નોલેજની સાથે સમય પસાર કરવા માટે સોશિયલ મીડિયા પર સતત સ્ક્રોલિંગ કરતાં રહેવું એ સારી ટેવ નથી, પરંતુ આજકાલ મોટાભાગના લોકો પોતાનાં સુખ-દુઃખ માટે સોશિયલ મીડિયાનો આશરો લે છે.
કલાકો સુધી રીલ્સ, મીમ્સ કે ન્યૂઝ જોતા રહે. સુખ-દુઃખની તાદૃશ્ય અનુભૂતિ જાણે અદૃશ્ય થઈ જશે. જે જોઈશું એમાં ડૂબી જઈશું અને વાસ્તવિકતાને થોડા સમય માટે અભરાઈએ ચડાવી દઈશું, પણ જે જોયું હશે એ દિલોદિમાગ પર એવું છપાઈ જશે કે એની અસરમાંથી મુક્ત થવું અઘરું પડશે. Fomo (Fear of missing out) પીઅર પ્રેશર, જેલેસી, ડિપ્રેશન જેવી સોશિયલ મીડિયાની અન્ય એક આડ અસર છે Doom Scrolling. એનો અર્થ થાય છે ખરાબ સમાચારોની અંતહીન જાળમાં ફસાતા રહેવું. Doomનો અર્થ દુર્ભાગ્ય અને Doom Scrollingનો અર્થ છે સ્ક્રીન પર ઉપર-નીચે કરતા રહેવું.
જ્યારે વ્યક્તિ સોશિયલ મીડિયા અથવા ન્યૂઝ એપ્સ પર સતત નકારાત્મક, દુઃખદ કે ડરામણી ખબરો જુએ છે અને એ જોવાથી તમારામાં ઉદાસી અને નકારાત્મકતા આવે એવી ખબર છે છતાં તમે એ જ પ્રકારની રીલ્સ-વીડિયો જુઓ છો તો એનો અર્થ છે ડૂમ સ્ક્રોલિંગ. દાખલા તરીકે એક ભાઈને ક્રાઈમમાં ખૂબ રસ. પહેલાં તેઓ ક્રાઈમની વાર્તા વાંચતા અને હવે સતત ક્રાઈમ ન્યૂઝ અને ક્રાઈમ સીરિઝ જુએ. સવારે સાત વાગ્યાથી અગિયાર વાગ્યે ઓફિસ જવા નીકળે ત્યાં સુધી તેઓ ક્રાઈમનાં કન્ટેન્ટ જ જુએ. પરિણામે એમનામાં એટલી નકારાત્મકતા આવી ગઈ કે તેઓ દરેક વ્યક્તિને શંકાની નજરથી જોવા માંડ્યા. એમની ભાષા તોછડી બની ગઈ અને ફેમિલી ટાઈમ-સોશિયલ ટાઈમ કટ થઈ ગયો. સંતાનોના અઢળક પ્રયત્નો અને ઝઘડા પછી તેમણે ક્રાઈમ ન્યૂઝ જોવાના બંધ કર્યા. જોકે, વૈજ્ઞાનિકો એને માણસની માનસકિતા સાથે જોડે છે. તેમના મતે ડૂમ સ્ક્રોલિંગ આપણા મગજની જીવવાની વૃત્તિને હાઈજેક કરી લે છે. માણસનું મગજ નકારાત્મક ખબરો તરફ વધારે ધ્યાન આપે છે, કારણ કે પોતાના જીવનમાં કંઇ ખતરો કે દગાબાજી થાય તો એ બચવા માટે તૈયાર રહે. નકારાત્મક ખબર મગજનાં amygdala-મગજને જાગ્રત કરી સિસ્ટમને સક્રિય કરે છે, જે ખતરા માટે મગજને હાયપર સતર્ક બનાવે છે. હાર્વર્ડમાં થયેલા તાજેતરનાં સંશોધન મુજબ દરેક નવું સ્ક્રોલિંગ મગજમાં એક નાનકડું કોપામાઈન હિટ સક્રિય કરે છે. ખરાબ નકારાત્મક હોવા છતાં નવીનતા અને રોમાંચના અહેસાસને કારણે એની લત પડે છે. જોકે, સૌથી નુકસાનકારક બાબત એ છે કે ડૂમ સ્ક્રોલિંગથી મજગમાં ગ્રે મેટરમાં કમી આવે છે જે ભાવનાઓ પર નિયંત્રણ લાવવા માટે અને નિર્ણય લેવા માટે જવાબદાર હોય છે. આ ઉપરાંત ડૂમ સ્ક્રોલિંગથી મગજની લડવાની ક્ષમતા પણ ઘટે છે. જ્યારે આપણે યુવા, પ્રાકૃતિક વિપત્તિ કે રોગચાળા વિશે જોઈએ છીએ ત્યારે આપણું શરીર અને મન એને વાસ્તવિક મુશ્કેલીના રૂપે જુએ છે. જેનાથી શરીરમાં આપણી સામે જંગલી જાનવર હોય અને સ્ટ્રેસ હોર્મોન્સ વધે એમ સ્ટ્રેસ હોર્મોન્સ રિલીઝ થાય છે, પરંતુ જે ઘટના બને એ સ્ક્રીન પર છે, તેથી શરીરે કશી પ્રતિક્રિયા આપવાની નથી હોતી. પરિણામે આ સ્ટ્રેસ, હોર્મોન્સ શરીરમાં અડ્ડો જમાવી તન-મન બંનેને નુકસાન કરે છે.
જોકે, એનાથી મોટું નુકસાન માણસની સહાનુભૂતિની ક્ષમતામાં થાય છે. સતત બીજાનાં દુઃખો, તકલીફો અને નકારાત્મકતા જોવાને કારણે માણસ ભાવનાત્મક રીતે થાકી જાય છે. પછી બીજાની તકલીફ એને અસર નથી કરતી. ડૂમ સ્ક્રોલિંગથી માનસિક રીતે થાકેલી વ્યક્તિ ખૂબ ઝડપથી બીજાના દુઃખથી છેડો ફાડી નાખે છે. ક્રોધ, હતાશા અને ચીડિયાપણું અનુભવે છે. બીજાને મદદ કરવાની ક્ષમતા અને ઈચ્છા ઓછી થાય છે.
શારીરિક-માનસિક સ્વાસ્થ્ય ઉપરાંત ડૂમ સ્ક્રોલિંગ સંબંધોને પણ અસર કરે છે. દાખલા તરીકે એક વ્યક્તિ જેનું હાલમાં જ બ્રેકઅપ થયું છે તે ખુદને રિલેટ કરવા માટે અથવા તો ખુદને પુશ કરવા માટે બ્રેકઅપનાં કારણો અને ઉપાયો જેવા વિષયો પર વીડિયો જોશે. એકસાથે પંદર-વીસ વીડિયો જોયા પછી એને એવું લાગશે કે આ દુનિયામાં ભરોસાલાયક કોઈ માણસ જ નથી. જે લોકો એના દુઃખમાં ઊભા રહ્યા છે એના પર પણ એ શંકા કરશે. જે સંબંધોમાં કોઇ સમસ્યા નથી વધુ ખુશહાલ છે ત્યાં પણ એને નકારાત્મકતા દેખાશે. અગર કોઈ વ્યક્તિને માથું દુઃખે છે અને એના ઉપાય શોધવા માટે સ્ક્રોલિંગ કરે છે, ત્યારે જાતજાતની અન્ય બીમારીઓના વીડિયો પણ અલ્ગોરિધમ મુજબ આવશે. એ જોઈને વ્યક્તિને ખુદને કોઈ બીમારી છે એવો વહેમ પેસી જશે. એ જ રીતે કોઇ વ્યક્તિ આર્થિક મંદીના સતત ન્યૂઝ જોશે તો એના મનમાં પોતાની સુરક્ષિત નોકરી-ધંધામાં પણ નુકસાનની શક્યતા દેખાશે. નકારાત્મક ધારણા અને કલ્પના માણસ પાસે ઘણીવાર ખોટાં પગલાં લેવડાવે છે. ડરની કલ્પના એના નિર્ણયમાં ગૂંચવણ જન્માવે છે.
પેન્સિલવેનિયા વિશ્વવિદ્યાલયની એક શોધ મુજબ માણસ રોજ સવારે ઊઠીને માત્ર 3 મિનિટ નકારાત્મક ખબર જુએ તો એનો દિવસ ખરાબ અને તનાવપૂર્ણ એની શક્યતા 24% વધી જાય છે. સો ડૂમ સ્ક્રોલિંગથી બચવા માટે -
FOMOને બદલે JOMO (Joy of missing our) અપનાવો.
સ્ક્રીન પર સમય પસાર કરવાને બદલે મ્યુઝિક અને રીડિંગને જીવનમાં સ્થાન આપો.
સપ્તાહમાં એકવાર ડિજિટલ ડિટોક્સ કરો. ડિજિટલ મર્યાદા નક્કી કરો.
જ્યારે તમે સ્ક્રોલ કરો ત્યારે જાતને પૂછો કે આ માહિતી માટા માટે લાભદાયક છે ખરી?
જાણીજોઈને કોમેડી-મોટિવેશનલ કન્ટેન્ટ એડ કરો, જેથી અલ્ગોરિધમ બદલાતાં તમે વધારે પોઝિટિવ બાબતો જોઈ શકો.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો