ધરતી ઉપર અનેક પ્રકારના જીવો રહે છે. એમાં નરી આંખે પણ માંડ દેખાય એવા કીટકો કે જંતુઓનો પણ સમાવેશ થાય છે. હા, જંતુ એટલે આપણે ભલે એને તુચ્છ જીવ માનતા હોઈએ, પણ એ જીવજગતમાં પણ સૌથી વજનદાર કહેવાય એવા જંતુ પણ હોય છે. દુનિયામાં સૌથી વજનદાર કીટક એટલે 70 ગ્રામ વજન ધરાવતા વેટાપુંગા. નામશેષ થઈ રહેલા ન્યૂઝીલેન્ડનો આ કીટક નામશેષ થવાને આરે પહોંચી ગયા બાદ ફરીથી જીવજગતમાં અસ્તિત્વ ટકાવી જવાની હોડ જીતી જાય એમ છે.
કીટક એટલે પાંખવાળા સાવ નાના જીવ. કીટક એટલે નજર સામે પતંગિયું, કીડી, ભમરો કે ફૂદાનો વિચાર આવે છે. બધાના જ રંગ અને કદ અલગ, કેટલાક સાવ નાના તો કેટલાક તેમની દુનિયામાં મહાકાય કહેવાય એવા. આ બધામાં વિશ્વનો સૌથી વજનદાર કીટક એટલે ન્યૂઝીલેન્ડમાં જોવા મળતો વેટાપુંગા. આ કીટકની કેટલીક પ્રજાતિઓનું વજન 70 ગ્રામથી પણ વધુ નોંધાયું છે. એટલે કે નાનકડા પક્ષી જેટલું થઈ શકે છે! એ ઉપરાંત પણ બીજા અનેક ભારેખમ કીટકો ધરતી પર જોવા મળે છે. આફ્રિકાનો ગોલિયાથ ભમરો વિશ્વના સૌથી ભારે કીટકોમાંનો એક છે. તેના લાર્વાનું વજન 100 ગ્રામની નજીક હોય છે. દક્ષિણ અમેરિકાનો હર્ક્યુલસ ભમરો લાંબાં શિંગડાં જેવી રચના માટે જાણીતો છે, જ્યારે એમેઝોનનાં જંગલોમાં જોવા મળતો ટાઇટન ભમરો 16 સેન્ટિમીટરથી વધુ લાંબો હોય છે. તેનાં મજબૂત જડબાં તેને વિશિષ્ટ બનાવે છે, તો પાપુઆ ન્યૂ ગિનીનું ક્વીન એલેક્ઝાન્ડ્રા બર્ડવિંગ પતંગિયું વિશ્વનાં સૌથી મોટા પતંગિયામાં સ્થાન ધરાવે છે. તેની પાંખોનો વિસ્તાર 25 સેન્ટિમીટરથી પણ વધુ થઈ શકે છે. દક્ષિણપૂર્વ એશિયાનું એટલાસ શલભ પણ વિશાળ પાંખો અને આકર્ષક રંગો માટે જાણીતું છે.
ખૈર, આ કીટકો પરાગનયનની ક્રિયા માટે ખૂબ જ ઉપયોગી હોવાને કારણે ખેડૂતો માટે ઉપકારક હોય છે. જોકે, કેટલાક ખેતીના પાકનો વિનાશ પણ વેરતા હોય છે. એમ પણ ખેતીમાં જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ વધુ થતો હોવાને કારણે કીટકો ઉપયોગી હોવા છતાં તેમની વસ્તીમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. આ પૈકી વેટાપુંગાના અસ્તિત્વ સામે જ જોખમ ઊભું થઈ ગયું હતું.
ન્યૂઝીલેન્ડના લિટલ બેરિયર આઇલેન્ડ પર જોવા મળતી લિટલ બેરિયર જાયન્ટ વેટાનું શરીર મજબૂત હોય છે, પગ કાંટાવાળા હોય છે અને તેના લાંબા સ્પર્શકો આસપાસના વાતાવરણનો અંદાજ મેળવવામાં મદદ કરતા હોય છે. દેખાવમાં તે ભલે થોડા ભયજનક લાગે, પરંતુ માણસ માટે ખતરનાક નથી. વેટાપુંગા ઝેરી નથી અને મોટા ભાગે વનસ્પતિજન્ય ખોરાક લે છે. ન્યૂઝીલેન્ડના ઉત્તર ટાપુના અનેક વિસ્તારોમાં જોવા મળતા આ કીટક એ વિસ્તારમાં બહારથી વસાવેલા ઉંદરો જેવાં શિકારી પ્રાણીઓના કારણે લગભગ નામશેષ થવાના આરે પહોંચી ગયા હતા. 1990ના દાયકામાં તેની સ્થિતિ એટલી ગંભીર બની હતી કે તેની કુદરતી વસ્તીનું છેલ્લું મુખ્ય આશ્રયસ્થાન લિટલ બેરિયર આઇલેન્ડ બની રહ્યું હતું. આ કીટકને બચાવવા વૈજ્ઞાનિકોએ પ્રજનન અને પુનઃસ્થાપનનો વિશેષ કાર્યક્રમ શરૂ કર્યો.
બટરફ્લાય ક્રીક અને ઓકલેન્ડ ઝૂમાં તેને નિયંત્રિત પરિસ્થિતિમાં ઉછેરવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી. આ પ્રયાસોને હવે નોંધપાત્ર સફળતા મળી છે. ન્યૂઝીલેન્ડના સંરક્ષણ વિભાગના 2 ઑક્ટોબર, 2026ના અહેવાલ અનુસાર, 15 વર્ષથી વધુ સમયના પ્રયાસોમાં હજારો વેટાપુંગાનો ઉછેર કરીને આશરે 11,000 કીટકોને 10 નવા જંગલી વિસ્તારોમાં છોડવામાં આવ્યા છે. 2004માં તેની સ્થિતિ રાષ્ટ્રીય સ્તરે લુપ્ત પ્રાય હતી, જ્યારે 2022માં તેને વધતી જતી વસ્તી ધરાવતી જોખમગ્રસ્ત પ્રજાતિ તરીકે વર્ગીકૃત કરવામાં આવી હતી. એ યાદ રહે કે પ્રકૃતિના સંરક્ષણમાં માત્ર મોટાં પ્રાણીઓ જ નહીં, પરંતુ કીટકોનું પણ એટલું જ મહત્ત્વ છે. કીટકો વનસ્પતિના જીવનચક્ર, ખોરાકની સાંકળ અને સમગ્ર પર્યાવરણીય સંતુલનનો અભિન્ન હિસ્સો છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો