અમેરિકાએ એના `ધ ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ' આ કાયદા હેઠળ જે ચાર જુદી જુદી `એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ પ્રેફરન્સ કેટેગરીઓ' હતી. એમાં વર્ષ 1990માં એક પાંચમી `ઈબી-5 બેઝિક પ્રોગ્રામ' દાખલ કર્યો. પછી એ એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ કેટેગરીઓમાં એમણે વર્ષ 1993 `ઈબી-5 પાઇલટ પ્રોગ્રામ' દાખલ કર્યો. આ `ઈબી-5 પાઇલટ પ્રોગ્રામ'ને `રિજનલ સેન્ટર પ્રોગ્રામ' તરીકે પણ ઓળખવામાં આવે છે.

 `ઈબી-5 પાઇલટ પ્રોગ્રામ' હેઠળ અમેરિકાની સરકારે માન્ય કરેલ રેક્ગ્નાઈઝ રિજનલ સેન્ટરમાં જો કોઈ પરદેશી દસ લાખ પચાસ હજાર ડોલર યા આઠ લાખ ડોલરનું રોકાણ કરે અને રિજનલ સેન્ટર એ પરદેશી વતીથી દસ અમેરિકનોને એમના નવા બિઝનેસમાં સીધી યા આડકતરી રીતે નોકરીમાં રાખે તો એ રોકાણકારને અને એની સાથે સાથે પત્ની યા પતિ અને 21 વર્ષથી નીચેની વયના અવિવાહિત સંતાનોને ગ્રીનકાર્ડ આપવામાં આવે છે. ભારતીયો માટે આ ગ્રીનકાર્ડ મેળવવાનો સમય એમણે રોકાણ કર્યા બાદ લગભગ બે-ત્રણ વર્ષનો હોય છે.

 શરૂઆતમાં એમને બે વર્ષની મુદતનું કન્ડિશનલ ગ્રીનકાર્ડ આપવામાં આવે છે. બે વર્ષ પૂરાં થવા આવે એટલે છેલ્લા 90 દિવસની અંદર એ રોકાણકારે અરજી કરીને દેખાડી આપવાનું રહે છે કે એણે જે રોકાણ કર્યું છે એ રકમ એણે પાછી ખેંચી નથી લીધી. એના વતીથી રિજનલ સેન્ટરે દસ અમેરિકનોને સીધી યા આડકતરી રીતે કે પછી ઇન્ડ્યુશ રીતે નોકરીમાં રાખ્યા છે. આવું દેખાડી આપતાં એ રોકાણકારનું ગ્રીનકાર્ડ કાયમનું કરી આપવામાં આવે છે. પછી એ રોકાણકાર અમેરિકામાં ઈચ્છે તો એને ગ્રીનકાર્ડ મળ્યું હોય ત્યારબાદ પાંચ વર્ષ પૂરાં થાય પછી અમેરિકન સિટીઝન બનવાની અરજી પણ કરી શકે છે. રોકાણકારનું ગ્રીનકાર્ડ કાયમનું થાય એટલે રિજનલ સેન્ટર એમને જે રોકાણની રકમ દસ લાખ પચાસ હજાર ડોલર યા આઠ લાખ ડોલરની હોય છે એ પાછી આપે છે.

 અમુક રિજનલ સેન્ટરો આ રોકાણની રકમ ઉપર અડધો ટકો, એક ટકો, દોઢ ટકો અને કોઈ કોઈ તો બેથી ચાર ટકા વાર્ષિક વ્યાજ પણ આપે છે. અમેરિકાનું ગ્રીનકાર્ડ મેળવવા માટે આ `ઈબી-5 પાઇલટ પ્રોગ્રામ' એટલે રિજનલ સેન્ટર પ્રોગ્રામ ખૂબ જ સારો છે, સરળ છે અને ઝડપી છે.

 અન્ય કોઈ રીતે જો ગ્રીનકાર્ડ મેળવવું હોય એટલે કે કૌટુંબિક સંબંધોને આધારે કે પછી એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ પ્રેફરન્સ કેટેગરીના આધારે કે પછી વિઝા લોટરી દ્વારા તો એના માટે વર્ષોની વાટ જોવી પડે છે અને વિઝા લોટરી માટે તો તમારે નસીબદાર હોવું પડે છે. ભારતીયો તો આ વિઝા લોટરીમાં ભાગ લઈ નથી શકતા.

 આ જે `ઈબી-5' પ્રોગ્રામ હેઠળ ગ્રીનકાર્ડ આપવામાં આવે છે. એ `ઈબી-5' પ્રોગ્રામમાં છેલ્લાં પાંચ વર્ષમાં 90 ટકા જેટલું રોકાણ વિશ્વના બધા જ દેશોમાંના ફક્ત પાંચ દેશોના લોકોએ કર્યું છે. આ જ પાંચ દેશોના લોકોએ `ઈબી-5' પ્રોગ્રામના 90 ટકા રોકાણ છેલ્લાં દસ વર્ષમાં પણ કર્યું છે. અરે! આ પાંચ દેશોના લોકોએ `ઈબી-5' પ્રોગ્રામ હેઠળ 90 ટકા રોકાણ છેલ્લાં પંદર વર્ષમાં પણ કર્યું છે. એવું જણાય છે કે આગામી પાંચ વર્ષમાં `ઈબી-5' પ્રોગ્રામ હેઠળ જે રોકાણ થશે એના 90 ટકા રોકાણ આ પાંચ દેશના લોકો જ કરશે.

 એટલે આમ જુઓ તો `ઈબી-5'નું વિશ્વ બહુ નાનું છે. પાંચ દેશો પૂરતું જ સીમિત છે અને આ પાંચ દેશોમાં `ભારત' મોખરે છે. ભારતીયો સૌથી વધુ રોકાણ `ઈબી-5' પ્રોગ્રામ હેઠળ કરે છે. ભારતીયો પછી `વિયેતનામ'ના લોકો `ઈબી-5' પ્રોગ્રામમાં રોકાણ કરવા માટે પંકાયેલા છે. પછી `ચાઈનીઝો' આ `ઈબી-5' પ્રોગ્રામ હેઠળ રોકાણ કરી રહ્યા છે. એમના પછી નંબર આવે છે `કોરિયનો' અને પાંચમો નંબર છે `તાઈવાન'ના લોકો. આમ, આ પાંચ દેશ ભારત, વિયેતનામ, ચાઈના, કોરિયા અને તાઈવાન એમના લોકો `ઈબી-5' પ્રોગ્રામ હેઠળ જે રોકાણ કરવામાં આવે છે એના 90 ટકા જેટલું રોકાણ આ પાંચ દેશના લોકો જ કરે છે.

 રોકાણના પૈસા તમારી જાત કમાઈના હોય, વડીલોની મિલકત હોય, પ્રોપર્ટી વેચીને મેળવ્યા હોય, કોઈએ લોન કે ગિફ્ટ અમેરિકામાંથી પણ આપી હોય તો ચાલે. ફક્ત એ પૈસા વ્હાઈટના હોવા જોઈએ અને ક્યાંથી અને કેમ કરતા આવ્યા એના પુરાવા હોવા જોઈએ.

 રોકાણની રકમ ઉપરાંત રોકાણકારે રિજનલ સેન્ટરને એમની એડમિનિસ્ટ્રેશન ફીના 80 હજાર ડોલર, એટર્નીઓની ફીના 25 હજાર ડોલર, ફાઈલિંગ અને અન્ય ફીના લગભગ 2થી 21/2 હજાર ડોલર આપવાના રહે છે. આ રકમ એમને પાછી નથી મળતી. ફક્ત રોકાણની રકમ જ પાછી મળે છે.

 તમારી આગળ પૈસાની છૂટ હોય, જો તમારા પૈસા વ્હાઈટના હોય, એ પૈસા ક્યાંથી આવ્યા? એ તમે દાખલા-દલીલો અને પુરાવાઓ સહિત દેખાડી શકો અને તમે અમેરિકામાં રહેવાની ઈચ્છા ધરાવતા હોવ, અમેરિકાનું ગ્રીનકાર્ડ મેળવવા માગતા હોવ તો `ઈબી-5' પ્રોગ્રામ હેઠળ રોકાણ કરો. તમને બેથી ત્રણ વર્ષની અંદર ગ્રીનકાર્ડ પ્રાપ્ત થશે.

 અને હા, 30મી સપ્ટેમ્બર, 2026ના આ પ્રોગ્રામનો અંત આવવાનો છે. અમેરિકાની સરકાર આ પ્રોગ્રામ જરૂરથી લંબાવશે, પણ પછી તેઓ રોકાણની રકમમાં ધરખમ વધારો પણ કરી દેશે. એટલે જો તમારે રોકાણ કરીને ગ્રીનકાર્ડ મેળવવું હોય તો `ઈબી-5' પ્રોગ્રામ હેઠળ કોઈ સારું, યોગ્ય, ખાતરીલાયક, રિજનલ સેન્ટર તપાસીને એમાં રોકાણ કરો. જેમ બને એમ જલદીથી કરો અને ગ્રીનકાર્ડ મેળવો.