આપણી રોજિંદી વસ્તુઓમાં મોટાભાગની વસ્તુઓ પ્લાસ્ટિકની જ હોય છે! જોકે, આ પ્લાસ્ટિક લાંબા ગાળે પર્યાવરણને ખૂબ જ હાનિ પહોંચાડે છે. તેથી જાપાનના કોબે યુનિવર્સિટીના વૈજ્ઞાનિકઓએ બેક્ટેરિયાથી ઇકો-ફ્રેન્ડલી પ્લાસ્ટિક બનાવ્યુ છે, જે પર્યાવરણને હાનિ પહોંચાડતું નથી. તે સંપૂર્ણ રીતે પ્લાસ્ટિકનો વિકલ્પ નથી, પરંતુ તેનો ઉપયોગ પરંપરાગત PET પ્લાસ્ટિકમાં વપરાતા હાનિકારક રાસાયણિક ટેરેપ્થેલિક એસિડને બદલવા માટે થઈ શકે છે. જેને પાઇરિડીનડાઇકાર્બોક્સિલિક એસિડ(PDCA) કહેવામાં આવે છે. તેની ખાસ વાત એ છે કે, તે બાયોડિગ્રેડેબલ છે અને તેમાં નાઇટ્રોજન આધારિત સંરચના પણ જોવા મળે છે. અગાઉ જ્યારે PDCA બનાવવામાં આવ્યું હતું ત્યારે તેમાં ઉત્પાદન ઓછું થતું હતું અને ટોક્સિક બાય-પ્રોડક્ટ્સ પણ નીકળતી હતી, પરંતુ વૈજ્ઞાનિકોએ Escherichia coli (E. coli) બેક્ટેરિયા શોધીને તેનું સમાધાન શોધી કાઢ્યું છે. તેમણે બેક્ટેરિયાને ગ્લુકોઝ ખવડાવીને કેટલાક ખાસ એન્ઝાઇમ જોડ્યા. પરિણામે તેમાં ઉત્પાદનનો વિશેષ વધારો થયો ને ટોક્સિક બાય-પ્રોડક્ટ્સ પણ ના બરાબર જોવા મળી હતી. હજુ પ્રયોગો બાકી છે, જે સફળ થતાં જ તે પર્યાવરણને અનુકૂળ પ્લાસ્ટિક ચોક્કસ બનાવશે.
કાપેલા નખની પણ કિંમત મળે છે!
તમામ લોકો પોતાના નખને કાપ્યા બાદ તેને ડસ્ટબિનમાં ફેંકી દેતા હોય છે અથવા તો તેનો વોશરૂમમાં કે અન્ય નિકાલ કરી દેતા હોય છે, પરંતુ ચીનમાં એક મહિલા બાળપણથી પોતાના કાપેલા નખનો સંગ્રહ કરતી હતી અને હવે અત્યાર સુધી તેણે તેના કાપેલા નખને વેચવાનું શરૂ કર્યું છે. આ નખથી તે પ્રતિ કિલો 150 યુઆન (અંદાજિત 1750 રૂ.) કમાઈ રહી છે. હકીકતમાં ચીની ચિકિત્સા(TCM)માં નખનો ઉપયોગ દવા તરીકે કરવામાં આવે છે. ચીની ચિકિત્સાની ભાષામાં નખને `જિન તુઇ' કહેવામાં આવે છે. ચીની ચિકિત્સામાં જણાવ્યા પ્રમાણે નખ શરીરની ગર્મી અને ટોક્સિન કાઢવામાં વિશેષ મદદ કરે છે. તેમજ નખથી બાળકોના ઘાવ મટાડવા અને પેટ ફૂલવાની સમસ્યાથી પણ રાહત મળે છે! નોંધનીય છે કે, ચીનના તાંગ વંશ(581-682)ના પ્રસિદ્ધ ડોક્ટર સુન સિમિયાઓના પુસ્તક કિયાનજિન યાઓફાંગમાં પણ બાળકોના પેટની સમસ્યાને દૂર કરવા નખનો ઉલ્લેખ જોવા મળે છે. તે સમયે માતાઓ દૂધમાં નખની રાખ ભેળવીને બાળકોને પીવડાવતી હતી! વધુમાં વર્ષ 1960ના દશક સુધી પણ નખનો ઉપયોગ હોસ્પિટલમાં દવા તરીકે કરવામાં આવતો હતો. ટૂંકમાં, સંઘરેલા નખ પણ કામના સાબિત થાય છે તે વાત સાચી!
અઢારમી સદીના ચાંદીના સિક્કાઓ મળ્યા
આજે પણ દેશભરમાં કેટલીક જગ્યાએ ખોદકામ કરતી વખતે જૂની-પુરાણી પુરાતત્ત્વીય વસ્તુઓ મળી આવે છે, જેનું મૂલ્ય સૌથી વધુ અંકાતુ હોય છે. થોડા દિવસ પહેલાં જ ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં શ્રી લોધેશ્વર મહાદેવ ધામમાં કોરિડોર નિર્માણ દરમિયાન ખોદકામ કરતાં 100થી પણ વધુ ચાંદીના સિક્કાઓ મળ્યા હતા. જ્યારે આ સિક્કાઓની તપાસ કરવામાં આવી ત્યારે જાણમાં આવ્યું કે, આ ચાંદીના સિક્કાઓ ઇ.સ. 1882ના બ્રિટિશકાળના છે અને તે પણ સારી હાલતમાં. મૂળ આ સિક્કાઓ ઐતિહાસિક દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વ રાખે છે. હાલમાં આ સિક્કાઓ એએસઆઇ હસ્તક લેવામાં આવ્યા છે. નોંધનીય છે કે, ઉત્તર પ્રદેશમાં અગાઉ પણ વર્ષ 2023માં વ્યાસપુરામાં એક ઘરનું નિર્માણ કરતાં એક કન્ટેનર મળી આવ્યું હતું, જેમાંથી સોના, ચાંદીનાં આભૂષણો અને કેટલાક સિક્કાઓ પણ મળી આવ્યાં હતાં. આ સિક્કાઓ પણ અઢારમી સદીના એટલે કે ઇ.સ. 1862ના જોવા મળ્યા હતા. આ જ વર્ષમાં ઉત્તર પ્રદેશના હુસેનપુર નજીક પણ મુઘલકાળ સમયના સિક્કાઓ જોવા મળ્યા હતા. અલબત્ત, ઉત્તર પ્રદેશમાં ખોદકામ કરતાં ઘણી પુરાતત્ત્વીય વસ્તુઓ મળતી રહેતી હોય છે.