ગણ્યા ગણાય નહીં, વીણ્યા વિણાય નહીં, તોય મારી છાબડીમાં માય. બોલો શું?

બાળપણમાં આવાં ઉખાણાંઓ પૂછવાની અને એના જવાબો જાણવાની બહુ મજા પડતી. અહીં જે કાવ્યાત્મક ઉખાણું પૂછ્યું છે, એનો જવાબ એટલે આકાશમાં ટાંગેલા અઢળક તારા. એને ગણી કે વીણી શકાતા નથી. તેમ છતાં આપણી આંખરૂપી નાનકડી છાબડીમાં એ સમાઈ જાય છે. કેવી સરસ મજાની બાળસહજ કલ્પના છે આ! તારાઓ વિશે આવી જ એક કલ્પના વિજ્ઞાનમાં પણ મોજૂદ છે. ઘણા માને છે કે ટેક્નિકલી અપગ્રેડ થઇ રહેલી માનવજાત ભવિષ્યમાં આ કલ્પનાને સાકાર કરી દેખાડશે.

તારો એટલે હાઇડ્રોજન અને હીલિયમ જેવા વાયુઓથી બનેલો વિશિષ્ટ પ્રકારનો ઝળહળતો ખગોળીય પદાર્થ. તારાના કેન્દ્રમાં થતી ન્યૂક્લિયર ફ્યૂઝન પ્રક્રિયા દ્વારા સતત ઊર્જા અને પ્રકાશ ઉત્પન્ન થતાં રહે છે. જો માણસજાતને તારાઓમાંથી ઉત્સર્જિત થતી ઊર્જા વાપરવા મળે, તો આપણી ઊર્જા જરૂરિયાતો સંપૂર્ણપણે સંતોષાઈ જાય.

સૂર્યનું જ ઉદાહરણ લો. સૂર્ય એટલે પૃથ્વીની સૌથી નજીક આવેલો તારો. એકલી સોલાર એનર્જી જ આપણને કેટલી કામ લાગે છે અને હજી તો આપણે સૂર્યની ઊર્જાનો માત્ર આંશિક ઉપયોગ જ કરીએ છીએ. બીજી તરફ બ્રહ્માંડમાં તો સૂર્ય જેવા અગણિત તારાઓ આવેલા છે. આપણું સૌરમંડળ જેનો હિસ્સો છે, એ આકાશગંગા નામની ગેલેક્સીમાં જ 100થી 400 અબજ જેટલા તારાઓ હોવાનો અંદાજ છે. બીજા શબ્દોમાં કહીએ તો આકાશગંગામાં ઊર્જાનો એવડો મોટો ભંડાર છે કે પૃથ્વીવાસીઓએ આવનારાં અબજો વર્ષો સુધી ઊર્જા જરૂરિયાતોની આપૂર્તિ અંગે ચિંતા કરવાની જરૂર નથી. મુશ્કેલી એટલી જ છે કે આ બધી ઊર્જાને આપણી છાબડીમાં ઝીલવી કઈ રીતે!

આ કામ માટે વિજ્ઞાન પાસે એક એવા મેગાસ્ટ્રક્ચરની કલ્પના (hypothetical megastructure) છે, જેના વડે બ્રહ્માંડમાં આવેલા તારાની ઊર્જા સંપૂર્ણપણે ઉપયોગમાં લઇ શકાય. આ મેગાસ્ટ્રક્ચર એટલે `ડાયસન સ્ફિયર'.

ફ્રીમેન જ્હોન ડાયસન નામક બ્રિટિશ-અમેરિકન ભૌતિકશાસ્ત્રીએ ઠેઠ 1937માં બાળવયે `સ્ટાર મેકર' નામની સાયન્સ ફિક્શન નોવેલ વાંચી. આગળ જતાં આ બાળક મોટો ભૌતિકશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી બન્યો, પણ મનમાં બાળવયથી જ પેલી નોવેલના કથાનકની ઊંડી છાપ, એટલે સૂર્યની ઊર્જાનો મહત્તમ ઉપયોગ કઈ રીતે કરી શકાય એ દિશામાં ડાયસન વિચાર્યા કરતો. આ વિચારબીજને પરિણામે એક મેગાસ્ટ્રક્ચરની કલ્પના ઉદ્ભવી. 1960માં ફ્રીમેન ડાયસને બ્રહ્માંડમાંથી ઊર્જા પ્રાપ્ત કરવા બાબતે એક સંશોધનપત્ર પબ્લિશ કર્યો. ડાયસનની કલ્પના મુજબ જો પૃથ્વી પર સોલાર પેનલ્સ બિછાવવાને બદલે સૂર્યની ફરતે કરોડો સોલાર પેનલ્સ ખડકી દેવામાં આવે, તો સૂર્યમાંથી ઉત્સર્જિત થતી મહત્તમ ઊર્જા પૃથ્વીવાસીઓને મળી શકે. આ ઊર્જાનું પ્રમાણ એટલું મોટું હોય કે કરોડો વર્ષ સુધી પૃથ્વીવાસીઓને ઊર્જાનો બીજો કોઈ સ્રોત શોધવાની ઝંઝટ જ નહિ! ડાયસનની કલ્પના મુજબ જો સૂર્યથી સુરક્ષિત અંતરે-સૂર્યની આસપાસ સોલાર પેનલ્સ ગોઠવીએ તો એવું લાગે કે જાણે સોલાર પેનલ્સના બનેલા એક વિશાળ ગોળા વચ્ચે સૂર્યની સ્થાપના કરી હોય. સોલાર પેનલ્સના આ કલ્પિત ગોળાને `ડાયસન સ્ફિયર' નામ આપવામાં આવ્યું.

પહેલી જ નજરે આ વાત સાવ ભેજાગેપ માણસના તુક્કા જેવી લાગશે. સોલાર પેનલ્સનો આવડો વિશાળ સ્ફિયર બનાવવા માટે જેટલું મટીરિયલ જોઈએ, એટલું મટીરિયલ પૃથ્વી પર છે જ નહિ. રો મટીરિઅલ મેળવવા માટે પૃથ્વી કરતાં 1300 ગણા મોટા જ્યુપીટરને ખોદી કાઢવો પડે. એમાં જે ખર્ચ થાય એની તો કલ્પના જ અશક્ય! વળી, સોલાર એનર્જીને પૃથ્વી સુધી લાવવામાં જે સંસાધનો અને ઇન્સ્ટોલમેન્ટ્સ કરવાં પડે એનો ખર્ચ જુદો. ટૂંકમાં, ઘાટ કરતાં ઘડામણ મોંઘી પડે! એમાં વળી નસીબ કાણું હોય ને એકાદ મોટી ઉલ્કા ડાયસન સ્ફિયરના હિસ્સા સાથે અથડાય તો આખી સિસ્ટમનો ધબડકો.

સાવ આવું ન થાય એટલા માટે સૂર્યની આસપાસ આખો ગોળો બનાવવાને બદલે અનેક સૌર પેનલો અથવા ઉપગ્રહોનું નેટવર્ક ઊભું કરવાની કલ્પના કરવામાં આવી, જેણે ડાયસન સ્વોર્મ નામ અપાયું. એ જ પ્રમાણે આખા સૂર્યને આવરી લેવાને બદલે સૂર્યની ફરતે માત્ર એક રિંગ આકારે પેનલ્સ ગોઠવી દેવાય, તો એ સરળ પડે. આવું વિચારીને ડાયસન રિંગની પણ કલ્પના કરવામાં આવી. ખગોળશાસ્ત્રીઓ SETI (Search for Extraterrestrial Intelligence) પ્રોગ્રામ હેઠળ ડાયસન સ્ફિયર જેવી રચનાઓ અંગે નવી નવી થિયરીઝ વિચારતા રહે છે. જો ભવિષ્યમાં ડાયસનની ધારણા મુજબ સોલાર ઊર્જા પ્રાપ્ત થશે, તો ઊર્જા અંગેની આપણી ચિંતાનો હંમેશ માટે અંત આવી જશે.

ડાયસન સ્ફિયર જેવું કશું ખરેખર બનાવી શકીએ તો માણસજાત બે હાથે સૌરઊર્જા લૂંટી શકે, પણ આજની તારીખે એ અશક્ય છે. ડાયસન સ્ફિયર વિકસાવવા માટેનું મટીરિયલ મેળવવા પૃથ્વી કરતાં મોટા ગ્રહો ખોદી કાઢવા જેટલાં સંસાધનો કે ટેક્નોલોજી આપણી પાસે નથી. શું ભવિષ્યમાં આપણે એટલા અપડેટ થઇ શકીશું? એક સમયે 100 માળની બિલ્ડિંગ બનાવવાનું કે અવકાશની સફરે જઈને પાછા આવવાનું કામ અશક્ય ગણાતું, પણ આજે આપણે એ કરી શકીએ છીએ. પાંચસો વર્ષ પહેલાં આવી કલ્પનાય કોઈને નહિ આવી હોય. એ હિસાબે શું ભવિષ્યમાં સોલાર સિસ્ટમમાં ડાયસન સ્ફિયર ઊભો કરવાની ટેક્નોલોજી પણ આપણે વિકસાવી લેશું? કદાચ બ્રહ્માંડમાં વસતા એલિયન્સ કે સાક્ષાત્ ઈશ્વર આવીને મદદ કરે તો એવું થાય ખરું! પણ એક મિનિટ, બ્રહ્માંડમાં આવું કોઈ વસે છે ખરું? એનો ઉત્તર આવતા અઠવાડિયે.