એક વાત તો સ્પષ્ટ છે કે મલેરિયા જેવા કેટલાક રોગોનો જો ઉચિત ઉપચાર કરવામાં ન આવે તો તે આગળ જતાં જીર્ણ સ્વરૂપ ધારણ કરે છે. અહીં જીર્ણનો અર્થ થાય છે `જૂનો' અથવા `ક્રોનિક'. જીર્ણ સ્વરૂપ ધારણ કર્યા પછી રોગને મટાડવામાં વધારે મુશ્કેલી પડે છે.

કેટલાક સામાન્ય કે ક્રોનિક રોગોને લીધે પણ શરીરમાં મંદ સ્વરૂપનો તાવ રહ્યા કરતો હોય છે. આવા જીર્ણ જ્વરમાં પ્લીહાવૃદ્ધિ એટલે કે `એન્લાર્જમેન્ટ ઓફ સ્પ્લીન', યકૃતવૃદ્ધિ એટલે કે `એન્લાર્જમેન્ટ ઓફ લીવર' અને મંદાગ્નિ રહે છે. જીર્ણ જ્વરમાં રક્તાલ્પતા અને વજન ઘટવું એ બે લક્ષણો પણ જોવા મળે છે.

જીર્ણ જ્વરની લાંબા સમય સુધી ઉપેક્ષા કરવાથી તે બરોળ(spleen) તથા યકૃત(liver) બંનેના કાર્યમાં વિક્ષેપ ઉત્પન્ન કરે છે, જેથી નેત્ર, નખ અને ત્વચા વગેરે ફિક્કા એટલે કે કાંતિહીન અને પાંડુ વર્ણનાં બની જાય છે.

આજકાલ જીર્ણ જ્વરના દર્દીઓમાં મોટાભાગે મલેરિયામાં જેમ ખૂબ જ ઠંડી ચડીને તાવ આવે છે, એવો ઠંડી ચડીને તાવ નથી આવતો, પરંતુ આવા દર્દીઓને વારંવાર કે સતત ધીમો તાવ રહેવો, ચક્કર, થાક, સુસ્તી, અરુચિ, શિર:શૂળ, ગાત્રતોડ વગેરે લક્ષણો જણાય છે.

મલેરિયાની હિસ્ટ્રી લઈને આવતા આવા જીર્ણ જ્વરના દર્દીઓના ઉપચારમાં લાંબા અનુભવે જે ઉકાળો ખૂબ જ ફળપ્રદ જણાયો છે તેનું અહીં ટૂંકમાં નિરૂપણ કરું છું.

કડુ, કરિયાતું, ગળો, લીમડાની અંતર છાલ અને સૂંઠ - આ પાંચે ઔષધો સરખા વજને લઈને અધકચરા- જવકૂટ ખાંડી લઈને ચાર કપ જેટલા પાણીમાં એક મોટી ચમચી જેટલો આ ઔષધોનો ભુક્કો નાંખી તેને ઢાંક્યા વગર ઉકાળવો. ઔષધ દ્રવ જ્યારે અડધા-પોણા કપ જેટલું બાકી રહે ત્યારે તેને ઉતારી, ગાળી, ઠંડું પાડી પી જવું. સવારે અને રાત્રે એમ દિવસમાં બે વખત આ ઉકાળો તાજો જ બનાવીને પીવો. જીર્ણ જ્વર મટી ગયા પછી પણ આ ઉકાળો ચારથી છ અઠવાડિયાં પીવો.   

આયુર્વેદનો એક સિદ્ધાંત(સૂત્ર) છે કે કડવાં ઔષધો વગર તાવ મટે જ નહીં. આ ઉકાળામાં પડતાં પાંચ ઔષધોમાંથી ચાર કડવાં ઔષધો છે. સૂંઠ એ તીખું અને દીપન પાચન ઔષધ છે. એટલે કે ભૂખ લગાડનાર અને આહારનું પાચન કરનાર ઔષધ છે અને તે પ્લીહા તથા યકૃતને સક્રિય કરવા જ વપરાયું છે.

આ ઉકાળામાં વપરાતા કરિયાતાને આયુર્વેદમાં પિત્તશામક અને આમનાશક કહ્યું છે. તેના ઉપયોગથી આમ (અપક્વ અન્ન રસ)નું પાચન થાય છે. જીર્ણ જ્વરમાં જ્યારે તાવ શરીરમાં ગુપ્ત અવસ્થામાં હોય ત્યારે કરિયાતાથી ઘણો ફાયદો થાય છે.

આ ઉકાળામાં વપરાતું ઔષધ ગળો એ કડવું અને પિત્તશામક છે. કાચા રસ(આમ)ને પચાવવાનો એમાં ગુણ હોવાથી તે અગ્નિદીપક પણ છે. જીર્ણ જ્વરમાં એવું ઔષધ હોવું જોઈએ કે જે વધી ગયેલા પિત્તને વધારે ઉગ્ર કરે નહીં, પણ તેનું શમન કરે. ગળો એ પિત્તને શાંત કરે છે અને જઠરાગ્નિને પ્રજ્વલિત રાખે છે, તેથી તે જીર્ણ જ્વરમાં ફાયદાકારક છે. કોઈ પણ તાવમાં ગળોનો ઉપયોગ કરી સારું રિઝલ્ટ મેળવી શકાય છે. 

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો