નવરાત્રીના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે ત્યારે તમને ક્યાંક રક્તબીજ નામના શક્તિશાળી રાક્ષસની વાત વાંચવા-જાણવા મળશે. આ રાક્ષસને એવું વરદાન હતું કે એના શરીરમાંથી લોહીનું એક ટીપું પણ જમીન ઉપર પડે, તો એમાંથી નવો રક્તબીજ રાક્ષસ (ક્લોન) ઊભો થાય. ટૂંકમાં, રક્તબીજને મારવાના જેટલા પ્રયત્નો થાય એટલો એ વધુ શક્તિશાળી બને. આખરે દેવી દુર્ગાના સ્વરૂપ એવા મહાકાળીએ રક્તબીજનો વધ કરેલો. આજે આ વાત યાદ કરવાનું કારણ માત્ર નવરાત્રીનું પર્વ નથી, બલકે આધુનિક રક્તબીજોના નાશ માટે અસ્તિત્વમાં આવેલ આધુનિક `દુર્ગા' પણ છે. આ આધુનિક દુર્ગા એટલે સ્વદેશી સંરક્ષણ સંશોધન સંસ્થા DRDO દ્વારા વિકસિત DURGA-2 પ્રોગ્રામ.

સૌથી પહેલો પ્રશ્ન એ કે આજના સમયે યુદ્ધભૂમિ પર ખરા અર્થમાં રક્તબીજ રાક્ષસ કોને ગણવો? જવાબ છે સ્વાર્મ ડ્રોન (Swarm Drone). અંગ્રેજીમાં `Swarm'નો અર્થ થાય મધમાખી કે જીવજંતુઓનું મોટું ઝુંડ. હજારો મધમાખીઓ એકસાથે મળીને હુમલો કરે તો શું હાલત થાય, એ આપણે જાણીએ છીએ. એ જ પ્રમાણે જો એઆઈ ટેક્નોલોજીથી સજ્જ સેંકડો કે હજારો ડ્રોન્સનું ટોળું દુશ્મન દેશ પર હુમલો કરે, તો એને ખાળવાનું કામ લગભગ અશક્ય ગણાય. આ પ્રકારના ડ્રોન્સના સમૂહને સ્વાર્મ ડ્રોન તરીકે ઓળખવામાં આવે છે.  

દુનિયાની ગમે તેટલી શક્તિશાળી એર ડિફેન્સ સિસ્ટમ (જેમ કે, રશિયાની S-400 કે અમેરિકાની પેટ્રિયોટ) પણ એકસાથે મર્યાદિત સંખ્યામાં જ મિસાઈલો કે લક્ષ્યોને ખાળી શકે, પણ આકાશમાંથી જો એકસાથે 500 કે 1000 ડ્રોન હુમલો કરે તો ગમે એવી સક્ષમ સંરક્ષણ પ્રણાલી પણ મૂંઝાઈ જાય અને નિષ્ફળ જાય. ધારો કે, યુદ્ધ દરમિયાન દુશ્મન સેના 10-20 ડ્રોનને તોડી પણ પાડે, તો પણ બાકીના ડ્રોન હવામાં જ પોતાની પોઝિશન બદલીને મિશન ચાલુ રાખી શકે, કારણ કે તેઓ કોઈ એક જગ્યાએથી કંટ્રોલ થવાને બદલે એઆઈ ટેક્નોલોજી દ્વારા એકબીજાની સાથે કનેક્ટ રહે છે. આ સંજોગોમાં એમને રોકવા મુશ્કેલ બની જાય. ટૂંકમાં, યુદ્ધ સમયે સ્વાર્મ ડ્રોનનો હુમલો એટલે જાણે તીડનાં ટોળાંનો ખેતર પર હુમલો! દુશ્મન નિ:સહાય થઈને માથું છુપાવવા સિવાય કશું ન કરી શકે.  

સ્વાર્મ એટેકની બીજી ખાસિયત એટલે એની ઓછી કિંમત. એક આધુનિક ફાઇટર જેટ કે મિસાઈલ કરોડો રૂપિયાની આવે છે, જ્યારે સ્વાર્મ ડ્રોન સામાન્ય અને સસ્તા મટીરિયલથી પણ બનાવી શકાય છે. ખૂબ જ ઓછા ખર્ચે આ ડ્રોન દુશ્મનની અબજો રૂપિયાની સૈન્ય ઈમારતો, રડાર અને હથિયારોનો નાશ કરી શકે છે. બીજી તરફ તમે એક-એક ડ્રોનનો નાશ કરવા એક-એક મિસાઈલ દાગતા રહો તો યુદ્ધનું આખું બજેટ એમાં જ વપરાઈ જાય.  

આવા ડ્રોન્સ જો ભારત પાસે હોય તો આપણા ભાથાનું મોટું હથિયાર બની શકે, પણ અવળી રીતે વિચારો કે જો પાકિસ્તાન કે ચીન આવો સ્વાર્મ એટેક ભારત પર કરે તો? બસ, આ સંભવિત ખતરાનો જડબાતોડ જવાબ એટલે દુર્ગા-2 પ્રોગ્રામ.  

કલ્પના કરો કે દુશ્મનનું સસ્તું ડ્રોન કે ક્રૂઝ મિસાઇલ આકાશમાંથી આવી રહ્યું છે. ઉપર ચર્ચા કરી એમ પરંપરાગત મિસાઇલથી તેને મારવામાં લાખો રૂપિયા ખર્ચ થાય છે, પરંતુ પ્રકાશની ગતિએ થયેલો એક લેઝર બીમનો પ્રહાર દુશ્મન ડ્રોનને થોડી જ સેકન્ડ્સમાં પીગળી નાખે છે અને એ પણ નહિવત્ ખર્ચ કરીને, તો કેવો ચમત્કાર થાય! આ જ છે DRDOના DURGA-2 (Directionally Unrestricted Ray-Gun Array) પ્રોગ્રામની જાદુઈ તાકાત.  

DURGA-2 એ ભારતનું હાઇ-પાવર ડાયરેક્ટેડ એનર્જી વેપન (DEW) છે. બીજા શબ્દોમાં કહીએ તો DEW એટલે 100 કિલોવોટ ક્લાસનું લેઝર હથિયાર. આ સિસ્ટમ ફાઇબર અને સોલિડ-સ્ટેટ લેઝરના હાઇબ્રિડ આર્કિટેક્ચર પર આધારિત છે, જે તેને કોમ્પેક્ટ, સ્કેલેબલ અને અસરકારક બનાવે છે અને તેના વિકાસની જવાબદારી DRDOની હૈદરાબાદસ્થિત Centre for High Energy Systems and Sciences (CHESS) અને દિલ્હીની Laser Science and Technology Centre (LASTEC)ના શિરે છે.  

હાલના અંદાજ મુજબ ભારતના આ એનર્જી વેપનની રેન્જ 5 કિલોમીટર સુધીની હશે. એનો અર્થ એ કે હવામાં ઊડતા સ્વાર્મ ડ્રોન, મોર્ટાર, રોકેટ કે ક્રૂઝ મિસાઈલને તે પાંચ કિલોમીટર દૂરથી જ ફૂંકી મારશે અને 

એય માત્ર ગણતરીની સેકન્ડ્સમાં! લેઝર બીમ પ્રકાશની ઝડપે પહોંચતું હોવાથી ટાર્ગેટને ભાગવાનો સમય જ નથી મળતો. મજાની વાત એ છે કે એક મિસાઇલથી ડ્રોન મારવામાં હજારો-લાખો ડોલર લાગે, જ્યારે અહીં તો માત્ર થોડા રૂપિયા ખર્ચીને લેઝરનો એક શોટ મારવાથી દુશ્મનનું કામ તમામ! હવે ખ્યાલ આવ્યોને, રક્તબીજ રાક્ષસ સરીખા સ્વાર્મ એટેકને ખાળવા દુર્ગા-2 મિશન કેટલું અસરકારક છે!  

આ પ્રોજેક્ટ સામે વાતાવરણ (વાદળ અને ધૂળ), થર્મલ મેનેજમેન્ટ અને મેરિટાઇમ વાતાવરણમાં કામ કરવાની જરૂરિયાત જેવા પડકારો છે, પરંતુ DRDO અને ખાનગી કંપનીઓ સાથે મળીને આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યા છે. આ ટેક્નોલોજી ભારતને વૈશ્વિક ડાયરેક્ટેડ એનર્જી વેપન રેસમાં (જેમ કે, ઈઝરાયેલનું Iron Beam કે UKનું DragonFire) મજબૂત સ્થાન આપશે. આ પ્રોગ્રામ સાબિત કરે છે કે DRDO માત્ર પરંપરાગત હથિયારો નહીં, પણ ભવિષ્યની યુદ્ધક્ષમતા પણ બનાવી રહ્યું છે. સૌને નવરાત્રિની શુભકામનાઓ. 

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો