આજે તો ઉત્તરાયણના સાંજની અમુક ધાબા પર થતી પાર્ટીના મુખ્ય દ્રવ્યની વાત કરવી છે એટલે કે દારૂની વાત કરવી છે. ભારતમાં સુક્કાં રાજ્યોની સંખ્યા એક કરતાં વધુ છે.

ગુજરાત અને બિહારમાં કાયદેસર રીતે તો દારૂ નથી મળતો. દારૂનો નિષેધ લગભગ બધા ધર્મોમાં છે અને વિજ્ઞાન પણ એ નશાકારક પ્રવાહીથી દૂર રહેવાની સલાહ આપે છે. રોજના પ્રમાણસર પીવાતા દારૂને તબિયત માટે સારો ગણતા ઘરડા અંકલોની સંખ્યા વર્ષોથી અચળ રહી છે. એમને કોઈ સાંભળતું નથી. મજાની વાત એ છે કે મિલેનિયલ અને એના પછીની જેન-ઝી કહેવાતી નવી પેઢી એનાથી વડીલ પેઢી કરતાં પ્રમાણમાં ઓછો દારૂ પીવે છે! યંગ બ્રિગેડ પાસે પોતાના મનને નવી ઊંચાઈએ પહોંચાડવા માટે દારૂ સિવાય બીજા ઘણા ઓપ્શન છે. દારૂનું ગાંડપણ યુવાનોને નથી.

નિયમિતપણે આલ્કોહોલનું સેવન કરતા વયસ્કો કદાચ આ ટીનેજર જનરેશનથી જ શરમાયા હશે, માટે `ડ્રાય જાન્યુઆરી' નામના લેટેસ્ટ ટ્રેન્ડની શરૂઆત થઇ હશે. આવા ટ્રેન્ડ અમેરિકા કરતાં બ્રિટનમાંથી ઊપડે એની શક્યતા વધુ. બ્રિટન પાસે સમૃદ્ધ સંસ્કૃતિ છે અને બહોળો ઈતિહાસ છે. બ્રિટિશ લોકજીવન અને બ્રિટિશ લોકસાહિત્યની અલગ દુનિયા છે. બ્રિટિશરો પાસે એના પૂર્વજોનો સંસ્કાર વારસો રહેલો છે. આપણે એની સાથે ઘણી બધી બાબતોએ સહમત થઈએ કે ન થઈએ તે વાત જુદી છે, પણ અમુક બાબતોમાં અમેરિકનો કરતાં બ્રિટિશ લોકોને વખાણવા પડે. ખાસ કરીને અંગ્રેજી ભાષાની બાબતમાં. અંગ્રેજી ભાષાનો જે રકાસ ટ્રમ્પના દેશે કર્યો છે એ અભૂતપૂર્વ છે.

બ્રિટન સામ્રાજ્યવાદી નીતિમાં ભલે માનતું, પણ પોતાની ભાષા અને સંસ્કૃતિમાં તો પરંપરાને અનુસરનારો દેશ છે. આ જ દેશે છેલ્લાં દસેક વર્ષથી `ડ્રાય જાન્યુઆરી' નામનો કન્સેપ્ટ વિકસાવ્યો છે. નિયમિતપણે દારૂ પીનારા લોકો જાન્યુઆરીના એકત્રીસ દિવસ આલ્કોહોલ વિના વિતાવે એમાં ખુશ થવાનું? દારૂની જેને લત પડી ગઈ હોય એ એક આખો મહિનો `સોબર' રહે એનાં વખાણ કરવાનાં? `હાર્ડડ્રિંક' જેની લાઈફસ્ટાઈલનો ભાગ બની ગયું હોય એ ફ્રૂટ જ્યૂસમાં વર્ષનો બારમો ભાગ પસાર કરે તો એની નોંધ લેવાની? આ બધા સવાલોનો જવાબ હા હોય તો ફરીથી વિચારજો. કેમ? પહેલી વાત એ કે દારૂથી દૂર રહેવા માટે બ્રિટિશરો અને હવે અમુક બીજા યુરોપિયનો તથા અમેરિકનોએ જાન્યુઆરી મહિનો જ કેમ પસંદ કર્યો? ફેબ્રુઆરીથી લઈને ડિસેમ્બર સુધીનો મહિનો કેમ નહિ? કારણ કે ડિસેમ્બર જેવા મહિનામાં `ડ્રાય મંથ' ઊજવે તો ક્રિસમસનું સેલિબ્રેશન કેમ થાય? વાઈનના ગ્લાસ સિવાય તો નાતાલની ઉજવણી ન કરી શકે મોટાભાગના લોકો. માટે ડિસેમ્બરમાં જાત ધરાઈ જાય પછી જ જાન્યુઆરીમાં દારૂને તિલાંજલિ આપવાની.

વળી, નવું વર્ષ શરૂ થતું હોય માટે `ન્યૂ યર રિઝોલ્યુશન'ના ટ્રેન્ડમાં જોડાવાનું થયું હોય. નવા કેલેન્ડરની થોડી હોંશ હોય. નવા વર્ષની શરૂઆત એકદમ સોબર રીતે કરવાની મહેચ્છા હોય. માટે પણ જાન્યુઆરીને ડ્રાય મંથ તરીકે પસંદ કરવામાં આવ્યો. જોકે, `સોબર જાન્યુઆરી'નો કોન્સેપ્ટ તો ફિનલેન્ડમાં 1942થી શરૂ થઇ ગયેલો, પણ ત્યારે બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું અને આલ્કોહોલ તે સમયે દુર્લભ પીણું બની ગયું હતું. બ્રિટનમાં આલ્કોહોલ-ચેન્જ નામની ચેરિટી સંસ્થા દારૂને કારણે થતા શારીરિક નુકસાનને ઓછું કરવા માટે ચળવળ ચલાવે છે. ડ્રાય-જાન્યુઆરીના પ્રચાર પ્રસાર પાછળ આ સંસ્થા મોટો ભાગ ભજવે છે. હવે તો આખા બ્રિટનમાં અને અમેરિકાનાં ઘણાં શહેરોમાં ડ્રાય જાન્યુઆરી એકદમ `ઇન થિંગ' ફેશન ગણાય છે. ઘણા લોકો તો આલ્કોહોલ સાથે પોતાનો પ્રેમ પ્રગાઢ બને માટે સ્વેચ્છાએ એક મહિનો દૂર રહે છે. તો મોટાભાગના લોકો દારૂ સાથે પોતાનો સંબંધ સમજવા માટે અને એના વિનાની સામાજિક જિંદગીનો અનુભવ કરવા માટે ડ્રાય જાન્યુઆરી ઊજવે છે.

`ડ્રાયન્યુઆરી' તરીકે પણ આ મહિનો ઓળખાવા લાગ્યો છે. જે વ્યક્તિઓ એકદમ નિષ્ઠાપૂર્વક એક મહિનો દારૂ છોડી દે છે એને પોતાની જિંદગીમાં ઘણા બદલાવો જોવા મળે છે. એક મહિનાની અંદર એના ચહેરા ઉપર ઉંમર દેખાતી ઓછી થઇ જાય છે. પાચનક્રિયા સુધરી હોય એવો પાક્કા પાયે અનુભવ થાય છે. સારી અને એકધારી ઊંઘ આવે છે. લીવર તંદુરસ્ત થાય એટલે પેટ સુધરે અને પેટને તો આમ પણ તમામ રોગોનું મૂળ કહેવામાં આવ્યું છે. શરીરમાંથી ઝેરી દ્રવ્યો ઓછાં થાય એટલે શરીર સાથે મન પણ પ્રફુલ્લિત રહે. હળવાશ અનુભવાય. આ બધાં પરિણામો મેડિકલ સાયન્સની ટેક્સ્ટબુકમાંથી નથી લેવામાં આવ્યાં, પણ ડ્રાય જાન્યુઆરી પાળનારા લોકો ખુદ કહે છે. એમિલી રોબીન્સન નામની એક એથ્લીટે સ્પોર્ટ્સમાં પોતાનું પર્ફોર્મન્સ સુધારવા માટે ડ્રાય જાન્યુઆરીનો પાયો નાખ્યો તો આજે લાખો લોકો આ ટ્રેન્ડ અનુસરી રહ્યા છે. પરિણામો હકારાત્મક છે. ડ્રાય જાન્યુઆરી ઊજવનારા લોકોમાંથી ચાર પ્રતિશત લોકો કાયમ માટે દારૂ છોડી દે છે. હંમેશ માટે આલ્કોહોલની બાધા લેનારા જો ચાર પ્રતિશત હોય તો એ આંકડો નાનોસૂનો ન કહેવાય.

બાકીના છન્નુ ટકા લોકોમાં દારૂ પીવાનું પ્રમાણ ઘટી જાય છે. એક મહિનો દારૂ વિહોણો પસાર

કર્યા પછી ફેબ્રુઆરીની પહેલી તારીખે દારૂ ઉપર તૂટી પડ્યા હોય એવા કોઈ ખાસ કિસ્સા બનતા નથી. હવે તો અમુક બાર પણ સમજી ગયા છે અને જે ફક્ત નોન-આલ્કોહોલિક મોકટેલ માંગે એને એવું જ પીરસવામાં આવે છે. જાન્યુઆરી મહિનામાં આવતા બર્થડે કે લગ્ન પણ દારૂ વિના મનાવવામાં આવે છે, જે ડ્રાયન્યુઆરી પાળતા હોય તેના સમૂહમાં.

આ આખી વાતને એક ગુજરાતી કહેવતમાં સમાવી શકીએ. `વાર્યા ન વળે એ હાર્યા વળે'. ઇસ્લામ, હિંદુઈઝમ, જૈનીઝમ કે બીજા ધર્મો તો સદીઓથી કહે છે કે મદિરાપાન ન કરવું જોઈએ, પણ ધર્મની વાત દરેક યુગમાં યુવાપેઢીના ગળે તરત ઊતરતી હોતી નથી. મેડિકલ સાયન્સ કે શરીરવિજ્ઞાન સંબંધિત આયુર્વેદ, હોમિયોપેથી, યુનાની જેવી બીજી શાખાઓ પણ આલ્કોહોલને શરીરનું દુશ્મન ગણે છે. વિજ્ઞાનની વાત પણ ઓછા લોકોને ગળે ઊતરે છે, પણ હવે આ ઈન્સ્ટા જનરેશનને ફિલ્ટર વિના જ્યારે ફોટો મૂકવાના આવે છે ત્યારે આલ્કોહોલ આંખના થેથર વધારી દે છે અને બીજે બધે ચરબીના થર જમાવી દે છે. પોતાની ઇમ્પ્રેશન અને દેખાવ સોસાયટીમાં જળવાઈ રહે એવા મુખ્ય હેતુથી દારૂથી દૂર રહેવાનું નવી પેઢી નક્કી કરે છે. કોણ કહે છે કે ધર્મ અને નીતિમત્તા-સંસ્કાર ફક્ત માળામાં કે ઉપદેશમાં જ રહેલા છે? દુનિયા અને જિંદગી ઘણું બધું શીખવાડી દે છે અને સત્યને વળગી રહેવા માટે રાજીખુશીથી મજબૂર પણ કરી શકે છે!

આવીજ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો