જેચાર જુદી જુદી `એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ પ્રેફરન્સ કેટેગરી' છે, એમાં પહેલી કેટેગરી પ્રાયોરિટી વર્કરો માટેની છે. બીજી પ્રોફેશનલો જે લોકો એડવાન્સ ડિગ્રી ધરાવતા હોય એમના માટે છે. ત્રીજી સ્કિલ્ડ વર્કરો અને પ્રોફેશનલો માટે છે જે મોટાભાગે `એચ-1બી' વિઝાધારકો માટે વપરાય છે અને ચોથી કેટેગરી છે સ્પેશિયલ ઈમિગ્રન્ટો માટે. આ પહેલી, બીજી અને ત્રીજી કેટેગરી હેઠળ વર્ષના જે 1,40,000 ઈમિગ્રન્ટ વિઝા આપવામાં આવે છે એમાંના દરેકને 28.6 ટકા આપવામાં આવે છે. ચોથી કેટેગરીને 7.1 તકો આપવામાં આવે છે.
આ ઉપરાંત વર્ષ 1990માં અમેરિકાની સરકારે એક પાંચમી કેટેગરીનો પણ ઉમેરો કર્યો છે. જેને આપણે સૌ `ઈબી-5' તરીકે ઓળખીએ છીએ. વર્ષ 1990માં અમેરિકાની સરકારે `એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ ફિફ્થ પ્રેફરન્સ કેટેગરી' ઘડી એને `એમ્પ્લોયમેન્ટ બેઝિક પ્રેફરન્સ કેટેગરી' કહેવામાં આવે છે. આની હેઠળ જે કોઈ પરદેશી અમેરિકાના નવા બિઝનેસમાં, ન્યૂ કમર્શિયલ એન્ટરપ્રાઈઝમાં, આજની તારીખમાં 10,50,000 ડોલર અને જો કાર્ય પછાત પ્રદેશમાં કરવાનું હોય તો 8,00,000 ડોલરનું રોકાણ કરે એ ન્યૂ કમર્શિયલ એન્ટરપ્રાઈઝમાં દસ અમેરિકનોને ફુલ ટાઈમ સીધેસીધી નોકરી આપે અને બિઝનેસ જાતે ચલાવે તો એ રોકાણકાર અને એની સાથે સાથે એની પત્ની યા પતિ અને 21 વર્ષથી નીચેની વયનાં અવિવાહિત સંતાનોને ઈમિગ્રન્ટ વિઝા આપવામાં આવે છે. એ મેળવીને તેઓ અમેરિકામાં પ્રવેશે એટલે એમને બે વર્ષની મુદતનું કન્ડિશનલ ગ્રીનકાર્ડ આપવામાં આવે છે. બે વર્ષ પૂરાં થાય એટલે એમણે અરજી કરીને દેખાડી આપવાનું રહે છે કે એમણે જે ઈન્વેસ્ટમેન્ટ કરેલું છે એ પાછું ખેંચી નથી લીધું. એમના નવા બિઝનેસમાં એમણે દસ અમેરિકનોને ફુલ ટાઈમ નોકરીમાં રાખ્યા છે અને પોતે જાતે એ બિઝનેસ ચલાવ્યો છે. એટલે એમનું અને એમના કુટુંબીજનોનું, જેમને ડિપેન્ડન્ડ ઈમિગ્રન્ટ વિઝા આપવામાં આવ્યા હોય છે, એમનાં ગ્રીનકાર્ડ કાયમી કરી આપવામાં આવે છે. ત્યારબાદ તેઓ એમણે જે રોકાણ કર્યું હોય એ રકમ જો ઈચ્છે તો બિઝનેસમાંથી પાછી ખેંચી શકે છે.
આ `ઈબી-5 બેઝિક પ્રોગ્રામ'ને જોઈએ એટલો પ્રતિસાદ ન મળ્યો. પરદેશીઓ વિચારવા લાગ્યા કે અમેરિકામાં એવો કયો બિઝનેસ છે જેમાં અમે 10,50,000 કે 8,00,00 ડોલરનું રોકાણ કરીને બિઝનેસ કરી શકીએ? એવું કયું સ્થળ છે કે જ્યાં અમને નવો બિઝનેસ કરવા માટે દસ અમેરિકનો મળી રહે? અને 10,50,000 કે 8,00,000માં કયો નવો બિઝનેસ કરી શકીએ? આ બધી મૂંઝવણના કારણે આ `ઈબી-5' બેઝિક પ્રોગ્રામ જોઈએ એટલો ચાલ્યો નહીં.
આથી વર્ષ 1993માં અમેરિકાની સરકારે એક બીજો `ઈબી-5 પાઇલટ પ્રોગ્રામ' જેને આપણે સૌ `ઈબી-5 રિજનલ સેન્ટર પ્રોગ્રામ' કહીએ છીએ એ દાખલ કર્યો.
અમેરિકામાં જે કંપનીઓ મોટા મોટા કરોડો-અબજો ડોલરોના પ્રોજેક્ટ કરતા હોય અને જેમને એ માટે નાણાંની જરૂરિયાત હોય, એ લોકો પોતાની જાતને અમેરિકાના ઈમિગ્રેશન ખાતા જોડે રજિસ્ટર કરાવે તો ઈમિગ્રેશન ખાતું એમને રેકગ્નાઈઝ કરે અને છૂટ આપે કે તેઓ પરદેશીઓ પાસેથી રોકાણની રકમ 10,50,000 યા 8,00,000 મેળવી શકે અને એ રોકાણ કરનાર પરદેશીઓને ગ્રીનકાર્ડ મળી શકે. રિજનલ સેન્ટરો વીસ, પચીસ, પચાસ, સો જેટલા પરદેશીઓ આગળથી રોકાણની રકમ મેળવતા હોય છે.
આ દરેક માટે દસ અમેરિકનોને ડાયરેક્ટલી નોકરી આપવી એ અશક્ય જેવી બાબત છે. આથી ઈમિગ્રેશન ખાતાએ રિજનલ સેન્ટરોને એવી છૂટ આપી કે તમે દરેક રોકાણકાર દીઠ દસ અમેરિકનોને સીધી યા આડકતરી રીતે નોકરી આપી શકો છો. એટલે કે જો રિજનલ સેન્ટર મોલ બનાવતું હોય અને એ મોલની દુકાનોમાં સેલ્સમેનો કામ કરતા હોય તો જેટલા સેલ્સમેનોની નોકરી એ રિજનલ સેન્ટરે આડકતરી રીતે ક્રિએટ કરી એવું ગણવામાં આવે. જો રિજનલ સેન્ટર મને એમના એટર્ની તરીકે રોકે અને મારે ત્યાં પચીસ લોકો કામ કરે છે તો એવું ગણવામાં આવે કે રિજનલ સેન્ટરે પચીસ લોકોને ઈનડાયરેક્ટલી કે ઈન્ડ્યુશ રીતે નોકરીમાં રાખ્યા છે. બીજી બધી શરતો બેઝિક પ્રોગ્રામ અને રિજનલ સેન્ટર પ્રોગ્રામ માટે સરખી જ રહે છે.
રોકાણ કરતા રોકાણકારને સૌ પ્રથમ બે વર્ષની મુદતનું કન્ડિશનલ ગ્રીનકાર્ડ આપવામાં આવે છે. એમની સાથે એમની પત્ની યા પતિ અને 21 વર્ષથી નીચેની વયનાં સંતાનોને પણ ગ્રીનકાર્ડ આપવામાં આવે છે. આ ગ્રીનકાર્ડ બે વર્ષની મુદતનું કન્ડિશનલ હોય છે. બે વર્ષ પૂરાં થાય એટલે એમણે અરજી કરીને દેખાડી આપવાનું રહે છે કે રિજનલ સેન્ટરે એમના વતી દસ અમેરિકનોને સીધી યા આડકતરી રીતે એમના નવા બિઝનેસમાં નોકરીમાં રાખ્યા છે. એમણે જે રોકાણ કર્યું છે એ રકમ પાછી ખેંચી નથી લીધી. આવું દેખાડી આપતાં એમનાં ગ્રીનકાર્ડ કાયમી કરી આપવામાં આવે છે.