પ્રેમિકાની ભૂરી-નીલી આંખોનું પ્રેમી સમાજને મન મોટું મહત્ત્વ હોય છે. એમાંય જો પ્રેમી કવિતાઓ-શાયરીઓનો શોખીન હોય તો પ્રેમિકાની કલરફુલ આંખો પર બે-ચાર પંક્તિઓ ઘસડી માર્યા વિના રહે નહિ.

કેટલાક વળી એવુંય માને છે કે માંજરી કે ભૂરી આંખોવાળી પ્રેમિકા તો અંતે બેવફા જ નીકળે! જોકે, લાગણીઓમાં તણાઈ જતા પહેલાં રોમાન્સ અને મેડિકલ સાયન્સ વચ્ચેની ભેદરેખા સમજી લેવી જોઈએ. બની શકે કે મારકણા કલરશેડની કીકીઓ ધરાવતી તમારી માશૂકા કોઈક મેડિકલ કન્ડિશનનો ભોગ બની હોય! અને ખરેખર એવું હોય તો ગભરાઈને બ્રેકઅપ કરી નાખવાની ઉતાવળેય ન કરવી. બલકે પ્રેમિકાને આંખોના સારા ડોક્ટર પાસે લઇ જવી. બની શકે કે એની આંખોમાં રોમાન્સનો જાદુ નહિ, પણ `હેટરોક્રોમિયા' (Heterochromia)ની અસર છવાયેલી હોય.

અરીસામાં નિરીક્ષણ કરશો તો આંખમાં મુખ્યત્વે બે વિસ્તારો જણાશે. સૌથી બહારનો સફેદ વિસ્તાર અને વચ્ચે આવેલ ડાર્ક વિસ્તાર. આ ડાર્ક વિસ્તારને આપણે કીકી તરીકે ઓળખીએ છીએ. કીકીના પણ પાછા બે ભાગ હોય. ડાર્ક કલરનું જે મોટું સર્કલ દેખાય, એ હિસ્સો આઈરિસ (Iris) કહેવાય અને આઇરિસની વચ્ચે દેખાતું નાનકડું કાળું સર્કલ એટલે પ્યુપિલ (Pupil) તરીકે ઓળખાતો વિસ્તાર. આઇરિસ મોટાભાગે કાળા અથવા ઘેરા કથ્થઈ કલરની હોય છે. અમુક લોકોમાં ભૂરી કે ઘેરી બદામી કીકી પણ જોવા મળી શકે. કુંભમેળા વખતે ફેમસ થઇ ગયેલી પેલી મોનાલિસા યાદ છેને? રંગીન આંખોને કારણે એ સુંદર લાગતી હતી, પણ અમુક લોકોની કીકી (એટલે કે આઇરિસ) બહુ વિચિત્ર જોવા મળશે. કોઈકની આઇરિસ મલ્ટિકલર હોય, તો કોઈકને વળી બંને આંખોમાં જુદા જુદા કલરની આઇરિસ હોય! અમુકની આંખોનો રંગ તો વળી એવો ખતરનાક હોય કે તમને ભયનું લખલખું પસાર થઇ જાય. આ પ્રકારની પરિસ્થિતિ આનુવાંશિક હોય છે. અમુક કિસ્સામાં રંગીન કીકી પાછળ ચોક્કસ પ્રકારની તબીબી પરિસ્થિતિ પણ જવાબદાર હોઈ શકે. કીકીના રંગમાં જોવા મળતા આવા લોચા માટે તબીબી પરિભાષામાં એક શબ્દ વપરાય છે - હેટરોક્રોમિયા (Heterochromia).

હેટરોક્રોમિયા મૂળે ગ્રીક ભાષામાંથી ઊતરી આવેલો શબ્દ છે. Hetero એટલે અલગ અને Chroma એટલે રંગ. આંખની કિકીમાં અલગ અલગ રંગો જોવા મળે, એ પરિસ્થિતિને હેટરોક્રોમિયા કહેવાય. હેટરોક્રોમિયા માત્ર માણસમાં જ નહિ, પણ હસ્કી પ્રજાતિના કૂતરા અને સફેદ બિલાડીઓ જેવાં પ્રાણીઓમાં પણ જોવા મળે છે.

હેટરોક્રોમિયાના ત્રણ પ્રકારના છે. સંપૂર્ણ હેટરોક્રોમિયામાં (Complete Heterochromia) વ્યક્તિની બંને આંખોનો રંગ સંપૂર્ણપણે અલગ અલગ હોય છે. દા.ત., એક આંખ વાદળી હોય તો બીજી આંખ બદામી હોય! બીજો પ્રકાર તે સેક્ટોરલ હેટરોક્રોમિયા (Sectoral / Partial Heterochromia). આ પરિસ્થિતિમાં એક જ આંખમાં આઇરિસનો એક ભાગ અલગ રંગનો હોય. દા.ત., અડધી આઈરિસ બદામી હોય અને બાકીની અડધી ભૂખરા રંગની.

અને હેટરોક્રોમિયાનો ત્રીજો પ્રકાર તો સૌથી `ક્રિએટિવ' લાગે એવો છે. સેન્ટ્રલ હેટરોક્રોમિયા (Central Heterochromia) તરીકે ઓળખાતી આ સ્થિતિમાં તમને કીકીની અંદરથી બહારની તરફ જતું કલર શેડિંગ જોવા મળે. દાખલા તરીકે પ્યુપિલની આજુબાજુના વિસ્તારમાં આઈરિસ સોનેરી કલરની હોય, પણ આઈરિસના બહારના વિસ્તારમાં તેનો રંગ ભૂરો થઇ જતો હોય!

કોઈ પણ પ્રકારના હેટરોક્રોમિયા માટે મુખ્યત્વે આંખનો કલર નક્કી કરતા પિગ્મેન્ટેશનને કારણભૂત ગણવામાં આવે છે. એનાથી આંખની ક્ષમતા પર કોઈ અસર પડતી નથી. મોટાભાગે આ સ્થિતિ જન્મજાત હોય છે, પણ જો આઇરિસને કોઈક પ્રકારે ઇજા પહોંચી હોય, તો એના કારણે પિગ્મેન્ટેશનમાં સમસ્યા ઊભી થાય છે. ગ્લુકોમા એટલે કે આંખે ઝામરની સમસ્યા હોય તો ડોક્ટર અમુક આઇડ્રોપ્સ સૂચવે છે. આંખમાં નખાતી આ દવાને કારણે પણ પિગ્મેન્ટેશનની પેટર્ન અને એના પરિણામે આઇરિસનો રંગ બદલાઈ શકે છે. કોઈકવાર વળી આનુવંશિક પરિવર્તનને (genetic mutations) કારણે પણ હેટરોક્રોમિયા થઇ શકે છે. દાખલા તરીકે વોર્ડનબર્ગ સિન્ડ્રોમ નામક આનુવંશિક રોગને કારણે ઘણી વાર હેટરોક્રોમિયા થયેલો જોવા મળે છે. વોર્ડનબર્ગ સિન્ડ્રોમ (WS) એ એક દુર્લભ આનુવંશિક (Genetic) રોગ છે, જે આંખ, વાળ, ત્વચા અને કાનને અસર કરે છે. આ સિન્ડ્રોમનું મુખ્ય લક્ષણ હેટરોક્રોમિયા અને બહેરાશ (Hearing Loss) છે.

હેટરોક્રોમિયા માટે કોઈ ચોક્કસ સારવાર નથી. હા, હેટરોક્રોમિયા માટે જવાબદાર કારણ (દાખલા તરીકે ઇજા અથવા જિનેટિક સમસ્યા) શોધીને એની સારવાર થઇ શકે છે. અમુક રેર કેસમાં ન્યૂરોબ્લાસ્ટોમા જેવી ગંભીર બીમારી પણ હેટરોક્રોમિયા માટે કારણભૂત હોઈ શકે છે. ન્યુરોબ્લાસ્ટોમા એ બાળકોમાં થતું એક પ્રકારનું કેન્સર છે, જે અપરિપક્વ ચેતાકોષો (ન્યૂરોબ્લાસ્ટ્સ)માંથી વિકસે છે. તે મુખ્યત્વે નાનાં બાળકોને અસર કરે છે. એટલે આંખના રંગમાં ફેરફાર દેખાય તો એક વાર નિષ્ણાત ડોક્ટરને કન્સલ્ટ કરી લેવા જોઈએ.

અને છેલ્લે એક દૃશ્યની કલ્પના કરો. મોડી રાત્રે અંતરિયાળ વિસ્તારમાંથી પસાર થતી વખતે કોઈ એક ગામના પાદરે એક એકલોઅટૂલો વ્યક્તિ બેઠેલો જોવા મળે છે. તમે રસ્તો પૂછવા એની પાસે જાવ છો. હવે એ વ્યક્તિને જો સેક્ટોરલ હેટરોક્રોમિયા હોય તો એની સાથે આંખ મેળવતાં જ તમારી શું હાલત થાય? કદાચ ભરશિયાળે કપાળે પરસેવો છૂટવાની ઘટના આકાર લે એમ બને!