એવા જ એમને રહેવા દો અને આપણી ઊર્જા આપણે એવી જ વસ્તુઓ પર કેન્દ્રિત કરીએ કે જેને આપણે નિયંત્રિત કરી શકીએ છીએ. આપણે નિયંત્રિત કરી શકીએ એવી કોઇ વસ્તુ હોય તો એ છે આપણો વ્યવહાર અને આપણી જિંદગી.

આ થિયરીને સીધા-સાદા શબ્દોમાં સમજીએ તો એમને એમની મરજી મુજબ વર્તવા દો. અહીં એ વાતનો સ્વીકાર છે કે આપણે જીવનમાં દરેક વ્યક્તિને ખુશ કરી શકીએ એમ નથી. દરેક વ્યક્તિને આપણા જેવી ન બનાવી શકીએ, દરેકના મત-નિર્ણયને બદલવાનું આપણા વશમાં નથી. જે આપણા વશમાં નથી એની પાછળ ભટકવાનો, પોતાની શક્તિ વેડફવાનો અને અંતે દુઃખી થવાનો શો મતલબ? જ્યારે આપણે કોઇને Let them કહીએ છીએ ત્યારે આપણે ખુદને બીજાની ઇચ્છાઓ, અપેક્ષાઓ, ડ્રામા અને વ્યવહારથી મુક્ત કરીએ છીએ. જે આપણી ખુશી, ધ્યેય અને માનસિક શાંતિને અગ્રતા મળશે. Let them એટલે -

નિયંત્રણ છોડવું ઃ આપણે ત્યાં મોટાભાગના સંબંધોમાં એકબીજાને નિયંત્રિત કરવાની હોડ જન્મે છે. દરેક વ્યક્તિ ગુરુ બની સામી વ્યક્તિને સુધારવાનો-બદલવાનો પ્રયત્ન કરે છે. લગ્ન જેવા સંબંધોમાં તો આધિપત્ય નામની અદૃશ્ય ઊઘઇ સંબંધોની ગરિમા અને મીઠાશને કોતરતી રહે છે. કોઇને નિયંત્રિત કરવું, એને બદલવાની કોશિશ કરવી, એની ઇચ્છાઓને કચડીને પોતાની મરજી પ્રમાણે જીવવા મજબૂર કરવી તે એક પ્રકારનું શોષણ છે. જ્યાં શોષણ હોય ત્યાં સંબંધ નાશ પામે છે, વ્યક્તિ પોતે પણ દુઃખી થાય છે અને સામી વ્યક્તિને પણ દુઃખી કરે છે. અગર આ થિયરી પ્રમાણે નિયંત્રણ છોડી દેવામાં આવે તો નિરાશાથી બચી શકાય છે.

દાખલા તરીકે પતિ-પત્નીના સંબંધોમાં પત્ની શોખીન અને હરવા-ફરવાના સ્વભાવવાળી છે. એને પાર્ટી, ક્લબ ગમે છે, પરંતુ પતિને નથી ગમતું. પત્નીને ઇચ્છા થાય કે પતિ સાથે આવે તો સારું, પરંતુ Let them થિયરી મુજબ પત્ની વિચારશે કે એમને નથી ગમતું તો ઠીક છે એ નહીં આવે, એમને મને કંપની નથી આપવી તો એમની ઇચ્છા. મારે આ માટે એમની સાથે માથાઝીંક નથી કરવી. ન લડાઇ ઝઘડા કે ન આર્ગ્યુમેન્ટ, ન મનાવવાનો ડ્રામા કે ન ખોટું લાગવાની-રડવાની માનસિકતા.

પોતાની શક્તિ બચાવવી ઃ માણસની જિંદગીની અડધી ઊર્જા ખોટી રકઝકમાં ખર્ચાઇ જાય છે. પોતાનું ધાર્યું બીજા પાસે કરાવવા માટે જીદ, લડાઇ, કસમ, બ્લેકમેલ અને આંસુ જેવાં અનેક શસ્ત્ર અપનાવવાં પડે અને એમાં માણસનો કેટલો બધો સમય અને શક્તિ ખર્ચાઇ જાય. ઉપરાંત ઇમોશન સ્ટ્રેસ કે રિજેક્શનની લાગણી જન્મે એ નફામાં. અગર આટલી મહેનત બીજાને બદલવા કે પોતાનું ધાર્યું કરાવવા કરવી એના કરતાં એટલી મહેનત પોતાના જીવનને બહેતર કરવા માટે થાય તો ખુદનો વિકાસ થાય. માનસિક સ્વસ્થતા વધે, સ્ટ્રેસ ઘટે.

સ્વયં પર ધ્યાન કેન્દ્રિત કરવું ઃ આપણી ખુશી આપણા નિયંત્રણમાં છે. જ્યારે આપણે `Let them' કહીએ છીએ ત્યારે ખુદને પ્રાથમિકતા આપીએ છીએ. દાખલા તરીકે વર્કપ્લેસ પર એક સહકર્મચારી હંમેશાં તમારી ટીકા કરે છે, કામમાં ખામી શોધે છે. તમે એને ખુશ કરવા કે ખુદને સાબિત કરવા માટે પ્રયાસો કરો છો, પરંતુ આ થિયરી મુજબ એની ટીકા સામે જવાબ આપ્યા વિના તમારા કામ પર સો ટકા ધ્યાન કેન્દ્રિત કરી બેસ્ટ બનાવવાનો પ્રયત્ન કરો છો. તમારે એ વિચારવાનું છે કે તમે તમારા કામ માટે જવાબદાર છો. સહકર્મચારીની ટીકા માટે નહીં.

સંબંધોમાં શાંતિ ઃ જ્યારે આપણે સંબંધોમાં વ્યક્તિને જેવા છે તેવા સ્વીકારીએ છીએ, બદલવાની કે કંટ્રોલ કરવાની અપેક્ષા નથી રાખતા ત્યારે સંબંધોમાં શાંતિ જન્મે છે. તમે બીજાને કંટ્રોલ કરવાનું છોડશો તો બીજા પણ ધીરે-ધીરે તમને કંટ્રોલ કરવાનું છોડશે. કંટ્રોલ કરવાની વૃત્તિ ખતમ થયા પછી જે રહેશે એ સો ટચનું હશે, જે શાંતિ અને સુકૂન આપશે. આ આખી વાતને કવિતાના અંદાઝમાં કહીએ તો...

ક્યારેક-ક્યારેક આપણે થાકી જઇએ છીએ, લોકોને સમજાવવામાં, મનાવવામાં, સમજવાની આશા રાખવામાં. આપણે ફોન કરીએ તો, જવાબ નથી આપતા. માન આપીએ તો નજર અંદાઝ કરે છે. સમય આપીએ તો ટેકન ફોર ગ્રાન્ટેડ લે છે અને આપણે વિચારીએ છીએ કે -

મેં શું ખોટું કર્યું? પરંતુ હવે એક વાત સમજી લો.

`Let them'...

હા, ઉન્હેં કરને દો...

કોઇ છોડીને જાય છે તો - Let them go

વાતોને મહત્ત્વ નથી આપતું - Let them tignor

મહેતનને માન નથી આપતું - Let them try

દરેક વખતે લડવાની જરૂર નથી હોતી. હર માણસને સમજાવવાની જરૂરી નથી હોતી. ક્યારેક છોડી દેવું જ શાંતિ છે. જ્યારે આપણે કહીશું.

જો જા રહે હૈં જાય,

જો બદલ રહે હૈં બદલે

મૈં ખુદ કો નહીં બદલૂંગા

અપની ખુશી કે લિયે.