આશા ભોંસલેને યાદ કરવા માટે તેમણે ગાયેલાં હજારો (લગભગ 12,000) ગીતોમાંથી કોઈ એકને પસંદ કરવું અસંભવ છે, પરંતુ તેમની કલા, તેમના અવાજના જાદુ અને તેમની વ્યાવસાયિક વિરાસતને કોઈ એક ગીતમાં સમેટવી હોય, તો નિસંદેહ `દમ મારો દમ, મિટ જાયેં હમ' છે. 1972માં આવેલી ફિલ્મ `હરે રામા હરે કૃષ્ણા'નું આ કેવળ એક લોકપ્રિય ગીત જ નથી, તે ભારતીય હિન્દી સિનેમા સંગીતની એક એવી ક્ષણ છે, જ્યાં એક અવાજે સમયને ચીરીને એક પૂરી પેઢીની બેચેની, વિદ્રોહ, આકર્ષણ અને સંમોહનને સ્વર આપ્યો હતો. આશાજીનું આ ખાલી હિટ સોંગ નહોતું; તે તેમની ગાયિકીની વિલક્ષણ ક્ષમતાનું એક એવું પ્રમાણ હતું, જેણે એક ગીતને એક સાંસ્કૃતિક ઘટનામાં બદલી નાખ્યું હતું.
આ ગીતની દિલચસ્પ વાત એ છે કે આ ગીત જન્મતાં પહેલાં જ મરી જવાનું હતું. આજે એ જાણીને વિસ્મય થાય કે ભારતની યુવાપેઢીના પ્રતિનિધિ બની ગયેલા આ ગીતને ફિલ્મમાંથી હટાવી દેવાનો નિર્ણય લગભગ લેવાઈ ગયો હતો. `હરે રામા હરે કૃષ્ણા'ના નિર્માતા-નિર્દેશક દેવ આનંદને આશંકા હતી કે આ ગીત ફિલ્મના બીજા ગીત પર ભારે પડી જશે, જે વાસ્તવમાં તેમની પર ફિલ્માવવાનું હતું.
તેમની આત્મકથા `રોમાન્સિંગ વિથ લાઈફ'માં દેવ આનંદ નોંધે છે તે પ્રમાણે, `પ્રેમપૂજારી'ના શૂટિંગ વખતે તેઓ નેપાળ ગયા હતા ત્યારે હિપ્પીઓના એક અડ્ડામાં એક ઘઉંવર્ણી છોકરીને જોઈ હતી. ગોરા હિપ્પીઓ વચ્ચે એક ભારતીય છોકરીને જોઇને તેમને આશ્ચર્ય થયું હતું અને તેમની હોટેલના એક બારમેનની મદદથી છોકરીનો પત્તો લગાવ્યો. તેનું નામ જસબીર હતું. તેની માતા મોન્ટ્રિયલમાં રહેતી હતી અને તેનો પિતા પંજાબમાં હતો. જસબીર વિદ્રોહી હતી. તે માંના ઘરમાં ચોરી કરીને હેપ્પીઓની ટોળીમાં સામેલ થઇ ગઈ હતી અને ગાંજો ફૂંકતી જાનિસ બની ગઈ હતી.
દેવ આનંદને જસબીરમાંથી જાનિસ બનવાની આ વાર્તામાં ફિલ્મનો પ્લોટ દેખાયો. વાર્તા એવી હતી કે પ્રશાંત (દેવ આનંદ) જાનિસ (ઝિનત અમાન) નામની હિપ્પી છોકરીના પ્રેમમાં પડે છે અને પાછળથી તેને જાણ થાય છે કે આ તો તેની જ ગાયબ થઇ ગયેલી બહેન છે. આ છોકરી હિપ્પીઓના અડ્ડામાં ચરસ ફૂંકતી હોય છે અને હીરો અંદર આવે તે વખતે દેવ આનંદને અડ્ડાના ચરસી માહોલને અનુરૂપ બેકગ્રાઉન્ડ સંગીત જોઈતું હતું.
ગીતકાર આનંદ બક્ષી અને સંગીતકાર આર. ડી. બર્મને તુક્કો લડાવીને `દમ મારો દમ' તૈયાર કરી નાખ્યું હતું. બર્મનના મનમાં તે વખતે આ ગીત માટે લતા મંગેશકરનો વિચાર હતો. દેવ આનંદે જ્યારે આ ગીત સાંભળ્યું ત્યારે તેમની બે પ્રતિક્રિયા હતી; એક તો લતાનો અવાજ આ ગીત માટે યોગ્ય નહોતો. બીજું, તેઓ નહોતા ઇચ્છતા કે હીરો (તેઓ પોતે) ઢંકાઈ જાય. તે વખતના ફિલ્મી હીરોમાં એવી જીદ રહેતી કે પૂરી ફિલ્મમાં તેઓ જ છવાયેલા હોવા જોઈએ.
એટલા માટે તમને જો ફિલ્મ યાદ હોય, તો તેમાં આખું ગીત શૂટ નથી થયું. અડધું ગીત ઝિનત પર છે અને અડધા ભાગમાં દેવ આનંદના `દેખો ઓ દીવાનો' પર છે. જોકે, લોંગ પ્લે રેકોર્ડમાં આખું ગીત મૂકવામાં આવ્યું હતું. આર. ડી. બર્મન પરના પુસ્તક `ધ મેન, ધ મ્યુઝિક'માં લખ્યા પ્રમાણે બહેન હિપ્પીઓના અડ્ડામાં ગીત ગાતી હોય ત્યારે જ ભાઈનો તેમાં પ્રવેશ થાય છે એટલે `દમ મારો દમ' ટુંકાવ્યું હતું.
ફિલ્મમાં આ અડધું ગીત પણ બક્ષી અને બર્મનના આગ્રહથી જ આવ્યું હતું. દેવ આનંદ ગીત કાઢી નાખવાના મૂડમાં છે એવું લાગતાં તેમણે દેવ સાહેબને એવું કહીને મનાવ્યા કે રેકોર્ડ પ્લેયર માટે ગીત બનાવી લઈએ, પછી તમે સાંભળજો અને નક્કી કરજો. દેવ આનંદે એમનું માન રાખવા અડધું ગીત ફિલ્મમાં લીધું અને પછી `દેખો ઓ દીવાનો' પર શિફ્ટ થઇ જાય છે.
શરૂઆતમાં આ ગીત ઉષા ઉથુપ્પ અને લતા મંગેશકર ગાવાનાં હતાં. વિચાર એવો હતો કે ઉષા બગડી ગયેલી છોકરી (ઝિનત) માટે ગાય અને લતા સારી છોકરી (મુમતાઝ) માટે! કદાચ પંચમ સાથેની દોસ્તી કારણ હોય કે પછી લતાના અવાજ અંગે પુર્નવિચાર, છેવટે આખું ગીત આશા ભોંસલેએ ગાયું. એવું પણ કહેવાય છે કે મંગેશકર બહેનોના રાજકારણના પગલે આ ગીત ઉષાના હાથમાંથી છીનવાઈ ગયું હતું. ગીતના કોરસમાં ઉષાનો અવાજ છે અને બહુ લોકોને એવું પણ લાગ્યું હતું કે આ ગીત ઉષાએ ગાયું છે.
આર. ડી. બર્મનનાં અનેક શાનદાર ગીતો છે, તેમાં દમ મારો દમ મોખરે છે. `એસ.ડી. બર્મન: ધ વર્લ્ડ ઓફ હિઝ મ્યુઝિક' પુસ્તકમાં લેખક ખંગેશ દેવ બર્મન લખે છે, `સ્ટુડિયોમાં દમ મારો દમનું રેકોર્ડિંગ સાંભળીને પિતા બર્મન દિગ્મૂઢ થઇ ગયા હતા. તેમને લાગ્યું હતું કે જે દીકરોને તેમણે બાળપણથી સંગીત શીખવાડ્યું હતું તેણે બાપને ત્યજી દીધો હતો. એ ગીતમાં સાંસ્કૃતિક વિરાસતનો ત્યાગ હતો? એમાં બાપનો
અસ્વીકાર હતો?'
જ્યારે આ ગીત પડદા પર આવ્યું અને ઝિનત અમાનની ચિલમ, અડ્ડાની રંગીન રોશની અને હિપ્પી સંસાર વચ્ચે આશાજીનો અવાજ ગુંજ્યો, ત્યારે ભારતને ખ્યાલ આવ્યો કે તેણે પહેલાં આવું કશું સાંભળ્યું નહોતું. એ અવાજ એક પારંપરિક સ્ત્રી-ગાયનની કોમળતાથી અલગ હતો. એમાં એક સંમોહક કર્કશતા હતી, એક ધડકતો લય હતો અને એક અજીબ બગાવત હતી. `દમ મારો દમ' એ સમયના યુવાનોની માનસિકતાનું ગીત હતું. સિત્તેરનો દાયકો સામાજિક પરિવર્તન, સાંસ્કૃતિક ઊથલપાથલ અને નવી પેઢીની બેચેનીનો સમય હતો. `હરે રામા હરે કૃષ્ણા' આ જ સંવેદના સાથે બનાવવામાં આવી હતી. આશાજીએ તેમના અવાજથી એ બેચેનીને એક ચહેરો આપ્યો હતો.
આ ગીતની તાકાત તેના શબ્દો કે ધૂન નથી, બલ્કે આશા ભોંસલેની પ્રસ્તુતિ છે. કોઈ બીજી ગાયિકા હોત, તો આ ગીત કેવળ કાન માટે આકર્ષક બની શક્યું હોત, પણ આશાજીએ તેને એક અનુભવ બનાવી દીધું હતું. તેઓ શબ્દોને જે રીતે ઘુમાવે છે, વચ્ચે જે રીતે વિરામ લે છે અને જે રીતે `દમ મારો દમ'ના પુનરાવર્તનમાં નશા જેવી તરલતા પેદા કરે છે, તે આ ગીતને અસાધારણ ઊંચાઈ પર લઇ જાય છે.
એમાં ગાયિકીની ટેક્નિક અને ભાવનો અદ્વિતીય મેળ છે.
આર. ડી.ની પ્રયોગોથી ભરપુર ધૂનો અને આશાજીનો વિલાસી અવાજ હિન્દી સિનેમા સંગીતના સૌથી વિસ્ફોટક સંગમમાંથી એક છે. પંચમ તમને એક ગિટારની ધૂન સાથે હિપ્પી સંસારમાં દોરે છે અને પછી આશાજીનો અવાજ એ પૂરા સંસારમાં આત્મા ભરી દે છે. તેમનો અવાજ એ ગીતની અંદર એક કિરદાર બની જાય છે. એક એવો કિરદાર જે પોકાર કરે છે, બહેકે છે અને તેના સમયના અસંતોષને વ્યક્ત કરે છે.
એ એક એવી સ્ત્રીનો અવાજ હતો જે તેની નવી સ્વતંત્રતાનું સેલિબ્રેશન કરી રહી છે. એમાં એક નિર્ભીકતા છે, એક ખુલ્લાપણું છે, એક આધુનિકતા છે. એટલે જ આ ગીત સિનેમા પ્રેમીઓમાંથી નીકળીને સામાજિક ઈતિહાસનો હિસ્સો બની ગયું. દેવ આનંદનો ડર સાચો પડ્યો; આ ગીત બાકી તમામ ગીતો, હીરો અને હિરોઈન પર ભારે પડ્યું.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો