આયુર્વેદીય પરિભાષામાં ઉધરસને `કાસ' કહેવામાં આવે છે અને તેના વાતજ, પિત્તજ, કફજ, ક્ષયજ અને ક્ષતજ એમ પાંચ પ્રકાર ગણાવાયા છે. આમાંથી કોઈ પણ પ્રકારની કાસ(ઉધરસ) થાય અને જો યોગ્ય ચિકિત્સા કરવામાં ન આવે તો તે જીર્ણતાને પ્રાપ્ત કરે છે. જીર્ણ અથવા જૂની ઉધરસને મટાડવી મુશ્કેલ બને છે.

આયુર્વેદીય વાતજ ઉધરસને લોકવ્યવહારમાં સૂકી અથવા તો ખોટી-લૂખી ઉધરસ કહેવામાં આવે છે. જેમ જેમ ઠંડીનું પ્રમાણ વધે તેમ તેમ સૂકી ઉધરસનો વ્યાપ પણ વધતો જાય છે. વાયુથી થતી ઉધરસ શ્વાસનળીઓમાં સોજો ઉત્પન્ન કરે છે. આ સોજો જો લાંબો વખત ચાલુ રહે તો વાતજ ઉધરસ જીર્ણ બની જાય છે.

તાવ સાથેની ઉધરસ મોટાભાગે પિત્તજ હોય છે. આ ઉધરસમાં સોજો પરુનું રૂપ લઈ લે છે. કંઠ, કંઠનળી, શ્વાસનળી અને ફેફસાંની શ્વાસ નલિકાઓમાં સોજો, શૂળ, ઉષ્મા, ઉધરસ, બળતરા અને લાલાશ વધવાથી છાતીમાં દુખાવો ઉત્પન્ન થાય છે. કફજ ઉધરસમાં તાવ આવતો નથી. પરંતુ ચીકણો અને ફીણવાળો કફ જ નીકળે છે. થોડી દમની અસર જેવું લાગે છે.

`ક્ષત' એટલે ચાંદું અથવા વ્રણ. ક્ષતજ ઉધરસ ફેફસાંમાં વ્રણ (ચાંદું) ઉત્પન્ન થવાથી થાય છે. વ્યક્તિ જ્યારે પોતાની શક્તિથી વધારે મહેનત કે બળ કરે ત્યારે તેના ફેફસાંની પ્રાચીરોમાં વધારે પડતી હવા ભરાય છે. તેથી ચાંદું અથવા ક્ષત ઉત્પન્ન થાય છે. આવા ક્ષતજ કાસના દર્દીને ઘણી વખત સીધી જ લોહીની ઊલટી થાય છે. લોહીમાં ફીણનું પ્રમાણ વધારે હોય છે.

આયુર્વેદિક મત પ્રમાણે વાતજ, પિત્તજ, કફજ, ક્ષયજ અને ક્ષતજ ઉધરસ ઉત્તરોત્તર વધારે બળવાન ગણાય છે. ક્ષયજ ઉધરસ ત્રિદોષજન્ય હોય છે અને તેમાં દર્દીની રસ, રક્ત, મેદ વગેરે સાતે ધાતુ ક્ષીણ થતી જાય છે. ક્ષયજ કાસમાં કફ, પરુ અને રક્ત પણ આવે છે.

વાયુની ઉધરસમાં કફ નહીંવત્ પરંતુ થૂંકનું પ્રમાણ વધારે હોય છે. પિત્તજ, ક્ષયજ અને ક્ષતજ ઉધરસમાં ઘણી વખત રક્ત આવવા લાગે છે. આ રક્તનું પ્રમાણ રોગની અવસ્થા અને ઉગ્રતા પ્રમાણે હોય છે. રોગ જો ઉગ્ર સ્વરૂપનો હોય તો ઉધરસ ખૂબ આવવા લાગે. રાત-દિવસ ઉધરસ આવે, કફ અને લોહીનું પ્રમાણ વધે, માથું દુખે અને સતત તાવ રહે, રસ, રક્ત, મેદ વગેરે ધાતુઓ સુકાવાથી શરીર પણ સુકાવા લાગે છે.

આયુર્વેદિક મતે ધુમાડો, રજ, ધૂળ, કાચોરસ (આમ), અત્યાધિક વ્યાયામ, અત્યાધિક પરિશ્રમ, આહારનું વિમાર્ગગમન (આહારના કણો શ્વાસનળીમાં જવા અથવા અંત્રાસી જવું), છીંકનો વેગ રોકવો વગેરે ઉધરસનાં સામાન્ય કારણો છે. વાયુથી, પિત્તથી, કફથી, ક્ષયથી કે ક્ષતથી થતી કફવાળી કે સૂકી ઉધરસમાં અરડૂસીનો રસ, આદુંનો રસ, હળદરનો રસ, તુલસીનો રસ બે-બે ચમચી અને મધ ત્રણ ચમચી મિશ્ર કરી પી જવો. સવારે અને રાત્રે તાજેતાજો રસ કાઢી આ ઉપચાર કરવામાં આવે તો આઠ-દસ દિવસમાં ઉધરસ મટે છે.